જો તમે એક રખડું માણસ હોવ તો તમે ચોક્કસપણે સમાજના મહેણાં ખૂબ સાંભળ્યા હશે. અને વળી બધા ખૂબ સલાહો પણ આપે; જેવી કે ચોમાસામાં ફરવા ન જવું જોઈએ, ફસાઈ જઈએ તો બહુ જ અઘરું થઈ પડે. પણ હું માનું છું કે ચોમાસું એ એક એવી ઋતુ છે જે તમને પ્રવાસના યાદગાર અનુભવો કરાવી શકે છે.
ટ્રાવેલિંગના કારણે મારો જીવ ક્યારેય જોખમમાં નથી મુકાયો. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મારી એક ટ્રીપ તબાહ થઈ ગઈ હતી પણ આ મારી એક યાદગાર ટ્રીપ બની રહી.
સફરનામાની શરૂઆત
વાત છે ઓગસ્ટ ૨૦૧૯ ની. ૧૬ મી ઓગસ્ટના દિવસે હું મનાલીમાં મારા મીટરના લગ્નમાં હાજરી આપવા મારા ઘર પાલમપુરથી નીકળવા તૈયાર હતો. હિમાચલમાં વરસાદ સામાન્ય બાબત છે. હું પણ કાનમાં ઈયરફોન્સ લગાવીને આંખો પર આઈ-કેપ પહેરીને સૂવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
જ્યારે આંખો ખૂલી ત્યારે લોકોનો કોલાહલ સંભળાઈ રહ્યો હતો. જાણવા મળ્યું કે અમારી બસ રસ્તા વચ્ચે અટકી હતી અને પાછળ ટ્રાફિક જામ થઈ ચૂક્યો હતો. ધોધમાર વરસાદ હતો અને વીજળી ચમકી રહી હતી.
થોડી વારમાં કોઈ પાસેથી જાણવા મળ્યું કે આગળ ભૂસ્ખલન થયું હતું. અહીંથી કુલ્લૂ ૨૦ કિમી દૂર હતું. બહાર નીકળવાનો કોઈ જ રસ્તો નહોતો એટલે નવરા બેઠા સૌથી પહેલા એ જ વિચાર આવે કે જો આ બસ ખીણમાં પડી તો હું બચીશ કે નહીં. રાતની ભયંકર ઠંડી અને ધોધમાર વરસાદમાં અમે મૂર્ખની જેમ બેઠા હતા.
કેવી રીતે મારું નસીબ ચમક્યું?
"શું લાગે છે તમને? કેટલી વાર લાગશે?" મેં મારી બાજુમાં બેઠેલા સજ્જનને પૂછ્યું.
"આમાં તો વાર લાગશે. ક્યાં જવું છે તમારે?"
"નગ્ગર."
અને પછી અમે બંને અમારા ગામડાંની વાતો કરવા લાગ્યા. તેમણે જણાવ્યું કે તેમનું ગામ ત્યાંથી ફક્ત ૩-૪ કિમી દૂર જ હતું.
મેં કહ્યું, "કેટલું સારું! વરસાદ ધીમો થાય એટલે થોડી વારમાં તમે ઘરે પહોંચી જશો. મારે તો દૂર જવાનું છે અને ઘર તો તેનાથી પણ દૂર છે."
ધોધમાર વરસાદ અટકવાનું નામ જ નહોતો લઈ રહ્યો!
થોડી ક્ષણો બાદ તેઓ બોલ્યા, "એક કામ કરો, તમે નગ્ગર તો નહીં જ પહોંચી શકો, તેના કરતાં મારી સાથે ચાલો. મારે ત્યાંથી પછી તમે તમારા મુકામે નીકળી જજો."
મારી પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. મેં સહમતી દર્શાવી એટલે અમે બંને ટેક્સી કરી અને તેમના ગામ જવા આગળ વધ્યા. વચ્ચે જે નજારાઓ જોવા મળ્યા તે ખરેખર અવર્ણનીય હતા. અદભૂત દ્રશ્યો!
પ્રિ-બૂકિંગ વગર મળેલો શાનદાર હોમસ્ટે
લગભગ સાંજ થઈ ચૂકી હતી. અમિત ફોન પર વાત કરી રહ્યા હતા અને હું બારી બહાર નજર રાખીને કશુંક વિચારી રહ્યો હતો. "પહોંચી ગયા." અમિતે કહ્યું.
ત્યાં એક માણસ બે છત્રી લઈને ઊભો હતો. દરવાજો ખૂલતાની સાથે જ મારો સામાન પણ તેણે લઈ લીધો. "આ સુમિત, મારો નાનોભાઈ." અમિતે કહ્યું. તેમની મહેમાનગતિ મને સ્પર્શી ગઈ.
અમે એમના ઘર તરફ આગળ વધ્યા. ખૂબ જ સુંદર ઘર હતું. ભૂરા રંગનું બે માળનું ઘર. ભારે વરસાદના કારણે હું અહીં આવ્યો, અમિતની ભલમનસાઈ, આ બધું હું વિચારી રહ્યો હતો. એને લીધે જ તો હું આ સુંદર ઘર સુધી પહોંચ્યો હતો. થોડાં લાકડાં અને ઈંટોથી બંધાયેલો એક મજાનો બગીચો પણ હતો. બાજુની દીવાલ પર બિયાસ નદી અને પહાડોની તસવીરો લગાવવામાં આવી હતી. બે ઘડી મને ઈર્ષા થઈ આવી એટલું આકર્ષક ઘર હતું.
હિમાચલી ચા સાથે સ્વાગત
હજુ તો અમે અમિતના ઘરે પહોંચ્યા જ હતા કે થોડી વારમાં તેમના મમ્મી અમારા માટે ચા બિસ્કિટ લઈ આવ્યા. ચા પીવાથી જાણે આત્મા તૃપ્ત થઈ ગયો. હવે તો મને જાણે એમનું કુટુંબ પણ પોતીકું લાગવા લાગ્યું હતું.
"આ તમારો રૂમ. થોડો આરામ કરી લો. થાક્યા હશો," સુમિતે કહ્યું. રૂમની બારીની બહાર બિયાસ નદી અને હરિયાળા પહાડો દેખાઈ રહ્યા હતા.
"આ હોમસ્ટે તમે પહેલેથી જ બનાવ્યું છે?" મે પૂછ્યું.
"હોમસ્ટે? એટલે?" સુમિતે ભોળાભાવે પૂછ્યું. હું ખરેખર ભેશળી હતો કે મને આવા ઘરમાં રહેવાનો મોકો મળી રહ્યો હતો.
હું બપોરના જમવાના સમયે જ ઉઠ્યો. પરંપરાગત કુલ્લૂનું ભોજન આરોગવાની ખૂબ મજા આવી. પેટ અને મન બંને ભરાઈ ગયું. તે લોકો મારા નામ સિવાય બીજું કશું જ નહોતા જાણતા, છતાં કેટલા પ્રેમથી સાચવી રહ્યા હતા!
છૂટા પડવાની વેળા
બપોરના બે વાગ્યા હતા અને વરસાદ અટકી ગયો હતો. અમિત અને હું રસ્તાની પરિસ્થિતિ જોવા બહાર ગયા. જો મને આ ઘરમાં વધારે રહેવાની તક મળત તો હું એ ક્યારેય ન ચૂકત. બહાર આખું ગામ વરસાદ પછી જાણે ખીલી ઉઠ્યું હતું. આ ગામની સુંદરતા મન ભરીને માણવા માટે અડધો દિવસ પૂરતો નથી.
સૂર્યાસ્ત થવામાં હતો અને રસ્તો પણ સાફ થઈ ચૂક્યો હતો. મારી વિદાયનો સમય આવી ગયો હતો. સામાન પેક કરી રહ્યો હતો ત્યારે આંટીએ આવીને બહુ પ્રેમથી કહ્યું, "એક દિવસ વધુ રોકાઈ જા બેટા, નગ્ગર પહોંચતા વચ્ચે ફરીથી ફસાઈ જઈશ તો?" મેં આભારવશ થઈને જવાબ આપ્યો, "નહીં ફસાઉ આંટી, કદાચ ફસાઈશ તો કોઈ બીજો અમિત મને ઉગારી લેશે."
ટેક્સી તૈયાર હતી. અમિતે મૂકવામાં મદદ કરી. આંટીએ થોડું ખાવાનું પણ ભરી આપ્યું. કાર આગળ વધી અને મેં બારીમાંથી હાથ હલાવીને તેમની વિદાય લીધી. બહુ જ યાદગાર દિવસ હતો એ. હું સમયસર મારા મિત્રના લગ્નમાં પહોંચી પણ ગયો. પછી મારા ઘર પાલમપુરમાં પણ થોડો સમય વિતાવ્યો. પણ અમિત અને તેના પરિવાર સાથે વિતાવેલો સમય અવિસ્મરણીય હતો. ભયંકર વરસાદ અને ખરાબ મોસમે મને મારા જીવનનો એક સુંદર યાદગાર અનુભવ કરાવ્યો.
શું તમારી સાથે પણ આવી કોઈ ઘટના બની છે? કમેન્ટ્સમાં જરૂર જણાવો.