સોલો બાઇક ટ્રિપ પર ટાયર પંક્ચર થયુ અને મળી ગયો રખડુ સાથી!

Tripoto
Photo of સોલો બાઇક ટ્રિપ પર ટાયર પંક્ચર થયુ અને મળી ગયો રખડુ સાથી! 1/1 by Paurav Joshi

ઝિંદગીની ભાગદોડ અને કંટાળાજનક જીવનમાં મોટીવેશન માટે શું હોવું જરુરી છે? મારા મતે થોડુક ગાંડપણ. આ ગાંડપણ જ તો છે જે કંઇક કરવાની હિંમત પુરી પાડે છે. ફરતા-ફરતા જ્યારે હું ક્યાંક રોકાઉં છું તો પોતાની જુની ઝિંદગીને યાદ કરું છું. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું આવી અજાણી પગદંડી પર એકલો ચાલીશ. હું દરેક વખતે કંઇક નવો અનુભવ કરું છું, જે ઘણીવાર અત્યંત સારો હોય છે તો ઘણીવાર ડરામણો. હું ફરી એકવાર કંઇક નવુ કરવા માટે નીકળી પડ્યો હતો. સાથે હતી મારી બાઇક અને જગ્યા હતી, ઉત્તરાખંડ

હું પહેલીવાર બાઇકથી સોલો ટ્રાવેલ કરી રહ્યો હતો. મારા માટે ઉત્તરાખંડ જાણીતી જગ્યા હતી. પરંતુ આ વળાંકદા રસ્તા પર મોટરસાયકલ ચલાવવી સૌથી વધુ કઠણ હોય છે. તેમાં જો તમારી બાઇક પંકચર થઇ જાય તો શું કહેવું? તે એક પંક્ચરે મને એ અનુભવ આપ્યો જે કદાચ જ લઇ શક્યો હોત. પહાડ પર એક બાળકના ઘરમાં રાત પસાર કરવી, ઉત્તરાખંડનું ખાવાનું અને તે હસમુખ છોકરાને મળવું, જેની સાથે હું ઉત્તરાખંડની અનેક સુંદર જગ્યાઓને જોવાનો હતો. જે અત્યાર સુધીનો મારો સૌથી સારો અનુભવ છે.

મેદાનથી પહાડો તરફ

હું દિલ્હીમાં મારી ઓફિસમાં બેઠો હતો, મેં ક્યાંક જવાનો પ્લાન તો બનાવી લીધો પરંતુ એ જગ્યા વિશે વિચારતો હતો. ત્યારે અચાનક વિચાર આવ્યો કે આ વખતે બાઇકથી પહાડો પર જઇએ તો કેવું? થોડ઼ાક દિવસો પછી હું દિલ્હીથી દેહરાદુન જનારી બસમાં બેઠો હતો. દેહરાદૂનથી પોતાના દોસ્તની બાઇકથી પહાડોમાં જવાનો હતો. રાતની આ મુસાફરીમાં હું એક સારી ઉંઘ લેવા માંગતો હતો જેથી બીજા દિવસે બાઇક ચલાવી શકું. હું સવાર સવારમાં દેહરાદૂનમાં ઠંડી હવાનો અનુભવ માણી રહ્યો હતો. દિલ્હીથી બહાર નીકળવા પર લાગે છે કે ઝિંદગી હવે શરુ થઇ અને હું તો પહાડોની ગોદીમાં આવી ગયો હતો. અહીં તો સફર પર પણ ઝિંદગી છે અને રોકાવું પણ.

દેવપ્રયાગ

થોડાક કલાક દેહરાદૂનમાં પસાર કર્યા અને નીકળી પડ્યો પહાડો તરફ. દેહરાદૂનથી હું દેવપ્રયાગ તરફ આગળ વધી રહ્યો હતો. દેવપ્રયાગમાં રોકાઇને ભાગીરથી અને અલકનંદાનો સંગમ જોયો. બન્ને મળીને એક નવુ નામ આપે છે, ગંગા. દેવપ્રયાગથી કેટલાક કિલોમીટર આગળ વધ્યો તો લાગ્યું કે ગાડી થોડી ભારે થઇ રહી છે. ઉતરીને જોયું તો પાછલા ટાયરની હવા નીકળી ચુકી હતી. હું પહેલીવાર બાઇક ટ્રિપ પર હતો એટલે મને અંદાજો નહોતો કે આ બધુ પણ થઇ શકે છે. હું એવી જગ્યાએ હતો જ્યાંથી દેવપ્રયાગ અને રુદ્રપ્રયાગનું અંતર બરોબર હતું. હવે હું પાછળ જવા નહોતો માંગતો અને આગળ પણ નહોતો વધી શકતો. ગાડી પસાર થઇ રહી હતી પરંતુ મદદ કોઇ નહોતું કરી રહ્યું. હું ઘસડતા-ઘસડતા ઘણો આગળ નીકળી ગયો હતો, હવે અંધારુ પણ થવા લાગ્યું હતું. આવામાં ડર લાગવો સ્વાભાવિક છે.

રુદ્રપ્રયાગ

મળ્યો રખડુ સાથી

મારી સામે મારી જ ઉંમરનો એક છોકરો નજરે પડ્યો. મેં તેને રોક્યો અને મારી હાલત અંગે જણાવ્યું. તેણે હસીને કહ્યું, પરેશાન ન થશો. પાસે જ મારુ ઘર છે, તમે ઇચ્છો તો મારા ઘરે આવી શકો છો. હું તો અંધારામાં એક જગ્યા શોધતો હતો એટલે મેં તરત હા પાડી દીધી. રસ્તામાં મેં તેમને મારા વિશે જણાવ્યું તેણે પોતાના વિશે. તેણે પોતાનું નામ નૂતન બતાવ્યું અને સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યો હતો અને રોજી રોટી માટે હોટલ ખોલી છે. લગભગ અડધા કલાક પછી અમે એક ઘરની સામે ઉભા હતા. તે પહાડ પર થોડાક ઘર હતા, તેની બહાર જ ખુરશી પર અમે બેસી ગયા. અવાજ સાંભળીને એક વૃદ્ધ ઘરની બહાર આવ્યા, જેના માથે ઉત્તરાખંડી ટોપી હતી. તે નૂતન સાથે પોતાની પહાડી બોલીમાં કંઇક વાત કરી રહ્યા હતા.

નૂતન ક્યાક જતો રહ્યો અને તે વડીલ મારી પાસે આવીને બેસી ગયા. મને નવા લોકો સાથે વાત કરવાનું ઘણું જ પસંદ છે. તેમણે જણાવ્યું કે વિકાસનગરની પાસે હય્યા ગામના રહેવાસી છે. અહીં જે ઘરો દેખાઇ રહ્યા છે તે બધા મારા પરિવારના જ છે. રોજગારી માટે અમે અહીં આવી ગયા, તેમની બોલી જોનસારી છે. આ લોકો આજે પણ પોતાની પરંપરાને ચલાવી રહ્યા છે, થોડાક સમય પછી નૂતન પણ આવી ગયો. નૂતન પોતાની સાથે એક પંચર વાળાને લઇને આવ્યો હતો. નૂતને જણાવ્યું કે બાઇક રિપેર કરીને સવારે આપી જશે. મેં તેને ગાડી આપી, મને આ ફેમિલી સાથે વાત કરવાનું સારુ લાગી રહ્યું હતું. મેં અત્યાર સુધી એ નહોતું જણાવ્યું કે હું બાઇકથી ક્યાં જઇ રહ્યો હતો? આમ તો મને પણ ખબર નહોતી કે હું ક્યાં જઉં? મેં વિચાર્યું હતું કે જ્યાં સુધી મન કરશે જઇશ અને જ્યારે પાછા ફરવાનું મન કરશે તો પાછો આવી જઇશ.

ગોવિંદ ઘાટ

નીકળી પડ્યા એક સુંદર સફર પર

ત્યારે મેં નૂતનને પૂછ્યું ક્યાં જવું જોઇએ? તેણે કહ્યું, તમે તીર્થયાત્રા કરવા તો આવ્યા નથી તો તમારે ઉત્તરાખંડના છેડા સુધી જવું જોઇએ. મેં તેને એમ જ પુછી લીધું, તુ મારી સાથે આવીશ, મને અહીંના વિશે વધારે કંઇ ખબર નથી. થોડીકવાર વિચારીને તે તૈયાર થઇ ગયો અને હું તેનું પેકિંગ કરવા લાગ્યો. હું ખુશ હતો કે હવે મારે એકલા આ મુસાફરી નહીં કરવી પડે. તેનાથી પણ મોટી વાત મારી પાસે એક સ્થાનિક ફ્રેન્ડ હતો, જેની સાથે સમસ્યા સરળતાથી હલ થઇ જશે. બીજા દિવસે સવાર-સવારમાં એક નવા સાથીની સાથે એક નવી સફર પર નીકળી પડ્યો. આ શખ્સને હું કેટલાક કલાક પહેલા મળ્યો હતો પરંતુ એક રાતમાં અમારી બોન્ડિંગ ઘણી સારી કરી દીધી હતી. હવે હું એક સારી સફર પર એક સારા દોસ્તની સાથે જઇ રહ્યો હતો, તે મારો દોસ્ત પણ અને આ સફરનો ગાઇડ પણ હતો.

અમે તે જ દિવસે 270 કિ.મી.નું અંતર પસાર કર્યું અને પહોંચી ગયા ગોવિંદઘાટ. નૂતને જણાવ્યું, અહીંથી હેમકુંડ સાહેબ દૂર નથી, જ્યારે અહીં સુધી આવી જ ગયા છીએ તો ત્યાં પણ જતા આવીએ. હવે તે જેમ કહતો તેમ હું કરતો. જ્યાં તે જતો તેની પાછળ પાછળ હું. અમે ઘંઘરિયા અમારી બાઇક રાખી અને હેમકુંડ સાહેબના ટ્રેક માટે ચાલવા લાગ્યા. અમે 14 કલાકનો ટ્રેક 5-6 કલાકમાં પૂર્ણ કર્યો. વચ્ચે વચ્ચે અમે થોડોક આરામ કર્યો અને ફરી આગળ વધવા લાગ્યા. નૂતનને જોઇને એવુ બિલકુલ નહોતું લાગી રહ્યું કે તે પહેલીવાર ટ્રેકીંગ કરી રહ્યા છે. તેની સામે તો હું શિખાઉ લાગી રહ્યો હતો. હેમકુંડ સાહેબનો ટ્રેક અમારા માટે ઘણો મુશ્કેલ હતો, બરફ અને ઠંડી હવાઓની વચ્ચે અમે હેમકુંડ સાહેબ પહોંચ્યા. હેમકુંડ સાહેબનો ટ્રેક ખતરનાક છે પરંતુ સુંદર પણ છે. રસ્તામાં ઘણાં બધા બુગ્યાલ અને બરફથી ઢંકાયેલા પહાડો જોવા મળ્યા.

ફુલોની ઘાટી

પહાડોની વચ્ચે ફૂલ જ ફૂલ

ત્યાર બાદ અમે સુંદરતા તરફ એક પગલુ આગળ વધ્યા. હવે અમે ફુલોની ખીણ તરફ જઇ રહ્યા હતા. અહીં આવવાનો આઇડિયા પણ નૂતન જ હતો. મને અંદાજો પણ નહોતો કે આસપાસની આટલી સુંદર ખીણ પણ હશે. તેણે જણાવ્યું કે 2013માં આવેલી કુદરતી આપત્તિમા તેનો મુળ રસ્તો સમાપ્ત થઇ ગયો છે. હવે આપણે ત્યાં પહોંચવા માટે પહાડો પરથી પસાર થવું પડશે. નૂતન આગળ હતો અને હું પાછળ. થોડોક પહાડ અમે ચડયા અને થોડુક ઉતર્યા તો અમે જોયું કે એક આખી ખીણ ફુલોથી ઢંકાયેલી છે. અમે થોડાક કલાક તે ખીણમાં પસાર કર્યા અને પાછા ગોવિંદઘાટ તરફ ચાલી નીકળ્યા જ્યાં અમારી બાઇક હતી. અમે જે રસ્તેથી આવ્યા તે રસ્તો ભટકાવનારો અને ડરામણો હતો. હકીકતમાં જંગલના વચ્ચેથી કોઇ રસ્તો હતો જ નહીં પરંતુ જલદીથી નીચે ઉતરવા માટે અમે જંગલથી થઇને ગોવિંદઘાટ પહોંચ્યા. થાકનો સુરુર અમારી પર ચડ્યો હતો, થાક ઉતારવા માટે અમે રાત ત્યાં જ પસાર કરી.

બીજા દિવસે સવાર સવારમાં અમે બદ્રીનાથ અને માણા ગામ તરફ નીકળી ગયા. અહીં આવવું સૌથી સારા નિર્ણયોમાંથી એક નીકળ્યું. અહીં ઘણી ઉંચાઇ હતી અને ઉંચાઇના કારણે ઠંડી હવા ચાલી રહી હતી જેના કારણે બાઇક ચલાવવામાં પરેશાની થઇ રહી હતી. આ એક અલગ પ્રકારનો અનુભવ હતો, સુંદર અને ખતરનાક. જલદી અમે બદ્રીનાથ ધામ પહોંચી ગયા અને બદ્રીનાથના દર્શન કર્યા. ત્યાર બાદ અમે માણા ગામ તરફ આગળ વધ્યા. માણા ગામ ઉત્તરાખંડનું છેલ્લુ ગામ છે, અહીં અમે આખા ગામને જોયું અને પાછા આવવા માટે નીકળી ગયા. અમે પાછા ફર્યા અને રુદ્રપ્રયાગ નૂતનના ઘર પર રોકાયા, અહીંથી મારે એકલા આગળ વધવાનું હતુ, પાછા આવવા માટે

પાછળ ફરતી વખતે હું મારી સફરને યાદ કરી રહ્યો હતો જ્યારે મારા બાઇકના ટાયરનું પંક્ચર થયું હતું અને ત્યારે મદદ કરવા માટે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. બાદમાં તે શખ્સ મારો ગાઇડ બની ગયો અને સફરનો સાથી પણ. સફર ત્યારે સુંદર થઇ જાય છે જ્યારે આવા સાથી સફરમાં મળે છે. તે સફર મારા માટે પસંદગીની યાત્રાઓમાંની એક છે જેને હું ક્યારેય નહીં ભુલી શકું.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads