રતનમહાલના જંગલોમાં બે રાત અને ફૂલ એન્જોય, કુદરતની નજીક રહેવાનો અવિસ્મરણીય અનુભવ

Tripoto
Photo of રતનમહાલના જંગલોમાં બે રાત અને ફૂલ એન્જોય, કુદરતની નજીક રહેવાનો અવિસ્મરણીય અનુભવ 1/11 by Paurav Joshi

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પોતાના ભરડામા લઇ લીધું છે. માર્ચ મહિનામાં ભારત સરકારે સૌપ્રથમ લોકડાઉનની જાહેરાત કરી હતી. આજે ડિસેમ્બર મહિનામાં આ મહામારીને લગભગ 10 મહિના થઇ ગયા છે. અમે અને અમારા 5 મિત્રોના કુટુંબના સભ્યોએ ગત મે-2020માં ગોવા જવાનો પ્લાન બનાવ્યો હતો. ગોવા જવા માટે લોકડાઉન પહેલા જ અમે હોટલ, રેલવે અને ફ્લાઇટનું બુકિંગ કરાવી લીધું હતું પરંતુ કદાચ કુદરતે કંઇક જુદુ જ વિચાર્યું હતું. કોરોના સંક્રમણ અને લોકડાઉનના પગલે અમારો મે મહિનાનો ગોવા ફરવા જવાનો પ્લાન મોકુફ રાખવો પડ્યો. ત્યારબાદ દિવાળીના વેકેશનમાં અમે બધા મિત્રોએ ફરવા જવાનો પ્લાન બનાવ્યો. પરંતુ જગ્યા એવી જોઇતી હતી જે ગુજરાતમાં જ હોય, ઓછી ભીડભાડવાળી હોય અને પ્રકૃતિની નજીક હોય.

Photo of રતનમહાલના જંગલોમાં બે રાત અને ફૂલ એન્જોય, કુદરતની નજીક રહેવાનો અવિસ્મરણીય અનુભવ 2/11 by Paurav Joshi

લોકેશનની શોધ શરૂ થઇ અને અમારા એક મિત્ર જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે તેમણે પંચમહાલના રતનમહાલ જવાનું સૂચન કર્યું. રતનમહાલ એક રીંછ અભ્યારણ્ય છે અને ત્યાંના ગાઢ જંગલમાં કુદરતા ખોળે રહેવાની અને પ્રકૃતિનો આનંદ માણવાની મજા આવશે તેવી વાત તેમણે કરી. ગુગલ પર સર્ચ કરી અને અનુભવી લોકોના રિવ્યુ લીધા પછી અમે રતનમહાલ જવાનું પાક્કુ કર્યું.

રતનમહાલ રીંછ અભ્યારણ્ય

Photo of રતનમહાલના જંગલોમાં બે રાત અને ફૂલ એન્જોય, કુદરતની નજીક રહેવાનો અવિસ્મરણીય અનુભવ 3/11 by Paurav Joshi

રતનમહાલના જંગલો પંચમહાલ જિલ્લામાં આવેલા છે. અમદાવાદથી 210 કિલોમીટર દૂર છે આ જગ્યા. ગોધરાથી દેવગઢ બારિયા થઇને ત્યાં જઇ શકાય છે. અમારી 9 ફેમિલી અને 29 મેમ્બર માટે અમે એક મિનિ લક્ઝરી બસ ભાડે કરી. પહેલા તો અમે કાર લઇને જવાના હતા પરંતુ ગ્રુપમાં જવાની મજા પડે તેથી લકઝરીમાં જવાનું નક્કી કર્યું.

Photo of રતનમહાલના જંગલોમાં બે રાત અને ફૂલ એન્જોય, કુદરતની નજીક રહેવાનો અવિસ્મરણીય અનુભવ 4/11 by Paurav Joshi

આ સ્થળે પહેલા ક્યારેય ગયા ન હોઇ મને એ વાતની ચિંતા હતી કે જગ્યા કેવી હશે, રહેવાની મજા આવશે કે નહીં, ખાવાનું કેવું મળશે, સલામતીની પણ ચિંતા હતી. લગભગ સાડા ત્રણ કલાકની મુસાફરી કરી સવારે 9 વાગે અમે રતનમહાલ પહોંચ્યા ત્યારે અહીંનું વાતાવરણ જોઇને મન પ્રફુલ્લિત થઇ ગયું. શરીરનો તમામ થાક ઉતરી ગયો. અમને લાગ્યું કે વેકેશન માટે કદાચ આ જ અમારી પરફેક્ટ જગ્યા હતી.

Photo of રતનમહાલના જંગલોમાં બે રાત અને ફૂલ એન્જોય, કુદરતની નજીક રહેવાનો અવિસ્મરણીય અનુભવ 5/11 by Paurav Joshi

રતનમહાલ એક જંગલ વિસ્તાર છે. અહીં રીંછ અભ્યારણ્ય (બિઅર સેન્ચુરી) આવેલું છે. રતનમહાલમાં કુલ 2 સાઇટ કેમ્પ આવેલા છે. (1) નાલધા સાઇટ કેમ્પ (2) ઉધાલ મહુડા કેમ્પ સાઇટ. સરકાર દ્ધારા આ બન્ને સાઇટનું સંચાલન કરે છે. અહીં કોઇ ખાનગી રિસોર્ટ કે કેમ્પ સાઇટ નથી. નાલધા ડેમ સાઇટમાં 10 ટેન્ટ છે જેમાં એક ફેમિલી આરામથી રહી શકે છે. આ ટેન્ટમાં તમામ પ્રકારની વ્યવસ્થા છે. એકસ્ટ્રા બેડ જોઇએ તો તે પણ ઉપલબ્ધ છે.

Photo of રતનમહાલના જંગલોમાં બે રાત અને ફૂલ એન્જોય, કુદરતની નજીક રહેવાનો અવિસ્મરણીય અનુભવ 6/11 by Paurav Joshi

નાલધા કેમ્પમાં અમે 10 ટેન્ટ બુક કરાવ્યા હતા. આ કેમ્પથી જ જંગલ ચાલુ થાય છે. કેમ્પ સાઇટથી 2.5 કિ.મી અંદર ચાલતા જવાનું છે જ્યાં વોટરફોલ આવે છે. આ અઢી કિલોમીટરના રસ્તે અનેક નાના-મોટા ઝરણાં, નાના-મોટા વૃક્ષો, પથ્થરોની હારમાળા આવે છે. ચારેતરફ લીલોતરી જ લીલોતરી. જાણે કે સ્વર્ગમાં આવી ગયા હોઇએ તેવું લાગે. અહીં મનને અપાર શાંતિ મળે છે. જો ભોજનની વાત કરીએ તો જમવાનું અહીં સુંદર મળે છે.

સરકારી ટેન્ટનો ચાર્જ

Photo of રતનમહાલના જંગલોમાં બે રાત અને ફૂલ એન્જોય, કુદરતની નજીક રહેવાનો અવિસ્મરણીય અનુભવ 7/11 by Paurav Joshi

અહીં એર રાત ટેન્ટમાં રહેવાનો બે વ્યક્તિનો ચાર્જ 1400 રૂપિયા છે. જેમાં સવારનો બ્રેક ફાસ્ટ, લંચ, સાંજે ચા-નાસ્તો અને રાતે ડીનરનો સમાવેશ થાય છે. એટલે કે કોઇપણ હોટલ કરતાં એકદમ સસ્તું અને દરેકને પોષાય તેવો ભાવ. અહીં કેન્ટીનનો કોન્ટ્રાક્ટ ભરતભાઇની પાસે છે. ભરતભાઇ તમને અવનવી વાનગી બનાવીને જમાડશે. તેઓ અત્યંત મૃદુભાષી છે અને કોઇ વાતની ના પાડતા નથી. રસોઇમાં તેમના બે પુત્રો શંકર અને મહેશ તેમને મદદ કરે છે. રસોઇ પણ કેવી, આંગળા ચાટો તેવી સ્વાદિષ્ટ.

Photo of રતનમહાલના જંગલોમાં બે રાત અને ફૂલ એન્જોય, કુદરતની નજીક રહેવાનો અવિસ્મરણીય અનુભવ 8/11 by Paurav Joshi

રતનમહાલમાં અમે બે નાઇટનું બુકિંગ કરાવ્યું હતું. ત્રીજા દિવસે સવારે અમારુ ચેક-આઉટ હતું. પ્રથમ દિવસે ચા-નાસ્તો કરી અમે જંગલમાં વોટરફોલ જોવા ગયા. લગભગ 2 થી 3 કલાક જંગલમાં પસાર કર્યા પછી સાંજે ટેન્ટમાં પરત ફર્યા. રાતે કેમ્પ સાઇટ પર કેમ્પ ફાયર કર્યુ અને અંતાક્ષરીની મોજ માણી.

Photo of રતનમહાલના જંગલોમાં બે રાત અને ફૂલ એન્જોય, કુદરતની નજીક રહેવાનો અવિસ્મરણીય અનુભવ 9/11 by Paurav Joshi

બીજા દિવસે સવારે ચા-નાસ્તો કરી રતનમહાલની બીજી કેમ્પસાઇટ ઉધાલ મહુડા ગયા. અહી પણ રહેવાની વ્યવસ્થા છે. તે 7 કિ.મી. દૂર છે. અહીં જંગલ, ગાર્ડન અને ડેમ જોવાલાયક છે. આ જગ્યાએથી હિલ તરફ સનસેટ પોઇન્ટ જવા 9 કિલોમીટરનો રસ્તો છે. અહીં જવા માટે તમારી પ્રાઇવેટ કાર ચાલી શકે નહીં કારણ કે અહીં કાચા રસ્તા છે.

Photo of રતનમહાલના જંગલોમાં બે રાત અને ફૂલ એન્જોય, કુદરતની નજીક રહેવાનો અવિસ્મરણીય અનુભવ 10/11 by Paurav Joshi

જંગલ વિસ્તાર હોવાથી અમે લોકલ ગાડી ભાડે કરી અને સનસેટ પોઇન્ટ સુધી ગયા હતા. રતનમહાલનો સનસેટ પોઇન્ટ જોઇને તમે આબુનો સનસેટ પોઇન્ટ પણ ભુલી જશો. સનસેટ પોઇન્ટમાં ફોટોગ્રાફી કરવાની મજા આવી. આ જગ્યાએ અનેક ફોટોગ્રાફ્સ પાડ્યા. અંધારુ પડવા આવ્યું હતું અને અમે અમારા જાલધા કેમ્પમાં પરત ફર્યા. ત્રીજા દિવસે સવારે અમે જાંબુઘોડાના જંગલોમાં ગયા. રતનમહાલથી જાંબુઘોડા 70 કિલોમીટર દૂર છે. અહીં કડાડેમ, ધનપરી અને ઝંડ હનુમાન જોવાલાયક સ્થળ છે. આ સ્થળોએ ફરી અમે અમદાવાદ પરત ફર્યા.

Photo of રતનમહાલના જંગલોમાં બે રાત અને ફૂલ એન્જોય, કુદરતની નજીક રહેવાનો અવિસ્મરણીય અનુભવ 11/11 by Paurav Joshi

સામાન્ય રીતે આપણે ગુજરાતીઓ બજેટ ટુરની વાત કરતા હોઇએ છીએ પરંતુ રતનમહાલનો રમણીય પ્રવાસ અમારા માટે સસ્તુ ભાડું અને સિદ્ધપુરની યાત્રા સમાન બની ગયો. કોરોના કાળમાં કોઇ દૂરની જગ્યાએ ભીડભાડમાં જઇને સંક્રમણ ફેલાવવું તેના કરતાં કુદરતાના ખોળે અને પ્રકૃતિની વચ્ચે એક-બે દિવસ શાંતિથી રહેવાનો આનંદ કેવો હોય તેની અનુભુતિ અમે અહીં કરી. ખરેખર રતનમહાલ ટૂર અમારા માટે એક યાદગાર સંભારણું બનીને રહી ગઇ છે.

(સૌજન્યઃ મૌલિક શાહ, રિપલભાઇ અને મહેન્દ્રભાઇ શાહ તેમજ પરિવારજનો)

નોંધઃ ટેન્ટમાં બુકિંગ કરવા માટે તમારે વડોદરા ફોરેસ્ટ ઓફિસનો સંપર્ક કરવો પડશે.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Further Reads