ઉત્તરાખંડમાં છુપાયેલી છે સ્વર્ગની સીડીઓ, શું તમે આ અંગે જાણો છો?

Tripoto
Photo of ઉત્તરાખંડમાં છુપાયેલી છે સ્વર્ગની સીડીઓ, શું તમે આ અંગે જાણો છો? 1/2 by Paurav Joshi

જો તમે ઇતિહાસમાં રસ ધરાવો છો તો તમે ભારતમાં જ્યાં પણ જશો તમને એવા વિચિત્ર કિસ્સા- કથાઓ સાંભળવા મળશે જે તમને વિચાર કરવા પર મજબૂર કરી દેશે. દરેક પર્વત, દરેક પહાડ અને દરેક નદીની સાથે જોડાયેલી છે કોઇને કોઇક સ્ટોરી. જો દેવભૂમિ ઉત્તરાખંડ ફરવાની વાત કરીએ તો અહીં તો અચંબિત કરનારી રસપ્રદ કથાઓનો કોઇ અંત જ નથી.

પહાડોના ખોળામાં વસેલી આવી જ એક રસપ્રદ અને રોચક કહાની છે સ્વર્ગની સીડીની! આ સ્ટોરી અંગે તમે મોટાભાગે સમાચાર ચેનલોમાં ડોક્યુમેન્ટરી જોઇ હશે. મને ક્યારેય આ જગ્યાને લઇને કોઇ ખાસ ઉત્સુકતા જોવા નથી મળી પરંતુ મારી આ માન્યતા ત્યારે બદલાઇ ગઇ જ્યારે મેં ગઢવાલમાં વેલી ઑફ ફ્લાવરની મુસાફરી દરમિયાન મારી યાત્રાને એક નવો આકાર આપીને બદ્રીનાથ જવાનું વિચાર્યું. મેં આ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી જગ્યાઓને નજીકથી જોઇ અને જાણી. આની સાથે જોડાયેલી રસપ્રદ વાર્તાઓને માના ગામના લોકો પાસેથી સાંભળી, આ જ તે ગામ છે જ્યાંથી સ્વર્ગરોહિણી અને સતોપંથ સરોવર ટ્રેકની શરુઆત થાય છે.

શું છે સ્ટોરી સ્વર્ગની સીડીઓની?

મહાભારતના 18 અધ્યાયમાંથી 17માં અધ્યાયમાં મહાપ્રાથનિકા પર્વમાં લખ્યું છે કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંચ પાંડવ ભાઇઓએ પોતાની પત્ની દ્રોપદી સાથે સન્યાસ લઇ લીધો અને મહેલ અને રાજ્યને છોડીને તપસ્યા માટે નીકળી પડ્યા. તપસ્યાની આ મુસાફરી તેમને હિમાલયના પહાડોની વચ્ચે લઇ ગઇ. સ્વર્ગ તરફ પોતાની આ અંતિમ મુસાફરી પર આગળ વધતા દરેકને એક-એક કરીને પોતાના કર્મોનું ફળ મળવા લાગ્યું. સૌથી પહેલા દ્રોપદીનું મૃત્યુ થયું. તેનો દોષ હતો બાકીઓના મુકાબલે અર્જુન પ્રત્યે તેનો વધારે પ્રેમ. સહદેવ આ યાત્રાને પૂર્ણ ન કરી શક્યો અને મરી ગયો કારણ કે તેને પોતાના જ્ઞાન પર વધારે ઘમંડ હતું. ત્યાર બાદ નકુલ અને અર્જુનનું મૃત્યુ થયું જેનુ કારણ પણ તેમનું અભિમાન હતું. પછી ભીમનો વારો આવ્યો અને તેનો દોષ હતો તેની લાલચ.

આ લાંબી યાત્રા પાંડવોને હિમાલયના ખોળે તો લઇ ગઇ પરંતુ યુધિષ્ઠિરને છોડીને એક પછી એક બધાનું મૃત્યુ થઇ ગયું. એવુ માનવામાં આવે છે કે એક શ્વાનના વેશમાં છુપાયેલા ધર્મની સાથે યુધિષ્ઠિરે સ્વર્ગની સીડીઓ ચઢી હતી. મહાભારતના આ ભાગમાં એ પણ જણાવેલું છે કે માનવ શરીર છોડ્યા વિના આ એ જ રસ્તો છે જ્યાંથી તમે સ્વર્ગમાં જઇ શકો છો.

સતોપંથ સરોવર અને સ્વર્ગારોહિણી ગ્લેશિયર સુધીની સફર

જૂન અને ઑગસ્ટ મહિનામાં જો તમે બદ્રીનાથ જશો તો સતોપંથ અને સ્વર્ગરોહિણીની મુસાફરી કરતા હોય તેવા ઘણા સાધુ સંતો તમને મળી જશે. માનવામાં આવે છે કે સતોપંથ સરોવરની આ મુસાફરી અસલમાં સત્યના પથની યાત્રા છે. સ્વર્ગરોહિણી સુધીની યાત્રા અંગે માનવામાં આવે છે કે આ સાક્ષાત સ્વર્ગના માર્ગે ચાલવા બરોબર છે. અહીં આવનારા બધા હિન્દૂ તીર્થયાત્રીઓ માને છે કે માનવીય શરીરની સાથે જો તમે આખી ધરતીમાં ક્યાંયથી પણ સ્વર્ગમાં જઇ શકો તો તે છે સ્વર્ગરોહિણી ગ્લેશિયરનો માર્ગ.

સવાર-સવારમાં બદ્રીનાથ ધામમાં એક ભવ્ય પૂજા-અર્ચના પછી અહીંથી બધા સાધુ સંત પોતાની યાત્રા શરુ કરે છે. બદ્રીનાથમાં 4 કિ.મી.ના અંતરે માના ગામ છે. આ ગામ આ રસ્તે પડનારુ અંતિમ ગામ છે. જ્યાં તમને માનવીય સભ્યતા જોવા મળશે. આ ગામ ભારત-ચીનની બોર્ડર પરનું અંતિમ ગામ પણ છે. શ્રદ્ધાળુઓ માટે રસ્તામાં રહેવા માટે ઘણી બધી જગ્યાઓ છે જેમ કે નાગ-નાગિની મંદિર, ભૃગુ ગુફા અને માતા મૂર્તિ મંદિર, જે ધર્મના દેવતાના પત્નીને સમર્પિત છે. અલકનંદાની સાથે સાથે જઇએ તો આ રસ્તે આગળ આવે છે આનંદવન. અહીંના દ્રશ્યો અને દૂર-દૂર સુધીના લીલા ઝાડ અને ઘાસના મેદાન જોઇને તમને ખબર પડી જશે કે છેવટે આ જગ્યાને આનંદવન જ કેમ કહેવાય છે. અહીંથી થોડાક જ અંતરે છે વસુંધરા જળપ્રપાત. જો કે આ રસ્તે આવતી બધી જગ્યાઓ અંગે કથાઓ અને વાર્તાઓ પ્રચલિત છે પરંતુ વસુંધરા અંગે એક રસપ્રદ કથા ઘણી જાણીતી છે. લોકો એમ માને છે કે કોઇપણ દોષી કે પાપીના માથે વસુંધરાનું પાણી નથી પડતું.

આ યાત્રામાં આગળ આવે છે લક્ષ્મી વન. લક્ષ્મી વન ઓળખાય છે ભોજ પત્રના ગાઢ વૃક્ષોના જંગલો માટે. પ્રાચીન કાળમાં આ ભોજ પત્રના ઝાડની છાલ પર જ અનેક ગ્રંથ લખવામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે પાંડવોની યાત્રા દરમિયાન નકુલનું મૃત્યુ લક્ષ્મી વનમાં જ થયું હતું. સ્વર્ગરોહિણી જનારા યાત્રી પહેલી રાત આ લક્ષ્મી વનમાં જ રોકાય છે.

લક્ષ્મી વનથી બીજા દિવસે કેટલાક કિલોમીટર ચાલીને યાત્રી સહસ્ત્રધારા પહોંચે છે. ગ્રેનાઇટના એક ટેકરામાંથી પડતો આ ધોધ સાચે જ મનને સ્પર્શી જાય છે. પાંડવોના એક બીજા ભાઇ સહદેવનું મૃત્યુ અહીં થયું હતું. આ જગ્યાથી આગળ ચાલીને આસ-પાસના દ્રશ્યો વધુ સુંદર થઇ જાય છે. જો તમે મેપ (નકશા)માં જોશો તો તમે આ સમયે બરોબર કેદારનાથની પાછળના પહાડ પર હશો. આ યાત્રામાં હવે પછીની જગ્યા છે ચક્રતીર્થ ગુફાઓ. ઘણાં લોકો અહીં રાત ગાળવાનું પસંદ કરે છે પરંતુ જો તમે ચાલી શકો તો થોડેક જ દૂર સતોપંથ સરોવર છે અને રાત ત્યાં પસાર કરવાનું સારૂ પડે છે. સતોપંથ સરોવર અંગે ઘણાં કિસ્સા અને વાર્તાઓ છે. આ એ જગ્યા છે જ્યાં ભીમે તેના અંતિમ શ્વાસ લીધા હતા. પ્રવાસીઓ અહીં આવીને સાધુ સંતોના ઝૂંપડામાં રાત વિતાવે છે. કેટલાક લોકો પોતાના માટે ગુફાઓ શોધી લે છે કે ટેન્ટ બનાવી લે છે.

Photo of ઉત્તરાખંડમાં છુપાયેલી છે સ્વર્ગની સીડીઓ, શું તમે આ અંગે જાણો છો? 2/2 by Paurav Joshi

સતોપંથ સરોવરમાં એક દિવસ પસાર કર્યા બાદ આગળ વધીને લોકો સ્વર્ગરોહિણી ગ્લેશિયરના દર્શન કરવા જાય છે. મોટાભાગના યાત્રીઓ સતોપંથથી જ પાછા ફરી જાય છે. પરંતુ આ રસ્તે આગળ ચંદ્ર કુંડ અને સૂર્ય કુંડના દર્શન કરીને સ્વર્ગરોહિણી બિલકુલ ચોખ્ખુ દેખાય છે. આ ગ્લેશિયર (હમનદી)ના સીડી જેવા આકારને જ સ્વર્ગની સાત સીડીઓ માનવામાં આવે છે. જો કે કોઇપણ સમયે અહીં ધુમ્મસ અને બરફના કારણે ત્રણથી વધારે સીડીઓ દેખાતી નથી.

કેવીરીતે કરી શકો છો યાત્રા?

બદ્રીનાથની આસપાસ એવા ઘણાં ટ્રેક્સ છે જ્યાં લોકો આજે પણ જાય છે. ફુલોની ખીણ અને હેમકુંડ સાહેબમાં તો લોકોની ભીડ કાયમ દેખાય જ છે પરંતુ ઘણાં ઓછા લોકો જાણે છે કે બદ્રીનાથથી વસુંધરા ફૉલ્સ, સતોપંથ સરોવર અને સ્વર્ગરોહિણી ગ્લેશિયર સુધી પણ ટ્રેકિંગ કરી શકાય છે. આના માટે બદ્રીનાથ પહોંચ્યા પછી ત્યાંની ટ્રેકિંગ એજન્સીમાં તમે વાત કરી શકો છો. ઘણી ટ્રેકિંગ એજન્સી છે જે તમને આ યાત્રામાં મદદરુપ બની શકે છે.

કેટલીક ટ્રેકિંગ એજન્સીના નંબર અહીં છે: 9412524164, 9627006010

નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads