ગુજરાતનું વૈભવી વારસો ધરાવતું શહેર: ભાવનગર

Tripoto

વર્ષ 1947માં ભારતને સ્વતંત્રતા મળી તે સમયે આપણો દેશ સેંકડો દેશી રજવાડાઓમાં વહેંચાયેલો હતો. સ્વતંત્ર ભારતનાં શિલ્પી એવા સરદાર પટેલે 547 જેટલા દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને આ દેશને એકજુટ કર્યા તે નિઃશંકપણે એક વિરલ કાર્ય ગણાય.

પણ શું તમે જાણો છો કે વિલીનીકરણનું આ ભગીરથ કાર્ય કરવામાં સૌથી પહેલા આગળ આવનાર દેશી રજવાડું કયું હતું? તે હતું ભાવનગર અને દેશપ્રેમ માટે પોતાનો રાજપાટ છોડી દેનાર એ રાજા એટલે પ્રજાવત્સલ રાજવી નેક નામદાર મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ.

Photo of Bhavnagar, Gujarat, India by Jhelum Kaushal

આમ તો ભાવનગર બહુ મોટું શહેર ન કહી શકાય પણ દાયકાઓથી તે એક વિકસિત શહેર ચોક્કસ છે. ચાલો, આજે આપણે ગાય, ગાંડા અને ગાંઠિયા માટે પ્રખ્યાત એવા ભાવસભર ભાવનગર વિષે કેટલીક રસપ્રદ જાણીએ.

Photo of ગુજરાતનું વૈભવી વારસો ધરાવતું શહેર: ભાવનગર by Jhelum Kaushal

સદીઓ પહેલા મારવાડ પ્રાંતમાંથી સ્થળાંતરિત થયેલા ગોહિલવંશના રાજપૂતો શિહોર આસપાસ પોતાનું રાજ્ય વસાવ્યું હતું. 1722-23 દરમિયાન ગાયકવાડો સાથે યુધ્ધની પરિસ્થિતિ હતી. તેમણે શિહોર પર હુમલો કરવાનો પ્રયત્ન પણ કરેલો પણ મહારાજા ભાવસિંહજીએ તેમને પરાસ્ત કરવામાં સફળતા મેળવી. શિહોર ખાતે રહેવું જોખમભર્યું થઈ ગયું હતું એટલે મહારાજા ભાવસિંહજી ગોહિલે વર્ષ 1724માં તેમના નામ પરથી શિહોર નજીક આવેલા વડવા ગામ પાસે ભાવનગરની સ્થાપના કરી અને ત્યાર પછી એ જ ગોહિલ રજવાડાનું મુખ્ય મથક બન્યું. ભાવનગર આજે 21 મી સદીમાં પણ ઘણી જગ્યાએ ગોહિલવાડ તરીકે ઓળખાય છે.

વર્ષ 1807માં ભાવનગર સ્ટેટ અંગ્રેજ હકૂમતનો ભાગ બન્યું. મહારાજા ભાવસિંહજીએ ભાવનગર સ્ટેટના દરિયાઈ વિસ્તારોના વિકાસમાં ઘણો મોટો ફાળો આપ્યો. સુરતના રાજા તેમજ અંગ્રેજો સાથે કેટલાક કરાર કરીને બંદર ઉદ્યોગ શરુ થયો.

ભાવનગરની ભૌગોલિક વૃધ્ધિમાં ભાવસિંહજીના પૌત્ર મહારાજા વખતસિંહજીએ મુખ્ય ભૂમિકા ભજવી. તેમણે કોળીઓ તેમજ કાઠીઓની જમીન પર માલિકી મેળવી, નવાબ સાહેબ અહેમદ ખાન પાસેથી રાજુલાની માલિકી મેળવી તેમજ ઘોઘાને ભાવનગર રાજ્ય સાથે ભેળવ્યું. 1793માં વખતસિંહજીએ ચિતલ અને તળાજાનો અને પછીથી મહુવા, કુંડલા, ત્રાપજ, ઉમરાળા અને બોટાદનો કબજો મેળવ્યો. ભાવનગર સ્ટેટ હવે એક ઘણું મોટું સ્ટેટ બની ચૂક્યું હતું. 19મી સદીમાં ભાવનગરમાં રેલવેના શ્રી ગણેશ થયા. કેન્દ્ર સરકારની કોઈ પણ મદદ વિના રેલવેની શરૂઆત કરનાર ભાવનગર પ્રથમ રજવાડું હતું.

1870 થી 1878 દરમિયાન કુંવરસાહેબ તખ્તસિંહજી હજુ પુખ્ત વયના ન હોવાથી ભાવનગર સ્ટેટને જોઇન્ટ એડમિનિસ્ટ્રેશનમાં મુકવામાં આવ્યું હતું અને તે દરમિયાન વહીવટ, કરવેરા, ન્યાયતંત્ર, પોસ્ટ અને ટેલિગ્રાફ બંદરો તેમજ અર્થતંત્રમાં પુષ્કળ હકારાત્મક પરિવર્તનો થયા. આ માટે ભાવનગર સ્ટેટના દીવાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝાને યશ આપવો ઘટે.

તખ્તસિંહજી ગોહિલના નામ પરથી બનાવવામાં આવેલું તખ્તેશ્વર મહાદેવ મંદિર આજે ભાવનગરની શાન છે.

20 મી સદીમાં ભારતમાં જ્યારે સ્વતંત્રતાની લડત પુરજોશમાં ચાલી રહી હતી જ્યારે ભાવનગરના મહારાજાના હોદ્દે આવ્યા મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ. ‘મારી પ્રજાનું કલ્યાણ થજો’ એક જ વિચારધારા પર ચાલનારા રાજા પ્રજાવત્સલ રાજવીનું બહુમાન પણ પામ્યા. દેશને આઝાદી મળી ત્યારે કોઈ પણ વિલંબ કર્યા વિના આ રાજાએ પોતાનું મોંઘેરું ભાવનગર સ્ટેટ ભારત સરકારના ચરણોમાં ધરી દીધું. તત્કાલીન નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલને મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનો દેશપ્રેમ સ્પર્શી ગયો અને તેમને મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા હતા.

Photo of ગુજરાતનું વૈભવી વારસો ધરાવતું શહેર: ભાવનગર by Jhelum Kaushal

ભાવનગરનો રાજવી પરિવાર હજુયે તેમના રાજમહેલ 'નિલમબાગ પેલેસ'માં રહે છે. જોકે હવે આ જગ્યાએ એક હેરિટેજ હોટેલ પણ બની ગઈ છે.

ભાવનગર શહેરમાં આવેલી એકમાત્ર યુનિવર્સિટીનું નામ ‘મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી’ છે. આ ભૂમિએ નાનાભાઇ ભટ્ટ, ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદી જેવા નામાંકિત શિક્ષણવિદ પણ આપ્યા છે.

વિશ્વના સૌથી મોટા શીપ બ્રેકિંગ યાર્ડ ‘અલંગ’ અને સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI) નામની સંસ્થા માટે ભાવનગર જગતભરમાં ખ્યાતિ ધરાવે છે. સુરત અને મુંબઇનો હીરા ઉદ્યોગ ભાવનગરના હીરા ઉદ્યોગ વિના અધૂરો છે. વળી, તંબોળી કાસ્ટિંગ લિમિટેડ, સ્ટીલકાસ્ટ, એક્સેલ ક્રોપકેર જેવી જાણીતી કંપનીઓ પણ છે.

ભાવનગર શહેરમાં તખ્તેશ્વર મહાદેવ મંદિર, ગૌરીશંકર તળાવ, તેમજ ભાવનગરની નજીકમાં કોળિયાક, મહુવા, ખોડિયાર માતા મંદિર, વેળાવદર કાળિયાર અભયારણ્ય વગેરે જેવા કેટલાય ફરવાના સ્થળો આવેલા છે.

ભાવેણા તેમજ ગોહિલવાડના અન્ય નામોથી જાણીતા એવા ભાવસભર ભાવનગરની તમારી શું યાદગીરી છે? કમેન્ટ્સમાં જણાવો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads