સી-પ્લેન, ગિરનાર રોપવે, અને ઘોઘા-હજીરા ફેરી સર્વિસ: ગુજરાતની અલ્ટ્રા-મોડર્ન વિશેષતાઓ

Tripoto

છેલ્લા બે દાયકાઓથી વિકાસની બાબતમાં ગુજરાત દેશના ભલભલા રાજ્યોને હંફાવી રહ્યું છે. આજે ભારતમાં ગુજરાત અને વિકાસ એકબીજાના પર્યાય છે તેવું કહેવામાં આવે તો તે સહેજ પણ અતિશયોક્તિ નહીં ગણાય. ગુજરાતને નદીઓ, સમુદ્ર, પર્વત, રણનું રેર કોમ્બિનેશન પ્રાપ્ત થયું છે અને ગુજરાતે બહુ જ માવજતથી આ તમામનું જતન કર્યું છે. એટલું જ નહીં, આ સૌ કુદરતી સ્ત્રોતોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવા સતત પ્રયત્નશીલ રહ્યું છે.

Photo of સી-પ્લેન, ગિરનાર રોપવે, અને ઘોઘા-હજીરા ફેરી સર્વિસ: ગુજરાતની અલ્ટ્રા-મોડર્ન વિશેષતાઓ 1/4 by Jhelum Kaushal
ફાઇલ ફોટો

ગુજરાત અત્યાધુનિક સવલતો સાથે એકવીસમી સદીના ત્રીજા દાયકાની શરૂઆત કરવા મક્કમ છે. આખી દુનિયા માટે અત્યંત કપરાં સાબિત થયેલા વર્ષ ૨૦૨૦માં ગુજરાતે ટેકનોલોજીની આંગળી ઝાલીને પ્રવાસનક્ષેત્રે હરણફાળ ભરવા પૂરેપૂરી તૈયારી કરી છે. ગુજરાત માટે યશકલગી એવા સી-પ્લેન, ગિરનાર રોપવે તેમજ ઘોઘા-હજીરા ફેરી સર્વિસ પર એક નજર કરીએ.

સી-પ્લેન:

અમદાવાદને બે ભાગમાં વહેચતી સાબરમતી નદીનો રિવરફ્રન્ટ બન્યા પછી વેશપલટો થઈ ગયો હતો. અને હવે તેમાં વધુ એક સ્પેશિયાલિટી ઉમેરાઈ છે- સીપ્લેન. સાબરમતી નદી, અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા સુધી સ્પાઇસજેટનું સીપ્લેન શરૂ થઈ ચૂક્યું છે જે દેશનું પ્રથમ સીપ્લેન છે. પાણી તેમજ અત્યંત સાંકડા રન-વે પરથી ટેકઑફ થવા સક્ષમ એવા આ સીપ્લેનનું ૩૧ ઓકટોબર ૨૦૨૦ના રોજ, સરદાર પટેલ જયંતીના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Photo of સી-પ્લેન, ગિરનાર રોપવે, અને ઘોઘા-હજીરા ફેરી સર્વિસ: ગુજરાતની અલ્ટ્રા-મોડર્ન વિશેષતાઓ 2/4 by Jhelum Kaushal
ક્રેડિટ્સ: ગૂગલ

સ્પાઇસજેટ ઑફિશિયલ્સના કહ્યા અનુસાર નાગપુર, ગુવાહાટી તેમજ મુંબઇમાં સફળ ટ્રાયલ્સ થયા બાદ અમદાવાદમાં સીપ્લેન શરૂ કરવામાં આવ્યું છે. એક સીપ્લેનમાં બાર પ્રવાસીઓ બેસી શકે છે. અમદાવાદથી કેવડિયા વચ્ચેનું ૪ કલાકનું અંતર આ સીપ્લેન એક કલાકમાં કાપે છે જે તેનો સૌથી મોટો ફાયદો છે. હાલમાં રોજના ૪ સીપ્લેન ઉડાડવાનું આયોજન છે.

ભાડું: ૪૮૦૦ રૂ પ્રતિ વ્યક્તિ

ગિરનાર રોપવે:

અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિર તેમજ કેટલાક જૈન મંદિરો ધરાવતો જુનાગઢનો અતિવિખ્યાત ગિરનાર પર્વત ચડવો એ કદાચ દરેક ગુજરાતીનું સ્વપ્ન હશે. પણ ૯૦૦૦ કરતાં પણ વધુ પગથિયાં ધરાવતો ગિરનાર ચડવો એ દરેકની ક્ષમતા બહારની વાત છે. પણ હવે એ શક્ય છે. ૧૯૮૩માં મૂકવામાં આવેલા ગિરનાર રોપવેનો પ્રસ્તાવ ૨૦૧૮માં અમલમાં મુકાયો, ઉષા બ્રેકો લિમિટેડ નામની કંપનીએ બાંધકામની જવાબદારી સંભાળી અને ૨૪ ઓકટોબર, ૨૦૨૦થી ગિરનાર રોપવે પ્રજા સમક્ષ હાજર છે! ગિરનાર નેશનલ પાર્ક અને વન્યજીવ અભયારણ્યના વિસ્તાર વચ્ચે આવેલો પર્વત હોવાથી રોપવેના કામ માટે નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની પણ મંજૂરી મેળવવામાં આવી હતી. રોપવે ની મુસાફરી દરમિયાન અદભૂત કુદરતી નજારો જોવા મળે છે.

Photo of સી-પ્લેન, ગિરનાર રોપવે, અને ઘોઘા-હજીરા ફેરી સર્વિસ: ગુજરાતની અલ્ટ્રા-મોડર્ન વિશેષતાઓ 3/4 by Jhelum Kaushal
ક્રેડિટ્સ: ગૂગલ

ગિરનાર રોપવે માટે ભવનાથ તળેટી અને અંબાજી મંદિર વચ્ચે ૯ પાઇપ મૂકવામાં આવ્યા છે. ૧૩૦ કરોડ રૂપિયાના ખર્ચે બંધાયેલો ૨૩૨૦ મીટર (૨.૩ કિમી) લાંબો આ રોપવે એશિયાનો સૌથી લાંબો રોપવે છે. એક ટ્રીપ ૭.૪૩ મિનિટની થાય છે અને આ રોપવે એક કલાકમાં સરેરાશ ૮૦૦ વ્યક્તિઓનું પરિવહન કરી શકવા સક્ષમ છે. સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી આ રોપવે કાર્યરત રહે છે.

ભાડું:

વન-વે: ૪૦૦ રૂ પ્રતિ વ્યક્તિ

ટુ-વે: ૭૦૦ રૂ પ્રતિ વ્યક્તિ

૫ થી ૧૦ વર્ષના બાળકો: ૩૫૦ રૂ

ઉડનખટોલા નામની વેબસાઇટ પરથી ગિરનાર રોપવેનું ઓનલાઈન બૂકિંગ કરી શકાય છે.

ઘોઘા-હજીરા ફેરી સર્વિસ:

મૂળ સૌરાષ્ટ્રના પણ સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એવા રોજના સરેરાશ ૧૨,૦૦૦ લોકો સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે આવ-જા કરે છે. આ માટે પુષ્કળ ગાડીઓ, બસો વપરાય છે અને ઘણો જ સમય પણ લાગે છે. ઘોઘા-હજીરા રોપેક્સ ફેરી સર્વિસથી ભાવનગર અને સુરત વચ્ચે ૮ કલાકે કપાતું વાહન માર્ગનું ૩૬૦ કિમીનું અંતર દરિયાઈ માર્ગે ફક્ત ૯૦ કિમીનું બની જાય છે અને માત્ર ૨ જ કલાકમાં કાપી શકાય છે. ઘોઘા-હજીરા રોપેક્સ ફેરી સર્વિસ જે ત્રણ માળની ‘વોયાજ સિમ્ફની’ દ્વારા થનાર છે તે મુખ્ય ડેક પર ૩૦ ટ્રક, અપર ડેક પર ૧૦૦ પેસેન્જર કાર તેમજ પેસેન્જર ડેક પર ૫૦૦થી વધુ પેસેન્જરની ક્ષમતા ધરાવે છે.

Photo of સી-પ્લેન, ગિરનાર રોપવે, અને ઘોઘા-હજીરા ફેરી સર્વિસ: ગુજરાતની અલ્ટ્રા-મોડર્ન વિશેષતાઓ 4/4 by Jhelum Kaushal
ક્રેડિટ્સ: ગૂગલ

ઘોઘા-દહેજ (જિલ્લો-ભરૂચ) વચ્ચે ચાલતી ફેરીનો ૨૦૧૮-૨૦૧૯ ના એક વર્ષ દરમિયાન ૨.૮ લાખ મુસાફરો, ૪૫,૦૦૦ કાર, ૧૨,૫૦૦ ટ્રક અને ૨૬,૦૦૦ ટુ વ્હીલર્સએ લાભ લીધો હતો. તેના પરથી અંદાજ લગાવી શકાય કે ઘોઘા-હજીરા રોપેક્સ કેટલું ઉજળું ભવિષ્ય ધરાવે છે.

ભાડું:

જનરલ ક્લાસ- ૬૦૦ રૂ

એક્ઝિક્યુટિવ ક્લાસ- ૮૦૦ રૂ

કાર- ૧૨૦૦ રૂ

ટુ વ્હીલર- ૩૫૦ રૂ

શું તમે આ અલ્ટ્રા-મોડર્ન સુવિધાઓનો લાભ લીધો છે? તમારા અનુભવો અમને કમેન્ટ્સમાં જણાવો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Further Reads