ઊંચાઈથી ડરો છો? આ રીતે અમે પહોંચ્યા વિશ્વના સૌથી ઊંચા રોડ પર

Tripoto

૨૮.૦૫.૨૦૧૯

મારી અને મારી મમ્મી માટે એક સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો દિવસ.

Photo of ઊંચાઈથી ડરો છો? આ રીતે અમે પહોંચ્યા વિશ્વના સૌથી ઊંચા રોડ પર 1/2 by Jhelum Kaushal

હું મારા મમ્મી પપ્પા સાથે લગભગ દર બે વર્ષે ફરવા ગઈ છું. પ્રવાસ બધા જ એકદમ આનંદમય અને યાદગાર જ રહ્યા હોય, પણ દરેક પ્રવાસમાં મારી અને મારી મમ્મીની તબિયત અમુક કલાકો માટે તો અચૂકપણે બગડી હોય.

મમ્મીને અને મને ઉંચાઈ પર આવેલા સ્થળોએ મુસાફરી કરવામાં તકલીફ પડે છે. ઉંચાઈનો ડર સહેજ પણ નથી, પણ ચઢાણવાળા રસ્તે અમે બંને (થોડા ઘણા અંશે મારો ભાઈ પણ) સાવ ડલ થઈને જ બેઠા હોઈએ. વાંકાચૂકા રાસ્તાઓ હોય એટલે પેટ વલોવાયા કરે અને મોળ ચડે. કંઈક ખાઈએ પીએ તો વધુ મોળ ચડે એવું અમારા મનમાં ફિટ થઇ ગયેલું એટલે કંઈ જ નહિ લેવાનું. ઉલ્ટી થવાની બીકે પર્સમાં એવોમીનની કેટલીય ટીકડીઓ સાથે રાખી હોય.

દાર્જીલિંગમાં સૂર્યોદય વખતે કાંચનજંઘાનું શિખર જોવા લઈ જવામાં આવે છે, સવારે ૩.૩૦ વાગ્યામાં ઉઠ્યા તો ખરા, પણ ત્યાં પહોંચતા સુધીમાં પેટમાં ગડબડ થઈ ગઈ. કોડાઈકેનાલમાં રસ્તામાં ૩-૪ ઊલટીઓ થઈ હતી. અલબત્ત ભારતના કેટલાય હિલ-સ્ટેશન અમે આમ જ ફર્યા છીએ. કેમકે તકલીફ ખાલી મુસાફરી વખતે જ થાય, એક વાર મુકામ પર પહોંચી જઈએ એટલે અમે રાજા!

મને અઢી ત્રણ વર્ષની ઉંમરે મમ્મી પપ્પા તમિલનાડુ ફરવા લઈ ગયા હતા. ત્યારથી માંડીને હું ૨૫ વર્ષની થઈ ત્યાં સુધીમાં અમે ભારતનાં ૧૨-૧૫ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રવાસો કર્યા છે. મારા લગ્ન થાય તે પહેલા વર્ષ ૨૦૧૯માં એક પ્રવાસ કરવાનો હતો. છેલ્લા કેટલાય વર્ષોથી અમે દક્ષિણી રાજ્યોમાં જ ફરેલા એટલે ૨૦૧૯માં અમારે લદ્દાખ અથવા પૂર્વોત્તર પૈકી પસંદગી કરવાની હતી. ભાઈની પરીક્ષાને ધ્યાનમાં રાખતા મે એન્ડ સિવાય ફરવા જવાનું શક્ય નહોતું.

પૂર્વોત્તરમાં તે સમયે ચોમાસુ બેસી જાય એટલે વધ્યો એક જ ઓપશન- ધી હેવન- લદ્દાખ. મને, ભાઈને અને પપ્પાને અતિશય હોંશ હતી લદ્દાખ જવાની પણ મમ્મીને ડર હતો. સીધી સાદી હાઈટનો પ્રવાસ પણ માફક ન આવતો હોય એમાં આટલી બધી ઉંચાઈ પર આવેલા પ્રદેશમાં બીક લાગે જ, સમજી શકાય. થોડી ઘણી બીક તો મને પણ હતી પણ બીક કરતા વધારે ઉત્સાહ હતો.

Photo of ઊંચાઈથી ડરો છો? આ રીતે અમે પહોંચ્યા વિશ્વના સૌથી ઊંચા રોડ પર 2/2 by Jhelum Kaushal

અને અમે લદ્દાખ ગયા. પહેલા દિવસે ત્યાંના વાતાવરણમાં સેટ થવા દવા આપી એ લીધી. એ પછી એક પણ દિવસ કોઈ જ દવા કે ઓક્સિજન કીટની જરૂર ન પડી (એટ લિસ્ટ અમને જરૂર ન પડી). અમારા ડ્રાઈવર ભાઈએ કીધું હતું કે ઉંચાઈ પર ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય એટલે સતત પાણી પીધા કરવું, એ વાતનું આખા પ્રવાસ દરમિયાન અમે પૂરેપૂરું પાલન કર્યું. પ્રવાસનાં અંતે અમને લાગ્યું કે લદ્દાખ ફરવા માટે 'સતત પાણી પીવું' એ એક સુવર્ણ સલાહ છે, કેમકે તેના લીધે ખરેખર શ્વાસની સહેજ પણ તકલીફ નથી પડતી.

પ્રવાસના ત્રીજા દિવસે લેહથી નુબ્રા વેલી જવાનું હતું, વાયા ખરદુંગલા. ખરદુંગલા પાસ, વિશ્વનો સૌથી ઉંચો વાહનમાર્ગ. સવારના નીકળ્યા ત્યારે મનોમન ઈશ્વરને યાદ કર્યા હતા. 'કોઈ વાંધો ન આવે તો સારું!'

વિશ્વના સૌથી ઊંચા વાહનમાર્ગ ભણી અમે આગળ વધી રહ્યા હતા ત્યારે રસ્તામાં હિમવર્ષા થઈ. ડ્રાઈવર ભાઈએ સાઈડમાં ગાડી ઊભી રાખીને અમને બહાર નીકળીને સ્નોફોલ માણવાની સલાહ આપી. અમે ચારેયે એ અનુસર્યું પણ ખરું, અમારા જીવનમાં સ્નોફોલ એ એક અતિશય દુર્લભ ઘટના હતી. સ્નોફોલનો અનુભવ એ પણ એક અલગ જ રોમાંચ હતો.

બરફનો વરસાદ, હિમાચ્છાદિત પહાડો, અમારી જેવા કેટલાય પ્રવાસીઓ અને ભારતીય સેનાના કેટલાય જવાનો. થોડા થોડા અંતરે જવાનોનો ઉત્સાહ વધારવા આર્મીની વીરતા વર્ણવતા અને પર્યટકોને પર્યાવરણની જાળવણી કરવાની અપિલ કરતા લખાણો લખેલા હતા. એમાંનું એક કંઈક આવું હતું: "Your Adventure is Our Rutine."

Photo of Ladakh by Jhelum Kaushal
Photo of Ladakh by Jhelum Kaushal
Photo of Ladakh by Jhelum Kaushal

અને અમે પહોંચ્યા ખરદુંગલા પાસ! અદભુત, અવર્ણનીય, અદ્વિતીય! અમે બપોરે ૧૨.૩૦ આસપાસ તે પોઇન્ટ પર પહોંચ્યા અને પૂરો એક કલાક ત્યાં રોકાયા. અમારી ધારણાથી તદ્દન વિરુદ્ધ અમે આખો રસ્તો એન્જોય કર્યો. ૧૭,૮૫૨ ફીટ પર 'આ ક્ષણે આખા જગતમાં આપણે સૌથી વધુ ઊંચાઈએ ઊભા છીએ' એ અનુભવ વર્ણવવા મારી પાસે કોઈ શબ્દો નથી. એ ક્ષણ હું જીવનમાં ક્યારેય નહિ ભૂલું.

સફરમાં અમે કોઈ જ સહેજ પણ ડલ થયા વિના ખરદુંગલા પાસ પહોંચ્યા પણ ખરા અને એક કલાક રોકાયા પણ ખરા. ત્યાં આવેલા નાનકડા કાફેમાં મેગી પણ ખાધી, વિશ્વમાં સૌથી વધુ ઉંચાઈએ આવેલું કાફે. ડ્રાઈવર ભાઈએ કહ્યું કે અહીં મેક્સિમમ લોકો અડધો કલાક રોકાઈ શકે છે બાકી ઠંડી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી ઈચ્છા હોવા છતાં ઘણા નથી રોકાઈ શકતા. આ સાંભળીને અમે ચારેય ખૂબ ખુશ થયા.

મેં અને મમ્મીએ લગભગ એક પણ હિલ-સ્ટેશન સંપૂર્ણ સ્વસ્થ રહીને નથી જોયા, એવામાં વિશ્વનો સૌથી ઉંચો વાહનમાર્ગ અમે સંપૂર્ણપણે એન્જોય કર્યો એ અમારા માટે તો સિદ્ધિ જ કહેવાશે. કદાચ મારા જીવનની સૌથી રોમાંચક ક્ષણોમાંની એક!

સાડા સત્તર હજાર ફીટની ઉંચાઈએ આ ફોટો પડાવ્યા બાદ હું અતિશય એકસાઈટમેન્ટ સાથે બોલેલી, "To hell with Burj Khalifa, this is what you literally call Top of the World!"

ત્યાર પછી તો બીજા ચારેક કલાકનો પ્રવાસ કરીને અમે નુબ્રા વેલી પહોંચ્યા. ટચ વૂડ, કોઈ જ તકલીફ ન પડી. ચઢાણની મુસાફરી સાથે છત્રીસનો આંકડો ધરાવતા અમે આ રીતે વિશ્વનાં સૌથી ઊંચા વાહનમાર્ગનો પ્રવાસ કર્યો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Further Reads