દિલ્હીની આ છોકરી શહેરી ઝિંદગીને અલવિદા કરી હવે પહાડોમાં ચલાવે છે કાફે

Tripoto
Photo of દિલ્હીની આ છોકરી શહેરી ઝિંદગીને અલવિદા કરી હવે પહાડોમાં ચલાવે છે કાફે 1/1 by Paurav Joshi

કામકાજમાંથી રિટાયર થઇને શાંત પહાડોમાં પ્રકૃતિની સાથે રહેવાનું કોને પસંદ નથી? શહેરની ચમકથી દૂર પહાડોમાં જઇને વસવાટ કરવા અંગે તો લોકો ફક્ત સ્વપ્નમાં જ વિચારી શકે છે. પરંતુ દિલ્હીની આ છોકરીએ પોતાના આ સ્વપ્નને હકીકતમાં બદલી નાંખ્યું છે.

આ સ્ટોરી છે નિત્યા બુધરાજાના ઉત્સાહ અને મહેનતની!

નિત્યા બુધરાજા, જે દિલ્હીની એક ઇવેન્ટ કંપનીમાં કામ કરતી હતી, હવે ઉત્તરાખંડના પહાડોમાં વસેલા એક નાનકડા પ્રાંત સાત તાલમાં જઇને વસી ગઇ છે. તે અહીં એક કેફે અને કૉટેજ પણ ચલાવે છે. નિત્યાએ પોતાના પિતાની યાદમાં કૉટેજનું નામ નવીન્સ ગ્લેન રાખ્યું છે તો કેફેને પોતાની માતાનું નામ આપ્યું છે 'બાબ્સ કેફે'

એટલું જ નહીં, નિત્યા અને તેમના પરિવારે આ જ પ્રાંતની એક સરકારી સ્કૂલને સંભાળવાની જવાબદારી ઉઠાવી છે. કેફે અને કૉટેજ ચલાવીને તે સાત તાલના લોકોને રોજગારી તો આપી જ રહી છે આ ઉપરાંત આ વિસ્તારમાં તેમણે 7000થી પણ વધુ વૃક્ષો પણ વાવ્યા છે.

ચોંકી ગયા? આવો શહેરી ભીડભાડથી દૂર જઇને પહાડોમાં વસનારી નિત્યા અંગે જાણીએ

સાત તાલમાં વસનારી નિત્યા એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી હતી. નિત્યા જણાવે છે કે 4 કલાકની ઇવેન્ટ પછી ઇવેન્ટની સજાવટ સાથે સંબંધિત એટલો કચરો જમા થઇ જતો હતો કે માણસને જોઇને ચક્કર આવી જાય. આ કચરો વર્ષો સુધી ન તો ઓગાળી શકાતો હતો ન કોઇ કામમાં આવતો હતો. પર્યાવરણ પર થતા આ અત્યાચારને નિત્યા વધારે સમય સુધી સહન ન કરી શકી અને તેમણે તે ઇવેન્ટ કંપનીની શાનદાર નોકરી છોડી દીધી.

કુદરતની સાથે લગાવ હોવાથી નિત્યા દિલ્હીની એક એવી સ્ટાર્ટઅપ કંપનીમાં કામ કરવા લાગી જે લોકોને હિમાલયના વિસ્તારમાં ટ્રેકિંગ માટે લઇ જતી હતી. કામ દરમિયાન ફરતા ફરતા સુંદર દ્રશ્યો જોઇને નિત્યાને પહાડો પ્રત્યે પ્રેમ થઇ ગયો. પરંતુ પૈસાની કમીના કારણે આ ટ્રેકિંગ કંપની પણ જલદી બંધ થઇ ગઇ અને આ સમયગાળા દરમિયાન નિત્યાને લિતિ (ઉત્તરાખંડ)માં એક સીઝનલ પ્રોપર્ટીના દેખરેખનું કામ મળી ગયું. આ પ્રોપર્ટીના વિસ્તારમાં પાણીની તંગી હતી, વીજળી અને ટેલિફોન કનેક્શન નહોતા અને અહીં સુધી આવનારા રસ્તા પણ ખરાબ હાલતમાં હતા. છ મહિના સુધી અહીં કામ કરીને નિત્યા એ સમજી ગઇ કે તે શહેરથી દૂર પહાડી વિસ્તારમાં ઘણાં આરામથી રહી શકે છે.

જીવનના અજબ વળાંકે નિત્યાને આપ્યુ નવું લક્ષ્ય

નિત્યાની ઝિંદગીના બીજા મુકામમાં તેમણે કસાર દેવીમાં નંદા દેવી હેન્ડલૂમ કો-ઓપરેટિવમાં કામ કર્યું, જ્યાં 200 ગ્રામીણ મહિલાઓ કામ કરી રહી હતી.

જીવન ઠીકઠાક ચાલી રહ્યું હતું કે અચાનક નિત્યાના જીવનમાં વાવાઝોડું આવી ગયું. અચાનક નિત્યાના પિતા ગુજરી ગયા. તેને રાતો-રાત કામ છોડીને સાત તાલ જવું પડ્યું. ઘણાં વર્ષો પહેલા તેમના પિતાએ સાત તાલમાં જે થોડીક જમીનો ખરીદી હતી, નિત્યાની મા અને તે, ત્યાં જ રહેવા લાગ્યા. સાત તાલ સાથે જોડાયેલી યાદોના કારણે તેમની માતા પાછી દિલ્હી જવા નહોતી માંગતી, એટલે નિત્યા પણ ત્યાં જ રહેવા લાગી.

ગુજરાન ચલાવવા માટે કંઇક તો કરવુ જ હતું, પરંતુ નિત્યા પર્યાવરણને કોઇ નુકસાન પહોંચાડવા નહોતી માંગતી. નિત્યાના પિતાએ આ વિસ્તારમાં કેટલાક કૉટેજ બનાવ્યા હતા, જેમાં તેમણે સોલાર પેનલથી વીજળી અને રેન વોટર હાર્વેસ્ટિંગથી પાણીની સુવિધા કરી હતી. નિત્યાએ દોઢ મહિના સુધી આ જ કૉટેજોના સુધારા અને સજાવટનું કામ કર્યું. સાત તાલના આ વિસ્તારમાં પાણીની ઘણી જ કમી હતી. આ વિસ્તારમાં રહેલા દેવદારના ઝાડ જમીનનું ઘણું પાણી ચૂસી લેતા હતા એટલા માટે નિત્યા અને તેમની માતા ત્રણ વર્ષ દરમિયાન દેવદારની જગ્યાએ 7000 બલૂતના ઝાડ લગાવ્યા. તે આ પ્રકારના ઝાડ લગાવવા માંગતા હતા જે અહીંના જળવાયુ અને વાતાવરણના અનુકૂળ હોય.

બે વર્ષ પહેલા નિત્યાના કેટલાક દોસ્ત ભીમતાલ ફરવા આવ્યા હતા, અને તેમને રોકાવાની જગ્યા જોઇતી હતી. તેમણે નિત્યાના કૉટેજમાં રહેવાની ભલામણ કરી હતી. ત્યારથી આ કૉટેજના દરવાજા બધા પ્રકારના પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યા.

આજે આ કૉટેજમાં લીલા મટર, સલાડ પત્તા અને લસણ ઉગાડવામાં આવે છે. કૉટેજની સાથે બનેલા કેફેમાં બનનારા વ્યંજનોમાં અહીં ઉગાડવામાં આવેલી ચીજો કામમાં લેવામાં આવે છે. કૉટેજની દેખરેખ માટે નિત્યા ગામના જ લગભગ 50 લોકોને રોજગારી પણ આપી રહી છે.

એટલું જ નહીં, ભવિષ્યમાં દેવદારના ઝાડમાંથી પડનારી સોયમાંથી પણ નિત્યા આ વિસ્તારમાં રોજગારી પૂરી પાડવા માંગે છે. 

નિત્યાનું માનવું છે કે છેલ્લા બે વર્ષોથી આ વિસ્તારમાં રહેતા અને સ્થાનિક લોકોને યોગદાન આપતા તેમને પહેલીવાર કામ કરતા શાંતિનો અનુભવ થઇ રહ્યો છે. લાલચને બાજુએ રાખી પોતાની આસપાસના લોકોને ખુશી તેમજ રોજગારી આપવા અને પ્રામાણિકતાથી પૈસા કમાવવા જેવી વસ્તુ બીજી કોઇ નથી.

આજે સાત તાલમાં બનાવેલા આ સુંદર કૉટેજને નિત્યા પોતાની માતા અને ભાઇની સાથે મળીને ચલાવે છે. નિત્યાના ચહેરાનું હાસ્ય જ તેમના દિલની લાગણીને વ્યક્ત કરે છે.

નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads