ભારત દેશ જેટલી વિવિધતા કદાચ તમને બીજા એક પણ દેશમાં જોવા નહીં મળે. આપણે અહીં કલ્ચર થી લઈને ભાષા, પહેરવેશ, રીત-રીવાજો, તહેવારો, પરંપરાઓ, બધી જ વસ્તુ માં વિવિધતા જોવા મળે છે.
હવે જો પહેરવેશ ની વાત કરીએ તો તમને થશે કે હા, એ તો અમને ખબર છે. જેમ કે ગુજરાતમાં ચણિયાચોળી અને કેડિયું ચોરણી; રાજસ્થાન મા મારવાડા; પંજાબમાં પંજાબી ડ્રેસ અને કુર્તા; સાઉથમાં જાઓ તો કાંજીવરમ સાડી અને લૂંગી; બંગાળમાં જાઓ તો બંગાળી સાડી. પણ હું કહું છું કે ના... તમને માત્ર ઉપરછલ્લી જ ખબર છે.
માત્ર ગુજરાતની જ વાત કરીએ તો અહીં જાતિ બદલાય એ પ્રમાણે તેના પોષક પણ બદલાય છે. "બાર ગાઉ એ બોલી બદલાય" એ કહેવત તો તમે સાંભળી જ હશે. એમ પોશાક પણ બદલાય છે. અને સાથે સાથે તેને પહેરવાની રીત પણ. એમાં પણ સ્ત્રીઓને તો ખાસ. ભાયુને તો શું.? વધી વધીને પાઘડી બદલાય. પણ બાયુની તો ચાલ બદલાય, છૂંદણા, ઘરેણાં, પહેરવાની રીત, કેવા પ્રકારના ચાંદલા, કેવા છડા, બધુ બધુ બધું જ બદલાય.
આજકાલ તો ફેશનના નામે જીન્સ અને ટી-શર્ટ ચાલે છે. પણ જો તમારે ખરેખર ફેશન કોને કહેવાય તે જાણવું હોય તો ચાલો આજે હું તમને ગુજરાતીઓ ની ફેશન બતાવુ.
1. જીમી - કાપડુ - ઓઢણું
તમે જીમી કપડાનું કદાચ નામ જ સાંભળ્યું હશે, વધી વધીને કોઈને પહેરતા જોયા હશે. પણ તમને કદાચ એવી નહીં ખબર હોય કે તે કોણ પહેરે છે અને કઈ રીતે પહેરે છે. ઘણા લોકોએ તો કદાચ જોયું પણ નહીં હોય. મોટાભાગે આહિર લોકો અને રબારી તથા ભરવાડ જાતી ના લોકો આ પ્રકારનો પહેરવેશ પહેરે છે. જીમી મરુન અને કાળા કલર માં જોવા મળે છે. જે એક લૂંગી જેવું મોટું કાપડ હોય છે. કે જેને વીંટાળીને પહેરવાનું હોય છે. અને તમને એ જાણીને નવાઈ થશે કે એ લોકો કેટલી સરળતાથી જીમી પહેરીને બધું જ કામ કરી શકે છે. કાપડુ એક પ્રકારનું બ્લાઉઝ છે કે જે બેકલેસ હોય છે. અરે હા ભાઈ, આપણું કલ્ચર બોલ્ડ જ છે. એ તો તમને ખબર નથી. અને ઓઢણું તો ખબર જ હોય.
તેની સાથે પહેરાતા ઘરેણા :
ગળામાં જે પહેરવાનું હોય તેને બીજ કહેવામાં આવે છે. તે અર્ધચંદ્રાકાર હોય છે. હાથમાં બલોયા પહેરે છે અથવા તો ખડક ના પાટલા; અને પગમાં નક્કર ચાંદીના કડલા. કાનમાં પહેરવાના હોય તેને ઠોળીયા કહેવામાં આવે છે. પગની આંગળીઓમાં ચબુતરીઓ પહેરે છે. અને મોટાભાગે આ બધું જ અસલી સોના-ચાંદીનું હોય છે.
2. ધારવો - ઘાહિયુ - કાપડુ - ઓઢણું
હવે તમને થશે કે આમાં તો વળી શું અલગ છે.? આતો જીમી જેવું જ છે. પણ એવું નથી. લાલ કલરનું છે તેને ધારવો કહેવામાં આવે છે અને સફેદ રંગ વાળા ને ઘાહિયુ કહેવામાં આવે છે. પરણેલી સ્ત્રીઓ ધારવો પહેરે છે જ્યારે કુંવારી સ્ત્રીઓ મોટાભાગે ઘાહિયુ પહેરે છે. માથે ઓઢવાના લાલ કલરના ઓઢણા ને હાટડી કહેવામાં આવે છે. આ પોશાક મહેર જાતિ ના લોકો પહેરે છે.
તેની સાથે પહેરવાના ઘરેણા :
કાનમાં પહેરવાના વેઢલા; ટૂંકો હાર કાંઠલી; મોટો હાર જૂમણું; હાથ મા બલોયા
3. થેપાડું/ખેપાડું - ઉજળવાસી સાડલો
કેટલાક લોકો ખેપાડું કહે છે અને કેટલાક લોકો થેપાડું. તે એક ગામઠી ભારત ભરેલો ખુલ્લો ચણીયો હોય છે. જેને બાંધીને પહેરવાનો હોય છે. ઉજળવાશી સાડલો લાલ કલરનું સુતરાવ કાપડ હોય છે, મોટાભાગે આવો પોશાક પટેલ જાતિના ઉંમરલાયક સ્ત્રીઓ પહેરે છે.
તેની સાથે પહેરવાના ઘરેણા :
પગમાં કડલા; હાથમાં બલોયા; કાનમાં ઠોળીયા
4. ચણીયા ચોળી/ ચણીયો શર્ટ
હા, ચણિયાચોળી વિશે તો તમે જાણતા જ હશો; ચણીયા ઉપર શર્ટ પહેરવાનું ચલણ હમણાંથી ખૂબ ચાલ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે તે પહેલા પણ આ ચલણ હતું જ.? મોટાભાગે તરુણ દીકરીઓ આ પ્રકારના પોશાક પહેરે છે.
તેની સાથે પહેરવાના ઘરેણા :
હાથમા સાદી કાચની બંગડી; પગમાં ઝાંઝર; ગળામાં માંદળીયુ; કાનમાં બુટ્ટી
5. મારવાડા
મારવાડા નું નામ પડેલ એટલે એમ થાય કે રાજસ્થાન ની વાત થઇ રહી છે. પણ મારવાડા માત્ર રાજસ્થાનનો જ પહેરવેશ નથી, તે ગુજરાતનો પણ પહેરવેશ છે. ચણીયા ની ઉપર કોટી જેવું કમર સુધીનું બ્લાઉઝ અને ચોરસો (કે જે એક ચોરસ દુપટ્ટો હોય છે). મોટાભાગે દરબાર જાતિની સ્ત્રીઓ આ પ્રકારનો પહેરવેશ પહેરે છે.
તેની સાથે પહેરવાના ઘરેણા :
નાકમાં નથ; કાનમાં બુટ્ટી; ગળામાં ટૂંકો અને લાંબો એમ બે પ્રકારના હાર; હાથમાં ખડક ના પાટલા કે બંગડીઓ
આ સિવાય પણ અડધી સાડી, ચણીયો અને દુપટ્ટો એમ વિવિધ પ્રકારની પોશાક સભ્યતા ગુજરાત મા જોવા મળે છે.
6. કેડિયું ચોયણો અને અંગરખું
તમને થશે માત્ર સ્ત્રીઓની જ વાત કરી. અરે ભાઈ શાંતિ રાખો..! પુરુષોનાં પોશાક વિશે પણ વાત કરું છું. કેડિયું ચોયણો તો તમે જાણતા જ હશો. અને તેની સાથે ખભે રાખવાનુ અંગરખું. પણ શું તમે એ જાણો છો કે દરેક જાતિ પ્રમાણે પાઘડી અને સાફા બાંધવાની રીત અલગ અલગ હોય છે.
આ ઉપરાંત, ધોતી અને કફની; જબ્ભો; શેરવાની પણ પહેરતા હોય છે.
આ તો હતી માત્ર ગુજરાત પૂરતી વાત. તો વિચારો આખા ભારત ની વાત કરવા જાશું તો તો કેટલી વિવિધતા જોવા મળશે..!
જો તમે પણ ભારતીય કલ્ચર અને તેની વિવિધતા મા રસ ધરાવતા હો તો તમારા વિચારો શેર કરો. અને હા, આમાં કશું રહી ગયું હોય તો નીચે કમેન્ટમાં મને પણ જાણ કરો અને દુનિયાને પણ જણાવો.