હિમાચલની આ ગુમનામ ખીણ, પહાડો અને તારાઓથી ભરેલા આકાશ વચ્ચે સમય પસાર કરવા માટે છે બેસ્ટ!

Tripoto
Photo of હિમાચલની આ ગુમનામ ખીણ, પહાડો અને તારાઓથી ભરેલા આકાશ વચ્ચે સમય પસાર કરવા માટે છે બેસ્ટ! 1/3 by Paurav Joshi

જ્યારે સુંદરતા અને રખડપટ્ટીનું નામ એકસાથે લેવામાં આવે છે તો હિમાચલ પ્રદેશ જ મગજમાં આવે છે. લોકો હિમાચલ પણ ખુબ ફરવા જાય છે. કેટલાક લોકો સિમલા અને મનાલી જાય છે તો કેટલાક અહીંના ગામડા અને નગરોમાં ફરવા જાય છે. જે જગ્યાએ લોકો વધુ જાય છે તે જગ્યા પોતાની મૌલિકતા ગુમાવી દે છે અને ત્યાંના લોકો પૈસા કમાવવા અંગે વિચારવા લાગે છે. ત્યારે તે જગ્યામાં એવું આકર્ષણ નથી રહેતું જેવું પહેલીવાર જોયું ત્યારે આવ્યું હતું.

ત્યારે પહાડ અને આકાશના શાનદાર દ્રશ્યો બતાવતી હોય અને સુંદરતાની સાથે તેની મૌલિકતા પણ હોય એવી નવી જગ્યાની શોધ કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં એવી ઘણી જગ્યા છે જેને એક્સપ્લોર કરવાની હજુ બાકી છે. આવી જ એક જગ્યા છે રાજગુંધા ખીણ. આ ખીણ બરોટ અને બિલિંગની વચ્ચે છે. અહીં તમે પહાડો, ચોખ્ખુ આકાશ અને રાતે તારાથી સજેલી દુનિયાને જોઇ શકો છો. ચાલો આ સુંદર ખીણમાં ફરવા જઇએ.

રાજગુંધા ઘાટી (ખીણ)

Photo of હિમાચલની આ ગુમનામ ખીણ, પહાડો અને તારાઓથી ભરેલા આકાશ વચ્ચે સમય પસાર કરવા માટે છે બેસ્ટ! 2/3 by Paurav Joshi
ક્રેડિટઃ રચિતા સક્સેના

રાજગુંધા ધૌલાધાર રેન્જમાં એક નાનકડુ ગામ છે, જેની ઊંચાઇ 8,900 ફૂટ છે. બરોટ ઘાટી અને બિલિંગની વચ્ચે વસેલા આ ગામ સુધી ટ્રેકિંગ કરીને પહોંચી શકાય છે. આ જગ્યા વિશે હજુ ઘણાં ઓછા લોકોને ખબર છે. આ ગામ ઘણું જ સુંદર છે અને સ્વર્ગથી કમ નથી. તમે એક જગ્યાએ બેસીને કલાકો સુધી પહાડોને નીરખી શકો છો.

તમે આ જગ્યાને થોડાક દિવસોમાં સારી રીતે જોઇ શકો છો. જો તમારે શાંતિ અને રાહતભર્યા કેટલાક દિવસો પસાર કરવા છે તો આનાથી સારી જગ્યા બીજી કોઇ નથી. જો તમે શિયાળામાં અહીં આવો છો તો બરફવર્ષાનો પણ આનંદ ઉઠાવી શકો છો.

ક્યારે જશો?

આમ તો તમે અહીં વર્ષમાં ક્યારે પણ આવી શકો છો. તો પણ ચોમાસામાં અહીં આવવાથી બચો. કારણ કે ત્યારે અહીં પહોંચવામાં ઘણી મુશ્કેલી પડશે. ત્યારે અહીં રસ્તા તૂટી જાય છે અને ભૂસ્ખલનથી રસ્તા પણ કપાઇ જાય છે. આવા સંજોગોમાં તમે ફસાઇ શકો છો. એટલા માટે ચોમાસામાં ન આવો તો સારુ રહેશે. જો તમે ગરમીથી બચવા માટે અહીં આવવા માંગો છો તો માર્ચથી જુલાઇ સૌથી સારો સમય છે.

રાજગુંધા વેલી જવા માટે શિયાળો સૌથી સારો સમય છે. ત્યારે આખી જગ્યા બરફની સફેદ ચાદરથી ઢંકાયેલી હોય છે. તમે બરફથી ઢંકાયેલા ઘરમાં બેસીને શાનદાર દ્રશ્યોનો આનંદ ઉઠાવી શકો છો. અહીં ખુબ બરફવર્ષા થાય છે એટલા માટે અહીં આવવાનું પ્લાનિંગ યોગ્ય રીતે કરવુ જોઇએ. જો વધારે બરફવર્ષા સમયે તમે અહીં આવો છો તો અનેક દિવસો સુધી ત્યાં જ રોકાઇ રહેવું પડશે.

કેવી રીતે પહોંચશો?

Photo of હિમાચલની આ ગુમનામ ખીણ, પહાડો અને તારાઓથી ભરેલા આકાશ વચ્ચે સમય પસાર કરવા માટે છે બેસ્ટ! 3/3 by Paurav Joshi

રાજગુંધા ખીણ સુધી પહોંચવાનો એક જ રસ્તો છે, ટ્રેકિંગ. ટ્રેકિંગના બે રસ્તા છે જેનાથી તમે રાજગુંધા પહોંચી શકો છો.

બિલિંગથીઃ

સૌથી પહેલા તમે બીર જાઓ. ત્યાંથી બિલિંગ પેરાગ્લાઇડિંગ સાઇટ સુધી ટેક્સીથી જઇ શકો છો. જો તમે પેકેજની સાથે નથી આવ્યા તો તમારે ત્યાં જાતે કેબથી પહોંચવુ પડશે કારણ કે આ રુટ પર કોઇ બસો નથી ચાલતી. બિલિંગ સાઇટથી તમારે રાજગુંધા વેલી સુધી ટ્રેકિંગ કરવા પડશે જેનું અંતર લગભગ 14 કિ.મી. છે. ટ્રેક સીધા અને સરળ છે, એટલા માટે તમને વધુ મુશ્કેલી નહીં પડે. રસ્તામાં જોખમ અહીંના જંગલી પ્રાણીઓથી છે. એટલા માટે તમે તમારી સાથે ગાઇડ લઇને જાઓ તો સારુ રહેશે.

બરોટ ઘાટીથીઃ

જો તમારે વધુ લાંબુ ટ્રેકિંગ નથી કરવું તો બીજો રસ્તો સરળ છે. આના માટે તમે બરોટથી રાજગુંધા જઇ શકો છો. સૌથી પહેલા તમે બરોટ ગામ સુધી બસથી પહોંચો. બરોટ ગામથી તમને એક બસ કે ટેક્સી મળશે જે તમને ગામના છેલ્લા છેડા સુધી લઇ જશે. જ્યાંથી તમને રાજગુંધા વેલી માટે 6 કિ.મી.નો ટ્રેક કરવો પડશે. 6 કિ.મી.નું આ ચઢાણ થકવી નાંખનારુ છે. રાજગુંધા પહોંચતા પહેલા તમારે એક નદી પાર કરવી પડે છે અને તેની કેટલીક મિનિટો પછી તમે તમારી મંઝિલ સુધી પહોંચી શકો છો.

ક્યાં રોકાશો?

રાજગુંધા ગામમાં રોકાવા માટે તમને વધુ વિકલ્પ મળશે નહીં. અહીં કેટલાક ટેન્ટ અને ગેસ્ટ હાઉસ છે જે એક રાત માટે ₹500- ₹1,000 લે છે. જો તમારી પાસે પોતાનો ટેન્ટ છે તો તેને પણ લગાવી શકો છો. ટેન્ટ વધુ દૂર ના લગાવો કારણ કે રાતમાં અહીં શિયાળ પણ આવે છે. એટલા માટે વધુ દૂર રહેવું ખતરનાક હોઇ શકે છે.

શું-શું કરી શકાય છે?

રાજગુંધા વેલી એવી જગ્યાઓ જેવી નથી જ્યાં જવા માટે કેટલાક સ્પોટ હોય છે. અહીં તમે સુંદરતાને નિહાળી શકો છો. તેને અનુભવી શકો છો. આ ઉપરાંત, આસપાસના વિસ્તારને જોઇ શકો છો. છતાં પણ કેટલીક ચીજો છે જે તમારે આ વેલીમાં કરવી જોઇએ.

નદી કિનારે ચાલો!

રાજગુંધાની બગલમાંથી ઉહલ નદી વહે છે જે બરોટમાં જઇને અલગ થઇ જાય છે. નદી ઘણી સ્વચ્છ અને સુંદર છે. તમે નદી કિનારે જઇને કેટલોક સમય વિતાવી શકો છો, તડકામાં શરીરને શેકી શકો છો અને થોડેક દૂર સુધી કિનારે-કિનારે ચાલી પણ શકો છો. આ ઉપરાંત, તમે અહીં પાણીમાં નાહી પણ શકો છો કે પોતાના પગને ડુબાડીને બેસી પણ શકો છો.

નાનું મનાલી જુઓ

રાજગુંધા ખીણમાં એક નાનકડુ જંગલ છે જ્યાં આપને ચારેબાજુ ચીડના ઝાડ મળશે. આ જગ્યાને નાના મનાલી તરીકે ઓળખવામાં આવે છે. તમારે આ જંગલ સુધી પગપાળા જવું જોઇએ. તમને આ જગ્યા ઘણી સુંદર અને શાનદાર લાગશે.

તારાની વચ્ચે રાત

રાજગુંધા વેલીમાં રાતે તમે સુંદર આકાશને જોઇ શકો છો. તમે ઉપર જોશો તો તારા જ તાર નજરે પડશે ત્યારે તમને ખબર પડશે કે ક્યાંય સ્વર્ગ છે તો બસ આ જગ્યાએ જ છે. તમને સુંદર મિલ્કી-વે એટલે કે આકાશગંગા દેખાશે. તમે તારાની નીચે કલાકો સુધી બેસીને વાતો કરી શકો છો.

પહાડો પર કેમ્પિંગ

પહાડ પર કેમ્પિંગ કરવાનો એક શાનદાર અનુભવ છે અને તમે રાજગુંધા વેલીમાં કેમ્પિંગ કરી શકો છો. તમે કેમ્પિંગ ઉપરાંત, અહીં ટ્રેકિંગ પર જઇ શકો છો જ્યાંથી તમે 360 ડિગ્રીનો સુંદર નજારો જોઇ શકો છો. બરફથી ઢંકાયેલા પહાડના શિખરો જોઇને તમારુ મન ખુશ થઇ જશે. તમે અહીં સુર્યોદયના નજારા જરુર જુઓ. આ નજારાને જોવા માટે તમારે સવાર-સવારમાં જલદી ઉઠવું પડશે.

રોજ નાના ટ્રેક અને હાઇક પર જાઓ

રાજગુંધા અંગે સૌથી સારી વાત એ છે કે આખો વિસ્તાર અનએક્સપ્લોરડ છે. એટલા માટે દરરોજ અહીં નવી જગ્યાએ જઇ શકો છો. તમે અહીં સુંદર જગ્યાનું ટ્રેકિંગ કરી શકો છો, તમે નદીના કિનારે જઇ શકો છો, અહીંના સ્થાનિક લોકોની સાથે વાત કરી શકો છો. જો તમે નવી કોઇ ઓફબીટ જગ્યાની શોધમાં છો તો રાજગુંધા વેલી આના માટે સૌથી બેસ્ટ છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads