શિવરાત્રી એટલે ભોળાનાથની ભક્તિનો દિવસ. દરેક હિન્દુના હ્રદયમાં ભગવાન શંકર વિરાજમાન છે એટલે તો દર વર્ષે કાશ્મીરમાં અમરનાથની યાત્રાએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જાય છે. ગુજરાતમાંથી પણ લાખો લોકોએ અત્યાર સુધીમાં અમરનાથના દર્શન કર્યા છે. દેશ-વિદેશના કરોડો હિન્દુઓને ભોળાનાથ પર અપાર શ્રધ્ધા છે. જો કે અમરનાથની યાત્રા ઘણી કઠીન છે, પરંતુ જે લોકો કાશ્મીરમાં અમરનાથ ધામ જઇ શકતા નથી તેમના માટે ગુજરાતમાં પણ એક મીની અમરનાથ ધામ છે.
જો તમે કોઇ યાત્રા-પ્રવાસ પર જાઓ તો સામાન્ય મુશ્કેલીઓ તો આવતી જ હશે. અને તમે તેનો સામનો જરૂર કર્યો હશે. સામાન્ય રીતે યાત્રાની કઠણાઇઓને થોડાક સમય પછી આપણે ભુલી જઇએ છીએ. પરંતુ ગાંધીનગર પાસેના અમરનાથ ધામના ટ્રસ્ટી દિપક પટેલ કંઇક જુદી જ માટીના બનેલા છે. પોતાના બેન-બનેવીને કાશ્મીરના અમરનાથમાં પડેલી મુશ્કેલીઓ કોઇ અન્યને ન પડે તે માટે તેમણે ગાંધીનગરના આંગણે જ એક બીજુ અમરનાથધામ ઉભુ કરી દીધું.
કાશ્મીરથી બાબા બર્ફાનીને લાવ્યા ગુજરાત
વ્યવસાયે બિલ્ડર અને ગાંધીનગરના અમરનાથ ધામના મુખ્ય ટ્રસ્ટી દિપક પટેલ જણાવે છે કે મારા બેન-બનેવી વર્ષો પહેલા જ્યારે બાબા અમરનાથના દર્શને ગયા ત્યારે આતંકવાદી હુમલામાં તેમની સાથેના માણસો મોતને ભેટ્યા હતા. અમરનાથ યાત્રા આમેય એક કઠીન યાત્રા છે વળી આવા આતંકવાદી હુમલાનો ખતરો હંમેશા રહેતો હોય છે. ત્યારે મારી માતાને વિચાર આવ્યો કે ગુજરાતમાં આવું મંદિર બનવું જોઇએ. આમ માતા-પિતાના આર્શીવાદથી 18 વર્ષ પહેલા આ તિર્થસ્થાનનો પાયો નંખાયો.
દિપક પટેલ વધુમાં જણાવે છે કે ગાંધીનગર નજીક નેર્સગિક વાતાવરણમાં મંદિર બનાવવાનો વિચાર મારા પિતાજી મહર્ષિ પ્રહલાદ પટેલને આવ્યો. અમે એક વિશ્વકલ્યાણ ટ્રસ્ટ બનાવ્યું છે જેમાં મારા ભાઇ દિનેશ પટેલનું પણ મહત્વનું યોગદાન છે.
આધુનિક ટેકનીકથી બન્યું છે અમરનાથ ધામ
વિશ્વકલ્યાણ સંસ્થા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી દિપક પટેલના જણાવ્યા અનુસાર ગાંધીનગર-મહુડી રોડ પર અમરાપુર ખાતે આવેલું અમરનાથ ધામ વર્લ્ડની બેસ્ટ એવી રોક ટેકનીકથી બનાવાયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશથી 200 પ્રકારના પથ્થરો લાવીને એકપણ ઇંટનો ઉપયોગ કર્યા વગર આ મંદિરને તૈયાર કરવામાં આવ્યું છે. અહીં -13 ડિગ્રી સેન્ટિગ્રેડમાં વર્ષના 365 દિવસ શિવલિંગ ટકી રહે છે. અહીં પંચધાતુના શિવલિંગ છે. મંદિર ફરતે 12 ગુફામાં 12 જ્યોર્તિલિંગના દર્શન કરી શકાય છે.
અમરનાથ ધામમાં આવી છે સુવિધા
અહીં હાઇટેક એક્ઝિબિશન પણ આવેલું છે જેનું ઉદ્ઘાટન હાલના પીએમ અને પૂર્વ સીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. હાઇટેક પ્રદર્શનીના ચાર ખંડમાં હિન્દુધર્મ, સંસ્કૃતિ, વિજ્ઞાનની માહિતી આપવામાં આવી છે. 51 પ્રશ્નોની વૈજ્ઞાનિક રીતે સમજ આપવામાં આવી છે. કૃષ્ણદર્શનમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જે ગીતા જ્ઞાન આપ્યું તે રોબોટિક રીતે દર્શાવાયું છે. આ પ્રદર્શનને યૂનોએ પણ એવોર્ડ આપ્યો છે.
નીકળે છે કાવડયાત્રા
અમરાપુરના આ અમરનાથ ધામમાં દર વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કાવડયાત્રા નીકળે છે આ કાવડિયાઓ ખુલ્લા પગે ઓઢવના પંચદેવ મંદિરેથી નીકળીને કાવડ લઇને અમરનાથ ધામની 55 કિલોમીટરની યાત્રા કરે છે. કાવડયાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે 600 દિવાની આરતી પણ કરવામાં આવે છે.
બનશે સુપરચાઇલ્ડ યૂનિવર્સિટી
અમરનાથ ધામના મુખ્ય ટ્રસ્ટી દિપક પટેલે જણાવ્યું કે અમરનાથ ધામના સ્થળે અમે એક સુપરચાઇલ્ડ યૂનિવર્સિટી બનાવવાનું વિચારી રહ્યા છીએ. જ્યારે કોઇ પતિ-પત્ની બાળકનું પ્લાનિંગ કરી રહ્યા હોય ત્યારે તેઓ આ યૂનિવર્સિટીમાં આવશે જેને સાઇકોલોજીકલ ટ્રિટમેન્ટ આપવામાં આવશે. અભિમન્યૂને જેમ છ કોઠાનું જ્ઞાન ગર્ભમાં મળેલું તેમ અહીં પણ મહિલનાને ગર્ભધારણ દરમ્યાન અને બાળકના જન્મપછી યૂનિવર્સિટીમાં જ્ઞાનનો લાભ લેવાની તક મળશે.
ક્યાં છે અમરનાથ ધામ
રોડ દ્ધારાઃ અમદાવાદથી 50 કિલોમીટર અને ગાંધીનગરથી 24 કિલોમીટર દૂર અમરાપુર ગામમાં આવેલું છે મીની અમરનાથ ધામ. અમરનાથ ધામ જવા માટે તમારે અમદાવાદથી એસ.જી.હાઇવે પર ગાંધીનગર જવું પડશે. ગાંધીનગરથી મહુડી તરફના રોડ પર ગ્રામભારતી ચાર રસ્તા આવે છે, જ્યાંથી જમણી તરફ ટર્ન લઇને અમરાપુર ગામમાં જઇ શકાય છે. જો ખાનગી વાહનમાં અમરનાથ ધામ જવું હોય તો અમદાવાદથી માત્ર એક કલાક અને ગાંધીનગરથી અડધો કલાકમાં પહોંચી શકાય છે. જો બસમાં જવું હોય તો ગાંધીનગર કે અમદાવાદથી મહુડી-વિજાપુરની બસમાં બેસીને ગ્રામભારતી ઉતરી જવાનું અને અહીં શટલ રીક્ષામાં અમરનાથ ધામ જઇ શકાશે.
ટ્રેન દ્ધારાઃ ગુજરાતના અન્ય ભાગમાંથી આવો છો તો અમદાવાદ કે ગાંધીનગર રેલવે સ્ટેશન ઉતરી જવાનું. ત્યાર બાદ ખાનગી વાહન કે સરકારી બસમાં અમરનાથ ધામ જઇ શકાય. ગાંધીનગરમાં પથિકાશ્રમ બસ સ્ટેશનેથી બસ મળી જાય છે તો અમદાવાદમાં ગીતા મંદિરથી બસ મળી જશે.
વિમાન દ્ધારાઃ નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. અમદાવાદથી અમરનાથ ધામ જવા બસ કે પ્રાઇવેટ વાહન મળી રહે છે.
નજીકમાં જોવાલાયક સ્થળો
અમરનાથ ધામથી સૌથી નજીક મહુડી જૈન તીર્થ છે. અહીં ઘંટાકર્ણ મહાવીર ભગવાનનું ભવ્ય મંદિર છે. ભક્તો અહીં સુખડીનો પ્રસાદ ધરાવે છે. મહુડી મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અહીં રહેવા અને જમવાની વ્યવસ્થા છે.
અક્ષરધામ, ગાંધીનગર
ગાંધીનગરનું અક્ષરધામ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્ધારા સંચાલિત છે. અહીં ભગવાન સ્વામિનારાયણની વિરાટ પ્રતિમાની સાથે સાથે પ્રદર્શની પણ છે. આ પ્રદર્શનીમાં ભગવાન સ્વામિનારાયણની જીવનગાથાનું વર્ણન કરવાની સાથે જ વ્યસન મુક્તિનો સંદેશો પણ આપવામાં આવ્યો છે. સ્વામિનારાયણ મંદિરમાં એન્જોય કરવા માટે વિવિધ રાઇડ્સ પણ છે આ ઉપરાંત અહીંની ખીચડીનો પ્રસાદ ખાવા જેવો છે. ખીચડી ખાવા તો સ્થાનિકો પણ મોટી સંખ્યામાં આવે છે. BAPS સ્વામિનારાયણ મંદિરની ખ્યાતિ દેશ-વિદેશમાં છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ