ફિલ્મોની ભવ્યતાની વાત આવે ત્યારે સૌનાં દિમાગમાં સૌથી પહેલા હોલિવૂડનું જ નામ આવે. સાચી વાત ને? હોલિવૂડ, બ્રિટિશ, કોરિયન કે ઇવન બોલિવૂડને જ આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં કરતા-હરતા તરીકે જોતાં આવ્યા છીએ. પણ ભારતમાં પ્રાદેશિક ફિલ્મો પણ બોલિવૂડથી સહેજ પણ કમ નથી. ઇન ફેક્ટ, ઘણાય કિસ્સાઓમાં તો પ્રાદેશિક ફિલ્મો બોલિવૂડ કરતાં ઘણી જ બહેતર સાબિત થઈ છે. આવી જ ખૂબ સબળ કહી શકાય તેવી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, અને જ્યાં આ ઇન્ડસ્ટ્રી વિકસી છે તેવા હૈદરાબાદની બાજુમાં જ વિશ્વનું સૌથી મોટું ફિલ્મસિટી શોભે છે જેનું નામ છે રામોજી ફિલ્મસિટી.
ડિસેમ્બર ૨૦૧૮માં મેં મારા માતા-પિતા અને ભાઈ સાથે આ ફિલ્મસિટીની મુલાકાત લીધી હતી અને તમે નહિ માનો, હજુ આજે પણ તે ભવ્યાતિભવ્ય સ્થળના ફોટોઝ જોવાની અમને ખૂબ જ મજા આવે છે. અમે અમદાવાદથી હૈદરાબાદની ફ્લાઇટમાં ગયા હતા. અમદાવાદ સિકંદરાબાદ વચ્ચે નિયમિત એક ટ્રેન પણ છે.
હૈદરાબાદ કે સિકંદરાબાદ (જે હૈદરાબાદનું ટ્વીન સિટી છે)થી પ્રવાસીઓએ વહેલી સવારે ૭ વાગ્યા પહેલા પોતાની રીતે એક સ્થળ પર પહોંચવાનું રહે છે જ્યાંથી રામોજી ફિલ્મસિટી માટે તેલંગાણા ટુરિઝમની બસ ઉપડે છે. તે સમયે પ્રતિવ્યક્તિ ૧૨૦૦ રુ એન્ટ્રી ફી હતી જેમાં આવવા-જવા માટે આ બસની ટિકિટ તેમજ રામોજી ફિલ્મસિટીની એન્ટ્રી ફી સમાવિષ્ટ છે.
ફિલ્મસિટીની મુલાકાત લેવી હોય તો તેના વિષે અમુક રસપ્રદ વાતોની આગોતરી જાણકાર હોય તો પ્રવાસનો આનંદ બમણો થઈ જાય. રામોજી ફિલ્મસિટીની સ્થાપના વર્ષ ૧૯૯૬માં રામોજી રાવ નામના ફિલ્મ પ્રોડ્યુસર દ્વારા થઈ હતી. આજે 2૦૦૦ એકર વિસ્તારમાં ફેલાયેલું રામોજી ફિલ્મસિટી વિશ્વનાં સૌથી મોટા ફિલ્મસિટી તરીકે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવે છે. દર વર્ષે સરેરાશ ૧૫ લાખ લોકો આ ફિલ્મસિટીની મુલાકાત લે છે.
એક અતિભવ્ય દરવાજાની અંદર બસ દાખલ થાય છે એન રામોજીની મુલાકાત શરૂ થાય છે. એન્ટ્રી કરાવીને અહીંની આંતરિક બસમાં આખા ફિલ્મસિટીની મુલાકાત લેવાની રહે છે. અહીં પુષ્કળ સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોવાથી આ બસની સુવિધા સતત ચાલુ રહે છે. શરૂઆતમાં બસ કેટલાક સેટ્સ પરથી પસાર થાય છે. આ સૌ સેટ્સમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ, પેલેસ, હોસ્પિટલ, જેલ, બજાર, નદી, સરોવર, બગીચાઓ જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. જાણે કોઈ શહેરમાં જ છીએ એવું લાગે! યુરોપિયન સેટ પણ ઊભો કરવામાં આવેલો છે જ્યાંથી પસાર થતી વખતે અદ્દલ બ્રિટન, ફ્રાન્સ, સ્પેન, ઈટાલી કે જર્મનીની ગલીઓમાંથી પસાર થઈ રહ્યા હોઈએ એવી અનુભૂતિ થાય છે. અમુક ચોક્કસ સ્થળોને બાદ કરતાં અહીં ઊભા રહી શકાતું નથી, પણ બસની ગતિ ખૂબ જ ધીમી હોય છે જેથી તમામ સ્થળો નિરાંતે જોઈ શકાય, ચાલતી બસમાંથી જ લોકો હોંશભેર ફોટોઝ પાડે છે. જે ગણતરીના સ્થળોએ બસ ઊભી રહે છે ત્યાં સૌ પ્રવાસીઓ ખૂબ આનંદ કરે છે કેમકે આવી સુંદર જગ્યાઓ માત્ર ફિલ્મોમાં જ જોવા મળે છે.
એકાદ બે કલાક બસમાં સફર કર્યા બાદ મુલાકાતીઓને પોતાની રીતે ફરવા માટે એક સ્થળેથી સ્વતંત્ર કરવામાં આવે છે. કોઈ પણ જગ્યા મન ભરીને માણ્યા બાદ નજીકની જગ્યા પગપાળા જઇ શકાય છે અથવા તો દૂરના સ્થળની મુલાકાત લેવા બસની સુવિધા અવિરત ઉપલબ્ધ રહે છે. આ બધી જ જગ્યાઓ એટલી સુંદર છે કે તમારે યાદ રાખવું પડશે કે હજુ ઘણું જોવાનું બાકી છે!
રામોજી મૂવી મેજિક નામના સ્થળે ફિલ્મોમાં કેવી રીતે શૂટિંગ કરવામાં આવે છે તેનું એક નાનું ઉદાહરણ પણ આપવામાં આવે છે. કોઈ હોલમાં હાજર પ્રવાસીઓ પૈકી જ કોઈને બોલાવીને અમુક મિનિટ્સનો સીન શૂટ થાય છે અને ત્યાં જ ઉપર મૂકવામાં આવેલી સ્ક્રીન પર એ સીન ફિલ્મમાં કેવો દેખાશે તે જોવા મળે છે. ફિલ્મી દુનિયાથી મોટા ભાગના મુલાકાતીઓ અજાણ જ હોય છે એટલે અહીં સૌનાં અચરજનો પાર નથી રહેતો.
રામોજી ફિલ્મસિટીમાં ૨૫૦૦ કરતાં પણ વધુ ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે અને આ ફિલ્મોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. આ ફિલ્મોમાં ઢગલોબંધ દક્ષિણ ભારતીય ફિલ્મો ઉપરાંત ચેન્નાઈ એક્સપ્રેસ, ધ ડર્ટી પિક્ચર, તેરે નામ, રમૈયા વસ્તાવઇયાં, ક્રિશ ૩, દિલવાલે, રા વન વગેરે જેવી હિન્દી ફિલ્મો સામેલ છે. આ યાદીમાં સૌથી લેટેસ્ટ અને લોકપ્રિય ફિલ્મ એવી બાહુબલી (ભાગ ૧ અને ૨)નો અતિ ભવ્ય સેટ અમારી મુલાકાત સમયે હજુ અકબંધ રાખવામાં આવ્યો હતો.
તમને એવું થશે કે આટલા વિશાળ વિસ્તારમાં આખા દિવસની ટુર હોય તો ખાવા પીવાનું શું? નો ટેન્શન. થોડા થોડા અંતરે ઘણા સારા ફૂડ કોર્ટસ રામોજી ફિલ્મસિટીમાં ઉપલબ્ધ છે જ્યાં તમે તમારી ઈચ્છા પ્રમાણે ઓર્ડર કરીને ખાઈ શકો છો.
અમે ડિસેમ્બરમાં ગયા હતા એટલે ગુલાબી ઠંડીને કારણે આખો દિવસ ખૂબ જ સ્ફૂર્તિલો રહ્યો. ઉનાળાનાં સમયમાં અહીં ભયંકર ગરમી લાગે છે તે વાત ધ્યાનમાં રાખવી.
એક જુઓ અને એક ભૂલો એવી અનહદ સુંદર જગ્યાઓ જોયા બાદ સાંજે ૫.૩૦ વાગે અમે પાછા ફરવાની બસમાં બેઠા ત્યારે એક જ દિવસમાં સેંકડો સ્થળોની મુલાકાત લઈને પાછા ફરી રહ્યા હોઈએ તેવું લાગી રહ્યું હતું. રામોજી ફિલ્મસિટી ખરેખર એક અનન્ય અવિસ્મરણીય યાદગીરી બની રહેશે.
પ્રવાસન સંપૂર્ણ ખુલ્લી ગયા બાદ તમે પણ આ શાનદાર ફિલ્મસિટીની મુલાકાત લેવા તૈયાર છો ને?