શિવરાત્રી નજીક આવતા સમગ્ર વાતાવરણમાં હર હર મહાદેવની ગુંજ સંભળાવા લાગે છે. મહાદેવનું નામ-સ્મરણ જ મનને શાંતિ અને આત્માને પવિત્ર કરનારુ છે. શિવરાત્રીએ ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તો શિવ મંદિર તરફ પ્રયાણ કરતા હોય છે. હાલ કોરોનાનું જોર ઘટ્યું હોવાથી જો તમે પણ શિવજીના દર્શન કરવાની ઇચ્છા ધરાવો છો તો અમે આજે ગુજરાતના કેટલાક જાણીતા શિવ મંદિરોની વાત કરીશું. આ મંદિરોની ખાસિયત એ છે કે વર્ષોથી લોકમુખે જાણીતા છે. શિવ ઉપાસકો ફક્ત શિવરાત્રીએ જ નહીં પરંતુ વાર-તહેવારે આ મંદિરોના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવે છે. તો આવો આવા જ કેટલાક શિવ મંદિરો વિશે જાણકારી મેળવીએ.
નાગેશ્વર જ્યોર્તિલિંગ, દ્ધારકા
દ્વારકાથી બેટદ્વારકા જવાના રસ્તા પર ભગવાન શિવજીનું જ્યોતિર્લિંગ આવેલું છે, જે હિન્દુ શાસ્ત્રના 12 જ્યોતિર્લિંગમાંનું એક ગણાય છે. ભૂગર્ભમાં તેનું ગર્ભગૃહ આવેલું છે. નાગેશ્વરને 'દારુકાવન' તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકમાન્યતા મુજબ, પુરાતનકાળમાં દારુક નામનો અસુર અહીં રહેતો હતો. તેની પત્ની દારુકા માતા પાર્વતીની ભક્ત હતી અને તેમની કઠિન તપશ્ચર્યા કરી હતી, જેનાંથી પ્રસન્ન થઈને પાર્વતી માતાએ આ વનને તેનું નામ આપતા દારુકાવન તરીકે આ સ્થળ ઓળખાયું હતું.
સ્તંભેશ્વર મહાદેવ મંદિર, ભરૂચ
ભરુચ જિલ્લાના કાવી ગામ પાસે દરિયાકાંઠે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરના પટાંગણમાં બેસીને દરિયાનાં ઉછળતાં મોજાં જોવાંનો લહાવો લઈ શકાય છે. અહીંથી દરિયો માત્ર 50 મીટર દૂર છે. ભરતી સમયે આખું શિવલિંગ દરિયામાં ડૂબી જાય છે. ધીરે ધીરે પાણી ઓસરતાં ભગવાન શિવ ખુદ પ્રગટ થતાં હોય તેવું અલૌલિક દૃશ્ય રચાય છે. મહાદેવજીનાં દર્શન કરવા દરિયાનાં પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. આ સ્થળ "ગુપ્તતીર્થ" કે "સંગમતીર્થ" તરીકે પણ ઓળખાય છે.
ભવનાથ મહાદેવ, જુનાગઢ
ગિરનારની તળેટીમાં આવેલું છે ભવનાથ મહાદેવનું મંદિર. કહેવાય છે કે આ સ્થાન પર ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ્યા હતા. એક વખત શિવજી કૈલાસમાંથી ગિરનાર ક્ષેત્રમાં આવ્યા અને સ્થળ પસંદ પડતા તપ કરવા બેસી ગયા. તેઓએ આ વાત પાર્વતીને ન કરી. પાર્વતીને કૈલાસમાં શિવજી ન મળ્યા. વર્ષો વીતી જતા પાર્વતીજી અકળાયા. નારદજીને શિવજીને શોધવા મોકલ્યા. ભોળાનાથ ગિરનારમાં હોવાનું માલૂમ પડતા મા પાર્વતી અહીં આવ્યાં અને તપ કર્યું. બાદમાં 33 કોટી દેવતા આવ્યાને તેમણે પણ તપ કર્યું. આખરે શિવજી સ્વયભૂં ભવનાથના રૂપમાં પ્રગટ થયાને પાર્વતીજીનું શિવજી સાથે મિલન થયું. ભવનાથ મંદિરમાં બે શિવલિંગ છે. નાનું શિવલિંગ સ્વયંભૂ છે. જ્યારે મોટા શિવલિંગની સ્થાપના અશ્વત્થામાએ કરેલી છે.
ભડકેશ્વર મહાદેવ મંદિર, દ્ધારકા
દ્વારકા ખાતે જગતમંદિરથી માત્ર 2 કિ.મી.ના અંતરે અરબી સમુદ્રમાં એક પુરાતન શિવલિંગ આવેલું છે. આશરે પાંચ હજાર વર્ષ પહેલાં અરબી સમુદ્રમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગની સ્થાપના આ મંદિરમાં થઈ હોવાની માન્યતા છે. દિવસમાં એક વખત પાતાળ સરસ્વતી નદી દ્વારા ભડકેશ્વર મહાદેવને અભિષક કરાતો હોવાની માન્યતાને લીધે આ મંદિર ભાવિકો માટે અનોખું ગણાય છે.
જૂન-જુલાઇ મહિનામાં, મહાસાગર પોતે શિવલિંગ અભિષેક કરે છે, અને કેટલાક સમય માટે આ મંદિર સમુદ્રનો ભાગ બની જાય છે. મંદિરનો સૌથી પ્રસિદ્ધ તહેવાર મહા શિવરાત્રી છે, શિવરાત્રીના દિવસે મંદિરની આસપાસ એક ભવ્ય મેળો યોજવામાં આવે છે.
કોટેશ્વર મહાદેવ મંદિર, કચ્છ
કચ્છના લખપત તાલુકા આવેલ કોટેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન મંદિર માનવામાં આવે છે. સમુદ્રકાંઠે આવેલું આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે. હિંદુ ધર્મ માટે આ યાત્રાનું સ્થળ છે. તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે. ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રિય સરહદ આવેલી છે. સામા કાંઠે કરાચી આવેલું હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે.
નિષ્કલંક મહાદેવ, ભાવનગર
ભાવનગર જઇએ એટલે કોળીયાક બીચ ઉપર દરિયામાં અંદર આવેલાં નિષ્કલંક મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું મન અચુક થાય. આદિકાળથી દરીયાની વચ્ચે મહાદેવજી અહીં બિરાજમાન છે. રોજે દરિયો મહાદેવજીને પોતાના પાણીમાં સમાવી લે છે અને દરીયાના પાણીથી શિવજીને જળાભિષેક કરાવે છે. અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પાણીમાં ચાલીને મંદિરે દર્શન કરવા પહોંચે છે.
જો કે દરીયામાં ઓટ હોય ત્યારે જ તમે આ મંદિરે જઇ શકો છો. જે સમયે ભરતી હોય છે, તે સમયે તો મહાદેવજીની મૂર્તિના દર્શન પણ નથી થતાં, બસ ઉપર લહેરાતી ધજા અને તેનો સ્તંભ જ દેખાય છે. નિષ્કલંક મંદિરે શિવજીનાં પાંચ સ્વયંભૂ લિંગ છે.
ગળતેશ્વર મહાદેવ મંદિર, સરનાલ
ગુજરાતના ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્થ ળોમાંના ખેડા જિલ્લાીના ઠાસરા તાલુકાનું ગળતેશ્વરનું પણ ખુબ મહત્વ્ છે. તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થા ને આ ધાર્મિક સ્થેળ આવેલું છે. સુપ્રસિધ્ધે ડાકોરના ઠાકોરજીના ધામથી ૧૦ થી ૧૨ કિ.મી.ના અંતરે આવેલા આ ગળતેશ્વર મહાદેવ ખાતે દર વર્ષે લાખો ભાવિક ભક્તો અને પર્યટકો આવતા હોય છે. અનેક વખત અધુરા રહેલા શિખરને પૂર્ણ કરવાના અથાક પ્રયત્નોય થયા હોવા છતાં હાલ આ મંદિર શિખર વગરનું જોવા મળે છે.
કેટલાક ઇતિહાસકારો મુજબ મહમદ ગજની જ્યારે સોમનાથ મંદિર લૂંટીને પાછો ફરતો હતો ત્યારે આ મંદિરનો અમુક ભાગ તોડી નાખ્યો હતો. બીજી એક લોકવાયકા મુજબ ભગવાન ભોળાનાથ પોતે આ મંદિરનું નિર્માણ કરવા માટે રાત્રે આવ્યા હતા. મંદિર બનાવવામાં તેઓ એટલા વ્યસ્ત હતા કે સવારનું ભાન જ ન રહ્યું, સવાર પડી ગઇ પરંતુ મંદિર અધૂરું રહી ગયું. કોઈ જોઈ ના જાય તેવા ડરથી તેઓ મંદિરને અધૂરું છોડી જતાં રહ્યાં.
ગંગેશ્વર મહાદેવનું મંદિર, દીવ
દીવનાં ફુદમ પાસે પ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયા પાંચ પાંડવોએ પાંચ શિવલીંગની સ્થાપના કરી હોવાનું મનાય છે. આ પાંચ શિવલીંગને સમુદ્રદેવ દરરોજ જલાભિષેક કરે છે. આ મંદિર પાંચ હજાર વર્ષ પૌરાણીક હોવાનું માનવામાં આવે છે.