ઈતિહાસને વાંચવા કરતાં એને જોવાની, એને અનુભવવાની, એને જાણવાની અને એને આત્મસાત કરવાની મજા કઈ ઓરજ હોય છે. ગુજરાત અનેક સ્થાપત્યોનું ઘર છે. પોતાની જીવંત સંસ્કૃતિ, સમૃદ્ધ વારસો, પ્રાકૃતિક પરિદ્રશ્ય, સ્વાદિષ્ટ વ્યંજનો સિવાય ગુજરાત હેરિટેજ સ્થળો પણ ધરાવે છે. ગુજરાત કલા, ઇતિહાસ, સંગીત અને સંસ્કૃતિનું એક આદર્શ મિશ્રણ પ્રસ્તુત કરે છે. પોતાના આકર્ષણોના કારણે ગુજરાતને The Land Of Legends પણ કહેવામાં આવે છે. વેકેશન કે તહેવારોમાં ગુજરાતીઓ મોટાભાગે દિવ, દમણના દરિયાકાંઠે, સોમનાથ કે દ્ધારકા જેવા મંદિરોમાં, આબુ કે સાપુતારા જેવા હિલ સ્ટેશને કે પછી સાસણગીરમાં સિંહ દર્શન કરવા જાય છે. પરંતુ આજે અમે તમને ગુજરાતના કેટલાક એવા હેરિટેજ પ્લેસિસ અંગે જણાવીશું જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ માત્ર દેશ જ નહીં વિદેશમાંથી પણ આવે છે. તો આવો જોઇએ કેટલાક ઐતિહાસિક સ્થાપત્યો વિશે.
સૂર્ય મંદિર, મોઢેરા
સૂર્યમંદિર તેની કોતરણી અને કળા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. મંદિરના ગર્ભગૃહ પાસે આવેલા શિલાલેખમાં ઇ.સ. 1027નો ઉલ્લેખ જોવા મળે છે. મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે. તો સૂર્ય મંદિરની મુલાકાતે ન માત્ર દેશ પરંતુ વિદેશથી પણ અનેક લોકો આવે છે. સૂર્યમંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશાએ નાનાં નાનાં કુલ 108 મંદિરો (દેરીઓ) આવેલાં છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાળાને લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે.
ક્યાં છે?
અમદાવાદથી મહેસાણા થઇને 99 કિલોમીટર, કડી થઇને જાઓ તો 94 કિલોમીટર દૂર છે. લગભગ બે કલાક જેટલો સમય લાગે છે.
લક્ષ્મી વિલાસ પેલેસ
લક્ષ્મી વિલાસ પેલેસ ભારતની સૌથી રાજસી સંરચનાઓમાંની એક છે. આ પેલેસ ગુજરાતમાં ફરવાની સૌથી સારી જગ્યાઓમાંની એક છે. લક્ષ્મી વિલાસ પેલેસ મહારાજ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું નિવાસસ્થાન હતું. આ મહેલ લગભગ 700 એકરમાં ફેલાયેલો છે અને હજુ પણ વડોદરાના ગાયકવાડના શાહી પરિવારનું ઘર છે. અહીં મહેલની પાસે સ્થિત લીલાછમ બગીચા આ જગ્યાને વધારે આકર્ષક બનાવે છે. અહીં આવનારા પર્યટક બગીચામાં મોર અને વાંદરાઓની હાજરી અનુભવાય છે.
અહીં મેદાનમાં 10 હોલ ગોલ્ફ કોર્સ પણ સામેલ છે. એક તળાવ છે જેમાં મગર પણ જોવા મળે છે. આ મહેલનું નિર્માણ 1890માં થયું હતું અને તેના પૂરા થવામાં લગભગ 12 વર્ષનો સમય લાગ્યો હતો. તે સમયે આ મહેલ 1.80 લાખ પાઉન્ડમાં બન્યો હતો.
ક્યાં છે?
અમદાવાદથી લક્ષ્મી વિલાસ પેલેસ 112 કિલોમીટર દૂર વડોદરામાં આવેલો છે. એક્સપ્રેસ હાઇ-વે થઇને જશો તો જલદી પહોંચી જશો.
રાણ કી વાવ, પાટણ
આ વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી. પાછળથી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા. વાવ પર કાંપ ફરી વળ્યો હતો. છેક 1980માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણીકામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું. રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે. અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે.
અહીં સાત ઝરુખાઓમાં આઠસોથી પણ વધુ સુશોભિત શિલ્પો છે. મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે. ભગવાના વિષ્ણુના બુદ્ધ સહિતના દશ અવતારો. આ અવતારો સાથે સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ છે. પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરેલા જુઓ છો. જેમાં વિષ્ણુ હજાર ફેણવાળા શેષનાગ પર આડા પડયા છે. એવું કહેવાય છે, અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે.
ક્યાં છે?
અમદાવાદથી લગભગ 128 કિલોમીટર દૂર પાટણમાં છે આ વાવ. અહીં પહોંચતા લગભગ અઢી કલાક થશે. અમદાવાદ મહેસાણા, ચાણસ્મા થઇને જઇ શકાય છે.
ધોળાવીરા
ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. ધોળાવીરાની શોધનો શ્રેય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના જે પી જોશીને જાય છે, પણ તેનું મોટા પાયે ખોદકામ ૧૯૯૦-૯૧માં ડો. આર કે વિષ્ટના નેતૃત્વમાં થયું હતું. મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલું છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઇએ તો ધોળાવીરા પૂર્વથી પશ્ચિમમાં ૭૭૫ મીટર અને ઉત્તરથી દક્ષિણ ૬૦૦ મીટરમાં ફેલાયેલું હતું તેવા અવશેષો પ્રાપ્ત થયા છે.
ક્યાં છે?
ધોળાવીરા કચ્છમાં આવેલું છે. અમદાવાદથી લગભગ 360 કિલોમીટર દૂર આવેલું છે. રાપર થઇને જઇ શકાય છે.
અડાલજની વાવ
અડાલજની વાવનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થાય છે. અડાલજની વાવનું સ્થાપત્ય ગુજરાતની અન્ય વાવની સરખામણીમાં અનેક રીતે અલગ તરી આવે છે, આ વાવમાં પ્રવેશદ્વાર માટે ત્રણ દિશાઓમાંથી ઉતરતા પગથિયાઓ છે, જે તમામ પહેલા માળે મળે છે. એટલું જ નહીં વાવમાં જેમ જેમ નીચે ઉતરતા જઈએ તેમ વાવની અંદરનું તાપમાન ઠંડુ થતું જાય છે. વાવની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં 6 ડિગ્રી ઓછું જણાય છે. વાવની ઠંડક, અદ્ભુત નયનરમ્ય કોતરણી અને દીવાલો પર કોતરેલા નવ ગ્રહના દેવતાઓની મૂર્તિઓ સવિશેષ ધ્યાનાકર્ષક છે. એવી માન્યતા છે કે વાવની ફરતે કોતરાયેલા આ નવગ્રહના દેવતાઓ વાવને સંરક્ષણ આપે છે. રાણી રૂડાબાઈ સાથે લગ્ન કરવા માટેની શરત રૂપે મેહમુદ બેગડા દ્વારા બનાવવામાં આવેલ હોવાથી આ વાવને રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાવમાં વિદેશી પ્રવાસીઓ, આર્કિટેકટના વિદ્યાર્થીઓ, ફોટોગ્રાફરો સંશોધન કાર્ય અને ફોટોશૂટ માટે આવે છે.
ક્યાં છે?
અમદાવાદથી લગભગ 18 કિલોમીટર દૂર છે. એસ.જી.હાઇવેથી અડાલજ સર્કલ થઇને જમણી બાજુ વળી જવું. અડાલજ ગામમાં આ વાવ આવેલી છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ