ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી મોટો રોપ-વે, જાણો આ પર્વત પર જોવા જેવા સ્થળો

Tripoto
Photo of ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી મોટો રોપ-વે, જાણો આ પર્વત પર જોવા જેવા સ્થળો 1/1 by Paurav Joshi

કોરોના સંક્રમણ કાળમાં ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી મોટો અને લાંબો રોપ-વે બનીને તૈયાર થઇ ગયો અને પીએમ મોદીએ તેનું ઇ-લોકાર્પણ પણ કરી દીધું. શરૂઆતના છ સપ્તાહમાં જ અંદાજે એક લાખ લોકોએ આ રોપ-વેનો આનંદ માણ્યો છે. હવે તમે પણ જો ગિરનારના આ રોપ-વેની સફર કરવા માંગતા હોવ તો આજે હું આપને રોપ-વે અને ગિરનાર પર્વત પર જોવાલાયક સ્થળો વિશે વિગતવાર માહિતી આપીશ.

ગિરનાર રોપ-વેની ખાસિયતો

Photo of Girnar, Gujarat by Paurav Joshi

• પ્રત્યેક ટ્રોલી કેબિનમાં 8 વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ રપ ટ્રોલી કેબિન આ રોપ-વેમાં કાર્યરત

• દર કલાકે બંને તરફ 800 જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે.

• રોપ-વેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થાય છે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે.

• રોપ-વેની ટ્રોલી 8 મિનિટમાં એક ટ્રિપ પૂર્ણ કરે છે.

• 36 સેકન્ડે ટ્રોલી ઊપડે છે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જાય છે.

• ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવે માત્ર 8 મિનિટમાં કાપે છે.

Photo of ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી મોટો રોપ-વે, જાણો આ પર્વત પર જોવા જેવા સ્થળો by Paurav Joshi

રોપ-વે ટીકીટના ભાવ

ટુવે ટીકિટનો દર- 700 રૂપિયા

બાળકો માટેનો ટિકીટનો દર -350 રૂપિયા

વન-વે ટિકીટનો દર – 400 રૂપિયા

બાળકો માટે વન-વે ટિકીટનો દર – 200 રૂપિયા

રોપ-વે અંબાજી મંદિર સુધી જાય છે

Photo of ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી મોટો રોપ-વે, જાણો આ પર્વત પર જોવા જેવા સ્થળો by Paurav Joshi

ગીરનાર પર કુલ પાંચ પર્વતોમાં ૮૬૬ જેટલા નાના મોટા મંદિરો છે. થોડી નાની નાની ગુફાઓ પણ મળશે. ગીરનારના 4000 પગથિયા ચઢ્યા પછી તમને દર્શન થશે ભવનાથ મંદિરના. જ્યારે અંબાજી મંદિરના 1000 પગથિયા ચઢવાના બાકી હોય ત્યારે અદ્ભુત જૈન મંદિર પરિસર આવશે.

આ જૈન મંદિરો 12મીથી 15મી સદી દરમિયાન બનાવવામાં આવ્યા હતા અહિયાં ૭૦૦ વર્ષના અઘરા તપ પછી જૈન ધર્મના ૨૨માં તીર્થકર નેમીનાથ કાળધર્મ પામ્યા હતા. આ મંદિરની અંદર ભગવાન નેમિનાથની કાળા આરસની પ્રતિમા છે જેમની આંખો રત્નથી જડવામાં આવી છે. જૈન મંદિર પછી બીજા 1000 પગથીયા ચડવાથી અંબાજી માતાના મંદિરના દર્શન થાય છે. આ મંદિર સુધી રોપ-વે બનાવાયો છે.

Photo of ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી મોટો રોપ-વે, જાણો આ પર્વત પર જોવા જેવા સ્થળો by Paurav Joshi

ગિરનાર પર્વત પર પવિત્ર જૈન મંદિર સુધી જવા માટે લગભગ 4500 પગથિયાનું ચઢાણ છે અને જો ન ચઢી શકો તો ડોલી કરવી પડે અને ડોલીનો ખર્ચ 4 થી 5 હજાર રૂપિયા થાય. હવે જો તમારે જૈન મંદિરના દર્શન કરવા હોય તો રોપ-વેમાં બેસીને પહેલા અંબાજી મંદિર જવું પડશે. ત્યાર બાદ 1000 પગથિયા નીચે ઉતરતાં જૈન મંદિર આવશે. જૈન મંદિરથી ફરી રોપ-વે સુધી જવું હોય તો 1000 પગથિયા ચઢવા પડશે. એટલે કે ગિરનાર તળેટીથી પહેલા જે 4500 પગથિયા ચઢીને જવું પડતું હતું તેના બદલે હવે 1000 પગથિયા જ ચઢવા પડશે. આમ 700 રૂપિયા ખર્ચ કરી તમે પવિત્ર મંદિરનાં દર્શન કરી શકશો. આ મંદિરનું મહત્વ એટલું બધું છે કે દર અમાસે મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે.

ગોરખ શિખર કેવી રીતે જશો

Photo of ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી મોટો રોપ-વે, જાણો આ પર્વત પર જોવા જેવા સ્થળો by Paurav Joshi

ગીરનાર અનેક પર્વતોનો સમૂહ છે. ગીરનાર પર્વત પર કુલ પાંચ મોટા શિખર છે. જે પૈકી ગોરખ શિખર 3,300 ફૂટ, અંબાજી 3,600 ફૂટ, ગૌમુખી શિખર ૩૧૨૦ ફૂટ, જૈન મંદિર શિખર ૩૩૦૦ ફૂટ અને માળીપરબ ૧૮૦૦ ફૂટની ઉંચાઇ પર છે. ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગણાય છે. અહીં કુલ ૯૯૯૯ પગથીયા છે. અંબાજી બાદ થોડા પગથિયાં ઉતરીને અને ફરી થોડા પગથિયાં ચઢવાથી ગોરખ શિખર આવશે.

ગોરખ શિખરથી ફરી 1500 જેટલા પગથિયાં ઉતરીને દત્તાત્રેય સુધી જવા માટે 1000 જેટલા પગથિયાં ચઢવાના રહેશે. એટલે અંબાજી બાદ તમારી યાત્રા થોડી સરળ બની જશે. હોડી પ્રકારે ચઢ ઉતર થશે. દત્તાત્રેયથી ઉતર્યા બાર નીચે કમન્ડલ કુંડ સંસ્થાન પર વિનામૂલ્યે ભોજન પ્રસાદી પણ મળે છે.

દર વર્ષે લાખો લોકો ગિરનાર પર્વતની પરિક્રમા કરે છે. ગિરનાર પર ચડવા માટે સવારનો સમય સૌથી અનુકૂળ રહે છે અને આખો ગિરનાર ચડીને આવતાં લગભગ 5 થી 7 કલાક લાગે છે. આ સિવાય ગિરનારની અંદર ભતૃહરિની ગુફા, સોરઠ મહેલ, સૂર્ય કુંડ, ભીમ કુંડ વગેરે જોવા લાયક સ્થળો છે. અહીંયા એક ગૌમુખી કુંડ પણ આવેલ છે જેની અંદર ઝરણાંમાંથી પાણી આવે છે.

ગિરનાર પર્વત પર પગથિયા કોણે બનાવ્યા

Photo of ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી મોટો રોપ-વે, જાણો આ પર્વત પર જોવા જેવા સ્થળો by Paurav Joshi

જૂનાગઢમાં રોપવે કાર્યરત થયા બાદ પણ સામાન્ય લોકો માટે ગિરનાર પર જવાનું માધ્યમ પગથિયા જ રહેશે. ગિરનારના પગથિયા 120 વર્ષથી અડીખમ છે. ગિરનાર પર સૌપ્રથમ વખત ઈ.સ.૧૧૫૨ની આસપાસ રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતાં. ત્યારબાદ પગથિયા ઘસાઈ જતાં દીવના સંઘજી મેઘજીએ જીણોદ્ધાર કરાવ્યો હતો.

ગિરનારનો ઇતિહાસ

Photo of ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી મોટો રોપ-વે, જાણો આ પર્વત પર જોવા જેવા સ્થળો by Paurav Joshi

ગિરનારનો ઇતિહાસ ખુબ વિશાળ અને પૌરાણિક છે. ગિરનાર પર્વતને ગિરિનગર અને રૈવતક પર્વતના નામે પણ ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશે રાજ કર્યું છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જૂનાગઢ (ગિરિનગર)માં પુષ્યગુપ્ત નામનો પોતાનો સુબો મુક્યો હતો. પુષ્યગુપ્તે સુવર્ણસિકતા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું. સમ્રાટ અશોકના તુસાચ્ય નામના સૂબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કાર્ય કર્યું હતું. સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને ફરી બંધાવ્યું. આ મૌર્ય વંશના રાજાઓએ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવી છે.

કેવી રીતે જશો ગિરનાર

રોડ માર્ગઃ પોતાનું વાહન લઇને રોડ દ્ધારા જુનાગઢના ગિરનાર પર્વત સુધી જવું હોય તો અમદાવાદથી ગિરનાર પર્વતનું અંતર 318 કિ.મી., રાજકોટથી 104 કિ.મી. અને જુનાગઢ શહેરથી પર્વત માત્ર 5 કિ.મી. દૂર છે. અમદાવાદ-રાજકોટ, ગોંડલ, વિરપુર હાઇવે પહોળો છે. આ રસ્તે ઝડપથી પહોંચી શકાય છે.

રેલવે માર્ગઃ અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોથી જુનાગઢ માટે ટ્રેન મળી જશે. સ્ટેશનેથી રીક્ષા, બસ કે ટેક્સી દ્ધારા ગિરનાર તળેટી સુધી જઇ શકાય છે

વિમાન માર્ગઃ જુનાગઢ જવા માટે સૌથી નજીકનું એરપોર્ટ કેશોદ છે જે 40 કિ.મી. દૂર છે. પરંતુ જો વિમાનની વધારે કનેક્ટિવિટી જોઇતી હોય તો 104 કિ.મી. દૂર રાજકોટ એરપોર્ટ છે.

નોંધઃ હાલ રોપ-વે ચાલુ છે અને પર્વત પર મંદિરો ખુલ્લા છે પરંતુ જતા પહેલા સ્થાનિક પ્રસાશન પાસેથી માહિતી લેવી અને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Further Reads