આપણા આખા ભારત દેશને કુદરતે ખોબલે ખોબલે નૈસર્ગિક સુંદરતા બક્ષી છે. હું તો એમ જ કહીશ કે આ દેશનું દરેક ગામ, અહીંનો એકોએક ખૂણો જોવા-સમજવા લાયક છે પણ એ કદાચ શક્ય ન બને. તો ચાલો એક એવું લિસ્ટ બનાવી જે લિસ્ટમાં રહેલા ભારતનાં શહેરોની દરેક પ્રવાસી જીવનમાં એક વાર મુલાકાત લેવી જોઈએ.
ગુલમર્ગ
'ધરતી પર જો સ્વર્ગ છે તો એ અહીં જ છે' ગુલમર્ગ એ કાશ્મીર માટે કહેવાતી આ પ્રખ્યાત ઉક્તિની સત્યતાની ખાતરી કરે છે.
શ્રેષ્ઠ સમય: ઓકટોબરથી ફેબ્રુઆરી
ઉદયપુર
ઝરણાઓનાં શહેર તરીકે જાણીતું ઉદયપુર રાજવી ઠાઠ અને કુદરતી સુંદરતાનો અદભૂત સંયોગ છે. અહીંની મહેમાનગતિ જાણે આપણને રાજા મહારાજાઓની અનુભૂતિ કરાવે છે.
શ્રેષ્ઠ સમય: જુલાઇથી સપ્ટેમ્બર
ગંગટોક
ઉત્તરપૂર્વ ભારત જાણે પ્રકૃતિનું એક અદભૂત ચિત્ર છે અને આ ચિત્ર ગંગટોકમાં જીવંત બની ઉઠે છે. દુનિયાનું ત્રીજું સૌથી ઊંચું શિખર એવા કાંચનજંઘાનો અહીં અવર્ણનીય નજારો જોવા મળે છે.
શ્રેષ્ઠ સમય: ઓકટોબરથી ફેબ્રુઆરી
મૈસુર
મૈસુર પેલેસની સુંદરતા અને ભવ્યતા અહીંનાં મુલાકાતીઓને અચંબામાં મૂકી દે છે. અમસ્તા આટલો પ્રસિદ્ધ મહેલ થોડો હોય!
શ્રેષ્ઠ સમય: ઓકટોબરથી માર્ચ
દિલ્હી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી કેટલીય ઐતિહાસિક ઇમારતોનું ઠેકાણું પણ છે. અક્ષરધામ, લોટસ ટેમ્પલ, લાલ કિલ્લો જેવી જગ્યાઓ ખરેખર બેનમૂન છે.
શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી ફેબ્રુઆરી
ચંડીગઢ
'સિટી બ્યુટીફુલ' જેવું યોગ્ય ઉપનામ ધરાવતા ચંડીગઢની શાંતિ, શુદ્ધ હવા અને અહીંનાં સાફ રસ્તાઓ જોઈને તમે પણ આ પ્લાન્ડ સિટીના પ્રેમમાં પડી જશો.
શ્રેષ્ઠ સમય: ઓગસ્ટથી નવેમ્બર
પોંડિચેરી
જો ફ્રાંસ રૂબરૂ ગયા વગર જ ફ્રાંસની ઝલક જોવી હોય તો પોંડિચેરીની ટિકીટ્સ બૂક કરી લો. અહીંનાં બીચ પણ વિદેશી બીચથી કમ નથી.
શ્રેષ્ઠ સમય: ઓકટોબરથી ફેબ્રુઆરી
શિમલા
બર્ફીલી ચાદર ઓઢીને પોઢેલું આ નગર તમને ગજબની શાંતિની અનુભૂતિ કરાવશે. માત્ર પહાડ અને મૉલ રોડ જ નહિ, બ્રિટિશરોનાં સમયની ઇમારતો પણ તમારું મન મોહી લેશે.
શ્રેષ્ઠ સમય: માર્ચથી જૂન
મુન્નાર
મુન્નારને દક્ષિણનું કાશ્મીર કહેવાય છે. અહીંની કુદરતી સુંદરતા જોઈને તમને પણ આ ઉપમા યોગ્ય જ લાગશે.
શ્રેષ્ઠ સમય: ડિસેમ્બરથી ફેબ્રુઆરી
અંડમાન
ભારતમાં જ રહીને મોરેશિયસ-માલદીવનો અનુભવ કરવો હોય તો અંડમાન છે ને! ચોખ્ખો ભૂરો દરિયો, સફેદ રેતીનો કિનારો તેમજ રોમાંચક એક્ટિવિટીઝ- અ મસ્ટ વિઝિટ પ્લેસ!
શ્રેષ્ઠ સમય: એપ્રિલથી જૂન
આગ્રા
દુનિયા જેને પ્રેમનું પ્રતિક માને છે એવા તાજ મહેલની મુલાકાત અને બીજી અનેક ઐતિહાસિક ઇમારતો જોવા આગ્રા જરૂરથી જવું જોઈએ.
શ્રેષ્ઠ સમય: ઓગસ્ટથી ઓકટોબર
તમને ભારતની કઈ જગ્યા સૌથી વધુ ગમી? નીચે કમેન્ટમાં જરૂર જણાવશો.
.