Day 1
દેશમાં એવા ઘણાં ધાર્મિક સ્થળ છે જ્યાં શિવજી પોતાના જુદાજુદા રુપોમાં વિરાજમાન છે. આજે અમે તમને શિવજીની એક આવી જ ગુફા અંગે જણાવી રહ્યા છીએ જે ઘણી જ પ્રાચીન અને પ્રસિદ્ધ છે. જણાવી દઇએ કે જે ગુફાની અમે વાત કરીએ છીએ તે શિવાલિક પર્વતની શ્રેણીઓમાં સ્થિત છે, જ્યાં પ્રકૃતિ-નિર્મિત શિવલિંગ અને અન્ય દુર્લભ પ્રતિમાઓ સ્થાપિત છે. કહેવાય છે કે આ પ્રાકૃતિક ગુફા દરેક શિવભક્ત માટે ઘણું જ મહત્વ ધરાવે છે.
જમ્મૂ-કાશ્મીર રાજ્યના જમ્મૂથી થોડાક જ અંતરે આવેલી છે. રયાસીમાં જ ભગવાન શિવનું ઘર ગણાતી શિવખોડી ગુફા સ્થિત છે. આની સાથે જોડાયેલી સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ ગુફાનો બીજો છેડો અમરનાથ ગુફામાં ખુલે છે. આ કારણ છે કે શિવખોડી શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે.
આ ચમત્કારી ગુફામાં દેવોના દેવ મહાદેવ ભોળાનાથ પોતાના પરિવારની સાથે બિરાજમાન છે. કહેવાય છે કે શિવખોડી ગુફાના દર્શન કરવા જવા માટે એપ્રિલથી લઇને જૂન સુધીનું હવામાન સૌથી સારુ માનવામાં આવે છે. કારણ કે આ સમય દરમિયાન અહીંનું હવામાન ઘણું જ ખુશનુમા અને ઠંડુ રહે છે. આ અંગે કહેવાય છે કે પ્રકૃતિની ગોદમાં વસેલી એક એવી દુર્લભ જગ્યા છે, જ્યાં સ્વયંભૂ આદિકાળથી જ લઇને અત્યાર સુધી ભગવાન શિવની મહિમા બનેલી છે.
શિવખોડીની ગુફાનું રહસ્ય
ભગવાન શિવનું નિવાસ ગણાતી શિવ ખોડી ગુફા 3 મીટર ઊંચી અને 200 મીટર લાંબી છે. આ ગુફા 1 મીટર પહોળી અને 2 થી 3 મીટર ઊંચી પણ છે. આ ઉપરાંત આ ગુફામાં ઘણી પ્રાકૃતિક ચીજો છે જેમ કે નંદીની મૂર્તિ, પાર્વતીની મૂર્તિ વગેરે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ગુફાની છત પર સાપની આકૃતિ પણ બનેલી છે, જે સ્વયંભુ બનેલી છે. આ પવિત્ર ગુફા સાથે જોડાયેલી એક પૌરાણિક કથા પણ અહીંના સ્થાનિક લોકો વચ્ચે પ્રચલિત છે. જે અનુસાર આ ગુફાને સ્વયં ભગવાન શંકરે બનાવી હતી. કથા અનુસાર ભસ્માસુરે તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. ત્યારે ભસ્માસુરે શિવ પાસેથી એવું વરદાન પ્રાપ્ત કર્યું કે તે જેના માથે હાથ રાખશે તે ભસ્મ થઇ જશે. પરંતુ તે ભસ્માસુરની કપટતાથી વાકેફ નહોતા. વરદાન પ્રાપ્ત થતા જ ભસ્માસુર શિવ પર જ હાથ રાખીને તેમને ભસ્મ કરવા માંગતો હતો. આ દરમિયાન ભગવાન શંકર અને ભસ્માસુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું. યુદ્ધ પછી પણ ભસ્માસુરે હાર ન માની. ત્યારે ભગવાન ત્યાંથી ભાગીને એક ઊંચા પહાડ પર પહોંચ્યા અને એક ગુફા બનાવીને તેમાં છુપાઇ ગયા. માનવામાં આવે છે કે શિવ ખોડીની આ ગુફા એ જ છે જ્યાં ભગવાન શંકર સંતાઇ ગયા હતા. તેમના ત્યાં સંતાઇ ગયા પછી ભગવાન વિષ્ણુ તે સ્થળે એક સુદંર સ્ત્રીનો વેશ ધારણ કરીને આવ્યા. જેને જોઇને ભસ્માસુર મોહિત થઇ ગયો. સુંદરી રુપમાં વિષ્ણુ સાથે નૃત્ય દરમિયાન ભસ્માસુર શિવનું વરદાન ભુલી ગયો અને પોતાના માથા પર જ હાથ રાખીને ભસ્મ થઇ ગયો.
શિવ ખોડીની આ પવિત્ર ગુફામાં દરરોજ હજારો શ્રદ્ધાળુ મનની ઇચ્છા પૂર્ણ કરવા આવે છે. કહેવાય છે કે જે પણ સાચા હ્રદયથી મનમાં કપટ રાખ્યા વગર અહીં આવીને બાધા રાખે છે, ભગવાન શિવ તેને અવશ્ય વરદાન આપે છે.
અમરનાથ ગુફા અને શિવ ખોડી
આની પાછળ માન્યતા છે આ ગુફાનું અમરનાથ ગુફા સાથે સંબંધિત હોવું. કહેવાય છે કે ગુફાનો બીજો દરવાજો બાબા અમરનાથની ગુફામાં જઇને ખુલે છે. પરંતુ આ સત્યની શોધ કરવા કોઇ તેની અંદર નથી જતું
દૂધ જેવું સફેદ જળ
માન્યતા છે કે શિવખોડી ગુફામાં સમસ્ત 33 કોટી દેવી-દેવતા નિવાસ કરે છે. જણાવી દઇએ કે આ સ્થાન જમ્મૂથી અંદાજે 140 કિ.મી. તેમજ કટરાથી 85 કિ.મી. દૂર ઉધમપુર જિલ્લામાં છે. રનસૂ (રણસૂ)થી શિવખોડીની ગુફા અંદાજે 3.5 કિ.મી. દૂર રહી જાય છે. અહીંથી પગપાળા ખચ્ચર દ્ધારા બાબા ભોળાનાથની યાત્રાનો પ્રારંભ થઇ જાય છે. આ ઉપરાંત, રનસૂથી થોડા આગળ વધીએ તો લોખંડનો એક નાનકડો પુલ આવે છે, જે નદી પર બન્યો છે. લોક માન્યતા અનુસાર આ નદીને દૂધ ગંગા કહે છે. આની સાથે જોડાયેલી કિવંદતિ અનુસાર મહાશિવરાત્રીના દિવસે આ નદીનું જળ સ્વતઃ જ દૂધની માફક સફેદ થઇ જાય છે.
કેવી રીતે પહોંચશો
શિવખોડીની પ્રાકૃતિક ગુફા સંગડના પહાડોમાં આવેલી છે. જુની ગુફાની અંદર જવાનો રસ્તો ઘણો સાંકડો અને વાંકોચુકો છે. ત્યાંથી ઉભા રહીને કે બેસીને જ નીકળી શકાય છે. લગભગ તેર વર્ષ પહેલા કોંકણ રેલવે તરફથી નવી ગુફાનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું, જેનાથી શ્રદ્ધાળુ કોઇપણ રીતે અંદર જઇ શકે છે. શિવખોડીના આધારે શિવિર રનસૂથી જમ્મૂ, કટરા, ઉધમપુર કે પછી અન્ય કોઇપણ સ્થાનથી કોઇપણ વાહન દ્ધારા પહોંચી શકાય છે. આધાર શિવિર ગુફા સુધી પોણા ચાર કિલોમીટરનું સરળ ચઢાણ છે. આ ઉપરાંત, ઘોડા પાલકીની પણ સેવા લઇ શકાય છે.
શ્રી શિવખોડી શ્રાઇન બોર્ડ રનસૂ તરફથી પગપાળા ટ્રેક પર બધા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે. અહીં પાણીની વ્યવસ્થાની સાથે જ શૌચાલય પણ બનાવાયા છે. ગુફાની અંદર પાંચ માળની ઇમારત બનાવીને રુમ બનાવાયા છે. આ સાથે જ લૉકરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રીના પ્રસંગે અહીં દરવર્ષે બે લાખ શ્રદ્ધાળુ આવે છે, જેના માટે બધી વ્યવસ્થા કરવામાં આવી હોય છે.