આમ તો રખડુ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે હિમાચલ પ્રદેશનો ખૂણે-ખૂણો પસંદગીની જગ્યા છે. કેટલાક લોકો સિમલા જેવા શહેરોની ગલીઓમાં ચાલવાનું પસંદ કરે છે. કેટલાક લોકો આકાશને આંબવા માગે છે અને કેટલાક તો પહાડો પર ચડતા-ચડતા થાકીને લોથપોથ થઇ જવા માંગે છે. આ બધામાં ચંબાની વાત જ અલગ છે, અહીંના લીલાછમ પહાડોમાં દૂર સુધી શાંતિનો અહેસાસ થશે. તેમાં વળી અહીંનું હવામાન દિલ ચોરી લે તેવું છે. આ વાત અહીં આવ્યા પછી તરત સમજાઇ જાય છે. કહેવાય છે કે ચંબા શહેરનું નામ ત્યાંની રાજકુમારી ચંપાવતીના નામે પડ્યું છે.
કહેવાય છે કે રાજકુમારી ચંપાવતી દરરોજ અભ્યાસ માટે એક સાધુ પાસે જતી હતી. આનાથી રાજાને શંકા ગઇ અને તે એક દિવસે રાજકુમારીની પાછળ પાછળ આશ્રમ પહોંચી ગયો. ત્યાં તેને કોઇ ના મળ્યું પરંતુ તેને શંકા કરવાની સજા મળી અને તેની પુત્રી છિનવાઇ ગઇ. આકાશમાં આકાશવાણી થઇ કે પ્રાયશ્ચિત કરવા માટે રાજાએ અહીં મંદિર બનાવવું પડશે. રાજાએ ચૌગાન મેદાનની પાસે એક સુંદર મંદિર બનાવ્યું. આ ચંપાવતી મંદિરને લોકો ચમેસની દેવીના નામે બોલાવે છે. ચંપાવતી મંદિરમાં શક્તિની દેવી, મહિષાસુરમર્દિની સુંદર પ્રતિમા છે. આ ઘટના પછી રાજા સાહિબ વર્માએ નગરનું નામકરણ રાજકુમારી ચંપાવતીના નામે ચંપા કરી દીધું. પછીથી આ જગ્યા ચંબા નામે ઓળખાવા લાગી. આવો જઇએ આ સુંદર ચંબાની સફરે.
ભૂતકાળની ઝલક
ચંપાવતી મંદિરની સામે એક વિશાળ મેદાન છે, જેને ચોગાન કહેવાય છે. એક રીતે ચોગાન ચંબા શહેરનું દિલ છે. એક સમયે ચોગાનનું આ મેદાન ઘણું મોટું હતું પરંતુ પછીથી તેને પાંચ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું. મુખ્ય મેદાન ઉપરાંત, હવે અહીં ચાર નાના-નાના મેદાન છે. ચોગાન મેદાનમાં જ દર વર્ષે જુલાઇમાં જાણીતા પિંજર મેળો લાગે છે.
ચંબાની આસપાસ કુલ 75 પ્રાચીન મંદિર છે. આ મંદિરોમાં મુખ્ય લક્ષ્મીનારાયણ મંદિર, હરિરાય મંદિર, ચામુંડા મંદિર છે. લક્ષ્મીનારાયણ મંદિર સમૂહ ચંબા શહેરનું સૌથી વિશાળ મંદિર સમૂહ છે. મંદિર મુખ્ય બજારમાં અખંડ ચાંદી પેલેસની બાજુમાં સ્થિત છે. મંદિરના પરિસરમાં શ્રીલક્ષ્મી દામોદર મંદિર, મહામૃત્યુંજય મંદિર, શ્રી લક્ષ્મીનાથ મંદિર, શ્રી દુર્ગા મંદિર, ગૌરી શંકર મહાદેવ મંદિર, શ્રી ચંદ્રગુપ્ત મહાદેવ મંદિર અને રાધા કૃષ્ણ મંદિર સ્થિત છે.
કોઇ પણ શહેરના ઇતિહાસને જાણવા માટે અહીંના મ્યૂઝિયમને જરુર જોવું જોઇએ. જો કે, ચંબાનું ભૂરી સિંહ મ્યૂઝિયમ નાનું છે, પરંતુ આનું મેનેજમેન્ટ બેજોડ છે. આ મ્યૂઝિયમના પ્રથમ માળે લઘુચિત્ર (મિનિએચર) પેન્ટિંગની સુંદર ગેલેરી છે. આમાં ગુલેર શૈલીનું બનેલુ પેન્ટિંગ લગાવાયું છે. અહીં ચંબા શહેરની જુની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો પણ જોઇ શકાય છે. અહીં કાંગડાના રાજા સંસાર ચંદ કટોચ અને ચંબાના રાજા સિંહની વચ્ચે થયેલી સંધિનું તાંબાથી બનેલું સંધિ પત્ર પણ જોઇ શકાય છે.
ભૂરિ સિંહ મ્યૂઝિયમ ઉપરાંત, અહીં એક નાનકડુ મ્યૂઝિયમ લક્ષ્મીનારાયણ મંદિરના પરિસરમાં પણ છે. આને સ્થાનિક લોકો ટ્રસ્ટ બનાવીને સંચાલિત કરી રહ્યા છે. ચંબા ભારતમાં કોલકાતા પછી વિજળીથી ચમકતુ બીજુ શહેર હતું. આ સંભવ થયું ચંબાના રાજા ભૂરી સિંહના પ્રયત્નોથી. ભૂરી સિંહ મ્યૂઝિયમની સ્થાપના 14 સપ્ટેમ્બર 1908ના રોજ રાજા ભૂરી સિંહે કરાવી હતી. તેમણે પોતાના રાજકીય સંગ્રહથી ઘણાં ઐતિહાસિક મહત્વની સામગ્રીઓ સંગ્રહાલયને દાનમાં આપી.
એન્ટ્રી ફીસઃ ₹20,બાળકો માટે ₹10
કાલાટૉપ વન્ય અભયારણ્ય
પ્રાચીન ઐતિહાસિક શહેર ચંબામા પ્રકૃતિની સાથે ઘણો જ સમય વિતાવી શકાય છે. અહીં નજીકમાં કાલાટૉપ વાઇલ્ડલાઇફ સેન્ક્ચુરી છે. ડેલહાઉસી અને ખજિયારના રસ્તે એક પહાડીના શિખરે સ્થિત આ વન્યજીવ અભયારણ્યની ચારે તરફ પહાડ, શાંત અને વાતાવરણ છે. હરિયાળીની વચ્ચે સ્થિત કાલાટૉપ સેન્ચુરી ઘણી જ સુંદર છે અને 30.9 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ કંઇક એવી રીતે બનેલુ છે કે તમે ટ્રેકિંગ કરતા-કરતા તેને પૂરા ફરી શકો છો. અહીં તમે સ્વદેશી પક્ષીઓની પ્રજાતિઓ જેવા કે તીતર, યૂરેશિયન અને ગ્રે હેડેડ કેનરીને જોઇ શકો છો. ચાલતા-ચાલતા જ્યારે થાકી જાઓ તો નજીકમાં વહેતી રાવી નદીના ઠંડા પાણીમાં પગ નાંખતા જ બધી થકાવટ છુમંતર થઇ જાય છે. આ સેંક્ચુરીની ચારે બાજુ બરફથી ઢંકાયેલા પહાડ છે, રાતના કાલાટૉપના જંગલમાં રાત પસાર કરવી સુંદર અનુભવ છે.
ટાઇમિંગઃ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી
એન્ટ્રી ફીઃ ₹250
સરોવરોનો સમૂહ
ચંબાની મુસાફરીમાં ઘણા બધા સરોવરો મળશે, જ્યાં બેસીને તમે તમારી મુસાફરીને સુંદર બનાવી શકો છો. આ સુંદર સરોવરોમાંનુ એક છે, ખજિયાર સરોવર. લીલા ઘાસના બુગ્યાલ, દૂર સુધી ફેલાયેલા પહાડ અને સફેદ ધૂમ્મસની વચ્ચે સરોવર. સરોવરના કિનારે બેસવું તે સુંદરતાને મહેસૂસ કરવાનું છે, જે આની ચારેબાજુ ફેલાયેલી છે. આ ઉપરાંત, ચંબામાં સુંદર ચમેરા લેક અને મણિમહેશ લેક છે. મણિમહેશ સરોવરથી કૈલાશના સુંદર શિખર જોવા મળે છે. એવું લાગે છે કે પ્રકૃતિએ પોતાને સરોવરોની આસપાસ સજાવી છે.
ચંબામાં શું ખરીદશો?
ચંબા પોતાના શૉલ, રુમાલ અને જુત્તા માટે ઓળખાય છે. ચંબાનો રુમાલ હકીકતમાં કોઇ ખિસ્સામાં રાખવામાં આવતો રુમાલ નથી હોતો. એક રીતે આ શાનદાર ભરતકામવાળી વૉલ પેન્ટિંગ હોય છે. આને તૈયાર કરવામાં 10 દિવસથી બે મહિના સુધીનો સમય લાગી શકે છે. સેંકડો વર્ષોથી ચંબામાં રુમાલ વણવાનું કામ આ ક્ષેત્રોમાં ચાલી રહ્યું છે. આ રુમાલો પર કૃષ્ણની આખી રાસલીલાનું અંકન જોઇ શકાય છે. ઘણાં રુમાલોમાં વિવાહ સંબંધી જેવા ચિત્ર ટાંકવામાં આવે છે. આ ખાસ રુમાલ અહીં આવનારા પર્યટકોને પોતાની આકર્ષિત કરે જ છે. 1965માં પહેલી વાર ચંબા રુમાલ બનાવનારી કલાકાર માહેશ્વરી દેવીને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો.
હિમાચલમાં કુલૂની શૉલ તો ફેમસ છે જ, પરંતુ ચંબાની શૉલ પણ કુલ્લુની જેમ જ સુંદર હોય છે. ચંબા શહેરમાં ફરતા તમે ચંબાની બનેલી સુંદર ચપ્પલ ખરીદી શકો છો. આ ચપ્પલ મહિલાઓ માટે ખાસ રીતે બનાવાય છે. ચંબા શહેરના મુખ્ય બજારમાં દુકાનોમાં ખરીદી કરતી વખતે થોડાઘણા મોલ-ભાવ કરી શકાય છે.
ચંબાથી સૌથી નજીકનું એરપોર્ટ પઠાણકોટ છે, જે ચંબાથી 120 કિ.મી. દૂર છે. ત્યાંથી તમે બસ કે ટેક્સીથી ચંબા પહોંચી શકો છો. પઠાણકોટ રેલવે સ્ટેશન પહોંચીને પણ ત્યાંથી આગળની યાત્રા બસ અને કેબથી કરી શકાય છે. આ ચંબામાં અધ્યાત્મ પણ છે અને પ્રકૃતિની સુંદરતા પણ, જ્યાં આવીને લાગે છે કે અહીં જ રોકાઇ જઇએ. આવી જગ્યાએ વાંર-વાર આવવાનું મન થાય છે.
તમે હિમાચલમાં ઘણું બધુ જોઇ ચૂક્યા છો અને અત્યાર સુધી ચંબા નથી ગયા તો પ્રકૃતિના આ આશ્ચર્યથી હજુ સુધી તમે દૂર છો.