ચારો તરફ પાણી જ પાણી, મિલો સુધી ફેલાયેલો સમુદ્ર અને બીચ પર મસ્તી કરતાં તમે! અંદામાનની આબોહવા જ કઈક એવી છે કે આ સ્થળ છોડીને જવાનું તમને મન જ નહિ થાય. કોઈ વાર તો એવું લાગે કે આપણે અહીં જ જન્મ્યા હોત તો કેવી મજા આવત! અને અંદામાન દ્વીપસમૂહના સૌથી આકર્ષક બીચ ધરાવતા ટાપુઓમાંનો એક ટાપુ એટલે સ્વરાજ દ્વીપ (હેવલોક આઇલેન્ડ).
ફરવા માટે:
અંદામાનના પ્રવાસમાં લોકો સૌથી વધારે હેવલોક પર એન્જોય કરે છે. સૌથી ચોખ્ખા બીચ ધરાવતા આ ટાપુ પર આ બીચ બેસ્ટ છે:
1. એલિફન્ટા બીચ
આનું નામ ભલે એલિફન્ટા બીચ હોય પણ અહીં હાથી નથી જોવા મળતા, બસ કેટલાય મોજ-મસ્તી કરતાં લોકો. વોટર સ્પોર્ટ્સ માટે આ બીચ સાથી વધુ પ્રખ્યાત છે. સ્કૂબા ડાઇવિંગ, કાયાકિંગ, જેટસ્કી, વગેરે જેવી પ્રવૃત્તિઓ આ બીચ પર ઉપલબ્ધ છે. આ બીચ પર પહોંચવાની કોઈ ફી નથી. પણ અહીં છેલ્લી બોટ સાંજે 5 વાગે આવે છે. જો નિયત સમયે પાછા ન ગયા તો બીજા દિવસે સવારે જ પાછા જઈ શકશો.
2. કાલા પથ્થર બીચ
આખો દિવસ ખેલકૂદ કર્યા પછીનો થાક ઉતારવા લોકો સૂર્યાસ્ત જોવા આ બીચ પર આવે છે. સુંદર નજારાઓ સાથે એક શાંત સાંજ વિતાવવી હોય તો કાલા પથ્થર બીચ પહોંચી જાઓ. અહીં આવવા માટેનો રસ્તો એક નાનકડા જંગલમાંથી પસાર થાય છે. આ બીચ પ્રમાણમાં ઠીકઠીક અંતરે આવેલો છે એટલે જો તમે ઈચ્છો તો બાઇક ભાડે કરીને જઈ શકો છો.
3. વિજયનગર બીચ
મેંગૃવના વિશાળ વૃક્ષો પરથી આવતી દરિયાઈ હવા હેવલોકના વિજયનગર બીચ પર ગજબની શાંતિનો અનુભવ કરાવે છે. અહીં દરિયાની લહેરો પણ શાંત હોય છે અને બીચ પર ચાલવાની અહીં ખૂબ મજા આવે છે. કોઈ યુગલને એલિફન્ટા બીચ જેવો કોલાહલ પસંદ જ હોય તો વિજયનગર બીચ તેમને ખૂબ પસંદ પડશે.
હેવલોકનો, કે કદાચ અંદામાનનો જ સૌથી પ્રખ્યાત બીચ એટલે રાધાનગર બીચ. પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને આ બીચને 'એશિયાનાં સૌથી સુંદર બીચ' તરીકે નવાજયો હતો. ઉપર સાફ ભૂરું આકાશ, નીચે સફેદ રેતીની ચાદર અને નજર માંડો ત્યાં સુધી દરિયો. આ બીચની સુંદરતા વર્ણવવા શબ્દો ખૂટી પડે છે. વળી, બેસવા માટે નાની-નાની ઝુંપડીઓ કે લાકડાની બેન્ચ આ બીચને પરફેક્ટ ટુરિસ્ટ એટ્રેકશન બનાવે છે.
રોકાણ માટે:
1. ગ્રીન ઇમ્પિરિયલ રિસોર્ટ
2. કેફે ડેલ મોર
3. ઓરિએન્ટ લેજન્ડ રિસોર્ટ
4. એમરાલ્ડ ગેકો
5. બ્લૂ આઇલેન્ડ બીચ રિસોર્ટ
આ સિવાય પણ પુષ્કળ બીચ રિસોર્ટ છે જેનું તમે ઓનલાઈન કે પછી ત્યાં રૂબરૂ પહોંચીને બૂકિંગ કરાવી શકો છો.
કેવી રીતે પહોંચવું?
સ્વરાજ દ્વીપ (હેવલોક) પોર્ટ બ્લેરથી 70 કિમી દૂર છે એટલે અહીં પહોંચવાના માત્ર બે જ ઉપાય છે.
1. સરકારી ફેરી
2. ક્રૂઝ/સ્પીડ બોટ
બંનેમાં આશરે 3 કલાક જેવો સમય લાગે છે.
કોરોના કાળ પૂરો થાય એટલે આ જગ્યાએ ફરવાનું અવશ્ય પ્લાનિંગ કરજો.
.