નાનપણથી મારા માતા પિતા અને ભાઈ સાથે ભારતભરમાં મેં પુષ્કળ પ્રવાસો કર્યા છે. લગભગ દર બે વર્ષે પણ કોઈને કોઈ ટૂર પર જતાં જ. પહેલા ફ્લાઇટની મુસાફરી એટલી બધી સુલભ નહોતી, હવે તો એ પણ બહુ જ સામાન્ય બની ગઈ છે. 2014માં હું 20 વર્ષની થઈ તે પહેલા મેં મદુરાઇ, દાર્જીલિંગ-સિક્કિમ, કેરળ, શિમલા-મનાલી-હરદ્વાર, દિલ્હી-આગ્રા, પંજાબ, રાજસ્થાન વગેરે અનેક પર્યટન સ્થળોની મુલાકાત લીધી હતી પણ તે એટલી બધી યાદ નથી.
2014 પછીના બધા જ પ્રવાસો મારા મનમાં હજુયે તરોતાજા છે. 2020 માં મારા લગ્ન થયા. મારા જીવનસાથી સાથે પણ હું લગ્ન પહેલા ગ્રુપ ટ્રીપમાં તેમજ લગ્ન પછી ઘણી જગ્યાએ ફરી છું. પરિવાર તેમજ પાર્ટનર સાથે મારા પ્રવાસોની યાદી કઈક આવી છે:
મે 2014: બેંગલોર, મૈસૂર, ઉંટી, ચેન્નાઈ
નવેમ્બર 2016: અંદામાન દ્વીપસમૂહ
જૂન 2018: ગોવા ફેમિલી ટ્રીપ
ડિસેમ્બર 2018: હૈદરાબાદ, પોંડિચેરી
મે 2019: લદ્દાખ
માર્ચથી જુલાઇ 2020: શિમોગા, કર્ણાટક
જાન્યુઆરી 2021: અંદામાન દ્વીપસમૂહ
માર્ચ 2021: વારાણસી
તો આ બધા જ સ્થળોએ મને કોઈને કોઈ નાના-મોટા બોધપાઠ મળ્યા તે હું અહીં લખવા જઈ રહી છું.
જો તમે ભારતમાં પ્રવાસ કરી રહેલા ગુજરાતી ટ્રાવેલર હોવ તો મારા આ અનુભવો પરથી ટિપ્સ જરુર મેળવશો.
- યુવાનો માટે બેંગલોર એક જોવા જેવુ શહેર છે. પર્યટન સ્થળો ઉપરાંત તે શહેરમાં વિવિધ કંપનીઓનો વિકાસ, ઊંચા બિલ્ડિંગઝ, મોટા મોલ્સ આ બધું જ કઈ યુનિક નથી, છતાં મજા આવે એવું ચોક્કસ છે.
- બેંગલોર શહેરનું વાતાવરણ ખૂબ સરસ રહે છે. પણ કુદરતના સાનિધ્યમાં નિરાંતનો સમય પસાર કરવો હોય તો આખા પ્રવાસ દરમિયાન મૈસૂર અથવા ઊંટીમાં એકાદ એકસ્ટ્રા દિવસ રાખી શકાય.
- ચેન્નાઈના પ્રખ્યાત મરીના બીચનો મને ખૂબ નિરાશાજનક અનુભવ છે. નામ મોટા ને દર્શન છોટા! તેમાં સમય બગાડવા કરતાં 2-3 કલાકનો પ્રવાસ કરીને નજીકમાં જ આવેલા મહાબલીપુરમ અથવા પોંડિચેરીની મુલાકાત લેવી વધારે સલાહભર્યું છે.
- બેંગલોર, ચેન્નાઈ તેમજ હૈદરાબાદ સિલ્ક સાડીની ખરીદી માટે સ્વર્ગસમાન જગ્યા છે. મોસ્ટ રેકમેન્ડેડ ફોર ઓલ ધ લેડિઝ.
- ગોવા માત્ર યુવાનો જ જઈ શકે એવું સહેજ પણ નથી. અમે 13 લોકો ગોવા ફેમિલી ટ્રીપ માટે ગયા હતા અને અમને ખૂબ મજા આવી હતી. મારો અનુભવ વિસ્તારથી અહીં વાંચો.
- ગોવામાં સેલ્ફ-ડ્રાઇવિંગ કરીને વિવિધ સ્થળોએ ફરવા જવાની એક આગવી મજા છે.
- જો મોટું ગ્રુપ હોય તો કોઈ બંગલો રેન્ટ પર લઈને રહેવામાં ગોવા ટ્રીપ વધુ એન્જોયએબલ બની રહેશે. મારો અનુભવ વિસ્તારથી અહીં વાંચો.
- અંદામાનના પ્રવાસ દરમિયાન જો તમારે એકાદ leisure day રાખવો હોય તો હેવલોક અથવા નીલમાં રાખવો અને આ બંને સ્થળોએ સારી હોટેલ્સ પસંદ કરવી. પોર્ટ બ્લેરમાં મોંઘીદાટ હોટેલમાં રહેવું અર્થ વગરનું છે કેમકે બધો જ સમય ફરવામાં જ જતો રહે છે.
- હેવલોક તેમજ નીલ આઇલેન્ડમાં ખૂબ સારી હોટેલ્સ આવેલી છે. બીચ રિસોર્ટનો અનુભવ કરવો હોય તો હેવલોકની સરખામણીએ નીલ વધુ સારી જગ્યા છે. મારો અનુભવ વિસ્તારથી અહીં વાંચો.
- હેવલોકમાં એલિફન્ટા બીચ વોટર સ્પોર્ટ્સ માટે વખણાય છે. કોઈ પણ વોટર-સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં કપડાં અને વાળ ભીના થઈ જતાં હોય છે. કપડાં માટે તો ચેન્જિંગ રૂમ્સ ત્યાં છે પણ વાળ રેતીના પાણીવાળા થઈ જાય છે એટલે બીચ પર જઈને તરત આ એક્ટિવિટીઝ ન કરવી.
- જો તમે સાહસિક પ્રકૃતિ ધરાવતા હોવ તો અંદામાનમાં હોટેલ્સમાં ઓછો ખર્ચો કરીને શક્ય તેટલી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવી. દરિયામાં થતી આ પ્રવૃતિઓ ખરેખર અનોખી છે અને પાણીનો ડર ન હોય તો ચોક્કસ ટ્રાય કરવા જેવી છે.
- અંદામાનમાં સેલ્ફ ડ્રાઇવિંગ માટે સ્કૂટર રેન્ટ પર મળે છે પણ ત્યાં બહુ જ ઓછા મોબાઈલ નેટવર્ક ચાલે છે. GPS વ્યવસ્થિત ચાલતું હોય તો જ સ્કૂટર પર ફરવા નીકળવું હિતાવહ છે.
- હૈદરાબાદ શહેરમાં જ ફરવાની ઘણી જગ્યાઓ છે. તે સિવાય ત્યાં નજીકમાં આવેલા રામોજી ફિલ્મસિટી ફરવામાં એક આખો દિવસ લાગે છે. આ વિશ્વનું સૌથી મોટું ફિલ્મસિટી છે એટલે ખૂબ ચાલવું પડે છે. ઉનાળાના સમયમાં રામોજીની ટૂર ઘણી જ થકવી દેનારી હોય શકે છે. અમે શિયાળામાં ગયા હતા એટલે અમને ખૂબ મજા આવી હતી. મારો અનુભવ વિસ્તારથી અહીં વાંચો.
- પોંડિચેરીમાં અરવિંદ આશ્રમ તો છે જ, ઉપરાંત નજીકમાં આવેલું ઓરોબિન્દો વિલ એક આંતરરાષ્ટ્રીય મેડિટેશન સેન્ટર છે. અહીં જવા માટે એડવાન્સ બૂકિંગ કરાવવું જરૂરી છે તેથી પોંડિચેરીમાં પહોંચીને આ ફોર્માલિટી સૌથી પહેલા પતાવવી.
- પોંડિચેરીમાં ગુજરાતીઓને રોકાવવા માટે સમર્પણ યાત્રી ભવન એક આદર્શ ઉતારો છે. આ માટે પણ એડવાન્સ બૂકિંગ જરૂરી છે. મારો અનુભવ વિસ્તારથી અહીં વાંચો.
- લદ્દાખ પહોંચવા માટે અમુક લોકો મનાલીથી વાહનમાર્ગે જતાં હોય છે અને અમુક લોકો હવાઈમાર્ગે. લદ્દાખ પહોંચ્યા બાદ દરેક ટુરિસ્ટને અમુક દવા લઈ લેવાનું સૂચન કરવામાં આવે છે. આ તો જરૂરી છે જ. તદુપરાંત એક બહુ જ મહત્વની ટીપ એ છે કે સતત પાણી પીવું. સમુદ્રસપાટીથી ઘણી જ ઊંચાઈ પર આવેલું હોવાથી ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે અને પાણીમાં (H2O) ઓક્સિજન હોવાથી સતત પાણી પીવું ઘણું જ સરાહનીય છે. અમારા ડ્રાઇવરે આપેલી આ ટીપ અમને આખા પ્રવાસ દરમિયાન ખૂબ કામ લાગી હતી. મારો અનુભવ વિસ્તારથી અહીં વાંચો.
- જો તમે ફુલ-ટાઈમ ટ્રાવેલર ન હોવ તો અંદામાન અને લદ્દાખ જેવી જગ્યાએ કોઈ ટ્રાવેલ એજન્ટ સાથે જવું હિતાવહ છે.
- વારાણસીમાં અતિશય વસતીસંખ્યા છે તેથી અહીં સ્કૂટર રેન્ટ પર લઈને સેલ-ડ્રાઇવિંગ ખૂબ અઘરું સાબિત થઈ શકે તેમ છે.
- શક્ય હોય તો કાશી વિશ્વનાથ મંદિરમાં સવારે 3થી 4 વાગ્યાના સુમારે થતી મંગળા આરતીનો અવશ્ય લાભ લેવો. આ આરતી કરીને, નજીકમાં ક્યાંક ફરીને પછી બોટિંગ કરતાં કરતાં સૂર્યોદય જોવો એ એક આહ્લાદક અનુભવ છે. મારો અનુભવ વિસ્તારથી અહીં વાંચો.
માર્ચથી જુલાઇ 2020માં કર્ણાટકમાં અમે ટુરિસ્ટ નહોતા, લોકડાઉનને કારણે ત્યાં ફસાઈ ગયા હતા એટલે તે વિષે મારી પાસે માત્ર અનુભવોનું ભાથું જ છે, કોઈ ટિપ્સ નથી :)
આ સ્થળોએ પ્યોર વેજ ખાવાનું મળી રહેશે:
બેંગલોર, મૈસૂર, ચેન્નાઈ, હૈદરાબાદ: ગુજરાતી સમાજ અથવા કોઈ પણ સાઉથ ઇન્ડિયન હોટેલ્સ
પોર્ટ બ્લેર: અન્નપૂર્ણા રેસ્ટોરાં
હેવલોક આઇલેન્ડ (સ્વરાજ દ્વીપ): શાકાહાર રેસ્ટોરાં
પોંડિચેરી: A2B, દિલ્હીવાલા 6
નીલ આઇલેન્ડ (અંદામાન), લદ્દાખ: અમારા ધ્યાનમાં કોઈ પ્યોર વેજ રેસ્ટોરાં ન આવી
વારાણસી: ધાર્મિક સ્થળ હોવાથી અનેક શાકાહારી રેસ્ટોરાં ઉપલબ્ધ છે.
આ બધા જ જે તે સ્થળોએ પ્રવાસના મારા અંગત અનુભવો છે. શક્ય છે કે પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું હોય પણ 5-7 વર્ષના નાના અંતરાલમાં ખાસ ફેરફાર નહિ થયા હોય તેવું સાધારણ તારણ કાઢી શકાય.
મેં આપેલી આ બધી જ વણમાંગી સલાહમાંથી જો તમને કોઈ પણ ટીપ કામમાં આવી હોય તો કમેન્ટ્સ સેકશનમાં અવશ્ય જણાવશો.
.