દક્ષિણમાં પ્રાચીન સમુદ્ર કિનારાથી લઇને ઉત્તરમાં વિશાળ પહાડો સુધી, લીલાછમ પશ્ચિમી ઘાટથી માંડીને પૂર્વમાં ફરતા વન્યજીવો સુધી, ભારત ખરેખર ફરવાના શોખીનો માટે એક સ્વર્ગ છે. દરેક પ્રકારના અનોખા, અદ્ભુત અને સુંદર નજારાને પોતાના સમાવતો ભારત ફક્ત આપણા દેશના ટૂરિસ્ટો માટે જ નહીં પરંતુ વિદેશીઓના લિસ્ટમાં પણ સુપર હિટ છે. તો ચાલો આજે તમને એવી જગ્યાઓ અંગે જણાવું છું જે વિદેશીઓની ભારત યાત્રામાં સૌથી ઉપર છે.
1. કેરળ- ભગવાનનો પોતાનો દેશ
કેરળ આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે ભારતમાં સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે જાણીતું થઇ ચૂક્યું છે. અહીંના સ્વચ્છ સમુદ્ર કિનારા, આયુર્વેદિક રિસોર્ટ્સ અને સ્પા વિદેશી મુસાફરો માટે મુખ્ય આકર્ષણનું કામ કરે છે.
કેરળ તમને કંઇક એવી રીતે આશ્ચર્યમાં મૂકી શકે છે કે તમે વિચાર્યું પણ નહીં હોય. કોવલમ, વર્કલા, કન્નૂર, બેકલ જેવા સમુદ્ર કિનારાના દ્રશ્ય જોતા તમે ચા અને મસાલાના બગીચાથી આચ્છાદિત પર્વતો પર પહોંચી જાઓ છો, આ વિચારીને જ હેરાન થઇ જશો. એલેપ્પીમાં આખી રાત બેકવૉટર ક્રૂઝની મજા લો અને જો તમે પ્રકૃતિને પ્રેમ કરો છો તો વાયનાડ પહોંચી જાઓ. જે ઘણી બધી વનસ્પતિઓ અને વન્યજીવોથી ભર્યું પડ્યું છે- આ એક યાદગાર અનુભવ હશે.
2. કસોલ- દુનિયાભરના મુસાફરોનો અડ્ડો
દુનિયાની માયાજાળ અને ઉથલ-પાછલથી દૂર વિદેશી પ્રવાસીઓ આ જગ્યાએ આવીને ચિંતાઓને ભૂલીને મજા કરે છે અને પૂનમની ચાંદની રાતમાં ન્હાતા પર્વતોનો આનંદ લે છે. ભારતના એમ્સ્ટરડેમના નામે જાણીતું કસોલ ખરેખર બૅકપેકર યાત્રીઓ માટે કોઇ સ્વર્ગથી કમ નથી. જ્યાં હિપ્પી કલ્ચર અને ખુલ્લા દિલના લોકો વસે છે.
3. કોડાઇકેનાલ: જંગલોની ગિફ્ટ
હર્યાભર્યા અને શાંતિપૂર્ણ વાતાવરણની સાથે, કોડાઇકેનાલ લાંબા સમયથી વિદેશી યાત્રીઓ માટે એક મજેદાર ડેસ્ટિનેશન માનવામાં આવે છે. જો હકીકતથી દૂર એક રમણીય સ્થળે રજાઓ ગાળવી એ તમારી પસંદગીની રીત છે તો કોડાઇકેનાલ આના માટે બેસ્ટ જગ્યા છે. તામિલનાડુનું આ લોકપ્રિય સ્થળ તેના જાદુઇ મશરુમ માટે ઝડપથી લોકપ્રિય થઇ રહ્યું છે. તમારે પણ આનો સ્વાદ ચાખવો છે? તો તમને ખબર છે કે તમારે ક્યાં જવાનું છે.
4. ગોકર્ણ- સુંદર, રેતાળ સમુદ્ર કિનારાનો ભંડાર
કર્ણાટકમાં એક નાનકડુ તીર્થ શહેર, જે પર્યટનને પ્રોત્સાહન મળ્યા પછી આરામથી રજાઓ વિતાવવાની પસંદગીની જગ્યા બની ગઇ છે. હવે તો લોકો ગોવાની ભીડભાડ છોડીને ગોકર્ણ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગોકર્ણને બે ભાગમાં વહેંચી શકાય છે, એક હિસ્સો ધાર્મિક ભક્તોનો જે શિવના આર્શીવાદ લેવા માટે અહીં આવે છે, અને બીજો ખુશમિજાજ, શાંતિથી રજાઓ ગાળવા આવતા યાત્રીઓ માટે.
5. આગ્રા- તાજનું ઘર
એ કહેવું ખોટુ નહીં હોય કે તાજ મહેલની ભવ્યતા જ પર્યટકોને આગ્રાની તરફ જાદુઇ રીતે ખેંચી લાવે છે. યૂનેસ્કોની વિશ્વ પુરાત્વીય સ્થળ અને દુનિયાની સાત અજાયબીઓમાંનો એક, આ જગ્યાએ દેશથી માંડીને વિદેશ સુધીના અને એક સામાન્ય માણસથી લઇને દેશોના રાષ્ટ્રપતિ અને ખાસ લોકો પણ હાજરી લગાવી ચૂક્યા છે. તાજ સંગ્રહાલય, ઇતિમાદ-ઉદ-દૌલા, અકબરનો મકબરો અને કિનારી બજાર આગ્રાની બીજી કેટલીક જગ્યાઓ છે જ્યાં તમે ફરી શકો છો.
6. હમ્પી- ખંડેરથી ઘણું વધારે
ખંડેરમાં વસેલો ઇતિહાસનો ખજાનો, સુંદર નકશીકામનો મેળો, તીર્થ યાત્રીઓ માટે ખાસ, એક ઇતિહાસકારની પહેલી, એક કલાકારનું સંગ્રહાલય અને એક લેખકની પ્રેરણા, હમ્પી એક જ સમયમાં લાખો ચીજોનું પાત્ર ભજવી શકે છે.
જ્યાં ઇતિહાસ અને વિરાસત હજુ પણ હમ્પીના પર્યટન મેનૂનો મહત્વનો હિસ્સો છે, તો હિપ્પી આઇલેન્ડ જેવી જગ્યા ટૂરિસ્ટ માટે ખાસ મંદિર અને પર્યટક સ્થળોથી થોડે દૂર શાંતિથી કેટલોક સમય પસાર કરવા માટે ઘણી પસંદ કરવામાં આવે છે.
7. ગોવા- આઝાદીની પસંદગીની જગ્યા
ગોવા ખરેખર ભારતમાં મસ્તીની રાજધાની તરીકે બિલકુલ ખરુ ઉતર્યું છે. પોતાની મસ્તીથી ભરપૂર વાઇબ અને રંગીન સંસ્કૃતિ માટે જાણીતા ગોવાને દરેક મોસમમાં રજા વિતાવવા માટે સૌથી સારી જગ્યા માનવામાં આવે છે. સમુદ્ર કિનારે રાતભર પાર્ટીમાં ડુબતા લોકો, કે પછી તે શાંત, છુપાયેલી જગ્યા જ્યાં કદાચ તમારા સિવાય કોઇ ન હોય, ગોવામાં દરેક માટે કંઇક છે.
ઇઝરાયેલી અને રશિયાના લોકોમાં ગોવા લોકપ્રિય સ્થળ છે. આ ટૂરિસ્ટ અહીં આવીને પોતાનો સમય પસાર કરવાનું ઘણું જ પસંદ કરે છે. પાર્ટીના શોખીનોને તો અહીં જલસા છે, પાર્ટીઓ મોડી રાતથી શરુ થઇને સવાર સુધી ચાલે છે.
8. જયપુર- કિલ્લા અને મહેલોનો ખજાનો
એક મુખ્ય પર્યટન સ્થળ, જયપુર ભારતના સૌથી રંગીન અને રાજસી રાજ્યનો એન્ટ્રી પોઇન્ટ છે. પોતાના રંગીન રત્નો માટે દુનિયાભરમાં જાણીતા રાજસ્થાનનું આ પાટનગર, શહેરની આધુનિકતા અને ગૌરવશાળી ઇતિહાસને એક જ માળામાં પરોવે છે.
જયપુરમાં ફરવા માટે જગ્યાઓઃ અંબર પેલેસ, સિટી પેલેસ, જંતર મંતર, હવા મહેલ, નાહરગઢ કિલ્લો, જયગઢ કિલ્લો, લક્ષ્મી નારાયણ મંદિર અને લેક પેલેસ
9. પૉન્ડિચેરી- ભારતનું ફ્રાન્સીસી કેપિટલ
શું તમને યાદ છે કે આપણામાંથી મોટાભાગના લોકો એ વાતનું સપનું જોયા કરતા હતા કે હવાની સાથે વાળને લહેરાવતા આપણે એક સુંદર બીચ પર ફરી રહ્યા છીએ. તે સમુદ્ર કિનારો પૉન્ડિચેરીમાં છે.
પેરેડાઇઝ બીચ, ઑરોવિલે બીચ, સેરેનિટી બીચ અને પ્રોમેનેડ બીચ સુધી, પૉન્ડિચેરી ભારતમાં સૌથી લોકપ્રિય સમુદ્ર કિનારાના સ્થળોમાંનું એક છે અને દેશના બીજા બીચ ડેસ્ટિનેશનથી ઉલટ, પૉન્ડિચેરીમાં સમુદ્ર કિનારા પાર્ટીના શોરબકોર માટે નહીં પરંતુ તેના શાંત વાતાવરણ માટે જાણીતા છે.
10. વારાણસી- અધ્યાત્મ, પવિત્રતા અને આશ્ચર્યથી ભરેલી જગ્યા
આ શહેરે દુનિયાને બદલાતા જોઇ છે. 5000 વર્ષોથી સમયની ચાલને નીરખતું વારાણસી સૌથી પ્રાચીન શહેરોમાનું એક છે.
માર્ક ટ્વેનના શબ્દોમાં, "બનારસ ઇતિહાસથી પણ જુનું છે, પરંપરાથી પણ જુનુ છે, કહેવતોથી પણ જુનું છે અને આ બધુ મળીને જે ઇતિહાસ બને તેનાથી પણ બેગણું જુનુ છે."
નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.