વડોદરા, છોટા ઉદેપુર અને પંચમહાલ એમ ત્રણ જિલ્લાના ત્રિકોણિયા સંગમ સ્થાન એવા હિડમ્બા વનમા અવેલા જાંબુઘોડા અભ્યારણના જંગલમા પર્વતની એક જ શિલામાથી પ્રસ્થાપિત 18 ફુટની હનુમાનજીની પ્રતિમા ધરાવતું ઝંડ હનુમાન મંદીર છે. આપણા દેશમાં આમ તો હનુમાનજીના ઘણા ચમત્કારી મંદિરો આવેલા છે, જેના દર્શન માત્રથી જ તેમના ભક્તોની તકલીફો દૂર થઇ જતી હોય છે. ઝંડ હનુમાન મંદિર આ કેટેગરીમાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. આજે આપણે આ મંદિર વિશે વિસ્તારથી વાત કરીશું અને જાણીશું કે કેવીરીતે અહીં જવાય.
શનિદેવની પનોતી ઉતરી જશે
હનુમાનજીનું આ મંદિર અનોખો મહિમા ધરાવે છે. શનિદેવના પ્રકોપથી બચવા માટે ભક્તો અહીં આવીને દર્શન કરે છે અને પૂજા આરાધના કરે છે. જાંબુઘોડાના ગાઢ જંગલો વચ્ચે આવેલા આ મંદિરમાં શનિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં જે લોકો શનેશ્વરી અમાસ અને શનિ જ્યંતિના દિવસે આવીને શ્રદ્ધા પૂર્વક એકવાર દર્શન કરી લે છે તો એમને જીવનમાં ક્યારેય શનિની પનોતીની અસર થતી નથી. એમના જીવનમાં આવતી બધી જ મુશ્કેલી હંમેશા માટે દૂર થઈ જાય છે.
મંદિર પ્રાચીન હોવાના અનેક પુરાવા
જાંબુઘોડાનું આ મંદિર ખૂબ પ્રાચીન હોવાના અનેક પુરાવા છે. આ મંદિરમાં પાંડવોના વસવાટનો પણ ઉલ્લેખ જોવા મળે છે, સાથે અહીં કેટલીક પૌરાણિક વસ્તુઓ પણ છે જે પાંડવો સાથે સંબંધ ધરાવે છે. અહીં વસવાટ દરમિયાન દ્રોપદીને તરસ લાગતા અર્જુને બાણ મારી જલધારા વહાવી હતી. જેની નિશાની આજે પણ જોવા મળે છે. તો ભીમ જે ઘંટીથી દળતો હતો તે ભીમકાય ઘંટી પણ અહીં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ જાંબુઘોડાના જંગલો પાસે આવેલ હોવાથી અહીં આવતા ભક્તોને કુદરતી સૌંદર્ય માણવાની અને પ્રકૃતિની વચ્ચે રહેવાની તક પણ મળે છે.
ઝંડ હનુમાન મંદિરમાં આવેલ હનુમાન દાદાની મૂર્તિ ભગ્ન અવસ્થામાં છે. તેમજ મંદિર પરિસરમાં જ શિવ મંદિર અને રેતાળ પથ્થરોમાંથી કોતરેલા ગણપતિજીની વિવિધ મુદ્રાની મૂર્તિઓ આવેલી છે. આ જગ્યાએ મળી આવેલ અન્ય મૂર્તિઓ અને રોમન તલવાર સાથે સૈનિક યોધ્ધાઓના પાળીયા જોતા ભૂતકાળમાં આ સ્થળ અત્યંત જાહોજલાલીથી ભરપુર હશે તેવું માનવામાં આવે છે.
હનુમાનજીના પગ નીચે શનિદેવ
અહીં હનુમાનજીના ડાબા પગ નીચે શનિ દેવની ઉપસ્થિતિ છે. જેમને શનિની પનોતી નડતી હોય તેવા પીડિત અહીં આવીને શનિદેવના દર્શને કરે તો તેમની પનોતી દૂર થાય છે તેવી માન્યતાના કારણે મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરે આવતા રહે છે.
ભીમની વિશાળકાય ઘંટીનું લોકોમાં છે મોટું આકર્ષણ
ઝંડ મંદિર સંકુલમાં પ્રવેશતા જ જમણી તરફ એક વિશાળ શિવ મંદિર છે. આ પૌરાણીક મંદિરનું ચણતર પાતળી ઇંટો અને ચુનાથી કરાયેલું છે. તો અન્ય એક નાનું શિવાલય ભગ્ન અવસ્થામાં હનુમાનજીના સ્થળની નીચે આવેલુ છે. જેમાં પાર્વતીજીની મૂર્તિ પણ છે. ઝંડ હનુમાનજીના સ્થળથી આગળ જતા ભીમની કહેવાતી ઘંટીની જગ્યા આવે છે અહીં વિશાળકાય ઘંટી જેવો પથ્થર છે.
પાસે જ ડુંગર પર છે હિંગળાજ માતાનું મંદિર
લોકવાયકા મુજબ આ સ્થળ પાસે આવેલા ડુંગરના ઉપરના ભાગે એક વિશાળ ભોંયરૂ છે જેનું પ્રવેશદ્વાર બહારથી તોડીને ભોયરાને અગમ્ય કારણસર બંધ કરી દેવામાં આવ્યું છે. તો ઝંડ હનુમાન દાદાની મૂર્તિ જે ડુંગર ઉપર છે તેની સામેના ડુંગર ઉપર હિંગળાજ માતાની મૂર્તિ તથા તેમનું મંદિર ભગ્ન અવસ્થામાં છે. અહીં આરસના પથ્થરમાંથી કોતરેલ પગલા મળી આવ્યા છે. જોકે આ સ્થળે જવા ફકત પગદંડીનો રસ્તો છે.
અહિ આવતા દર્શનાર્થીઓ અને ભક્તો પૈકી મોટાભાગના આદીવાસીઓ છે અને તેમની આ હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધા પણ અતુટ છે. પોતાના ખેતરમાં થયેલા પાકનો પ્રથમ તેઓ હનુમાનજીને ચઢાવો કરે છે અને ત્યારબાદ પાકને ઉતારે છે.
કેવીરીતે જશો ઝંડ હનુમાન
બોડેલીથી પાવાગઢ રોડ ઉપર આશરે 12 કીમીના અંતરે આ મંદીર આવેલુ છે. અમદાવાદથી લગભગ 190 કિલોમીટર અને વડોદરાથી ઝંડ હનુમાનનું અંતર 87 કિલોમીટર છે. વડોદરાથી ડભોઇ અને બોડેલી થઇને ઝંડ હનુમાન જઇ શકાય છે. અમદાવાદથી જવું હોય તો એક્સપ્રેસ હાઇવે પર વડોદરા સુધી પહોંચી જવું, ત્યારપછી હાલોલ, પાવાગઢ થઇને ઝંડ હનુમાન પહોંચી શકાય છે. અમદાવાદથી ઝંડ હનુમાન પહોંચવામાં લગભગ સાડા ત્રણ કલાક જેટલો સમય લાગશે.
જમવાની વ્યવસ્થા
જો તમે અમદાવાદથી નીકળ્યા છો તો રસ્તામાં અનેક હોટલ, ઢાબા આવે છે ત્યાં તમને ગુજરાતી, પંજાબી ખાવાનું મળી જશે. રસ્તામાં ગરમાગરમ શેકેલી કે બાફેલી મકાઇ, ખીચુ, મગફળીનો નાસ્તો કરી શકો છો. ઝંડ હનુમાન મંદિરની બહાર પણ આ નાસ્તો કરી શકો છો. અહીં ગરમાગરમ ગોટા ખાવાની મજા પડશે.
આસપાસમાં જોવાલાયક સ્થળો
ઝંડ હનુમાન આવતા લોકો મોટાભાગે હાથણી માતાનો વોટરફોલ જોવા અચૂક જાય છે. જો કે ચોમાસામાં આ ધોધનું સૌંદર્ય ખીલી ઉઠે છે ત્યારપછી તેમાં પાણીનો પ્રવાહ ઓછો થઇ જાય છે. ઉનાળામાં તો બિલકુલ પાણી હોતુ નથી. ઝંડ હનુમાન જતા રસ્તામાં પાવાગઢના દર્શન પણ કરી શકો છો. રોપ-વેનો ઉપયોગ કરી તમે એક કલાકમાં પાવાગઢના દર્શન કરીને નીચે આવી શકો છો. પાવાગઢની તળેટીમાં જ ચાંપાનેર છે જેનું પુરાતત્વીય મહત્વ છે. ઝંડ હનુમાનથી આગળ જાઓ તો તરગોળમાં કડા ડેમ છે જેનું સૌંદર્ય અદ્ભૂત છે. ફોટોગ્રાફી માટે આ જગ્યા સારી છે. ડેમની નીચે એક રસ્તો જાય છે તે તમને નદી કિનારે લઇ જાય છે. અહીં ફોરેસ્ટ વિભાગ તરફથી રહેવાની પણ વ્યવસ્થા છે.
નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.