એવું કહેવાય છે કે જીવનસાથી પસંદ કરતાં પહેલા તેની સાથે કોઈ પ્રવાસ કરવો જોઈએ. મારા મિત્ર સાથે મારું સગપણ થયું તે પહેલા અમે બંનેએ પણ ક્યાંક જવાનું વિચાર્યું. હજુ લગ્ન તો દૂર, સગપણ પણ નહોતું થયું એટલે બંનેએ એકલા જવાનો તો પ્રશ્ન જ અસ્થાને હતો. આથી અમે બંનેએ અમદાવાદની જ એક ગ્રુપ ટ્રેકિંગ સંસ્થા મારફતે જાન્યુઆરી 2018માં જેસલમેર ડેઝર્ટ ટ્રેકિંગ પર જવા વિચાર્યું. ખિસ્સાને પરવડે અને એડવેન્ચર પણ કરાવે એવો ટ્રેક. 30 લોકોનું ગ્રુપ એક બસમાં રાત્રે અમદાવાદથી નીકળીને બીજે દિવસે સવારે જેસલમેર પહોંચ્યું અને અમારો યાદગાર પ્રવાસ શરૂ થયો.
દિવસ 1:
પહેલા દિવસે અમને જેસલમેર શહેરની ભાગોળે આવેલી કોઈ રેસ્ટોરાંમાં ફ્રેશ થવા લઈ જવામાં આવ્યા. ફ્રેશ થઈને અમારી સવારી પહોંચી કુલધારા ગામે. રાજસ્થાનના હોન્ટેડ સ્થળોમાંનું એક એવું આ ગામ સદીઓથી ખંડેર અવસ્થામાં છે. પલેવાલ બ્રાહ્મણોનું એ ગામ હતું, ત્યાંની કોઈ દીકરી પર કોઈએ નજર બગાડી હતી અને આખા ગામને રાતોરાત હિજરત કરવાની ફરજ પડી હતી. એવું કહેવાય છે કે ત્યાંનાં લોકોનો આત્મા હજુયે આ ગામમાં ભટકે છે એવું માનવામાં આવે છે તેથી રાતના સમયે કોઈ આ ગામની મુલાકાત નથી લેતું.
સાંજ સુધીમાં અમે પ્રસિધ્ધ સેમ સેન્ડ ડયુમસ ગયા અને સનસેટ માણ્યો. અમે બંને રણપ્રદેશમાં પહેલી વાર સૂર્યાસ્ત નિહાળી રહ્યા હતા. જાણે કશુંક નવું જિવાઈ રહ્યું હતું! ત્યાર પછી અમે કેમ્પ પહોંચ્યા જ્યાં અમારે આગામી 3 દિવસ રાત્રિ રોકાણ કરવાનું હતું. ભાઈઓ અને બહેનોનાં અલગ ટેન્ટસ હતા. હારબંધ થ્રી શેરિંગ ટેંટ્સમાં અમે બને એટલા એકબીજાથી નજીકના ટેંટ્સમાં રહ્યા. રાત્રે ટેંટ્સ પાસે સૌએ કેમ્પ ફાયરની મજા માણી.
દિવસ 2
ટ્રેકિંગની ખરી શરૂઆત આ દિવસથી થઈ. અમને 7 વાગે એક્સરસાઈઝ માટે હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. જે લોકો મોડા આવ્યા તેમને પુશઅપ્સ કે ઊઠબેસની સજા પણ કરવામાં આવી. મારો સાથી તો 30 મિનિટ પહેલા જ મારા ટેન્ટની બહારથી અવાજ કરીને મને જગાડી ગયો હતો. હું સમજી ગઈ હતી કે આ બહુ જ સમયસૂચકતા ધરાવતો વ્યક્તિ છે. અમારે કોઈ નેશનલ ડેઝર્ટ પાર્કમાં જવાનું હતું. ચાલતા જવાનું હતું એટલે ઠંડીના સમયમાં પણ ત્યાં ખુલ્લા મેદાનમાં ઘણો જ તડકો લાગતો હતો. તે સ્થળે અમે ઘણાં વન્ય પ્રાણીઓ વિષે માહિતી મેળવી.
રાત્રે આખા ગ્રૂપને રાજસ્થાની સંસ્કૃતિની શાન એવા લોકનૃત્યની ઝાંખી બતાવવા કોઈ ટ્રેડિશનલ જગ્યાએ લઈ ગયા જ્યાં તાપણા ફરતે સૌ ગોઠવાયાં અને રાજસ્થાની નૃત્ય નિહાળ્યું. જ્યારે અમને સૌને નાચગાન કરવા છૂટ આપવામાં આવી ત્યારે સૌએ ગરબા શરૂ કર્યા. તે સમયે મને જાણવા મળ્યું કે જે વ્યક્તિ સાથે મારું સગપણ થવાનું હતું એને સહેજ પણ ગરબા કરતાં નથી આવડતું.
દિવસ 3
સવારે એક્સરસાઈઝ કરીને તૈયાર થયા બાદ રણમાં ટ્રેકિંગ કરીને એક ટેકરી પર આવેલા કોઈ મંદિરની મુલાકાત લીધી. આ ઘણો જ લાંબો ટ્રેક હતો. રેતીમાં ચાલી ચાલીને પગ ભરાઈ જતાં હતા. પણ મારા પાર્ટનરે મને સતત પ્રોત્સાહન આપ્યા કર્યું. હું થકી ગઈ હતી પણ એ એનર્જેટિક હતો. એના મોટીવેશન થકી હું આ ટ્રેક પછી પણ 100 દાદરા ચડીને ટેકરી પર આવેલા મંદિરે જઈ શકી.
પાછા ફરતા કેમલ રાઈડ કરવાની હતી. હવે પ્રોત્સાહન આપવાનો મારો વારો હતો. એ વેરાવળ-સોમનાથમાં જનમ્યો હોવા છતાંય વિશાળ રણમાં ઊંટ પર સવારી કરતાં એને ખૂબ બીક લાગી રહી હતી. સાંજે કેમ્પ પાસે બધા ખૂબ રમત રમ્યા. રાત્રે જેસલમેર પહોંચ્યા, રાત્રિ રોકાણ ત્યાંની કોઈ હોટેલમાં હતું. બહેનોને ઘણાં સારા રૂમ હતા, ભાઈઓનો ઉતારો તો ડોરમેટરીમાં હતો. ઘણો જ રોમાંચક દિવસ રહ્યો.
દિવસ 4
જેસલમેર સિટી ટૂર. બપોર સુધી સૌને પોતપોતાની રીતે ફરવાનું હતું. ઉતારાની આસપાસ ચાલતાં ચાલતા જ ગોલ્ડન સિટીની ઝલક જોઈ, શહેરમાં સરોવર, હવેલી, જેવી જગ્યાઓની મુલાકાત લીધી. અમારી બંનેની એકબીજા સાથેની પહેલી ટૂરની યાદગીરી રૂપે રાજસ્થાની પોશાકમાં ફોટો પણ પડાવ્યો. બપોરે 12 વાગ્યા આસપાસ સૌ પોતપોતાનો સમાન લઈને બસમાં ગોઠવાયાં અને છેલ્લો પોઈન્ટ એવા જેસલમેર વોર મ્યુઝિયમ ગયા. દેશનાં વીર સૈનિકોને શ્રધ્ધાંજલિ આપતું આ એક ભવ્ય મ્યુઝિયમ છે. સાંજે ત્યાંથી ફરીથી બસમાં બેઠા અને અમદાવાદ ભણી આગળ વધ્યા.
સાદું જમવાનું, વાસણ જાતે સાફ કરવાના, ટેન્ટમાં પથારી કરવાની કે ઓઢવાનું સંકેલવાનું, અફાટ રણમાં નાનો-મોટો સામાન લઈને કેટલુંય ચાલવાનું... ઘણી યાદગાર, ઘણી રોમાંચક ક્ષણોનો આ ટ્રેક સાક્ષી બન્યો હતો. કોઈ પણ નવા-સવા કપલ માટે આવી નાની-મોટી ઘટનાઓ પણ ખૂબ જ મહત્વની હોય છે.
આ ટ્રેકિંગ પછી એપ્રિલ 2018 માં અમારું વેવિશાળ થયું અને જાન્યુઆરી 2020 માં લગ્ન. આજે અમારા લગ્નને એક વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે, હવે તો ઘણી સારી હોટેલ્સમાં રોકાણ કરી શકીએ છીએ પણ બેચલર્સ તરીકે 30 લોકોનાં ગ્રુપ સાથે ટ્રેકિંગમાં જવું અને ટેન્ટમાં રોકાવું એ બધું હજુ પણ એટલા જ ઉત્સાહભેર યાદ કરી છીએ.
.