જંગલી ગધેડા અને અનેક પક્ષીઓનું નિવાસસ્થાન છે કચ્છનું નાનું રણ, આ રીતે કરો યાત્રા

Tripoto
Photo of જંગલી ગધેડા અને અનેક પક્ષીઓનું નિવાસસ્થાન છે કચ્છનું નાનું રણ, આ રીતે કરો યાત્રા 1/8 by Paurav Joshi

શિયાળો બરોબર જામ્યો છે અને કડકડતી ઠંડીમાં અમદાવાદની નજીક જો તમારે કોઇ સ્થળે ફરવા જવું છે અને એક રાતનો સ્ટે પણ કરવો છે તો આજે અમે તમને જણાવીશું એક એવી જગ્યા વિશે જેની મુલાકાત હજુ અમારા માનસપટ પર છવાયેલી છે. શિયાળો આવતા જ કચ્છના નાના રણની યાદો અમારા મનમાં ઉભરી આવે છે. કચ્છનું નાનું રણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.

ડિસેમ્બર મહિનાનો સમય અને ગાત્રો થીજાવી દેતી ઠંડી અમદાવાદમાં પડી રહી હતી ત્યારે એક બપોરે અમે વન નાઇટ સ્ટે સાથે બે દિવસની યાત્રા કરવાનું આયોજન કર્યું. ફરવાની જગ્યા પણ અમદાવાદની નજીક જ હોવી જોઇએ તેવો નિર્ણય સર્વાનુમતે લીધો અને બીજા દિવસે ઉપડી ગયા લીટલ રન ઓફ કચ્છ એટલે કે વાઇલ્ડ એસ સેન્ક્ચુરીની મુલાકાતે.

નાના રણ વિશે થોડિક માહિતી

Photo of જંગલી ગધેડા અને અનેક પક્ષીઓનું નિવાસસ્થાન છે કચ્છનું નાનું રણ, આ રીતે કરો યાત્રા 2/8 by Paurav Joshi

કચ્છનું નાનું રણ 5000 ચો. કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. જે 12 લાખ એકર જેટલો વિસ્તાર થાય છે. આ વિસ્તાર ખાસ પ્રકારની જૈવવિવિધતાથી ભરેલો વિસ્તાર છે. એટલું જ નહીં ઘુડખર જેને ભારતીય જંગલી ગધેડા કહેવામાં આવે છે દુનિયામાં તેનું એકમાત્ર અને અંતિમ રહેણાંક વિસ્તાર છે. તો વિદેશોથી આવતા ફ્લેમિંગો કે સુરખાબ માટે મુખ્ય આશ્રય સ્થાન છે.

કચ્છનું નાનુ રણ આ એક એવું અદભૂત અને રમણીય સ્થળ છે કે અહીં શિયાળાની સિઝન પક્ષી પ્રેમીઓ માટે ખાસ બની જતી હોય છે. અહીં ઠંડીની સિઝનમાં હજારો કિલોમીટરનું અંતર કાપીને વિદેશી પક્ષીઓ અહીં આવે છે. જેના કારણે કચ્છનું આ નાનું રણ વિવિધ વિદેશી પક્ષીઓના કલરવથી કર્ણપ્રિય બની જાય છે.

Photo of જંગલી ગધેડા અને અનેક પક્ષીઓનું નિવાસસ્થાન છે કચ્છનું નાનું રણ, આ રીતે કરો યાત્રા 3/8 by Paurav Joshi

ન તો તેને કોઇ સરહદ નડે છે ન તો કોઇ અવરોધ, તે તો ઉઁચા આકાશથી ઉડીને સાત સમુંદર પાર કરીને દર વર્ષે અહીંના મોંઘેરા મહેમાન બને છે. કચ્છના નાના રણ જ્યાં દર વર્ષે આવો જ અદભૂત નજારો જોવા મળે છે. અહીં હજારોની સંખ્યામાં ઉડીને આવતા વિદેશી પક્ષીઓને નિહાળવા માટે પક્ષીપ્રેમી અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ માટે કચ્છનું આ નાનું રણ હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બની જાય છે.

Photo of જંગલી ગધેડા અને અનેક પક્ષીઓનું નિવાસસ્થાન છે કચ્છનું નાનું રણ, આ રીતે કરો યાત્રા 4/8 by Paurav Joshi

કચ્છના નાના રણ વિસ્તારમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અને કચ્છના થોડા થોડા વિસ્તારો સમાવિષ્ટ છે. આ અભયારણ્ય ગુજરાતનો વારસો ગણાય છે. કારણ કે અહિંના મુખ્ય વસતી ધરાવતા લાંબી ચાંચવાળા ડેલમેટિઅન, જળચર પક્ષી પેલિકન, લેસર ફલેમિંગો, સારસ, બગલા, કરકલ, રણના શિયાળ અને કાળા ભયંકર ક્રોબા વિશેષ રૂપે મુળ રહેવાસી છે. દર વર્ષે અહીં ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ,ટિલોર, પેરિગ્રીન, ફાલકન, રણ ચકલી, નાઈટ જાર, ડેમોલિન, જેવા અલગ અલગ જાતના પક્ષીઓ આવે છે. કચ્છના નાના રણનો કુલ વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલો છે. હાલમાં યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ આ રણ વિસ્તારમાં આવતા હોય છે. જે લગભગ ચાર મહિના જેવું આ વિસ્તારમાં રહેતા હોય છે. જે બાદ તેઓ ફરી પોતાના વતન ભણી રવાના થતા હોય છે.

Photo of જંગલી ગધેડા અને અનેક પક્ષીઓનું નિવાસસ્થાન છે કચ્છનું નાનું રણ, આ રીતે કરો યાત્રા 5/8 by Paurav Joshi

આ અભયારણ્યમાં જોખમીમાં જેની ગણના થઈ શકે તેવાં સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ જેવાં કે હોઉબારા નામના ઝડપથી દોડતા ઘોડાર પક્ષીઓ, ડેલમેટિઅન જળચર પેલિકન, બાજ, હેરિયર્સનું પણ આ અભયારણ્ય એક આશરો છે. આ અભયારણ્યનો મોટા ભાગનો વિસ્તાર ઘાસિયો એટલે કે ઘાસથી વિપુલ છે. જેને બિજા શબ્દોમાં બેઈટ એટલે પ્રાણીઓ, પક્ષીઓ માટે પ્રલોભન કારી કહેવાય છે. આ અભયારણ્યમાં માનવ વસ્તી પણ છે. અહીં મોટામાં મોટા મીઠાના અગરો આવેલા છે. તેમાં મુખ્યત્વે અગરિયાઓ રહે છે અને તે મીઠાના અગરમાં કામ કરતાં જોવા મળે છે.

ક્યાં છે નાનું રણ

Photo of જંગલી ગધેડા અને અનેક પક્ષીઓનું નિવાસસ્થાન છે કચ્છનું નાનું રણ, આ રીતે કરો યાત્રા 6/8 by Paurav Joshi

ઘુડખર અભયારણ્ય અમદાવાદથી લગભગ 100 કિલોમીટર, વિરમગામથી 45 કિલોમીટર, રાજકોટથી 175 કિલોમીટર, ભુજથી 265 કિલોમીટર અને ધ્રાંગધ્રાથી લગભગ 38 કિલોમીટર દૂર છે.

કેવી રીતે જવાય

રોડ દ્ધારાઃ અમદાવાદથી પાટડીની બસ તમને મળી રહે છે પરંતુ જો પ્રાઇવેટ કાર કે અન્ય વાહન હોય તો જવાનું વધુ સરળ રહે છે. અમદાવાદથી સાણંદ હાઇવે પર સુરેન્દ્રનગર જવાના રસ્તે માલવણ ચાર રસ્તા આવે છે ત્યાંથી જમણી બાજુ પાટડી તરફનો રોડ છે. રસ્તામાં બજાણા ફોરેસ્ટ રેન્જ આવે છે. બજાણાથી ફોરેસ્ટની એન્ટ્રી છે. જો કે આ રસ્તો થોડોક લાંબો છે પરંતુ અમે તમને વિરમગામવાળો રસ્તે જવાનું સજેસ્ટ કરીશું. આ રસ્તો પણ હવે નવો બની ગયો છે કિલોમીટર પણ ઓછા છે.

રેલવે દ્ધારાઃ જો તમે બહારના રાજ્ય કે અમદાવાદ સિવાય કોઇ દૂરના શહેરથી આવી રહ્યા છો તો નાના રણથી નજીકનું રેલવે સ્ટેશન વિરમગામ અને ધ્રાંગધ્રા છે. જો કે ટ્રેનોની ફ્રિકવન્સી અમદાવાદ સુધી વધુ છે. તમે વિરમગામ, ધ્રાંગધ્રા કે અમદાવાદ રેલવે સ્ટેશનેથી ખાનગી વાહન કે સરકારી એસટી બસમાં બજાણા સુધી જઇ શકો છો.

વિમાન દ્ધારાઃ નજીકનું એરપોર્ટ અમદાવાદ છે જે દેશના તમામ મોટા શહેરો સાથે વિમાન માર્ગે જોડાયેલું છે.

Photo of જંગલી ગધેડા અને અનેક પક્ષીઓનું નિવાસસ્થાન છે કચ્છનું નાનું રણ, આ રીતે કરો યાત્રા 7/8 by Paurav Joshi

એન્ટ્રી ફી

રણમાં એન્ટ્રી માટે બે મુખ્ય એન્ટ્રી પોઇન્ટ છે એક ધ્રાંગધ્રા અને બીજો બજાણા. રણમાં પ્રવેશ કરવાનો સમય સવારે 6 થી સાંજે 6 કલાક સુધીનો છે. જો તમે અમદાવાદથી આવી રહ્યા છો તો બજાણાથી એન્ટ્રી કરવી સહેલી પડશે. એન્ટ્રી ફી વ્યક્તિદિઠ રૂ.40 છે. કાર કે જીપની એન્ટ્રી ફી રૂ.400 છે જેમાં મહત્તમ 6 લોકો બેસી શકશે. 15ની ક્ષમતા ધરાવતા મેટાડોર કે સ્ટેશન વેગનની એન્ટ્રી ફી 1000 રૂપિયા છે. જ્યારે ભારે બસ જેવા ભારે વાહનની એન્ટ્રી ફી 3500 રૂપિયા છે. ગાઇડની ફી ચાર કલાક માટે 100 રૂપિયા અને પછીના પ્રત્યેક કલાક દીઠ 40 રૂપિયા છે. જો તમે કોઇ રિસોર્ટમાં રોકાયા હશો તો ત્યાંથી જીપ સફારીની વ્યવસ્થા થઇ જશે પરંતુ તેનું ભાડુ 2500થી 3000 રૂપિયા જેટલું હોય છે.

Photo of જંગલી ગધેડા અને અનેક પક્ષીઓનું નિવાસસ્થાન છે કચ્છનું નાનું રણ, આ રીતે કરો યાત્રા 8/8 by Paurav Joshi

રોકાવાની વ્યવસ્થા

નજીકમાં રોયલ સફારી કેમ્પ, ભાવના રિસોર્ટ, લિટલ રન રિસોર્ટ જેવા રિસોર્ટમાં રોકાઇ શકો છો. જેમાં એક રાતનું ભાડું 3000થી 5000 જેટલું થાય છે.

ક્યારે અને કયા સમયે જવું

નાનું રણ જવા માટેનો બેસ્ટ સમય ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીનો છે. રણમાં ઘુડખર જોવા માટે સવારનો સમય પસંદ કરજો. અમે સવારે 6 વાગ્યે પહોંચી ગયા હતા અને લગભગ બે થી ત્રણ કલાક જેટલો સમય રણમાં વિતાવ્યો હતો. અમે વિવિધ પક્ષીઓ અને ઘુડખરને નજીકથી જોવાનો લ્હાવો માણ્યો હતો.

નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Further Reads