દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતા દેશોમાંનો એક એવો થાઈલેન્ડ નિઃશંકપણે એક મસ્ટ-વિઝિટ ડેસ્ટિનેશન છે. કોહ સમૂઈ કે ચાંગ માઈ, આ દેશનો કોઈ ખૂણો હવે પર્યટકો માટે અજાણ્યો નથી રહ્યો. ઉત્તરના જંગલો હોય કે દક્ષિણના બીચ, અઢળક પર્યટકો હોવા છતાં આ દેશની સુંદરતા દર વર્ષે નવા પર્યટકોને આકર્ષે છે.
થાઈલેન્ડમાં ફરવાના અનેક વિકલ્પ છે. સૌથી વધુ લોકો વાહનમાર્ગ પસંદ કરે છે કેમકે આખા દેશમાં દરેક મુખ્ય શહેરોથી બસ તેમજ વાજબી કિંમતે ટેક્સીઓ ઉપલબ્ધ છે. વળી, થાઈલેન્ડમાં એક ખૂણેથી બીજે ખૂણે કેટલાક લોકો હવાઈમાર્ગે પરિવહન કરવાનું પણ પસંદ કરે છે. પણ થાઈલેન્ડ ટૂર પેકેજીઝમાં અન્ય એક રેલવેનો વિકલ્પ પણ છે જેને બહુ ઓછા લોકો પ્રાધાન્ય આપે છે પણ એ ખરેખર એક અદભૂત અનુભવ છે.
થાઈલેન્ડની રેલવે દેશનાં ચારેય ખૂણા સુધી વિસ્તરેલી છે. સુંદરતાનો પર્યાય એવી આ રેલવે આ સ્વર્ગને ખેડવાની એક અનેરી તક પૂરી પાડે છે. તમે કોઈ ઘેઘૂર જંગલમાંથી પસાર થવા ઇચ્છતા હોવ કે પછી ઘૂઘવતાં દરિયાકિનારેથી, થાઈ રેલવે પાસે મબલખ કુદરતી ખજાનો છે. એટલે જો તમે થાઈલેન્ડને એક નવી અને રોમાંચક રીતે એક્સપ્લોર કરવા માંગતા હોવ તો આ ટ્રેન મુસાફરી શ્રેષ્ઠ છે.
બજારની મધ્યે ટ્રેન: મોહાચાઇ શોર્ટલાઇન ટ્રેન
આ એક અસાધારણ રેલ રુટ છે. મૂળ માલ-સામાનના પરિવહન માટે બનેલી આ ટ્રેન આજે એક મોટું ટુરિસ્ટ એટ્રેકશન બની ચૂકી છે. બેંગકોકના વોંગ વિયાન યાઇન સ્ટેશનથી શરૂ થઈને સામુત સોંગખ્રાંમ નામનાં બંદર કિનારે આવેલા નગર સુધી તે સફર કરે છે. આ યાત્રા બે ભાગમાં વહેચાયેલી છે. પહેલા એક કલાકમાં તે થાઈ કન્ટ્રીસાઈડમાં આવેલા અઢળક ખેતરો તેમજ નાની કેનાલ પાસેથી પસાર થાય છે. બેંગકોકના અત્યંત વ્યસ્ત વિશ્વ કરતાં તદ્દન વિરુદ્ધ અહીં કુદરતના સાનિધ્યમાં શાંતિનો આહ્લાદક અનુભવ થાય છે. સફરના બીજા ભાગમાં સામુત સખોન ખાતે ટ્રેનમાંથી ઉતરીને થા ચીન નદી પાર કરવા ૧૦ મિનિટની ફેરી કરીને સામાં છેડે પહોંચવું પડે છે, ત્યાંથી ટ્રેન બીજી ૯૦ મિનિટની મુસાફરી કરે છે.
સફરના બીજા ભાગમાં તમને સૌથી યુનિક ટ્રેન સ્ટેશન જોવા મળશે અને તે છે: મહાચાઇ. આ સ્ટેશન એક ખૂબ જ વ્યસ્ત બજાર વચ્ચે આવેલું છે. આ સફરને વધુ રોમાંચક બનાવે છે આ માર્કેટના દુકાનદારો, જે ટ્રેન પસાર થાય તે સમયે સાવ જ નજીકમાં સ્ટોલ લગાવીને બેસે છે જેનો ટ્રેનના મુસાફરોને ગજબનો રોમાંચ થાય છે.
સમય: વોંગ વિયાન યાઇનથી સામુત સખોન વચ્ચે દર કલાકે ટ્રેન ઉપલબ્ધ છે. ત્યાંથી સામુત સોંગખ્રાંમ સુધી પહોંચવા માટે સવારે ૧૦.૧૦ વાગે, બપોરે ૧.૩૦ અને ૪.૪૦ વાગે ટ્રેન મળે છે. ઉપરાંત આ બધા જ સ્ટેશન વચ્ચે બસ તો ઉપલબ્ધ છે જ.
કિંમત: આ મુસાફરી કરવા તમે વોંગ વિયાન યાઇનથી જ ટિકિટ ખરીદી શકો છો જેની વનવેની કિંમત પ્રતિ વ્યક્તિ ૧૦ બાત (૨૧ રૂ) છે. આ એક પ્લાસ્ટિક સીટ્સ ધરાવતી નોન-એસી ટ્રેન છે. આમાં કોઈ અન્ય કેટેગરીઝ નથી. આ ટ્રેન કેટલીય જગ્યાએ ઊભી રહે છે.
હા, આ નામ ઘણું જ વિચિત્ર લાગે છે પણ બેંગકોકથી કાંચનબુરી વચ્ચેનો રેલ રુટ ખરેખર આ નામે ઓળખાય છે. કાંચનબુરી એ એક અત્યંત ખૂબસુરત જગ્યા છે જે ખૂબ દર્દનાક ઇતિહાસ ધરાવે છે. થાઈલેન્ડ અને બર્માને જોડતો આ એ રસ્તો છે જે બીજા વિશ્વયુધ્ધના કેદીઓ અને એશિયન મજૂરો સાથે ઘણું જ અમાનુષી વર્તન કરીને તૈયાર કરાવવામાં આવ્યો હતો. આ એ જ રુટ છે જ્યાં અદભૂત ક્વાઇ નદી પરનો પ્રખ્યાત પુલ (The Bridge on the River Kwai નામની ફિલ્મથી લાઇમલાઇટમાં આવેલો) અને વેમપો વાયાડક્ટ આવેલા છે. આ બંને પણ મજૂરો પાસે બનાવવામાં આવ્યા હતા. અહીં તમે કોન્યુ કટિંગ કે જેને હેલ-ફાયર પાસ પણ કહેવાય છે, પણ જોઈ શકો છો. મજૂરો ભૂખમરા તેમજ કાળી મજૂરીને કારણે અહીં નરકની યાતના ભોગવતા, આ માટે આવું નામ આપવામાં આવ્યું છે. હેલ-ફાયર પાસ આજે એક મેમોરિયલ બની ચૂક્યું છે જે આ મજૂરોની યાતનામય સ્થિતિની ઝલક દર્શાવે છે. મજૂરોએ શું શું ભોગવ્યું તે જોવા અહીં ઊભા રહીને આ મેમોરિયલની મુલાકાત લઈ શકો છો.
સમય: બેંગકોકથી કાંચનબુરી જવાનો સવારે ૭.૫૦નો અને બપોરે ૧.૫૫નો છે. જો તમે વન-ડે ટ્રીપ કરવા ઇચ્છતા હોવ તો કાંચનબુરીથી બેંગકોકની રિટર્ન ટ્રેનનો સમય સવારે ૭.૧૯ અને બપોરે ૨.૪૮ વાગ્યાનો છે.
કિંમત: ૧૦૦ બાત (૨૧૨ રૂ)
ઈસ્ટર્ન એન્ડ ઓરિએન્ટલ એક્સપ્રેસ એ બેંગકોકના અતિભાવ્ય હુઆ લેમફોન્ગ સ્ટેશનથી શરૂ થાય છે. કવીન વિક્ટોરિયાના અંગત રૂમ જેવો સ્લીપિંગ કમ્પાર્ટમેન્ટ અને પર્શિયન રેસ્ટોરાં જેવી સજાવેલી બે ડાઈનિંગ કાર તમે ક્યારેય નહિ અનુભવી હોય તેવી ગજબની લકઝરીનો અનુભવ કરાવે છે. સૌથી સસ્તી કારમાં પણ શાવર રૂમ અને મખમલી પલંગ મૂકવામાં આવ્યા છે, તમને આ પલંગમાંથી બહાર આવવાનું મન જ નહિ થાય! વળી, ઓપન-એર ઑબ્ઝર્વેશન કાર આ પ્રવાસ માટે સોનામાં સુગંધ ભેળવવાનું કામ કરે છે. તમે હાથ લંબાવો ત્યાં જ ઘેઘૂર જંગલો તેમજ ઘૂઘવતાં સમુદ્રને માણી શકાય છે. બેંગકોકથી સિંગાપુરની આ ત્રણ રાતની વૈભવી સફર ત્રણ દેશમાંથી પસાર થાય છે.
કિંમત: ઈસ્ટર્ન એન્ડ ઓરિએન્ટલ એક્સપ્રેસ પર ત્રણ રાતનો ખર્ચો પ્રતિ વ્યક્તિ સરેરાશ ૨,૦૨,૦૦૦ રૂ જેટલો થાય છે જેમાં ટ્વીન શેરિંગ રૂમ તેમજ બધા જ ભોજન સમાવિષ્ટ છે.
શું તમે પણ થાઈલેન્ડમાં ટ્રેનની મુસાફરી કરી છે? તમારો અનુભવ કમેન્ટ્સમાં જણાવો.
.