મુસાફરો માટે પોતાની યાત્રાનું શબ્દોમાં વર્ણન કરવું સૌથી મુશ્કેલ પરંતુ રોમાંચ કરનારુ કામ છે. આમ તો પ્રકૃતિની મહાનતાને શબ્દોમાં કેદ કરવાનું મુશ્કેલ છે પરંતુ સંજોગોવશાત જ્યારે પણ કોઇ મુસાફર પોતાની રોમાંચક કહાનીઓ સંભળાવવાનું શરુ કરે છે તો દુનિયામાં ક્યાંય પણ સાંભળનારાના રુંવાડા ઉભા થઇ જાય છે અને આશ્ચર્યથી આંખો પહોળી થઇ જાય છે.
મનાલી જવાનું મારા માટે પણ સંજોગની જ વાત હતી. મનાલીને જોઇને જાણે કે કોઇ કલાકારની ચિત્રકારી જોઇ રહ્યો હોઉં તેવું લાગી રહ્યું હતું અને એવું લાગતુ હતું કે જાણે કોઇ ચિત્ર મને એક પળમાં હજારો શબ્દો ન કહી રહ્યું હોય! તમે અહીંના લીલાછમ મેદાનો, ખીણોને સદીઓ સુધી નિહાળો છતાં તમારુ મન નથી ભરાતું, એટલું જ નહીં ક્યારેક એવું મન પણ થાય કે પોતાના પરિવાર માટે પહાડોના શિખરે એક નાનકડુ ઘર બનાવી દઇએ. મન કરે કે ચાંદી જેવી નદીની સ્વચ્છ ધારાના કિનારે પોતાના પ્રેમી સાથે હાથમાં હાથ નાખીને બસ ફર્યા જ કરીએ કે પછી કૉફીનો કપ હાથમાં લઇને બારીની બહાર બરફવર્ષાને નિહાળીએ. ધરતી પર એક સ્વર્ગ જેવી, પરંતુ ઘણાં ઓછા લોકો જાણતા હોય તેવી જગ્યા છે મનાલી.
ચારે બાજુ હિમાલયના મોટા મોટા શિખરોથી ઘેરાયેલું, વ્યાસ નદીના ખોળામાં ઉછરેલું અને લીલાછમ ઘાસના મેદાનોથી ઢંકાયેલુ મનાલી શહેર પોતાને ત્યાં આવતા સહેલાણીઓને હંમેશા પ્રભાવિત કરે છે, પછી ભલેને અગાઉ ગમે તેટલી વાર અહીં ફરીને કેમ ન આવ્યા હોય. બેકપેકર્સ અને સાહસિક ટ્રેકર્સમાં તો આ જગ્યા લોકપ્રિય છે જ પરંતુ મુખ્યત્વે અહીં હનીમૂન મનાવવા માટે નવવિવાહિત યુગલ મોટી સંખ્યામાં આવે છે. રોહતાંગ અને લદ્દાખ તરફ જતી રૉયલ એનફીલ્ડ મોટરસાયકલો તો અહીં રોકાય જ છે, સાથે જ આખી દુનિયાના પ્રવાસીઓ પણ દરેક ઋતુમાં મનાલીમાં રોકાવાનું પસંદ કરે છે.
જો કે મોટાભાગના મુસાફરો ઓલ્ડ મનાલીની પ્રાચીન સુંદરતાની નજીક રહે છે જે પોતાનામાં એક અનોખો અનુભવ છે, પરંતુ મેં અને મારા સાથી મિત્રોએ મુખ્ય સ્ટેન્ડની પાસે રોકાવા માટે હોટલની વ્યવસ્થા કરી હતી કારણ કે આ બધી જગ્યાઓ ખુબ નજીક છે. પરંતુ અમારી સ્ટોરી આ રીતે જ શરુ નથી થઇ. સ્ટોરીની શરુઆત થઇ બે લોકો અને તેમની યાત્રા યોજનાઓમાં આવેલા અચાનક પરિવર્તનથી.
અમારી યાત્રાની શરુઆત
વર્ષ 2013ની વાત છે જ્યારે હું ઘણી જ આતુરતાથી હિમાલય પર્વત શ્રેણીને ઉપરથી નીચે સુધી ખુંદી વળવા માંગતો હતો. અમે દરરોજ કોઇ ન કોઇ ફરવા લાયક જગ્યા શોધી લેતા હતા પરંતુ ત્યાંની મોંઘી હોટલ અને ખાવાનું જોઇને અપસેટ થઇ જતા હતા. છેવટે શિયાળાની રજાઓમાં સૌથી પહેલુ કામ મનાલી જવાની ટિકિટ બુક કરવાનું કર્યું અને બધુ બરોબર ગોઠવાઇ ગયું. આમ તો આ નિર્ણય અમે ઉતાવળે લીધો હતો પરંતુ ઉતાવળે લીધેલો આ નિર્ણય મારા જીવનમાં સૌથી સારા નિર્ણયોમાંનો એક સાબિત થયો. અમે દિલ્હીના કાશ્મીરી ગેટ બસ સ્ટેશનથી ગુરુવારની રાતે લગભગ 10:30 વાગે એક સેમી-સ્લીપર એસી વોલ્વો પકડી. શરુઆતની યાત્રામાં અમને થોડીક મુશ્કેલી થઇ કારણ કે દિલ્હીના રસ્તા પર ટ્રાફિક ઘણો અસ્ત વ્યસ્ત હતો પરંતુ એકવાર જ્યારે અમે રાજ્યની સીમાઓને પાર કરી લીધી, તો યાત્રા મખમલ જેવી આરામદાયક થઇ ગઇ.
હિમાચલની પહાડીઓનો પ્રથમવાર સામનો
ધન્યવાદ આપવા માંગીશ પહેલીવાર પોતાની ગાડીઓ લઇને હિમાચલના સાંકડા રસ્તા પર આવેલા ડ્રાઇવરો અને ખરબચડા રસ્તાનો, જેના કારણે બસ હાલકડોલક થવા લાગી અને મારુ માથુ બારીના કાંચ સાથે ટકરાયુ. આંખ ખુલી તો ઘડિયાળ તરફ જોયું, સવારે 5.05 વાગ્યા હતા. બારીની બહાર જોયું તો બસ એક ખાડા-ટેકરાવાળા રસ્તા પર ચાલી રહી હતી અને રસ્તાની બન્ને બાજુ ગાઢ જંગલો હતા. જંગલ એટલું ગાઢ હતું કે તેની પેલે પાર જોવાનું અસંભવ હતું. થોડાક જ સમયમાં પર્વતોની પાછળથી સૂર્યદેવતાનું આગમન થયું અને સાથે જ અમે પહોંચી ગયા સુંદર ખીણોમાં કે તેનું વર્ણન મોટાભાગે વાર્તામાં સાંભળ્યું હતું. જે પહેલું દ્રશ્ય મેં જોયું તેણે મારા મન પર આખી ઝિંદગી માટે અમીટ છાપ છોડી. આટલા મોટા પર્વતોને સાક્ષાત મારી સામે જોઇને તો મારી આંખો પહોળીને પહોળી જ રહી ગઇ. બસના એન્જિનના અવાજના કારણે બહારની શાંતિમાં વિક્ષેપ પડતો હતો. પક્ષીઓ કલરવ કરતાં પર્વતો પર મુક્તપણે ગોળ ગોળ ઉડી રહ્યા હતા. આ નવા ખુશનુમા માહોલમાં અમે અમારી સીટો સાથે જકડીને બેઠા હતા અને વિશાળ પર્વતોની વચ્ચેથી નીકળતી નદીના મુક્ત પ્રવાહને જોઇ રહ્યા હતા. નદીની ધારા પર્વતોની વચ્ચેથી સરસર વહી રહી હતી. અમે તો આનાથી પણ વધારે બીજા દ્રશ્યોની કલ્પના કરી રહ્યા હતા.
પળવારમાં જ અમે સુંદર ખીણો અને હરિયાળા મેદાનોથી ઘેરાઇ ગયા હતા. હવે સમય હતો પોતાનો કેમેરા કાઢવાનો અને આ સુંદરતાને ટેકનીકના માધ્યમથી પોતાની પાસે કેદ કરવાનો. જેમ જેમ અમે આગળ વધતા હતા તેમ તેમ રસ્તાનું ચઢાણ ઉંચુ જઇ રહ્યું હતુ જેને જોઇને ડર લાગી રહ્યો હતો. પરંતુ ચઢાણની સાથે જ પહાડોની સુંદરતા પણ વધતી જતી હતી. એક કલાકથી ઓછા સમયમાં જ અમે રાષ્ટ્રીય રાજમાર્ગ 21 પર આવતી ઔત ટનલના મોં પર પહોંચી ચૂક્યા હતા જેને હિમાલયના પર્વતોમાંથી કાપીને બનાવાઇ છે. પહાડો પરથી પડતા પાણીના પ્રવાહે ઘણા મુસાફરોને ઊંઘમાંથી જગાડ્યા હતા. ટનલમાંથી નીકળીને જેવા અમે કુલુ પહોંચ્યા તો દરેક જણ બસમાંથી ઉતરીને ખુલ્લી હવામાં શ્વાસ લેવા માંગતા હતા. પર્વતોની પાસે થોડાક આંટાફેરા મારી ચા પીને ભૂખ શાંત કરી ત્યારબાદ અમે અમારા મુખ્ય સ્થાન તરફ જવા માટે તૈયાર થઇ ગયા. અમારુ અંતિમ સ્થળ મનાલી હતું.
મનાલીની યાત્રા માટે તમારે કુલુ અને મનાલીની સાંકડી ગલીઓમાંથી પસાર થવું પડે છે. બસની છત આસપાસની દુકાનો અને ઘરોની છતની બરોબર આવી જ જાય છે ત્યારે તમને અચાનક તમારો આકાર વધીને દૈત્યાકાર જેવો લાગે છે, પરંતુ જેવા તમે મનાલી બસ સ્ટેન્ડ પહોંચી જાઓ છો તો બધુ પહેલાની જેમ જ થઇ જાય છે.
છેવટે અમે પહોંચી જ ગયા
લાંબી થકવી દેનારી બસની મુસાફરી પછી તમે કોઇ એવી જગ્યા ઇચ્છશો જ્યાં આરામથી બેસીને શરીરનો થાક ઉતારી શકાય. પરંતુ મનાલી પહોંચ્યા પછી તમે બિલકુલ ઉલટો અનુભવ કરશો. થાકના બદલે બસમાંથી પગ નીચે મૂક્યા પછી તમે એક અલગ જ ઉર્જા અનુભવશો. આટલી લાંબી યાત્રા કર્યા પછી પણ એવુ બની શકે કે તમે થોડીવારમાં જ આસપાસની જગ્યાએ ફરવા માટે કેબ બુક કરાવી લો.
તે પર્વત શ્રેણી જે ભારતીય ઉપમહાદ્ધીપને ભારતના ગંગા નદીની સાથે જોડાયેલા મેદાનોને અલગ કરે છે. તહેવારોનો સમય ચાલી રહ્યો હતો, સ્વાભાવિક છે કે રસ્તા પર ભીડ પણ ઘણી હતી. આ જ કારણે અમે મનાલી બપોરે સાડા બાર વાગે પહોંચ્યા. રૂમ તો અમે એડવાન્સમાં જ બુક કરાવી લીધો હતો જે હોટલ ચિચોગા હૉલિડે ઇનમાં હતો. હોટલ નજીક હોવાથી ઑટો લેવાના બદલે અમે અમારો પ્લાન બદલીને પગપાળા જવાનું જ ઉચિત સમજ્યા.
ધારો કે દૂર દૂર સુધી ગાઢ જંગલો ફેલાયેલા છે, પહોળા રસ્તા આગળ સુધી જઇ રહ્યા છે પરંતુ ધુમ્મસ હોવાથી દૂરનું દેખાતુ નથી, ઠંડી હવાઓની સાથે આકાશના વાદળો તરીને તમારી તરફ આવી રહ્યા છે, કાચા પાકા રસ્તા પર કારો હાલકડોલક થઇને ખીણમાં ક્યાંક અદ્રશ્ય થઇ રહી છે, વ્યાસ નદીનું કાચ જેવુ પાણી રસ્તાની સાથે જ વહી રહ્યું છે અને એક તરફ પક્ષીઓનો કલરવ. અદ્ભુત છે ને! અમને શું ખબર કે આનાથી પણ વધારે સારા દ્રશ્યો હજુ આવવાના છે.
પગથિયા પર પગ મૂક્યો, થાકના કારણે અમારુ મન કરી રહ્યું હતું કે ગાદલામાં ઘુસી જઇએ અને આખા અઠવાડિયાની યાત્રાનું પ્લાનિંગ કરી લઇએ. જેવા અમારા હોટલના મેનેજરે અમારા રુમની બાલ્કનીનો દરવાજો ખોલ્યો અમારી સામે મનાલીનું એટલું સુંદર દ્રશ્ય હતું કે અમારી હરવા ફરવાની બધી યોજનાઓ સાંજ સુધી સ્થગિત થઇ ગઇ.
ચિચોગા હૉલી ડે ઇન મનાલીમાં રોકાવા માટેની સૌથી સારી જગ્યાઓમાંની એક છે.
ચિચોગા હૉલી ડે ઇન
યાત્રાના કાર્યક્રમની વિગતો
પ્રથમ દિવસ
માલ રોડ
છેવટે અમે મનાલીમાં અમારી પહેલી કોફી પૂરી કરી જ લીધી અને સાંજે સાત વાગે માલ રોડ પર ફરવા માટે નીકળી પડ્યા. દશેરાની ઉજવણી ચાલી રહી હતી, તેથી બજારમાં ઘણાં પ્રવાસીઓ ફરી રહ્યા હતા. તો પણ અમે એકાંતમાં એક રેસ્ટોરન્ટ શોધી જ લીધું અને સાથે મળીને અહીંની ખાસિયત ટ્રાઉટ માછલીના સ્વાદનો આનંદ લઇ જ લીધો. અમારી ઇચ્છા તો થોડોક દારુ પીવાની પણ હતી પરંતુ જાહેર રજા હોવાથી અમારી આ ઇચ્છા પૂરી ન થઇ શકી. અફસોસ!
બીજો દિવસ
સોલાંગ વેલી
અમારા રૂમની બારીમાંથી હિમાલય પર્વત શ્રેણીના સુંદર દ્રશ્યો જોઇ શકાતા હતા, અને આ દ્રશ્યની સાથે જ અમારી સવારની શરુઆત થઇ. સવારની ચા પીતા પીતા અને સોલાંગ વેલી તરફ જવાનું મન બનાવ્યું અને 1400 રૂપિયામાં આવવા-જવા માટે ટેક્સી બુક કરાવી લીધી જેણે અમને કુલુની ખીણોમાં ફેરવીને પાછા હોટલે ડ્રોપ કરી દીધા. સોલાંગ વેલી અંદાજે વીસ મિનિટના ડ્રાઇવ પર ઊંચાઇ પર સ્થિત છે જ્યાંથી તમને અડધું શહેર જોવા મળશે.
સોલાંગ મનાલીથી 14 કિલો મીટરના અંતરે આવેલું છે જ્યાં પર્યટકોને પસંદ આવતી પ્રવૃતિઓ જેવી કે પેરાગ્લાઇડિંગ, ઝોર્બિંગ, ઘોડેસવારી અને શિયાળામાં આઇસ સ્કેટિંગ કરાવવામાં આવે છે. ઑફ સીઝનમાં ગાઇડની સાથે 15-20 મિનિટ સુધી પેરાગ્લાઇડિંગ કરવાનો ચાર્જ લગભગ 3000 રુપિયા છે પરંતુ ચાર્જ તહેવારોમાં 5000 રુપિયા સુધી પણ પહોંચી જાય છે.
જો તમે અહીં સુધી આવ્યા છો તો રોપ વેનો અનુભવ કરવાનું બિલકુલ ન ભૂલો. તમે અહીં નીચે સ્થિત સ્કી-રિસોર્ટથી ટિકિટ ખરીદી શકો છો. એકવાર તમે રોપ વે દ્ધારા શિખર પર પહોંચી ગયા તો લીલાછમ મેદાનોના ઢોળાવ પર ચઢતા અંત સુધી પહોંચી જાઓ. જો તમને ઊંચાઇથી ડર નથી લાગતો તો દ્રશ્ય જોવાલાયક બનશે. અને હાં, અહીં પોતાનો સ્માર્ટફોન લઇ જવાનું ન ભૂલતા કારણ કે દ્રશ્ય એટલા સુંદર છે કે તમારુ મન હિમાલયની સાથે સેલ્ફી ખેંચવાનું કામ કરશે.
સાંજે સાત વાગે અમે અમારી હોટલમાં પાછા ફર્યા અને પોતાના રૂમની બાલ્કનીમાં બેસી મીણબત્તીના પ્રકાશમાં રાત્રિ ભોજનનો આનંદ લીધો. ભોજન કરતા કરતા અમે મનાલીના કલાત્મક આકર્ષણ અને રમણીયતાના વખાણ કરતા રહ્યા.
ત્રીજો દિવસ
ઓલ્ડ મનાલી
ખળખળ વહેતી મનાલ્સુ નદીના કાંઠે વસેલુ ઓલ્ડ મનાલી બહારની દુનિયાથી ઘણી અલગ એક હટકે જગ્યા છે. ઓલ્ડ મનાલીનો જુનો મહિમા અને આધુનિક આકર્ષણોનું મિશ્રણ જોવામાં જાણે કોઇ સાક્ષાત કહાનીઓનું પુસ્તક ન નીકળ્યું હોય તેવો અનુભવ કરાવે છે. ઓલ્ડ મનાલીમાં એક તરફ તો પ્રાચીન હિડિમ્બા મંદિર છે જેની ગરિમા અપરંપાર છે, તો બીજી તરફ પાતળી ગલીઓમાં હિપ્પી કેફેની હારમાળા છે જે આધુનિક અપરંપરાગત સંગીત વગાડે છે. આ બધી ચીજોનો અનુભવ લેવા ઉપરાંત તમારે એક વધુ અનુભવ કરવો જોઇએ અને તે છે અહીંના વિલેજ રિસોર્ટમાં કે ઘરમાં રહેવાનો. સમયની કમીના કારણે અમે તો આ અનુભવથી વંચિત રહી ગયા પરંતુ તમને અહીંના વિલેજ રિસોર્ટમાં રોકાઇને વહેતી નદીની પાસે બેસીને સફરજનના વૃક્ષોમાંથી આવતા પાનનો અવાજ અને કોયલનો મીઠો સ્વર સાંભળવાની જરુર મજા આવશે.
પિકાડલી
મનાલીમાં સમય જાણે કે ઉડતો હોય તેવું લાગે છે. બીજા દિવસે અમે પિકાડલી થિએટરની જાદુઇ દુનિયાને જોવાનું નક્કી કર્યું. ત્યાર બાદ અમે આ સુંદર જગ્યાથી વિદાય લીધી.
સાંજે 4 વાગે પાછા ફરવાના સમયે બસ પકડતા અમારુ દિલ ભરાઇ આવ્યું. મનમાં હજારો યાદો સંઘરતા અમે મનાલીની વાદીઓથી વધારે દિવસનો પ્રોગ્રામ બનાવીને પાછા ફરવાના વાયદા સાથે વિદાય લીધી. જતા જતા બસ એક જ વિચાર આવ્યો - "દિલ ચીરીને જુઓ, તેમાં લોહી નહીં મનાલી માટે પ્રેમ ભર્યો છે."
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.