ગુજરાતમાં રહેનારા લગભગ દરેક વ્યક્તિ તુલસીશ્યામના નામથી તો અજાણ નહીં જ હોય. જુનાગઢ શહેરથી માત્ર 123 કિ.મી. દૂર આવેલ તુલસીશ્યામ એક સુંદર જગ્યા છે. આ સ્થળ ઉનાથી તો માત્ર 29 કિ.મી. જ દૂર છે. કુદરતી સૌદર્યથી ભરપુર છે આ સ્થળ. અહીંના જંગલમાં હરણ, સિંહ, દિપડા જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ જંગલની લીલોતરી મનને શાંતિ આપનારી છે. અહીંયા શ્યામસુંદર ભગવાનનું મંદિર છે અને આ જગ્યા તેના ગરમ પાણીના કુંડ માટે જાણીતી છે. આ કુંડમાં સ્નાન કરીને પૂજા કરવાનો મહિમા અપાર છે.
તુલસીશ્યામનો ઇતિહાસ
આ જગ્યાનું પૌરાણિક માહાત્મ્ય રહેલું છે. સ્વર્ગના દેવો અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી છે આ જગ્યા. તુલસીશ્યામ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. અહીં જાલંધરની પત્ની વૃંદા તુલસી રૂપે અને ભગવાન વિષ્ણું શ્યામ સ્વરૂપે બિરાજમાન હોવાથી આ જગ્યાનું નામ તુલસીશ્યામ પડ્યું છે. તો એક પૌરાણિક કથા અનુસાર, દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણે આ સ્થાન પર તૂલ નામના દાનવનો વધ કર્યો હતો. એટલા માટે આ સ્થાનનું નામ તુલસીશ્યામ પડ્યું છે. તુલસીશ્યામમાં 3 હજાર વર્ષ જુનું ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે, જેનું નિર્માણ કાળા પથ્થરથી થયેલું છે.
રુક્ષ્મણી મંદિર
આ મંદિરના દર્શન માટે 400 પગથિયા ચડી ડુંગર પર જવું પડે. મુખ્ય મંદિરની સામેની બાજુથી રસ્તો ઉપરની તરફ જાય છે. અહીં આવેલા ગરમ પાણીના કુંડનું માહાત્મ્ય પણ એટલું જ રહેલું છે, શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય આ કુંડનું પાણી ગરમ જ રહે છે. આવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી ચર્મ રોગીના રોગ દૂર થઈ જાય છે.
તુલસીશ્યામ કેવી રીતે જશો
તુલસીશ્યામ અમદાવાદથી લગભગ 323 કિલોમીટર દૂર છે. ઉનાથી આશરે 29 કિલોમીટર દૂર જંગલમાર્ગે આવેલું છે. રાજકોટથી આવનાર વાયા અમરેલી ભાવનગર રૂટથી આવે છે જે 190 કિમી થાય છે. જૂનાગઢ શહેરથી તુલસીશ્યામ 116 કિલોમીટર દૂર છે. અહીંથી નજીકનું રેલવે સ્ટેશન ઉના છે જે 29 કિમી દૂર છે. નજીકનું એરપોર્ટ દિવ છે જે 45 કિમી દૂર છે. અમદાવાદથી જવું હોય તો વાયા અમરેલીવાળો રૂટ ટૂંકો છે. અમદાવાદથી જુનાગઢના રસ્તે ટોલ ટેક્સ વધુ આવે છે અને પ્રમાણમાં લાંબો રસ્તો છે. જુનાગઢથી કેશોદ, વેરાવળ, કોડીનાર અને ઉના થઇને તુલસીશ્યામ જઇ શકાય છે. આ માર્ગે વચ્ચે વંથલી, સોમનાથ, ગોરખમઢી અને પ્રાચી જેવા તીર્થસ્થળો પણ આવે છે.
તુલસી શ્યામમાં ઝીરો ગ્રેવિટી
તુલસીશ્યામ ગુરુત્વાકર્ષણ વિરોધ માટે જાણીતું છે. એવું માનવામાં આવે છે કે તુલસીશ્યામ પર્વત પર ગુરુત્વાકર્ષણ કામ નથી કરતું. જેના કારણે ગાડી બંધ હોવા છતાં તે અટકતી નથી પરંતુ ઉપર તરફ ચઢવા લાગે છે. વિજ્ઞાન માટે આ મોટું અચરજ છે, જે આજ સુધી વણઉકેલ્યું છે. જો કે દુનિયામાં એવી અનેક જગ્યા છે જ્યાં ગાડી બંધ હોવા છતાં ગુરુત્વાકર્ષણની વિપરિત ચાલવા લાગે છે.
તુલસીશ્યામ પર ઝીરો ગ્રેવિટી કેમ છે
ભારતમાં તુલસીશ્યામ, સ્કૉટલેન્ડમાં ધ ઇલેક્ટ્રિક બે, અમેરિકામાં પ્રોસેર, ઓસ્ટ્રેલિયામાં બ્લેક રૉક અને કેલિફોર્નિયામાં કન્ફ્યૂઝન હિલ એન્ટી ગ્રેવિટી માટે પ્રસિદ્ધ છે. આ અંગે લોકોનું કહેવું છે કે તુલસીશ્યામનો રસ્તો સ્વર્ગ તરફ જાય છે, કારણ કે એવું લાગે છે કે તે આપણને ઉપરની તરફ ખેંચી રહ્યો છે. જો કે આ એક માન્યતા છે તેનો કોઇ વૈજ્ઞાનિક આધાર નથી.
તુલસી શ્યામમાં રહેવાની વ્યવસ્થા
અમદાવાદથી તુલસીશ્યામ જઇને એકરાત રોકાવાની મજા આવશે. અમરેલીવાળા રસ્તે થઇને જશો તો લાયન્સ ડેન રિસોર્ટ આવશે. આ રિસોર્ટમાં લગભગ 80 વિલા છે. અહીં ઇનડોર અને આઉટડોર સ્પોર્ટ્સ એક્ટિવિટી, સ્વિમિંગપુલ, રેસ્ટોરન્ટ વગેરેની સુવિધા છે. 3 સ્ટાર કેટેગરીના આ રિસોર્ટમાં રહેવાની મજા આવે છે પરંતુ એક રાતના 6 થી 7 હજાર રૂપિયા થઇ શકે છે.
ધર્મશાળા (ગેસ્ટ હાઉસ)
તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહ તથા ધર્મશાળા રહેવા માટેની બેસ્ટ જગ્યા છે. કારણ કે આ જગ્યા જંગલની વચ્ચે મંદિરની પાસે જ છે. તુલસીશ્યામ ગાઢ જંગલની વચ્ચે આવેલું હોવાથી સાંજે 6 વાગ્યા પછી જંગલમાં એન્ટ્રી નથી મળતી. તેથી તમારે અહીં દિવસના સમયે પહોંચી જવું પડશે. તમે જંગલમાં રોકાયા હોવ તેવો અનુભવ તમને અહીં મળશે. સ્થાનિકોના કહેવા અનુસાર રાતના સમયે ક્યારેક સિંહના દર્શન પણ અહીં થઇ જાય છે. તેથી ધર્મશાળામાંથી રાતના સમયે બહાર નીકળવું હિતાવહ નથી.
રોકાવાનો ચાર્જ
તુલસીશ્યામ ધર્મશાળામાં રોકાણનો ચાર્જ નીચે મુજબ છે
ફોરબેડ બ્લોક રૂમ રૂ.800
થ્રી બેડ બ્લોક રૂમ રૂ.600
ટુ બેડ બ્લોક રૂમ રૂ.500
ટુ બેડ યોગેન્દ્ર રૂમ રૂ.350
ટુ બેડ કોમન રૂમ રૂ.200
વલ્લભ બાગ રૂ.1,500
શ્યામકુંજ રૂ.3000
સંઘવી હોલ રૂ.700
ટેરેસ હોલ રૂ.400
એકસ્ટ્રા પથારી રૂ.20
આ ધર્મશાળામાં રોકાવું હોય તો તમારે ફોનથી જાણ કરવી પડશે. એડવાન્સ બુકિંગ થતું નથી. અહીં ધાબળા અને ચાદરની ડિપોઝિટ લેવામાં આવે છે તેમજ સવારે 9 વાગે રૂમ ખાલી કરવાનો હોય છે. અહીં સૌરાષ્ટ્રના બીજા ધાર્મિક સ્થળોની જેમ જમવાનું ફ્રી છે. જો તમારુ મોટુ કુટુંબ છે અને ઓછા બજેટમાં ફરવા જવું છે તો આ જગ્યા સુંદર છે.
અમદાવાદથી તુલસીશ્યામ વાયા અમરેલી જવાના રસ્તે તમે રસ્તામાં સાળંગપુર હનુમાન મંદિર, ગઢડા સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી શકો છો તો અમરેલીના ખોડિયાર ડેમ અને ડેમની બાજુમાં જ આંબરડી નેશનલ પાર્કની મુલાકાત લઇ શકો છો. આ નેશનલ પાર્કમાં સિંહોની બે જોડી છે. ફોરેસ્ટની બસમાં તમને લગભગ 20થી 25 મિનિટ પાર્કમાં વિઝિટ કરાવવામાં આવે છે. અહીં સિંહના દર્શન અચૂક થાય છે. જો કે આના માટે તમારે કાઉન્ટર પરથી ટિકિટ લેવી પડશે.
નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.