છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. દેશ અને દુનિયાને આકર્ષે એવા કેટલાય સ્થાપત્યો અહીં વિકાસ તેમજ નિર્માણ પામ્યા છે. વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યૂના અમુક જ વર્ષોમાં હવે આપણા અમદાવાદમાં બની ગયું છે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ!
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ:
ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એક અદ્યતન સ્પોર્ટ્સ એંકલેવ બનાવવાની પરિકલ્પના સાધી હતી.
24 ફેબ્રુઆરી 2021 ના રોજ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ તેમજ તેની આસપાસ નિર્માણ પામી રહેલા ભવ્યાતિભવ્ય સરદાર પટેલ સ્પોર્ટ્સ એંકલેવ તેમજ તે એંકલેવનો જ એક ભાગ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું દેશનાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિન્દના હસ્તે, ગૃહમંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલું અગાઉનું મોટેરા સ્ટેડિયમ નવા સ્વરૂપે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે ઓળખાશે. શ્રી અમિત શાહે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સવલતો પૂરી પાડતા આ સ્ટેડિયમ વિષે માહિતગાર કર્યા હતા.
વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમ પર નજર માંડીએ તો ગુજરાતીઓનો દબદબો સ્પષ્ટપણે જોઈ શકાય છે. ગુજરાતના તેમજ દેશનાં ખેલાડીઓને સર્વ શ્રેષ્ઠ સવલતો મળી રહે તે માટે અમદાવાદમાં અતિભવ્ય સરદાર પટેલ સ્પોર્ટ્સ એંકલેવ નિર્માણ પામી રહ્યું છે. આ એંકલેવમાં ફૂટબોલ, એથ્લેટિક, ઇન્ડોર સ્ટેડિયમ, હોકી સ્ટેડિયમ, જેવી અનેક રમતોને આવરી લેતા કુલ 20 સ્ટેડિયમ નિર્માણ પામશે જેમાં ક્રિકેટ સ્ટેડિયમને ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથોસાથ હોકી સ્ટેડિયમને હોકીના ઉત્કૃષ્ટ ખેલાડી રહી ચૂકેલા મેજર ધ્યાનચંદનું નામ આપવાની જાહેરાત થઈ છે. 4600 કરોડ રૂના ખર્ચે નિર્માણ પામનાર સરદાર પટેલ સ્પોર્ટ્સ એંકલેવ ભારતનું સૌથી મોટું સ્પોર્ટ્સ એંકલેવ બનશે.
શું છે ખાસ:
- આ સ્ટેડિયમ કુલ અઢી લાખ કરતાં વધુ ચોરસમીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. ઓલિમ્પિક કક્ષાના ફૂટબોલ ગ્રાઉન્ડ સાથે સરખામણી કરવામાં આવે તો આ એક સ્ટેડિયમ 32 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલું વિશાળ થાય.
- ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન સ્ટેડિયમ વિશ્વમાં સૌથી વધુ પ્રેક્ષકો 90,000ની ક્ષમતા ધરાવતું હતું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 1.32 લાખ જેટલા પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા ધરાવે છે.
- પ્રેક્ટિસ માટેની પિચ પણ મુખ્ય પિચ જેવી જ બનાવવામાં આવી હોય તેવું વિશ્વનું આ એકમાત્ર ક્રિકેટ સ્ટેડિયમ છે. અતિભવ્ય સ્ટેડિયમમાં કુલ 11 તૈયાર કરવામાં છે.
- વિશ્વમાં આ એકમાત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક જ દિવસે બે મેચનું આયોજન શક્ય છે. કારણકે અહીં 4 ડ્રેસિંગ રૂમ અને 2 જિમ્નેશિયમ બનાવવામાં આવ્યા છે.
- સ્ટેટ ઓફ ધ આર્ટ સબ સોઇલ ડ્રેનેજ નામની વિશેષ વ્યવસ્થા છે જેના થકી વરસાદના પાણીનો ફક્ત 30 મિનિટમાં નિકાલ કરી શકાય છે. વરસાદને કારણે મેચ રદ થઈ એવું અહીં ક્યારેય નહિ બને!
- પ્રિકાસ્ટ-વાય પ્રકારની વિશિષ્ટ કૉલમ પર આ સ્ટેડિયમ ટકેલું છે જેનું વજન 260 ટન (65 હાથીઓના વજન) જેટલું છે.
- ઊર્જા બચાવતી વિશેષ એલ.ઈ.ડી.ને કારણે અન્ય સ્ટેડિયમની સરખામણીએ આ સ્ટેડિયમમાં 45 થી 50% જેટલો વીજ વપરાશ ઓછો થશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદ્ઘાટન વર્ષ 2020માં જ થનાર હતું પણ કોરોનાની વૈશ્વિક મહામારી કારણે 2021 ના ફેબ્રુઆરીમાં તે શક્ય બન્યું. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અહીં સૌપ્રથમ ટેસ્ટ મેચ શરુ થઈ છે. આપણા દેશમાં ગુલાબી બોલથી રમાઈ રહેલી આ પ્રથમ ક્રિકેટ મેચ છે. કોવિડ-19 ને કારણે સૌ ખિલાડીઓએ હેન્ડ-શેક કરવાને બદલે નમસ્તે કરીને એકબીજાનું અભિવાદન કર્યું હતું તે રીતે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પ્રથમ દિવસ યાદગાર બની રહેશે.
માહિતી તેમજ ફોટોગ્રાફ્સ: શ્રી કિશોર મકવાણા
.