રાફ્ટિંગ માટે ઋષિકેશ જઈ રહ્યા છો? મારી આ મૂર્ખામીમાંથી જરુર શીખ લેશો

Tripoto

જોવા જઈએ તો ઋષિકેશમાં બધું જ છે. યોગ આશ્રમ, મંદિર, ગંગા મૈયા, કુદરતી સુંદરતા, ટ્રેકિંગ જેવા એડવેન્ચર સ્પોર્ટ્સ, રાફ્ટિંગ, કેમ્પિંગ જેવા વોટર સ્પોર્ટ્સ.

એટલે જ અહીં પરિવાર, નવપરિણિત યુગલ, વિદેશી પ્રવાસીઓ, સાધુઓ, બધા જ જોવા મળશે. મિત્રોના ગ્રુપ્સ પણ ખરા!

દિલ્હીથી નજીક હોવાને કારણે અહીં ઘણા દિલ્હી ચંડીગઢના કોર્પોરેટ જગતના યુવાનો વીકએન્ડ પિકનિક મનાવવા આવે છે. તે સિવાય પણ દેશનાં અન્ય રાજયોમાંથી પણ આ શહેરની મુલાકાત લેનારા અનેક લોકો છે.

Photo of Rishikesh, Uttarakhand, India by Jhelum Kaushal

એક દિવસ હું અને મારા મિત્રો ઋષિકેશ ગયા. અમે સૌ સડકમાર્ગે ગયા હતા. રેલમાર્ગે સૌથી નજીકનું રેલવે સ્ટેશન હરદ્વાર છે અને સૌથી નજીકનું એરપોર્ટ દહેરાદૂન છે. સડકમાર્ગે જનારા લોકોને રસ્તામાં દહેરાદૂન અને હરદ્વારમાં હોલ્ટ લઈને તે સ્થળો ફરવાની તક મળે છે. જયપુરથી ઋષિકેશ ૧૧ કલાકની મુસાફરી બાદ અમે હોટેલમાં ગાડી પાર્ક કરીને સૂઈ ગયા. બીજા દિવસે થોડો હળવો નાસ્તો કરીને સીધા અમે રાફ્ટિંગની ઓફિસે પહોંચ્યા.

રાફ્ટિંગ માટે ઘણી બધી કંપનીઓ જોવા મળશે. સૌનો દર આમ તો નક્કી જ હોય છે પણ જો તમે ગ્રુપમાં હશો તો ભાવતાલ કરીને ડિસ્કાઉન્ટ કરાવી શકશો.

ઋષિકેશમાં રાફ્ટિંગ વિષે જાણકારી

જે જગ્યાએ નદી મોટી ચટ્ટાનો સાથે અથડાઇને ઉપર-નીચે વહે છે તેને રેપિડ કહેવાય છે. તે ઘણા જ ખતરનાક હોય છે અને તેના સ્તરને પાંચ ભાગમાં વહેચવામાં આવ્યા છે:

ગ્રેડ 1: આ રેપિડ ઘણો સરળતાથી પાર પડી શકાય છે. નદીની ધરા અહીં સમતલ જ રહે છે. આ ગ્રેડના ઋષિકેશમાં 4 રેપિડ છે: બ્લેક મની, સ્વીટ સિકસટીન, ગુડ મોર્નિંગ, બોડી સર્ફિંગ.

ગ્રેડ 2: પહેલા કરતાં થોડા અઘરા. ઋષિકેશમાં આ ગ્રેડના 5 રેપિડ છે: ક્લબ હાઉસ, એનીશીએશન, ડબલ ટ્રબલ, હિલ્ટન, ટર્મિનેટર.

Photo of રાફ્ટિંગ માટે ઋષિકેશ જઈ રહ્યા છો? મારી આ મૂર્ખામીમાંથી જરુર શીખ લેશો by Jhelum Kaushal

ગ્રેડ 3: રેપિડ ઘણી કસોટી કરે છે. જો તમને રાફટ ચલાવતા નથી આવડતું અને તમારી સાથે કોઈ કુશળ ખેલૈયો નથી તો રાફટ પલટી જવાની પૂરી સંભાવના છે. ઋષિકેશમાં ત્રીજા ગ્રેડના છ રેપિડ છે: શિવપુરી રેપિડ, થ્રી બ્લાઇન્ડ માઇસ, ક્રોસ ફાયર, રોલર કોસ્ટર, ગોલ્ફ કોર્સ, રિટર્ન ટૂ સેન્ડર.

ગ્રેડ 4: તમારી સાથે ગમે તેવા એક્સપર્ટ હશે તો પણ રાફટ જરુર પલટી જશે. બે રેપિડ: ડેનિયલ્સ ડીપ, ગ્રેટ વોલ.

ગ્રેડ 5: આ રેપિડથી તો ભગવાન બચાવે! જો તમારી રાફટ પલટી તો ચટ્ટાનો સાથે અથડાઇને તમારા હાડકાં તૂટી જશે. ગંગા તમને ખેચી જશે અને તમારી લાશ પણ માંડ મળશે.

આ બધું જ સમજાવતા ત્યાં બોર્ડઝ પણ મુકવામાં આવ્યા છે પણ મારા ગ્રુપે તેમ છતાંય મૂર્ખામી કરી.

ઋષિકેશમાં રાફ્ટિંગ માટેનું અંતર પણ લગભગ નક્કી જ છે. બ્રહ્મપૂરીથી ઋષિકેશનું એક કિમીની અંતર એક-દોઢ કલાકમાં કાપવામાં આવે છે. શિવપુરીથી ઋષિકેશ 16 કિમીનું અંતર છે જે કાપતા 3 કલાક થાય છે. મરીન ડ્રાઈવથી ઋષિકેશ 27 કિમી 5 કલાકમાં અને કોડીયાલાથી ઋષિકેશ 36 કિમીનું અંતર કાપવામાં આવે છે.

અમારો સૌથી ખતરનાક અનુભવ

રેપિડના વિવિધ ગ્રેડ જાણ્યા પછી મેં 1 કિમીનું રાફ્ટિંગ કરવાનું જ વિચાર્યું. પણ દરેક ગ્રુપમાં કોઈને કોઈ તો અખતરા કરવામાં માહેર હોય જ. અને એની સામે પોતાને મર્દ સાબિત કરવા બધા જ હાએ હા કરે.

ગંગા વિષે મારું વાંચન ઘણું સારું છે અને પાણીની ક્ષમતા ગજબની હોય છે એ હું બરાબર સમજું છું. મારા ગ્રુપમાં સૌએ 36 કિમીનું રાફ્ટિંગ કરવાનું નક્કી કર્યું જેની મેં પ્રેમથી ના પાડી. મારા મિત્રો જિપમાં બેસીને આ રાફ્ટિંગ કરવા કોડીયાલા ગયા અને મેં બધા આશ્રમોની મુલાકાત લીધી. પાછા આવીને એ લોકોએ જે અનુભવ વર્ણવ્યો એ સાંભળીને હું ધ્રુજી ઉઠ્યો.

મિત્રોએ જણાવ્યું કે કોડીયાલાથી શરુ થતાં રફટિંગમાં સૌ ઉત્સાહભેર લાઈફ જેકેટ પહેરીને ગોઠવાઈ ગયા. રાફટમાં તમારી સાથે એક અનુભવી માર્ગદર્શક બેસે છે જે તમને રાફ્ટિંગ વિષે માહિતગાર કરે છે. સલામતી માટે પાછળ અન્ય બે લોકો હોય છે. જો રાફટ પલટી જાય તો સૌને બચાવવા આ લોકો મદદ કરે છે.

મારા મિત્રો એટલા મૂર્ખ કે એક તો એમણે સૌથી અઘરો રાફટ પસંદ કર્યો અને ઉપરથી દારૂની બોટલ્સ લઈને ગયા હતા. ઋષિકેશમાં આલ્કોહોલ પ્રતિબંધિત છે. વળી, જે એડવેન્ચરમાં તમારું સંપૂર્ણ ધ્યાન હોવું જરૂરી હોય તેમાં નશો કરીને બેસવાની મૂર્ખામી કોણ કરે!? એ લોકોએ રાફટ શરુ થતાં પહેલા જ બધી બોટલ્સ પૂરી કરી અને નશામાં ચૂર હાલતમાં રાફટમાં ગોઠવાયાં.

Photo of રાફ્ટિંગ માટે ઋષિકેશ જઈ રહ્યા છો? મારી આ મૂર્ખામીમાંથી જરુર શીખ લેશો by Jhelum Kaushal

કોડીયાલાથી ઋષિકેશના રસ્તામાં કુલ 13 રેપિડ આવે છે. શરૂઆતના અમુક રેપિડ પાર કર્યા પછી રાફટ જેવી ‘ધ વોલ’ નામના રેપિડ પર પહોંચી કે તે પલટી મારી ગઈ. બધા સાથીઓ આમ તેમ ફેકાઇ ગયા. ત્રણ લોકોને તો પાછળ રહેલા મદદનીશોએ બચાવી લીધા પણ ચોથાની કોઈ જ ખબર નહોતી. આ એ જ હતો જેણે સૌને 36 કિમી લાંબો રુટ પસંદ કરવા તૈયાર કર્યા હતા અને સૌને દારૂ પણ પીવડાવ્યો હતો. ત્રણેયને કિનારે પહોંચાડીને મદદનીશો ફરીથી રાફટ લઈને પાણીમાં ગયા અને ચોથા સાથીને શોધવા લાગ્યા. રાફ્ટિંગમાં ઘણાનું મોત પણ થઈ ચૂક્યું છે એટલે એ લોકો કદાચ અમારા મિત્રની લાશ જ શોધી રહ્યા હતા.

સાડા ચાર કિમી રાફટ ચલાવ્યા બાદ તેમને દૂર અન્ય એક રાફટ ઊભેલી દેખાઈ જેમાં બેસેલું ગ્રુપ સિટી વગાડીને કોઈને બોલાવવા પ્રયત્ન કરી રહ્યું હતું. આ લોકો ત્યાં ગયા અને અમારા મિત્રને ઓળખી ગયા. લાઈફ જેક્ટના કારણે એ ડૂબ્યો નહોતો અને બેભાન થઈ જવાને કારણે એના મોઢામાં વધુ પડતું પાણી પણ નહોતું ગયું. એ એટલી હદે ગભરાઈ ગયો હતો કે એણે આગળ મુકામ સુધી પહોંચવા રાફ્ટિંગ કરવાની ધસીને ના પાડી દીધી, ટેક્સીમાં એને ઋષિકેશ લાવવામાં આવ્યો. બાકીનાં ત્રણ પણ ધીમે ધીમે રાફ્ટિંગ કરીને ઋષિકેશ પહોંચી ગયા. ચોથો સાથી આખા રસ્તે એક પણ શબ્દ બોલી ન શક્યો.

પાણીમાં ગજબની તાકાત હોય છે. કુદરત સામે ક્યારેય દોઢ ડાહ્યા ન થવું જોઈએ. કુદરતની લપડાક અમને સૌને બરાબર સમજાઈ ગઈ.

તમારી સાથે એવું કશું બન્યું છે જેથી લોકોએ બોધ લેવો જોઈએ? કમેન્ટ્સમાં જણાવો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads