તારંગા તીર્થ એટલે ઉત્કૃષ્ટ શિલ્પકારી અને અવર્ણનીય સૌંદર્યનો મધુર સમન્વય. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલો તારંગાનો ડુંગર ભવ્ય ભૂતકાળ અને ઉત્તમ ધર્મભાવનાઓની ઝાંખી કરાવે છે. પવિત્ર મંદિરોથી વિભૂષિત અને રળિયામણી ટેકરીઓથી વીંટળાયેલું આ તીર્થ જૈનોનાં પાંચ મુખ્ય તીર્થેામાંનું એક મહાતીર્થ હોવાનું ગૌરવ ધરાવે છે.
તારંગા તીર્થમાં નૈસર્ગિક સૌંદર્ય અને માનવસર્જિત કળાનો મધુર સમન્વય થયો છે. તારંગા તીર્થ આ રીતે મનને શાંતિ, ચિત્તને એકાગ્રતા અને હૃદયને ભક્તિભાવનાથી ભરીને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. આ તીર્થની ભૂમિ પાવન છે. અહીંના રજકણ પવિત્ર છે.
આ જગ્યા પાપક્ષયકારી છે. અહીં ઉત્તુંગ જિનાલય છે. જૈનોના દ્વિતીય તીર્થંકર શ્રી અજિતનાથની વિશાળકાય મનોનયનકારી જિનપ્રતિમા છે. પ્રતિવર્ષ દોઢેક લાખ જેટલા યાત્રાળુઓ આ તીર્થની યાત્રાએ આવે છે અને તેથી એક વધુ સુવિધાપૂર્ણ ધર્મશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં કાર્તિકી પૂર્ણિમાની યાત્રાનું ઘણું મહત્વ છે. દીપાવલીના દિવસોમાં પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે.
ઐતિહાસિક મહત્વ
તેરમા સૈકામાં તારંગાગિરિ ઉપર બંધાયેલો બાવન દેવકુલિકાવાળો ઉત્તુંગ દેવપ્રસાદ આજે પણ જૈનાચાર્ય શ્રીહેમચંદ્રસૂરિ અને ગૂર્જરનરેશ કુમારપાલની લગભગ 800 વર્ષ પહેલાંની કીર્તિગાથા સંભળાવતો અડગ ઊભો છે. ‘પ્રભાવકચરિત્ર’માં ઉલ્લેખ છે કે, કુમારપાલ રાજાએ અર્ણોરાજ ઉપરની ચડાઈ વખતે ભગવાન અજિતનાથની જે માનતા માની હતી તેની પૂર્તિરૂપે તેણે તારંગા ઉપર 24 ગજ ઊંચું મંદિર બંધાવ્યું અને તેમાં 101 આંગળ (ઇંચ)ની પ્રતિમા સ્થાપિત કરી હતી.
જૈનમંદિરોનું નિર્માણ
વિ.સં. 1241માં શ્રીસોમપ્રભાચાર્યે રચેલા 'કુમારપાલ પ્રતિબોધ'થી જાણવા મળે છે કે, વેણી વત્સરાજ નામના બૌદ્ધધર્મી રાજાએ અહીં તારાદેવીનું મંદિર બંધાવેલું ત્યારથી આ સ્થળ ‘તારાપુર’ નામે પ્રસિદ્ધ પામ્યું. એ પછી આર્ય ખપુટાચાર્ય (વિક્રમની પહેલી શતાબ્દી)ના ઉપદેશથી તે રાજા જૈનધર્મી બન્યો ત્યારે તેણે જ અહીં જિનેશ્વરદેવની શાસનાધિષ્ઠાત્રી સિદ્ધાયિકાદેવીનું મંદિર બંધાવી જૈનોના તીર્થ તરીકે પ્રસિદ્ધ આપી. એ પછીનો લગભગ તેરમા સૈકા સુધીનો આ તીર્થનો ઇતિહાસ અંધકારમાં છે.
મંદિરને ત્રણ માળ છે ને માળની રચના ઘડીભર ચકરાવામાં નાંખે તેવી છે મંદિરને સુરક્ષિત રાખવા માટે આ માળમાં ‘કેગર’ નામના લાકડાંનો ઉપયોગ કરેલો છે. આવા લાકડાંનો ઉપયોગ બીજા મંદિરમાં જવલ્લે જ જોવા મળે છે. આ લાકડું આગથી નાશ પામતું નથી, ઊલટું આગ લાગવાથી તેમાંથી પાણી છૂટવા માડે છે.
શિખર સુધી પહોંચવા માટે દીવાલ માર્ગ છે. અને વચ્ચે રહેલા વિશાળ ગોળાકાર મંડપમાં 11 પ્રતિમાઓ અને એક ધ્વજાદંડ પુરુષની આકૃતિમાં દર્શન થાય છે. આ ભવ્ય મંડપની કારીગરી અદભુત છે.
પ્રાચીન જૈન પ્રબંધો અને તીર્થમાળામાં તારંગોને તારઉર, તારાવરનગર, તારણગિરિ, તારણગઢ, વગેરે નામોથી ઉલ્લેખવામાં આવ્યો છે. વર્તમાનમાં તારંગા નામ પ્રસિદ્ધ થયું છે. આ પહાડની રચના લગભગ ઇડરના પહાડ જેવી છે. મહેસાણાથી આવતી રેલ્વે લાઇનમાં તારંગા હીલ છેલ્લું સ્ટેશન છે. સ્ટેશનથી તાંરગાની તળેટી લગભગ ર માઇલ દૂર છે. તળેટીથી તારંગા પહાડનો ચડાવ એક માઇલનો છે. વાહન-વ્યવહાર માટે પાકી સડક થઇ જતાં નીચેથી છેક ઉપર તીર્થના પ્રવેશદ્વાર સુધી વાહનો જઇ શકે છે.
પહાડ પર શ્વેતાંબરોનાં 5 મંદિરો અને ૩ ટેકરીઓ ઉપર ૩ ટૂકો તથા અન્ય દેરીઓ છે. ચાર સુવિધા સંપન્ન ધર્મશાળાઓ તથા ભોજનશાળા છે. દિગંબરોનાં પણ પાંચ મંદિરો, 7 દેરીઓ અને ધર્મશાળા છે.
પાંચ મંદિરોમાં શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર કોટથી ઘેરાયેલું ઉન્નત અને વિશાળ છે. ઉચે પહોંચતાજ ‘અજિતનાથ વિહાર’ નામે ઓળખાતું દ્રષ્ટિગોચર થાય છે. આ મંદિર બંધાવવા માટે કુમારપાલ નરેશે શ્રેષ્ઠી યશોદેવના પુત્ર દંડનાયક અભયને આદેશ કર્યો હતો.
‘પ્રભાવકચરિત્ર’ માં ઉલ્લેખ છે કે, કુમારપાલ રાજાએ અર્ણોરાજ ઉપરની ચડાઇ વખતે ભગવાન અજિતનાથની જે માનતા માની હતી તેની પૂર્તિરૂપે તેણે તારંગા ઉપર 24 ગજ ઉચુ મંદિર બંધાવ્યું અને તેમાં 101 આંગળ (ઇંચ) ની પ્રતિમા સ્થાપન કરી હતી.
નિમ્ન ત્રણ સ્થાનો તારંગાની ટૂકો રૂપે પણ જાણીતા છે
કોટિશિલા:- (ટૂક-1) મુખ્ય મંદિરથી દક્ષિણ દિશામાં અડધો માઇલ દૂર જતાં કોટિશિલા નામનું સ્થળ આવે છે એ માર્ગે જતાં વચ્ચે એક તળાવ આવે છે તેને ‘લાડુસાર’ કહેવામાં આવે છે. તથા પાસે એક કૂવો છે.ત્યાંથી કોટિશિલા તરફ જવાનો રસ્તો જુનો હતો. ટેંકરી ઊંચી છે. રસ્તામાં ગુફાઓ આવે છે બે પત્થરના બનેલા ખડકોમાંથી રસ્તો નીકળે છે. પહાડની ઉંચી ટેકરી ઉપર એક વિશાળ શિલા ઉપર આ સ્થાન બનેલું છે. અહીં કરોડો મુનિઓ સાધના કરી મુક્ત થયા હતા, તેથી તેનું નામ ક્રોડ શિલા-કોટિશિલા કહેવામાં આવે છે.
મોક્ષબારી;- (ટૂક-2)- મુખ્ય મંદિરથી પૂર્વ દિશામાં અડધો માઇલના અંતરે એક શિખરની ટોચ ઉપર દેરી બનાવેલી છે. આ સ્થાને ‘પુણ્યબારી’ પણ કહેવામાં આવે છે.દેરીમાં શ્રીઅજિતનાથ ભગવાન વગેરેનાં ચરણપાદુકા છે. પ્રાચીન મોટા ચરણપાદુકા ઉપર બીજા ગોઠવેલા ચરણપાદુકા છે, જેનાં પર સં. 1866નો લેખ છે. અહીં એક ખંડિત મૂર્તિનાં પણ દર્શન થાય છે. આ દેરીના ઉપલા ભાગે સાદા પરિકરવાળી ભગવાનની મૂર્તિ છે.
સિદ્ધશિલા: (ટૂક-3)- મુખ્ય મંદિરથી દક્ષિણ- પશ્ચિમ ના વાયવ્ય કોણમાં એક ટેકરી ઉભી છે જે “સિદ્ધશિલા” તીરેક ઓળખાય છે. આ ટેકરી પરની શ્વેતાંબર દેરીમાં ચૌમુખજીની ચાર પ્રતિમાઓ છે જેમાં ભગવાન સુપાર્શ્વનાથ, પાર્શ્વનાથ, અરનાથ તથા નેમિનાથની પ્રતિમાઓ છે. તેના ઉપર સં. 1836નો લેખ છે.
કેવી રીતે જવાય તારંગા તીર્થ
અમદાવાદથી ૧૬૫ કિલોમીટર, મહેસાણાથી ૭૨ કિલોમીટર, વિસનગરથી ૫૦ કિલોમીટર તેમજ વડનગરથી ૩૬ કિલોમીટરને અંતરે આવેલા આ પહાડ સુધી પહોંચવા માટે રેલવે તથા એસ.ટી.બસની સુવિધા છે. અમદાવાદ, મહેસાણા, પાલનપુર, હિંમતનગર અને ઈડર જેવા સ્થળેથી છેક પર્વત પરના મંદિર સુધી એસ.ટી.બસ આવે છે, જ્યારે મહેસાણાથી આવતી રેલ્વે-લાઈનમાં તારંગા હિલ છેલ્લું સ્ટેશન છે. આ સ્ટેશનથી તારંગા તીર્થ પગપાળા રસ્તે છ કિલોમીટર અને મોટર રસ્તે આઠ કિલોમીટરના અતરે આવેલું છે.
તારંગાના ડુંગરની તળેટીમાં ૨૦૦૦ માણસોની વસ્તી ધરાવતું ટીંબા ગામ છે. અહીંના રજપૂતોમાં લગ્ન પછી તરંગા તીર્થના દર્શન કરવાનો રિવાજ પ્રચલિત છે. આ ટીંબા ગામથી પહાડી રસ્તે તરંગા તીર્થનું અંતર ૪ કિલોમીટર છે.
નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.