છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની બોર્ડર પર એક અદ્ભુત રમણીય સ્થાનઃ અમરકંટક

Tripoto
Photo of છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની બોર્ડર પર એક અદ્ભુત રમણીય સ્થાનઃ અમરકંટક 1/2 by Paurav Joshi

મીરાજીનો એક જાણીતો શેર છે કે નગરી નગરી ફિરા મુસાફિર ઘર કા રાસ્તા ભૂલ ગયા, ક્યા હૈ તેરા ક્યા હૈ મેરા અપના પરાયા ભૂલ ગયા. રખડો તો એવી રીતે કે પોતાનું પારકુ બધુ જ ભુલી જાઓ. આવી રખડપટ્ટી સહેલી નથી પરંતુ જ્યારે તમે આવારા થઇને ભટકવા લાગો છો તો તે તમામ જગ્યાએ જાઓ છો જ્યાં જવાનું તમે વિચાર્યું પણ નહીં હોય. મનમોજી થઇને થઇને ફરવાની એક પોતાની જ મજા છે. ન ક્યાંય જવાની ઉતાવળ, ન કશું જોવાની જલદી. જો તમે આવી રખડપટ્ટી કરો છો ઘણી સુંદર અને ઐતિહાસિક જગ્યાઓથી રુબરુ થાઓ છો. આવી જ એક શાનદાર જગ્યા છે અમરકંટક

Photo of છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની બોર્ડર પર એક અદ્ભુત રમણીય સ્થાનઃ અમરકંટક 2/2 by Paurav Joshi
ક્રેડિટઃ એમપી ટુરિઝમ

રોઝવૂડ, સાગ, સાલ અને શિરીષના ગાઢ જંગલ, જ્યાં સૂરજના કિરણો ધરતી સુધી નથી પહોંચી શકતા. ચારે બાજુ જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી ગાઢ જંગલ અને દૂર સુધી ઊંચા ઊંચા પહાડો જોવા મળે છે. આ ઉત્તરાખંડ અને હિમાચલની કોઇ જગ્યાની વાત નથી થઇ રહી. આ છે મધ્ય પ્રદેશનું સુંદર અને ઐતિહાસિક નગર અમરકંટક. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના બોર્ડર પર સ્થિત અમરકંટકને ધાર્મિક નગરી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ઘણાં ઓછા લોકોને ખબર છે કે અહીંની સુંદરતા ફેલાયેલી છે. મંદિરો ઉપરાંત અમરકંટકમાં પહાડ, વોટરફૉલ અને હરિયાળી પણ જોવા મળે છે. તમારે એકવાર પોતાની આંખોથી આ જગ્યાને જોવી જોઇએ.

અમરકંટક

અમરકંટક મધ્ય પ્રદેશના અનૂપપુર જિલ્લાના પુષ્પરાજગઢ તાલુકાની નાનકડી જગ્યા છે. જેની ચારેબાજુ મેકાલ, વિંધ્યાચલ અને સાતપુડાનાં પર્વતો છે. અમરકંટકથી જ નર્મદા નદીનું ઉદ્ગમ થાય છે. આ જગ્યાને નદીઓનું શહેર પણ કહેવામાં આવે છે. અહીંથી અમરકંટક જ નહીં પાંચ નદીઓનો ઉદ્ગમ થાય છે. સમુદ્રની સપાટીએથી 3600 ફૂટની ઉંચાઇ પર સ્થિત અમરકંટક પોતાની ચારેબાજુ સુંદરતાની ઓઢણી ઓઢીને બેઠું છે. આ જગ્યાનો ઉલ્લેખ મહાભારતમાં પણ જોવા મળે છે. આ કારણથી અમરકંટક હિન્દૂ ધર્મમાં એક પવિત્ર જગ્યા છે. આ શહેરને તીર્થરાજના નામથી પણ ઓળખવામાં આવે છે. જો અત્યાર સુધી તમારા બકેટ લિસ્ટમાં અમરકંટક નથી તો હવે જોડી લો. દરેક રખડપટ્ટી કરનારાએ એકવાર તો અમરકંટક જવું જ જોઇએ.

કેવી રીતે જશો?

ફ્લાઇટથીઃ જો તમે ફ્લાઇટથી અમરકંટક જવા માંગો છો તો નજીકનું એરપોર્ટ જબલપુર છે. જબલપુરથી અમરકંટકનું અંતર 254 કિ.મી. છે. જબલપુર એરપોર્ટ દેશના મોટા શહેરો સાથે એરપોર્ટથી સારી રીતે જોડાયેલું છે. જબલપુરથી તમે બસથી અમરકંટક આવી શકો છો કે પછી ટેક્સી બુક કરીને પણ પહોંચી શકો છો.

ટ્રેનથીઃ જો તમે અમરકંટક ટ્રેનથી જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સૌથી નજીક પેન્ડ્રા રેલવે સ્ટેશન છે. પેંડ્રાથી અમરકંટક 17 કિ.મી. દૂર છે. તમે ટેક્સી બુક કરીને અમરકંટક પહોંચી શકો છો.

વાયા રોડઃ તમે રોડ દ્ધારા પણ અમરકંટક જઇ શકો છો. પોતાની ગાડીથી અમરકંટક જવા માંગો છો તો તમને કોઇ મુશ્કેલી નહીં આવે. રોડ સારા છે તો તમે આરામથી અમરકંટક પહોંચી શકો છો. આ ઉપરાંત, અમરકંટક માટે મધ્ય પ્રદેશના મોટા અને આસપાસના શહેરોથી બસ સરળતાથી મળી જશે.

ક્યારે જશો?

અમરકંટક ઘણી જ સુંદર જગ્યા છે. જો તમે યોગ્ય મોસમમાં જાઓ તો તમને અમરકંટકનું સૌથી સુંદર સ્વરુપ જોવા મળશે. મારી ભલામણ છે કે તમે અમરકંટક શિયાળામાં જાઓ, ખાસ કરીને જાન્યુઆરીમાં. જાન્યુઆરીમાં જ અમરકંટકમાં શહેરનો સૌથી મોટો તહેવાર નર્મદા જયંતી મનાવવામાં આવે છે. આમ તો તમે કોઇપણ સીઝનમાં અમરકંટક જઇ શકો છો. અમરકંટક એક ધાર્મિક અને ઐતિહાસિક જગ્યા છે. ત્યારે આવા સંજોગોમાં તમને અહીં રોકાવાની પણ કોઇ મુશ્કેલી નહીં પડે. અહીં નાની મોટી દરેક પ્રકારની હોટલ મળી જશે. તમે તમારા બજેટના હિસાબથી રોકાવાની જગ્યા પસંદ કરી શકો છો.

શું જોશો?

1- નર્મદા કુંડ

અમરકંટકની સૌથી ઐતિહાસિક અને ફેમસ જગ્યાઓમાંની એક છે, નર્મદા કુંડ. નર્મદા કુંડ એ જ જગ્યા છે જ્યાંથી નર્મદા નદીનો ઉદ્ગમ થાય છે. નર્મદા કુંડના પરિસરમાં ઘણાં મંદિરો છે. તમે નર્મદા મંદિર, શિવ મંદિર અને રાધા કૃષ્ણ મંદિરને જોઇ શકો છો. આ ઉપરાંત, નર્મદા કુંડમાં સવાર-સાંજ થતી આરતીને જરુર જુઓ. અહીં તમને શાંતિ તો જરુર મળશે. સાથે જ મનને રાહત પણ થશે. જાન્યુઆરીમાં અમરકંટક જાઓ તો નર્મદા જયંતીને પણ જોઇ શકો છો. તમે નર્મદા જાઓ તો આ જગ્યાને જરુર જુઓ.

2- કલાચુરી કાળના પ્રાચીન મંદિર

નર્મદા કુંડના દક્ષિણમાં થોડાક જ અંતરે કલાચુરી કાળના પ્રાચીન મંદિર છે. આ મંદિરોનો એક પૂરો સમૂહ છે. તેમાં સૌથી ફેમસ પાતાલેશ્વર મહાદેવ મંદિર છે. આ ઉપરાંત, શિવ, વિષ્ણુ, જોહિલા અને કર્ણના મંદિર છે. માનવામાં આવે છે કે ઇસ.1042થી 1072 વચ્ચે આ મંદિરોને કલાચુરી રાજાઓએ બનાવ્યા હતા. આ મંદિરોનું આર્કિટેક્ચર ઘણું જ શાનદાર છે. આ મંદિરોને તમારે તેના બેજોડ અને અદ્ભુત આર્કિટેક્ચર માટે જરુર જોવા જોઇએ.

3- કપિલ ધારા

અમરકંટક એક સંગમ છે. જ્યાં ધાર્મિકતા અને પ્રાકૃતિક સૌદર્યનું મિલન થાય છે. અહીં એક બાજુ ઐતિહાસિક મંદિર છે તો બીજી બાજુ ઝરણા, નદીઓ અને ગાઢ જંગલ છે. અમરકંટકમાં સુંદર વૉટરફૉલ કપિલ ધારા છે. કપિલ ધારા વૉટરફૉલમાં નર્મદા નદીનું પાણી 100 ફૂટની ઊંચાઇએથી નીચે પડે છે. ગાઢ જંગલોની વચ્ચેથી જ્યારે તમે આટલી ઊંચાઇએથી પાણીને પડતા જોશો તો તમારુ મન ખુશ થઇ જશે. જો તમારે પ્રકૃતિનો અનુભવ કરવો છે તો અમરકંટકના કપિલ ધારા વોટરફૉલ જરુર જુઓ.

4- દૂધ ધારા વોટરફૉલ

ક્રેડિટઃ એમપી ટુરિઝમ

Photo of છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની બોર્ડર પર એક અદ્ભુત રમણીય સ્થાનઃ અમરકંટક by Paurav Joshi

અમરકંટકમાં કપિલ ધારા વૉટરફૉલ ઉપરાંત એક બીજુ ઝરણું છે દૂધ ધારા. કપિલ ધારાથી લગભગ 1 કિ.મી. પગપાળા ચાલવાથી તમને દૂધ ધારા વોટર ફૉલ મળશે. અહીં સુધી પહોંચવાનો રસ્તો મુશ્કેલ જરુર છે પરંતુ જ્યારે તમે આ ઝરણાને જોશો તો બધી મુશ્કેલીઓને ભુલી જશો. અહીં તમને નર્મદા નદીનું પાણી દૂધ જેવું સફેદ જોવા મળશે. તે જ જગ્યાએ આ વોટર ફૉલનું નામ દૂધ ધારા પડ્યું છે. જેઓ એવું માને છે કે અમરકંટકમાં કુદરતી સુંદરતા નથી તેમણે દુધ ધારા વોટર ફૉલ જરુર જોવો જોઇએ.

5- સોનમુંગ

અમરકંટકમાં એક જગ્યા છે સોનમુંગ, જેને સોનમુડા પણ કહેવાય છે. આ જગ્યા અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે. સોનમુંગમાં સોન નદીનું ઉદ્ગમ સ્થાન છે. સોન નદીને સ્વર્ણ નદીના નામે પણ ઓળખવામાં આવે છે. માન્યતા એવી છે કે આ નદીમાં સોનાના કણ મળેલા હોય છે. સોનમુંગથી દેખાતું અદ્ભુત દ્રશ્ય તમારુ મન મોહી લેશે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ જગ્યા કોઇ સ્વર્ગથી કમ નથી. અમરકંટકમાં નર્મદા નદીના ઉદ્ગમને જોવાની સાથે જ સોન નદીના ઉદ્ગમને પણ જુઓ.

6- કબીર કોઠી

ક્રેડિટઃ એમપી ટુરિઝમ

Photo of છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની બોર્ડર પર એક અદ્ભુત રમણીય સ્થાનઃ અમરકંટક by Paurav Joshi

અમરકંટક ઘણાં સાધુ-મહાત્માઓની તપોભુમિ રહી છે. કબીરદાસે પણ અમરકંટકમાં ઘણાં વર્ષો પસાર કર્યા હતા. કબીરે જે ઝુંપડીમાં ધ્યાન ધર્યું હતું તેને કબીર કોઠીના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત, એક ચબુતરો પણ બનાવાયો છે જેને કબીર ચોરાના નામે પણ ઓળખવામાં આવે છે. જો તમે અમરકંટક જાઓ છો તો આ જગ્યા પર જરુર જજો. આ ઉપરાંત, નજીકમાં જ ભાઇનો બગીચો છે. એવી માન્યતા છે કે અહીં નર્મદા પોતાના બાળપણમાં રમતી હતી. આ ઉપરાંત, અમરકંટકમાં શ્રી યાત્રા મંદિર, મૃત્યુંજય આશ્રમ, ભૃગૃ કમંડલ અને જલેશ્વર મંદિર જોવા લાયક છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads