1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતમાં અનેક બીચ ફરવાલાયક છે. ગુજરાતને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દીવના બીચ પણ ઘણાં પોપ્યુલર છે. લોકો પણ આવા બીચ પર જવાનું વધારે પસંદ કરે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના બે સમુદ્રકિનારા લોકોની આંખે ચડ્યા છે. આ બે બીચ એટલે દ્ધારકાનો શિવરાજપુર અને બીજો પોરબંદરનો માધવપુર બીચ. માધવપુર બીચ વિશે આપણે અલગથી એક આર્ટિકલ લખ્યો છે પરંતુ આજે આપણે વાત કરીશું શિવરાજપુર બીચ વિશે.
શિવરાજપુર બીચ કેમ ચર્ચામાં છે?
થોડાક સમય પહેલા ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને ચાર ચાંદ લગાવતું એક ગૌરવ મળ્યું. આ ગૌરવ એટલે દ્વારકાના શિવરાજપુર બીચને પ્રાપ્ત થયેલું પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન.
ભારતના 8 બીચને એકસાથે આ સન્માન મળ્યું. આ બીચમાં શિવરાજપુર (દ્વારકા), ઘોઘલા(દીવ), કાસરકોડ અને પડુબિદરી (કર્ણાટક), કપ્પડ(કેરળ), ઋષિકોંડા(આંધ્રપ્રદેશ), ગોલ્ડન બીચ (પૂરી, ઓડિશા) અને રાધાનગર (અંદામાન નિકોબાર)નો સમાવેશ થાય છે.
શું છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન?
બ્લુ ફ્લેગ દુનિયાના સૌથી ચોખ્ખા બીચમાંથી એક હોય છે. આ માટે 33 અલગ અલગ માપદંડ બનાવવામાં આવ્યા છે જેમાં પર્યાવરણ, ન્હાવાના પાણીની ગુણવત્તા, સુરક્ષા, સેવાઓ વગેરેની ગુણવત્તા નક્કી કરીને રેટિંગ આપવામાં આવે છે. આ સર્ટિફિકેશન ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ‘ફાઉન્ડેશન ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશન’ દ્વારા આપવામાં આવે છે.
શિવરાજપુર બીચની ખાસિયતો
રુકમણી મંદિરથી ફક્ત 15 મિનિટના અંતરે નયનરમ્ય એવો શિવરાજપુર બીચ આવેલો છે. અહી એક સુંદર દીવાદાંડી અને પથરાળ દરિયાકિનારો છે. અહીંની શ્વેત, સોનેરી રેતી અને નિર્મળ કાચ જેવુ ચોખ્ખુ પાણી પ્રવાસીઓને લટાર મારવા માટે મજબૂર કરે છે. પરિવાર સાથે મુલાકાત લેવાનું આ એક આદર્શ સ્થળ છે. આ બીચ ઉદ્યોગો અને શહેરથી એટલો દુર આવેલો છે કે અહીનું પર્યાવરણ ખૂબ ચોખ્ખું છે.
શિવરાજપુર બીચની વિશેષતા એ છે કે આખા ગુજરાતમાં આ એકમાત્ર બીચ એવો છે જેમાં દિવ્યાંગ વ્યક્તિ પણ બીચમાં ન્હાવાનો આનંદ માણી શકે છે. આના માટે પાર્કિંગ એરિયાથી બીચ સુધી પાથ-વે છે, જે બાથિંગ એરિયા સુધી કનેક્ટ કરવામાં આવ્યો છે. અહીં ફ્લોટિંગ ચેર પણ મૂકવામાં આવી છે. બ્લુ ફ્લેગના 33 ક્રાઇટેરિયામાંથી આ મહત્વનો ક્રાઇટેરિયા છે. અહીં ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલાર પ્લાન્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ છે. જેમાં ભીની શેવાળને ભેગી કરવામાં આવે છે ત્યારબાદ તેને સુકવીને મશીનમાં નાંખીને કુદરતી ખાતર બનાવવામાં આવે છે. જેને અહીં જમીન પર પાથરીને સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યો છે. શિવરાજપુરની સુંદરતા જોઇને તરતા આવડતુ હોય કે ન આવડતુ હોય, એકવાર તેમાં ડુબકી મારવાનું મન તો થઇ જાય છે. તમારે અહીં બાથિંગ એરિયામાં જ ન્હાવાનું છે. સાથે સ્વિમિંગ કોશ્ચ્યુમ જરુર રાખજો. બીચ પર કપડા બદલવા માટે ચેન્જિંગ રૂમ છે. આ ઉપરાંત ચોખ્ખા પાણીથી સ્નાન કરવા માટે શાવર રુમ છે. પીવાના પાણીની સુવિધા છે. ચિલ્ડ્રન પ્લે એરિયા અને ફિટનેસ સેન્ટર પણ છે. દરિયાની નજીક સ્કૂબા ડાઇવિંગ પણ કરી શકાય છે.
ક્યાં આવેલો છે શિવરાજપુર બીચ?
દ્ધારકાથી મીઠાપુરની વચ્ચે 13 કિલોમીટર દૂર છે આ બીચ. જ્યારે મેઇન રોડથી 2 કિ.મી. અંદરની બાજુએ છે. દ્ધારકાથી અહીં જવું હોય તો પ્રાઇવેટ વાહનમાં 23 મિનિટ થશે.
કેવી રીતે જવાય?
રોડ દ્ધારાઃ અમદાવાદથી 450 કિલોમીટર દૂર છે શિવરાજપુર બીચ. અમદાવાદથી રાજકોટ, જામનગર થઇને દ્ધારકા જઇ શકાય છે. દ્ધારકાથી શિવરાજપુર 13 કિલોમીટર દૂર છે. બસમાં જવું હોય તો દ્ધારકા માટે અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોથી બસની સુવિધા છે. રાજકોટથી શિવરાજપુર બીચ 237 કિલોમીટર દૂર છે. જામનગરથી દ્ધારકા 131 કિ.મી. દૂર છે.
રેલવે દ્ધારાઃ દ્ધારકા રેલવે સ્ટેશન છે. બ્રોડગેજ લાઇન હોવાથી અમદાવાદ, રાજકોટ, જામનગરથી ટ્રેન મળી રહે છે. દેશના મુખ્ય શહેરો સાથે આ ધાર્મિક સ્થળ રેલવે સાથે જોડાયેલું છે.
વિમાન દ્ધારાઃ નજીકનું ડોમેસ્ટિક એરપોર્ટ જામનગર છે જે દ્ધારકાથી 137 કિલોમીટર દૂર છે. જામનગરથી દ્ધારકા જવા માટે અનેક સરકારી અને પ્રાઇવેટ બસો તેમજ ખાનગી કાર મળી રહે છે.
ક્યાં રોકાશો?
શિવરાજપુર બીચ દ્ધારકાથી નજીક હોવાથી તમારે દ્ધારકામાં રોકાવું પડશે. દ્ધારકા એક લોકપ્રિય ધાર્મિક સ્થળ હોવાથી બારેમાસ પ્રવાસીઓનો ધસારો અહીં રહે છે પરિણામે દ્ધારકામાં ધર્મશાળા, ગેસ્ટહાઉસથી માંડીને અનેક હોટલ્સ અને રિસોર્ટ્સ આવેલા છે. બજેટથી માંડીને લક્ઝુરિયસ રિસોર્ટ્સની પસંદગી તમે કરી શકો છો. મંદિરની નજીક 500 રૂપિયામાં ધર્મશાળા મળી રહેશે.
નજીકના જોવાલાયક સ્થળો
પ્રાચીન દ્ધારકાધીશ મંદિર
દ્વારકામાં દ્વારકાધીશનું મુખ્ય મંદિર આવેલું છે. જે જગતમંદિર તરીકે ઓળખાય છે. આ ભવ્ય મંદિર ૫ માળનું છે. તથા સુંદર કોતરણીથી સુશોભિત છે. આ મંદિરમાં કુલ ૬૦ સ્તંભ છે. જેમાં પ્રવેશ કરવા માટે સ્વર્ગ દ્વાર અને બહાર નીકળવા માટે મોક્ષ દ્વારની વિશેષ સંરચના છે.
બેટ દ્વારકા:
બેટ દ્વારકાની યાત્રા વગર દ્વારકાની યાત્રા અધૂરી ગણાય છે. બેટ દ્વારકા જ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી. બેટ દ્વારકામાં પાંચ મોટા મોટા મહેલ છે. પ્રથમ મહેલ શ્રી કૃષ્ણનો છે જે સૌથી ભવ્ય છે. તેની ઉત્તરે રુક્મિણી તથા રાધા મહેલ જ્યારે દક્ષિણે સત્યભામા અને જામ્બવતીના મહેલ આવેલા છે. આ પાંચેય મહેલ અત્યંત સુંદર છે.
રુકમણી મંદિર
કૃષ્ણની પ્રિય પત્ની, રૂકમણી દેવીને સમર્પિત આ એક મહત્વનું મંદિર છે. વૈભવી ન હોવા છતાં આ મંદિર પોતે એક આર્કિટેક્ચરલ માસ્ટરપીસ છે. રુકમણી અને કૃષ્ણને દર્શાવતા 12મી સદીમાં બનાવેલા પેઇન્ટિંગ, દિવાલો પરની ગુઢ કોતરણીમાં તમે ખોવાઇ જશો.
નોંધઃ કોરોનાકાળ ચાલતો હોવાથી મંદિરની મુલાકાતે જતા પહેલા ફોન કરીને મંદિર ચાલુ છે કે બંધ, સમયમાં કોઇ ફેરફાર થયો હોય તો જાણી લેવું. આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સિંગ તેમજ સ્થાનિક સત્તાવાળાઓ દ્ધારા બનાવેલા નિયમોનું પાલન કરવું જરુરી છે.