વિશ્વનો કોઇપણ ખૂણો એવો નથી જ્યાં સ્વામિનારાયણ મંદિરનું અસ્તિત્વ ન હોય. ગુજરાતમાં તો અનેક ભવ્ય સ્વામિનારાયણ મંદિરો છે. આવું જ એક મનને હરી લે તેવું મંદિર છે, નર્મદા કિનારે આવેલું પોઇચાનું સ્વામિનારાયણ ધામ. ધાર્મિકતા સાથે સંસ્કાર અને પ્રાચીન વૈદીક પરંપરાઓની આજની યુવા પેઢીને અનુભુતી કરાવતુ મંદીર એટલે નીલકંઠધામ.
આ મંદીરના સ્થાને 224 વર્ષ પહેલા ભગવાન નિલકંઠ વિચરતા હતા ત્યારે તેઓએ આ જગ્યાએ નર્મદા નદીમાં સ્નાન કર્યુ હતું. નીલકંઠ ધામ તરીકે ઓળખાતું પોઇચાનું આ સ્વામિનારાયણ મંદિર પોતાની ભવ્યતા અને અદ્દભુત રચનાના કારણે ખ્યાતિ પામ્યું છે. ગુજરાત રાજપીપળાના નાંદોદ તાલુકામાં 105 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ મંદિરની રચના પણ અતિભવ્ય છે. કલા કોતરણીથી આ મંદિર મનમોહક લાગે છે. નાંદોદ તાલુકાના પોઈચા ગામના આ નીલકંઠ ધામમાં વિવિધ પ્રકારના આકર્ષણો પણ ઉભા કરવામાં આવ્યા છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના શાસ્ત્રીજી મહારાજ અને ધર્મજીવનદાસજી સ્વામીના પ્રયાસોથી આચાર્યશ્રી આનંદપ્રસાદજી મહારાજની વિશેષ ઉપસ્થિતીમાં સાડા ત્રણ કરોડ સ્વામીનારાયણ મંત્રજાપ તેમજ 21 દીવસનો મહોત્સવ અને મહાયજ્ઞ સાથે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્થાનને પશ્ચિમનું પ્રયાગ પણ કહેવામા આવે છે.
વડોદરાથી રાજપીપળા તરફ આશરે 61 કીલોમીટરનાં અંતરે નર્મદા નદીના કિનારે 2013માં બનાવાયેલા આ મંદિરે તહેવારો અને રજાઓના દિવસોમાં પ્રવાસીઓનું કીડીયારુ ઉભરાય છે. નીલકંઠ ધામ આજુબાજુ અને અન્ય વિસ્તારના લોકો માટે એક દિવસીય પ્રવાસ માટે ફેવરીટ ડેસ્ટીનેશન બની રહ્યું છે. શનિ-રવિની રજાઓ કે તહેવારોમાં તો અમદાવાદથી પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આ મંદિરના દર્શને જાય છે. નિલકંઠ ધામના મુખ્યમંદિરમાં શેષનાગ સાથે વિષ્ણુ, ગણેશજી સહિતના મંદિરો આવેલા છે. ઈજનેરી કૌશલ્ય કળા સમા આ મંદિરમાં 108 ગૌમુખ છે, જેમાં સ્નાન કરી શકાય છે. સાંજની આરતીમાં હાથી સાથે સવારી નીકળે છે. અને મંદિર રંગબેરંગી રોશની સાથે ઝગમગી ઉઠે છે. આ નજારો મંદિરની શોભામાં ચાર ચાંદ લગાવે છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરની ગાદી અહીંનો વહીવટ સંભાળે છે.
મંદિર આગળ પાર્કીંગની સરસ વ્યવસ્થા છે. બાળકોને રમવા માટે મેદાન છે. રહેવા જમવાની વ્યવસ્થા છે. અહીંથી નર્મદાને સામે કિનારે કરનાળી અને ચાણોદ ગામ છે. નર્મદા નદીમાં નહાવાની મજા આવે એવું છે. નદીની રેતીમાં રસ્તો બનાવ્યો છે, એટલે ગાડી છેક પાણીની નજીક લઇ જઇ શકાય છે.
સહજાનંદ યુનિવર્સ
– નીલકંઠધામની નજીકમાં 2015માં 24 એકરમાં સહજાનંદ યુનિવર્સ નામનું સંકુલ બનાવવામાં આવું છે.
– અહીં ભારતીય સંસ્કૃતિને પ્રર્દિશત કરતું તીર્થધામ બનાવવામાં આવ્યું છે.
– આ ઉપરાંત સહજાનંદ યુનિવર્સમાં વિવિધ પ્રકારના આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે.
– અહીંનો આખો વિસ્તાર સાત ભાગમાં વહેંચેલો છે, ગેટ પણ ખાસ આકર્ષક છે.
– દોઢ કરોડથી વધુ કિંમતની 152 ફૂટ ઉંચી સ્વામીનારાયણ ભગવાનની પ્રતિમા ખાસ આકર્ષણમાનું એક છે.
– દરરોજ 108 ગાયના દૂધથી અભિષેક કરાય છે, આ અભિષેક થયેલા ગાયના દૂધમાંથી છાસ બનાવી ગરીબ પ્રજાને મફત વિતરણ કરાય છે.
– અહીં હિન્દુ ધર્મના અલગ અલગ ભગવાનો તેમજ રામાયણ, મહાભારતના ધાર્મિક પ્રસંગોને આવરી લેતા રામ શ્યામ શિવ, ઘનશ્યામની 1100 મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે.
મંદિરના આકર્ષણો
– લીલાછમ પહાડો પર ભગવત્ લીલા ચરિત્ર
– સુંદર સરોવર વચ્ચે નીલકંઠ મહારાજનું મંદિર
– નેચરલ પાર્ક, કલાકૃતિ ઘરો
– વોટર શો, લેસર શો, ડાન્સિંગ ફુવારા
– નૌકા વિહાર દ્વારા અદ્રભુત પ્રકૃતિ દર્શન
– ચેન્જ ઓફ લાઈફનો શો
– અમેજીંગ એક્વેરિયમ તથા પક્ષીઓનો નઝારો
– સહજાનંદ આર્ટ ગેલેરી તથા મીરર હાઉસ
– હોરર હાઉસ, ફ્લાવર્સ ક્લોક
– ઈન્ફોસીટી તથા સાયન્સ સેન્ટર
– એમ્યુઝમેન્ટ પાર્ક
– આનંદ પમાડતો એન્જોય પાર્ક
કેવી રીતે જશો?
રોડ દ્ધારાઃ અમદાવાદથી પોઇચાનું અંતર 170 કિલોમીટર છે. પોઇચા પહોંચતા લગભગ 3 કલાક લાગે છે. વડોદરાથી પોઇચાનું અંતર 61 કિલોમીટર છે અને આ અંતર લગભગ સવા કલાકમાં કપાઇ જાય છે. રાજપીપળાથી પોઇચાનું અંતર લગભગ 14 કિલોમીટર છે.
રેલવે દ્ધારાઃ સૌથી નજીકનું રેલવે સ્ટેશન વડોદરા છે જે અહીંથી 62 કિલોમીટર દૂર છે. વડોદરાથી પોઇચા આવવા માટે બસ કે ખાનગી વાહન મળી જશે. અમદાવાદના ગીતા મંદિરથી પણ પોઇચા માટે બસ ઉપલબ્ધ છે.
વિમાન માર્ગઃ નજીકનું એરપોર્ટ વડોદરા છે. અમદાવાદ એરપોર્ટ પણ ઉતરી શકો છો. અમદાવાદ અને વડોદરાથી સરકારી બસ કે પ્રાઇવેટ વાહન દ્ધારા પોઇચા જઇ શકો છો.
રહેવાની વ્યવસ્થા
નીલકંઠ ધામમાં રહેવાની પણ વ્યવસ્થા છે. જેના માટે નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો.
ઓફિસ: (+91) 9099621000
રુમ બુકિંગ: (+91) 9925033499
સહજાનંદ યૂનિવર્સ: (+91) 9099621000
જમવાની વ્યવસ્થા
અહીં જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા છે. ગરમા ગરમ નાસ્તા, આઇસ્ક્રીમ, કોલ્ડ ડ્રીંક્સની સાથે સાથે ગુજરાતી થાળી પણ જમી શકો છો.
નજીકના જોવાલાયક સ્થળો
પોઇચાના મંદિરથી કેવડિયા કોલોની કે જ્યાં સરદાર પટેલની લોખંડની વિશાળ મૂર્તિ (સ્ટેચ્યુ ઓફ યૂનિટી) છે તે માત્ર 40 કિલોમીટર દૂર છે. સ્ટેચ્યુ ઓફ યૂનિટી ઉપરાંત અહીં સરદાર ડેમ, બોટનિકલ ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, વિશ્વ વન, એકતા નર્સરી, બટરફ્લાય ગાર્ડન, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, ફેરી સર્વિસીઝ, એકતા ક્રૂઝ, ચિલ્ડ્રન પાર્કની મજા માણી શકો છો.
નોંધઃ આ વિગતો કોરોના પહેલાની છે. અત્યારે કોરોના કાળ ચાલતો હોવાથી પોઇચા મંદિરના દર્શન અને મંદિરની પ્રદર્શની તેમજ અન્ય આકર્ષણોના સમયમાં ફેરફાર હોઇ શકે છે. નીલકંઠ ધામની મુલાકાત લેતા પહેલા ફોન પર માહિતી જાણી લેવી જેથી ધક્કો ન પડે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.