મણિકરણ ગુરુદ્વારામાં વિતાવેલી એક રાતે મને આસ્તિક બનાવી દીધો

Tripoto

અમૃતસરના સુવર્ણ મંદિર વિષે તો સૌ જાણતા જ હશો, પણ શું તમે મણિકરણનું નામ સાંભળ્યું છે? હિમાચલમાં મણિકરણ સાહિબ ગુરુદ્વારામાં એક કુંડ બનાવવામાં આવ્યો છે જ્યાં સ્નાન કરી શકાય છે. મેં અહીં સ્નાન તો કર્યું જ પણ એક રાત રોકાયો પણ ખરો. આમ તો હું નાસ્તિક હતો પણ અહીં કરેલા રાત્રિરોકાણમાં મને ઈશ્વરની શક્તિનો પરિચય થયો.

હિમાચલના મણિકરણ ગુરુદ્વારા વિષે મેં ઘણું સાંભળ્યું હતું પણ જોયું નહોતું. ધર્મમાં મને કોઈ રુચિ નહોતી એટલે જોવાનું મન પણ નહોતું થયું. બધા ગુરુદ્વારામાં હું ગ્રંથસાહેબની સેવા થતી પણ જોઈ ચૂક્યો હતો એટલે મને એમ જ હતું કે અહીં પણ એવું જ હશે.

પણ એક રાતે મને મણિકરણ સાહેબે બોલાવી જ લીધો.

એ રાત્રે મને રસોલથી ટ્રેક કરીને પાછા ફરતા થોડું મોડું થયું હતું એટલે મારું કસોલ કે કુલ્લૂ પહોંચવું લગભગ અશક્ય હતું. માંડ માંડ કસોલથી 4 કિમી દૂર આવેલા મણિકરણમાં બસ સ્ટેન્ડ પાસે હું પહોંચ્યો. ખૂબ થાકી ગયો હતો. મારું રકસેક સુદ્ધા પરસેવે લથબથ થઈ ગયું હતું. મારે અહીંથી બસ પકડીને કુલ્લૂ જવું હતું પણ બસ સાવ ખાલીખમ હતી.

ક્યાં ગયા બધા?

ડ્રાઈવર પાસેથી જાણવા મળ્યું કે બસ ખરાબ થઈ ગઈ હતી અને બધા જ યાત્રી મિનિ-બસમાં નીકળી ગયા હતા.

હવે? શું કરું?

મને કસોલમાં તો રહેવાની વ્યવસ્થા વિષે ખબર હતી પણ મણિકરણમાં? ક્યાં જવું? ક્યાં રહેવું? ક્યાં ન્હાવું? શું ખાવું? હું ભૂખ્યો-તરસ્યો એટલો બધો થાકી ગયો હતો કે મને કોઈ વિચાર જ નહોતો આવી રહ્યો. આવી હાલતમાં જોઈને મારી બાજુમાં ઉભેલા સરદારજી બોલ્યા, “આગળ ગલીમાં જતાં રહો, પુલ પાર કરશો ત્યાં જ એક ગુરુદ્વારા છે. ત્યાં લંગરમાં તમને જમવાનું પણ મળી રહેશે."

ડૂબતે કો તીનકે કા સહારા. હું ધીમે ધીમે ચાલીને ગુરુદ્વારા પહોંચ્યો. ધાર્મિક સ્થળોમાં ગજબની શક્તિ હોય છે. માથે મફલર બાંધીને હું ગુરુદ્વારામાં દાખલ થયો.

પગરખાં કાઢવાની જગ્યાએ એક સરદારજીએ મારા કાદવવાળા બૂટ જોયા અને તેને લઈને એક બાજુ પાણીમાં સરકાવી દીધા. નજીકમાં નળ હતો જ્યાં હાથ મોઢું ધોઈને હું અંદર ગયો. બેગ એક બાજુ મૂકીને હું સીધો લંગર જમી રહી હતી ત્યાં જ પહોંચી ગયો. સૌની સાથે હું પણ બેઠો. એક સજ્જન ચોખ્ખી થાળી મારી આગળ મૂકી ગયા, બીજાએ ઘટ્ટ દાળ પીરસી, ત્રીજાએ 2-3 રોટલી પકડાવી અને ચોથા સજ્જન કેરીનું અથાણું આપી ગયા. હું અતિશય ભૂખ્યો હતો એટલે આ ભાણું મને અમૃત જેવું મીઠું લાગ્યું.

ખૂબ થાકેલો હતો એટલે ભરપેટ જમ્યા બાદ મને ઊંઘ ચડી. ક્યાંક તો સુવાની વ્યવસ્થા કરવાની જ હતી એટલે બેગ લઈને હું બહાર નીકળ્યો. પગરખાં રાખવાની જગ્યાએ જોયું કે મારા બૂટ એકદમ સાફ થઈ ગયા હતા. મેં ત્યાં ઉભેલા સરદારજીનો આભાર માણ્યો અને તેમને ઉતારા વિષે પૂછ્યું. તેમણે કહ્યું, “પ્રાઇવેટ રૂમ પુલ પાર કરીને મળી જશે, માત્ર ગાદલાં પર સૂઈ જવું ફાવે એમ હોય તો અહીં જ રોકાઈ જાઓ.”

આટલું સાંભળતા જ મેં મારા બૂટ સરદારજીને પાછા આપી દીધા. બાજુમાં ઓફિસમાં આઈડી જમા કરાવીને પહોંચ અને રજાઈ લઈને પહેલા માળે જવા લાગ્યો. મોટા હૉલમાં કેટલાય ગાદલાઓ પાથરેલા પડ્યા હતા. અમુક લોકો ચાર્જિંગ પોઈન્ટ પાસેના ગાદલાંમાં આડા પડ્યા મોબાઈલ ફોન વાપરી રહ્યા હતા. હું એક સાફ જગ્યા જોઈને આડો પડ્યો. મારી બેગને ઓશીકું બનાવી દીધી અને રજાઈમાં લપાઈને સૂઈ ગયો.

આ પહેલા ક્યારેય આવી મીઠી નિંદર નથી આવી.

સવારે ગુરુવાણીથી મારી આંખો ઊઘડી. જોયું કે સૌ ટુવાલ લઈને નિત્યક્રમ પતાવી રહ્યા હતા. હું પણ ઠંડા પાણીએ ન્હાવા માટે માનસિક તૈયાર થઈને ગયો. ત્યાં જોયું તો ગરમ પાણીના કુંડમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા.

જાણવા મળ્યું કે મણિકરણમાં ગરમ પાણીના ઝરા છે. પૌરાણિક કથા અનુસાર મણીકરણ કુંડમાં પાર્વતી માતાનો મણિ પડી ગયો હતો જેને શેષનાગ પોતાના મોઢામાં દબાવીને પાતાળમાં લઈ ગયો હતો. શિવજી ક્રોધિત થયા એટલે તેણે ફૂંફાડો મારીને એ મણિ બહાર ફેંકી દીધો. શેષનાગનાં ફૂંફાડાને કારણે ત્યાં ગરમ પાણી ઝરે છે.

શીખ માન્યતા અનુસાર ગુરુનાનક તેમના ચેલા બંદા મર્દાના સાથે અહીંથી પસાર થઈ રહ્યા હતા. ભૂખ લાગી એટલે તેમણે બંદા મર્દાનાને ભિક્ષા માંગી લાવવા કહ્યું. પછી રોટલી બનાવવા કોઈ પથ્થર લઈ આવવા કહ્યું. બંદા મર્દાનાએ જ્યાંથી પથ્થર ઉપાડ્યો ત્યાં ગરમ પાણીની ધાર ફૂટી નીકળી.

વૈજ્ઞાનિકોનાં કહ્યા અનુસાર અહીંનું પાણી સલ્ફરના પથ્થર પરથી થઈને આવે છે એટલે ગરમ હોય છે.

ડૂબકી લગાવી ત્યારે મને બે મોટા મોટા તપેલા જોયા. પૂછવા પર જાણવા મળ્યું કે લંગરના દાળ-ભાત બફાઈ રહ્યા હતા. ચા પણ ત્યાં જ બને છે.

જો ગુરુદ્વારા ન હોત તો એ રાતે મારી શું હાલત થઈ હોત એ હું જ જાણું છું. ગુરુદ્વારામાં આવીને મને ગરમાગરમ જમવાનું મળ્યું. સુવા માટે ગાદલું અને રજાઈ મળ્યા. સવારે ગરમ પાણીના કુંડમાં ન્હાવા મળ્યું. પછી નાસ્તામાં પરોઠા અને ચા મળ્યું. પાછા ફરતા આઈડી અને બૂટ પાછા મેળવ્યા. એકદમ ચોખ્ખા બૂટ.

મને આટલી બધી સુવિધાઓ આપવા બદલ તેમણે એક રૂપિયો પણ માંગ્યો. કોઈને એનો ધર્મ પૂછ્યા વિના દિલથી તેમની સેવા કરી. આવી ધર્મ-નિરપેક્ષતા અને માનવતા ક્યાં જોવા મળે?

જો આને જ ધર્મ કહેવાય તો હું નાસ્તિક શું કામ?

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads