કોઇ ગુજરાતી જ્યારે બહાદુરીનું કામ કરે ત્યારે ફેમિલી અને ફ્રેન્ડ્સ તરત જ કહેશે આ તો 'ગુજરાતનો સાવજ' છે અને તેનાથી પણ આગળ વધીને જો તે સૌરાષ્ટ્રનો વતની છે તો તુ 'સૌરાષ્ટ્રનો સાવજ' છે એમ જરુર કહેશે. ગુજરાતની વાત નીકળે અને સિંહની વાત ન થાય તેવું બને જ નહીં, ગુજરાતીઓ માટે તો સાસણગીરનો સિંહ એ વીરતા, માન-સન્માનનું પ્રતિક છે અને આજ સિંહને નજીકથી જોવાની લાલસા મને સાસણગીર સુધી લઇ ગઇ.
સાસણગીરનું જંગલ લગભગ 1412 ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે અને છેલ્લી વસતી ગણતરી મુજબ અહીં 523 જેટલા સિંહોનો વાસ છે. સિંહોની વસતી વધવાની સાથે તેનો વિસ્તાર પણ વધ્યો છે. જુનાગઢથી સાથે અમરેલી જિલ્લામાં પણ મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ છે એટલે જ ગુજરાત સરકારે સાસણના દેવળિયા પાર્કની જેમ અમરેલીમાં આંબરડી નેશનલ પાર્ક બનાવ્યો છે. આ તો થયો પાર્કનો ટૂંકો પરિચય. મેં અને મારી ફેમિલીએ મારો જન્મદિવસ જે નવેમ્બરમાં આવતો હતો તેને સાસણગીરમાં સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું. સાસણગીર જવાનો મુખ્ય ઉદ્દેશ સિંહ દર્શનનો હોવાથી અમે સરકારી વેબસાઇટ https://girlion.gujarat.gov.in પરથી સાસણગીર લાયન સફારી માટે બુકિંગ કરાવ્યું.
સિંહ દર્શન માટે આટલો ખર્ચ થાય
હવે તમને સાસણગીર સફારીના ઓનલાઇન બુકિંગના ચાર્જ વિશે જણાવી દઇએ તો સોમથી શુક્ર માટે 6 વ્યક્તિ સુધી બુકિંગ ચાર્જ 800 રુપિયા અને 3 થી 12 વર્ષના એક બાળકનો ચાર્જ 100 રુપિયા થાય છે. વીકેન્ડ્સ અને જાહેર રજા કે તહેવારોમાં બુકિંગ ચાર્જ પુખ્તવયના માટે 1000 રુપિયા અને બાળક માટે 125 રુપિયા થશે. એક જીપ સફારીમાં કુલ છ વ્યક્તિ અને એક બાળકને મંજૂરી આપવામાં આવી છે. આ પરમિટમાં ગાઇડ કે જીપ્સીના ચાર્જનો સમાવેશ થતો નથી. અમે જે હોટલમાં રોકાયા હતા તે હોટલમાંથી જ અમે જીપ સફારીનું બુકિંગ કરાવ્યું હતું. છ વ્યક્તિની એક જીપ સફારીના 3400 રુપિયા થયા હતા. અત્યારે 3800થી 4800ની વચ્ચે ભાવ ચાલી રહ્યા છે. ગાઇડના 100થી 200 રુપિયા અને કેમેરા ચાર્જ 100 રુપિયા થાય છે. સિંહ દર્શન સવારે 6 થી 9, 9 થી 12, 12 થી 3 અને 3 થી 6 વાગ્યા સુધી થાય છે.
અમદાવાદથી યાત્રાની શરુઆત
અમદાવાદથી સાસણગીર જવાના બે રસ્તા છે. એક રસ્તો અમરેલીથી ધારી થઇને સાસણગીર જવાય છે જ્યારે બીજો રસ્તો અમદાવાદથી જુનાગઢ વાયા મેંદરડાનો રસ્તો છે. અમરેલીનો રસ્તો થોડોક ટૂંકો છે પરંતુ સિંગલ રોડ છે જ્યારે અમદાવાદથી જુનાગઢ સુધી એચ-47 ફોર લેન હાઇવે છે અને હવે તો રાજકોટ સુધી સિક્સલેન બની રહ્યો છે. આ રસ્તે 20 કિલોમીટર વધી જાય છે પરંતુ રસ્તો સારો હોવાથી ઝડપથી પહોંચી જવાય છે. અમદાવાદથી અમરેલીના રસ્તે 342 કિલોમીટર જ્યારે વાયા જુનાગઢના રસ્તે 370 કિલોમીટર થશે. મોટાભાગના હોટલ રિસોર્ટ મેંદરડાના રસ્તે આવતા હોવાથી આ રસ્તો જવા માટે સારો છે.
સાવજ રિસોર્ટ
અમે સાવજ રિસોર્ટમાં બુકિંગ કરાવ્યું હતું. અમદાવાદથી વહેલી સવારે 4 વાગે પોતાની કાર લઇને નીકળ્યા અને સાવજ રિસોર્ટ પહોંચતા લગભગ 9 કલાક લાગ્યા. જુનાગઢ હાઇવે એટલો સારો છે કે તમે રાતે પણ નીકળી શકો છો. રસ્તામાં રાજકોટ અને ગોંડલમાં ચા-નાસ્તા માટેનો બ્રેક કરીને અમે બપોરે લગભગ 1 વાગે સાવજ રિસોર્ટ પહોંચ્યા. સાવજ રિસોર્ટની વાત કરીએ તો રિસોર્ટનું લોકેશન અદ્બુત છે. સાસણગીર સફારી પાર્કથી ફક્ત બે કિલોમીટર દૂર છે. રિસોર્ટને અડીને જ હિરણ નદી પર બાંધવામાં આવેલો ચેકડેમ છે. જુની રેલવે લાઇન છે. રિસોર્ટમાંથી તમે નદીમાં મગરને તરતા જોઇ શકો છો.
નદીની આસપાસ હરણ, નીલગાય, સાબરને જોઇ શકાય છે તો ક્યારેક સાવજના દર્શન પણ થઇ જાય છે. રિસોર્ટની અંદર કેસર કેરીનું આંબાવાડિયું છે. અહીં સ્ટાન્ડર્ડ રૂમ, ડિલક્સ, સુપર ડિલક્સ રૂમ, લક્ઝરી કોટેજ, સુપર ડિલક્સ લક્ઝરી કોટેજ, ડિલક્સ કોટેજ, ફેમિલી સ્ટુડિયો વગેરે છે. સાવજ રિસોર્ટમાં પંજાબી, કાઠીયાવાડી, ચાઇનીઝ એમ દરેક પ્રકારનું ફૂડ મળે છે. મારો બર્થ-ડે હોવાથી હોસ્ટ વિજયભાઇએ મારુ બુકે અને વેલકમ ડ્રિંકથી સ્વાગત કર્યું.
સિંહ દર્શન
ગીર સફારી પાર્ક માટે જીપ્સીનું બુકિંગ હોટલમાંથી જ થઇ ગયું. અમે સિંહદર્શન માટે સવારે 9 થી 12 વાગ્યાનો સમય નક્કી કર્યો. બરાબર નવ વાગ્યે અમે જીપ સફારી માટે તૈયાર થઇ ગયા. હોટલમાં રોકાયેલા અન્ય એક ફેમિલીએ સવારે 6 થી 9 વાગ્યાનું બુકિંગ કરાવ્યું હતું. તેથી તેઓ જે જીપ્સીમાં ગીર દર્શન કરીને આવ્યા તેમાં જ અમારે જવાનું હતું.
બરોબર 9 વાગે તેઓ હોટલના પાર્કિંગ એરિયામાં આવ્યા. અમે તેમને આતુરતાથી પૂછ્યું કે શું તેઓને સિંહના દર્શન થયાં ? પરંતુ તેમના જવાબથી અમને નિરાશા જ મળી. તેમને સિંહ તો જોવા ન મળ્યો પરંતુ તેમણે એમ પણ કહ્યું કે બપોર પછીના સમયમાં જ સિંહ વધારે જોવા મળે છે. આટલે દૂર આવ્યા પછી પણ અમારે સિંહ જોયા વિના ખાલી હાથ પાછા જવું પડશે એ વિચારે નિરાશા સાંપડી. હવે નસીબમાં હશે તો સિંહ જોવા મળશે એમ વિચારીને જીપ્સીમાં લાયન સફારી પાર્કના ચેક પોઇન્ટ તરફ જવા રવાના થયા. હોટલથી ફોરેસ્ટ એન્ટ્રી ગેટ માંડ એકાદ કિલોમીટર જ દૂર હતો. જંગલમાં પ્રવેશ કરતાની સાથે જ ગાઇડ પાસેથી જંગલ વિસ્તાર, તેમાં વસતા પશુ-પંખી અને પ્રાણીઓ, જંગલમાં વર્ષોથી રહેતા માલધારીઓ વિશે જાણ્યું. ગામડાના લોકો કેવી રીતે સિંહોને પ્રેમ કરે છે અને કોઇ શિકારી આ વિસ્તારમાં ફરકી પણ શકતો નથી તે ગાઇડે અને વિસ્તારથી જણાવ્યું.
જંગલમાં કાચા રસ્તેથી જીપ્સી પસાર થઇ રહી હતી. મોર, સાપ, હરણ વગેરે જોવા મળ્યા પરંતુ દિપડો કે સિંહ હજુ સુધી જોવા મળ્યો નહોતો. અઢીથી ત્રણ કલાકના જંગલ દર્શનમાં હવે છેલ્લા અડધા કલાકનો સમય જ બાકી રહ્યો હતો અને અમને થયું કે હવે સિંહ જોવાની આશા છોડી દેવી જોઇએ. પરંતુ અમે જોયું કે અમારા નસીબના દરવાજા ખુલી ગયા હતા. એક સાથે ચાર સિંહ અલગ અલગ ઝાડ નીચે શાંતિથી બેઠા હતા. નજીકમાં ફોરેસ્ટના માણસો પણ હતા. આ રીતે અમારી સિંહ જોવાની ઇચ્છા પૂરી થઇ.
બીજા દિવસે જુનાગઢમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ, વાઘ, દિપડા સહિતના પ્રાણીઓ જોઇને અમદાવાદ તરફ પાછા ફર્યા. અનેક લોકો દર વર્ષે સાસણગીર ફરવા જાય છે પરંતુ નસીબમાં હોય તો જ સિંહ જોવા મળે છે. અમે અમારી જાતને લકી માનીએ છીએ કે અમને એક નહીં પરંતુ ચાર સિંહના એક સાથે દર્શન થયા.