મેં કોઈ દિવસ કલ્પના નહોતી કરી કે મરી સીધી-સાદી જિંદગીમાં હું કોઈ દિવસ આવા અણધાર્યા પ્રવાસે નીકળી પડીશ, પણ ઘરે સતત 'છોકરી ૨૫ ની થઈ ગઈ છે, હવે એના લગ્ન કરી નાખવા જોઈએ'નાં જાપથી હું ખૂબ કંટાળી ગઈ હતી. થોડા દિવસો તો હું આ વાતને અવગણતી રહી પણ જાન્યુઆરી ૨૦૧૮ માં કોઈ છોકરાનાં પરિવાર સાથે મારી મુલાકાત ગોઠવવાનું નક્કી થયું. આખો દિવસ ઓફિસમાં બેસીને હું એ જ વિચાર્યા કરતી કે આ મુસીબતથી છુટકારો કેવી રીતે મેળવવો.
થોડી નિરાંત મેળવવા હું હેડફોન્સ લગાવીને મારું પ્રિય ગીત સાંભળવા લાગી- 'યે હસી વાદિયાં, યે ખુલા આસમાં'. આ સાંભળતાની સાથે જ હું પહાડી સુંદરતાનાં વિચારોમાં સરી પડી. ગીત પૂરું થયું પણ પહાડોનાં વિચારો નહિ. મારા મનમાં એક વિચાર ચમક્યો. ઓફિસથી સાંજે ૬ વાગે છૂટીને મજનૂ કા ટીલાથી બસ પકડીને હું નીકળી પડી મેકલોડગંજનાં બર્ફીલા દ્રશ્યો માણવા!
સફરની શરૂઆત- થોડો સંકોચ, થોડો ઉત્સાહ
મજનૂ કા ટીલાથી નીકળેલી બસ દિલ્હીની સડકો પર બ્રેક લગાવીને ચાલી રહી હતી. બહારનો કોલાહલ જાણે મારા મનનાં કોલાહલ સાથે હરીફાઈ કરી રહ્યો હતો. મેં અમારા ફેમિલી વૉટ્સએપ ગ્રુપમાં મસેજ કરી દીધો કે હું એક નાનકડા પ્રવાસમાં જઇ રહી છું એટલે છોકરાવાળાં સાથે હમણાં મુલાકાત શક્ય નથી. પરિવારજનો વીફરી ઉઠયા. કેટલાય ફોનકોલ્સ આવ્યા, ખૂબ ઠપકો મળ્યો, પણ હું નક્કી કરી ચૂકી હતી કે કાલની સવાર પહાડો વચ્ચે જ પડશે.
સવારે ૪.૩૦નાં સુમારે બસમાં જ્યારે મરી આંખો ખૂલી ત્યારે મેં જે નજારો જોયો તે હું જીવનમાં ક્યારેય નહિ ભૂલું. બસની બારીમાંથી બહાર કોઈ નાનકડું કામ ઝગમગી રહ્યું હતું. ચોમેર ફેલાયેલા દેવદારના વૃક્ષો એ નજારાને ઔર સુંદર બનાવી રહ્યા હતા. હું હોંશભેર આ દ્રશ્યો જોઈ રહી, કેમકે હું પહેલી વાર કુદરતનું આટલું રમણીય સ્વરૂપ જોઈ રહી હતી. મારા મનનાં બધા જ પ્રશ્નો જ્યારે ઠંડી હવાની લહેરમાં છૂમંતર થઈ ગયા હતા.
મેકલોડગંજમાં ગજબની શાંતિ અને સુકૂનની અનુભૂતિ થઈ.
સવારે ૬ વાગે હું ધર્મશાળા પહોંચી. ત્યાંથી ફક્ત અડધો કલાકના અંતરે આવેલા મેકલોડગંજ જવા મેં ટેક્સી કરી. જોશભેર ઘરેથી નીકળી તો ગઈ પણ મેકલોડગંજમાં રોકાવું ક્યાં એ હજુ અદ્ધરતાલ હતું. મારા નસીબે મારો સાથ આપ્યો અને મને હિમાચલ પ્રદેશ ટુરિઝમની હોટેલ ભાગસુંમાં મને એક રૂમ મળી ગયો. આ સરકારી હોટેલ પાસે બહુ ખાસ અપેક્ષા નહોતી પણ મારી પૂર્વધારણા કરતાં હોટેલ ઘણી જ સારી નીકળી. હોટેલનું લોકેશન, વિશાળ ગાર્ડન, ગરમીમાં બેસવા મૂકવામાં આવેલા બાંકડાઓ, અને બર્ફીલા હિમશીખરો- જસ્ટ પરફેક્ટ!
થોડો આરામ કરીને એક લોકલ આન્ટી પાસેથી લાજવાબ થુપકાનો નાસ્તો કરીને ભાગ્સું ફોલ્સની મુલાકાત સાથે મેં મારી સફરની શરૂઆત કરી. હોટેલથી આ ફોલ્સ ૩.૫ કિમીનાં અંતરે આવેલા છે. જો તમે ઈચ્છો તો અડધો રસ્તો ટેક્સીથી પણ જઇ શકાય છે પણ હું આ રસ્તે ચાલતી જ ગઈ.
આ રસ્તા પરની દુકાનોમાં તિબેટ તેમજ હિમાચલની સંસ્કૃતિની ઝલક દર્શાવતી વસ્તુઓ જોવા મળે છે. પછી આવ્યું ભાગ્સુનાથ મંદિર. સફેદ રંગની દીવાલો ધરાવતું આ મંદિર ઘણું જ આકર્ષક છે અને અહીં બાજુમાં જ એક કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યું છે જ્યાં લોકો ડૂબકી લગાવે છે. ચોમાસામાં તો ભાગ્સુ વૉટરફોલની ધારા મંદિર સુધી પહોંચી જાય છે.
ત્યાર પછી હું ભાગ્સુ ફોલ્સ ભણી ચાલી. શરૂઆતના રસ્તા સારી સ્થિતિના છે પણ પછીથી સાંકડી અને કાચી સડક પર ચાલવું પડે છે. આ રસ્તા પર ચાલતી વખતે મને કેટલીય વાર મારા આમ એકલા નીકળી પડવા પર સંદેહ થયો પણ વૉટરફોલનો અવાજ મને ધરપત આપતો હતો કે આ એક સાચો જ નિર્ણય હતો. લગભગ અડધા કલાક પછી હું વૉટરફોલ પહોંચી ત્યારે મારો બધો જ થાક ગાયબ થઈ ગયો. તિબેટી ઝંડાઓ, ક્રિસ્ટલ ક્લિયર પાણીની છોળો અને તેની ફરતે ઉભેલા વિશાળ પહાડો જાણે કુદરતનો કમાલ દેખાડી રહ્યા હતા. અહીં પહોંચીને મને મારી તમામ મુશ્કેલીઓ વામણી લાગી, કદાચ હું આ જ ઝંખતી હતી.
ફોલ્સ પર થોડો સમય પસાર કર્યા બાદ અહીંનાં શિવા કાફેમાં તાજું ભોજન જમીને હું નામગ્યાલ મોનેસ્ટરી તરફ આગળ વધી. પીળા, સફેદ અને લાલ રંગના આ સુંદર બાંધકામમાં દલાઇ લામાનું મંદિર છે અને બૌધ્ધ સ્કૂલ પણ છે. મંદિરમાં સુંદર ચિત્રો બૌધ્ધ ધર્મગુરુઓની કહાની કહે છે. અહીંથી મેકલોડગંજ નગરનો નયનરમ્ય નજારો પણ જોઈ શકાય છે.
સાંજે હું મેકલોડગંજ માર્કેટ પહોંચી. અહીં વિધ-વિધ વસ્તુઓ શોભી રહી હતી, અલબત્ત આ બધી જ વસ્તુઓ દિલ્હીની બજારમાં પણ ઉપલબ્ધ છે જ. અને પછી પહેલા દિવસની લાંબી સફર બાદ હું હોટેલ જઈને નિરાંતે સૂઈ ગઈ.
ધર્મશાળામાં આધ્યાત્મની ખોજ
મારે ધર્મશાળા થઈને જ પાછા ફરવાનું હતું એટલે બીજો દિવસ મેં અહીં આસપાસની જગ્યાઓ જોવામાં વિતાવ્યો. સૌથી પહેલા હું સ્ટેટ આર્ટ મ્યુઝિયમ પહોંચી. પહાડો વચ્ચે વસેલા આ નગરનો અહીં અદભૂત નજારો જોવા મળે છે. આ મ્યુઝિયમમાં હિમાચલની સંસ્કૃતિ, અહીંનાં લોકોના પોશાક તેમજ રહેણીકરણી વિષે રસપ્રદ માહિતી પૂરી પાડે છે.
અને પછી હું સૌથી ઊંચા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે HPCA સ્ટેડિયમ પહોંચી. ઘાસનું વિશાળ મેદાન અને પાછળ ભવ્ય હિમાલય, આ નજારો અહીં રમાતી કોઈ પણ રમતને બેહદ સુંદર બનાવી દેતો હશે.
સ્ટેડિયમ બાદ હું અહીંની સૌથી સુંદર જગ્યાઓમાંની એક જગ્યાએ ગઈ- નોર્બુલિંગકા ઇન્સ્ટિટ્યૂટ. ૧૯૯૫ માં બનેલી આ ઇન્સ્ટિટ્યૂટ તિબેટની કળા અને સંસ્કૃતિની જાળવણી કરે છે. અહીં જાણે હું સ્વયં સાથે જોડાઈ; મને લાગ્યું કે આપણે નાહકની કેટલીય વાતોની ફિકર કર્યા કરીએ છીએ. સાથોસાથ એવું પણ થયું કે ક્યારેક તો પોતાના માટે અવાજ ઉઠાવવો જ જોઈએ, ભલે પછી લોકોને એ વિદ્રોહ લાગે!
બસ આ જ વિચારો અને ચહેરા પર એક સુંદર સ્મિત સાથે હું દિલ્હી પરત ફરવા રવાના થઈ. મારા પરિવારજનો અને તેમનો ઠપકો મારી રાહ જોઈ રહ્યા હતા. પણ હું મારી વાત વધુ સારી રીતે સમજાવવા સજ્જ બની ચૂકી હતી.
.