આપણે ભારતીયોને પોતાની દેશની ભૂમિ પર ઘણો ગર્વ હોય છે અને શું કામ ન હોય? શું નથી આપણી પાસે? ઉંચા બર્ફિલા પહાડોથી લઇને રણની સોનેરી રેતી સુધી, શહેરોની આકાશ આંબતી ઇમારતોથી લઇને સમુદ્રની લહેરોમાં નહાતા બીચ, બધુ તો છે અહીં. તો પણ જ્યારે રજાઓ પસાર કરવાની વાત આવે છે તો તરત આપણે વિદેશ ફરવા જવાની સ્પર્ધામાં લાગી જઇએ છીએ. કદાચ એટલા માટે આપણને ખબર નથી કે વિદેશના તે જ દ્રશ્યો, કે પછી એમ કહો કે તેનાથી વધુ સારી અને સુંદર જગ્યાઓ ભારતમાં જ છુપાયેલી છે. તો રાહ શેની જોવાની, આ વખતે વિદેશ નહીં પરંતુ ભારતમાં રહેલી આ વિદેશી જોડિયા જગ્યાઓનો પ્લાન બનાવો, ક્યાં જઇએ તેનો જવાબ હું આપી દઇશ.
સ્વિટ્ઝરલેન્ડ નહીં, ગુલમર્ગમાં કરો રોમાન્સ
દેવદારના લીલા, ઊંચા વૃક્ષો વચ્ચે, બરફની સફેદ ચાદર ઓઢેલા પહાડ, એક આલીશાન રિસોર્ટમાં આરામ અને રોમાંચ માટે સ્કી, આ બધુ પોતાના હનીમૂન પેકેજમાં સામેલ કરી જો તમે સ્વિટ્ઝરલેન્ડ જવાનુ વિચારી રહ્યા છો તો જરા પોતાના પ્લાનિંગ પર બ્રેક લગાવો કારણ કે આ બધુ આપણા કાશ્મીરમાં મળી જશે. શ્રીનગરથી 3 કલાકના અંતરે વસેલુ ગુલમર્ગ પોતાની રોમાન્ટિક અને રોમાંચક યાત્રા માટે પરફેક્ટ જગ્યા છે, જેના માટે તમારે વિદેશની ફ્લાઇટ પણ નહીં પકડવી પડે.
નાયગ્રા ફૉલ્સની મજા આપશે ચિત્રકૂટ ફૉલ્સ
આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે છત્તીસગઢને નાયગ્રા ફૉલ્સ ઑફ ઇન્ડિયા કહેવાય છે અને એક વાર તમે અહીંનો નજારો જોઇ લો તો નાયગ્રા ફૉલ્સને ભૂલી જશો. ચિત્રકૂટ ફૉલ્સ ભારતનો સૌથી પહોળો વૉટરફૉલ છે. આ જળધોધ 95 ફૂટની ઉંચાઇથી પડે છે અને તેની પહોળાઇ 985 ફૂટ છે. થયું ને આશ્ચર્ય?
કુંભલગઢ એટલે ભારતની ગ્રેટ વૉલ ઑફ ચાઇના
ગ્રેટ વૉલ ઑફ ચાઇના અંગે ઘણું સાંભળ્યું પણ હશે અને ઘણી તસવીરોમાં જોઇને ચોંકી પણ ગયા હશો. તો જો ચાઇના ફરવાનો પ્લાન હજુ નથી બનાવ્યો તો જરા રાજસ્થાનમાં બનેલા કુંભલગઢના કિલ્લાનું ચક્કર લગાવી આવો. વિશ્વાસ રાખો, આ જોઇને તમે કહી ઉઠશો, 'આપણુ રાજસ્થાન ચીનથી જરાય ઓછુ નથી?'
આપણુ સપનું સહારાનું રણ: થારનું રણ
દૂર-દૂર સુધી ફેલાયેલી સોનેરી રેતી, રંગીલા લટકણિયાઓથી સજેલા મદ-મસ્ત ઉંટ અને તેની પર હાલતા ડોલતા તમે, આ બધા માટે મોરોક્કોથી સહારા ડેઝર્ટ જવાની શું જરુર જ્યારે આપણુ રાજસ્થાની થાર આ બધુ તમને આપે છે, અને તે પણ તમારા ખિસ્સા ખાલી કર્યા વગર.
કેરળના એલેપીમાં વેનિસની મજા
તમે ઘણી હૉલીવુડ અને બૉલીવુડ ફિલ્મોમાં પ્રેમી પંખીડાને વેનિસ (ઇટાલી)ના બૅકવૉટર પર હોડીમાં સવાર થઇને પ્યાર-મોહબ્બતની વાતો કરતા જોયા હશે. ભારતમાં પણ ન તો પ્રેમની કમી છે અને ન વેનિસની સુંદરતાની. કેરળના એલેપીમાં જાઓ અને તમને અહીં તે જ રોમાન્ટિક માહોલ મળશે જે ઇટાલીની ગલીઓમાં છે. કદાચ તેનાથી વધુ સુંદર.
થાઇલેન્ડનો ફી-ફી આઇલેન્ડ છોડો. અંડમાન જાઓ
વિદેશ ફરવા જનારાઓ માટે થાઇલેન્ડ તો જેમ કે લિસ્ટમાં ટોપ પર જ રહે છે પરંતુ થાઇલેન્ડના ફી-ફી આઇલેન્ડની મજા તમે ભારતના અંડમાન એન્ડ નિકોબાર આઇલેન્ડમાં જ લઇ શકો છો.
કસોલમાં વસ્યુ છે મિની ઇઝરાયેલ
કસોલને મોટાભાગે લોકો ટ્રેકિંગ અને એડવેન્ચર માટે પસંદ કરે છે. પરંતુ પાર્વતી વેલીમાં વસેલું કસોલ ઇઝરાયેલના નાના સ્વરુપ તરીકે પણ જાણીતુ છે. જેનું કારણ છે અહીં વધતુ ઇઝરાયેલી કલ્ચર અને ટૂરિઝમ.
ફ્રાંસ જોવું છે તો પૉન્ડિચેરી ઉપડો!
ફ્રાંસ પોતાની વાસ્તુકળા અને રંગીન ઘરો માટે દુનિયાભરમાં જાણીતું છે. પરંતુ આ બધુ જોવા માટે ફ્રાંસની મોંઘી ટિકિટ કેમ ખરીદવી જ્યારે તમે આ દ્રશ્યોની મજા પૉન્ડિચેરીમાં લૂંટી શકો.
અમેરિકાની એન્ટિલોપ વેલીનો નજારો ઉત્તરાખંડમાં
ફૂલોના મેદાનોના રંગીન દ્રશ્યો ફક્ત કેલિફોર્નિયાના એન્ટિલોપ વેલીમાં જ નથી, પરંતુ ઉત્તરાખંડની વેલી ઑફ ફ્લાવર અમેરિકાને સુંદરતાના મામલે જોરદાર ટક્કર આપે છે.
ભારતનું પોતાનું સ્કૉટલેન્ડ: કૂર્ગ
આમ તો ભારતમાં સ્કૉટલેન્ડ શોધવું કોઇ મુશ્કેલ કામ નથી પછી તમે હિમાલયના ખજિયાર જાઓ, કે શિલોંગ, પરંતુ કૂર્ગની સુંદરતાને ભારતના સ્કૉટલેન્ડનું બિરુદ મળ્યું છે. લીલાછમ મેદાનોથી ભરેલું દક્ષિણ ભારતનું આ શહેર, તમારા મનમાંથી વિદેશ ફરવા જવાનો વિચાર કાઢી નાંખશે.
તો ચાલો મેરા ભારત મહાનનો નારો લગાવો અને જલદીથી ભારતમાં વસેલી આ વિદેશી જગ્યાના ચક્કર લગાવો અને એ પણ વિઝા વગર.
નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.