
જો તમે એક દિવસીય પ્રવાસનું આયોજન કરતા હોવ તો આ જગ્યા બેસ્ટ છે. જો કે વન નાઇટ રહેવાની પણ મજા જ આવશે. વિજયનગરનું પોલો ફોરેસ્ટ જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજયનગર એટલે વનનું પ્રગાઢ નગર અને વનવાસીઓની ધબકતી સંસ્કૃતિ. આ એક આદિવાસી વિસ્તાર છે. પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. વરસાદની સિઝનમાં આ ફોરેસ્ટની મજા બમણી થઇ જાય છે. તો ગરમીના દિવસોમાં હરિયાળીથી ગાઢ જંગલ તમને ટાઢક આપે છે. આ પ્રાકૃતિક સ્થળે શાળાના બાળકો અને કોલેજિયનો મોટી સંખ્યામાં આવતા હોય છે. કેમ કે ઊબડખાબડ રસ્તાઓ વચ્ચે મહાલવાની મજા કંઈક ઓર હોય છે. જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે જેના પર અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે.

અત્યારે શિયાળો ચાલી રહ્યો છે પરંતુ પોળોની મજા શિયાળામાં પણ ઓછી નથી થતી. નેચર પ્રેમીઓને માટે આ એક બેસ્ટ પ્લેસ ગણી શકાય છે. અહીં તમે જાણે પ્રકૃતિના ખોળામાં બેઠા હોવ તેવો અનુભવ કરી શકો છો. કહેવાય છે કે શિયાળામાં ડેમ પર 35 જેટલી વિવિધતા ધરાવતા પક્ષીઓ જોવા મળે છે. જે પર્યટકો ને આકર્ષે છે. અહીં 450થી પણ વધારે ઔષધીય વનસ્પતિઓ આવેલી છે. 275 જેટલી પક્ષીઓની જાતો ઉપલબ્ધ છે. 30 જેટલા સસ્તન પ્રાણીઓ અને 32 સરીસૃપો આવેલા છે.
પોલો ફોરેસ્ટનો ઇતિહાસ
અહીંના મંદિરો આશરે 15મી સદીમાં બનાવેલા હોય એવું માનવામાં આવે છે. પોલો એક વખતે રાજસ્થાનનો ગેટ વે હતો. શાસકો દ્વારા દુશ્મનો અને નાગરિકોથી છુપાઈને આ સ્થળ બનાવવામાં આવ્યું હતું. પોલો શબ્દ પોળ પરથી આવેલો છે. જેનો, અર્થ મારવાડી ભાષા પ્રમાણે દ્વાર થાય છે.

જોવાલાયક સ્થળો:
પોલો ફોરેસ્ટમાં પ્રવેશ માટે કોઈ પરવાનગીની આવશ્યકતા નથી અથવા કોઈ ફી ચૂકવવાની પણ જરૂર નથી. તમે ઇડર થઈને સીધા જ આ સ્થળ પર તમારા કુટુંબ, મિત્રો અથવા બાળકો સાથે જઈ શકો છો અને આનંદ લઈ શકો છો. આભાપુરમાં રહેલા ગ્રામવાસીઓ અત્યંત નમ્ર છે.

પોલો ફોરેસ્ટ સુંદર ટેકરીઓથી ઘેરાયેલો છે જ્યાંથી હરણાવ નદી નીકળે છે અને જંગલમાં ફેલાયેલી છે. નજીકના વિસ્તારોમાં તમે હરણાવ ડેમ, પ્રાચીન શિવ મંદિર, જૈન મંદિર અને અન્ય વારસા સ્થળની મુલાકાત લઈ શકો છો. જો તમે એક દિવસ માટે જતા હોવ તો તમે એક ગાઇડ પણ મેળવી શકો છો અને પોલો ફોરેસ્ટના પર્વતોમાં ટ્રેકિંગ કરી શકો છો. ટ્રેકિંગ કરવાના ઘણા રસ્તાઓ છે જે ગાઇડની મદદથી શોધી શકાય છે. ગાઇડ 100થી 200 રૂપિયા લેશે.
રહેવાલાયક સ્થળ:

પોલો ફોરેસ્ટમાં રાત્રી રોકાણ માટે મર્યાદિત વિકલ્પો ઉપલબ્ધ છે. સૌથી શ્રેષ્ઠ અને વધુ આર્થિક વિકલ્પ પોલો કેમ્પ સાઇટ પર રહેવાનું છે, જે ગુજરાત રાજ્યના જંગલ ખાતા દ્વારા સંચાલિત છે. પોલો કેમ્પ સાઇટમાં રહેવા માટે તમારે હિંમતનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારા કેમ્પને અગાઉથી બુક કરવો પડે છે. તમારે તેમને લોકોની સંખ્યા અને રૂમના પ્રકારો (એસી કે નોન એસી), તારીખ સાથે ઇમેઇલ મોકલવાનો હોય છે. તેઓ રૂમની ઉપલબ્ધતાના આધારે તમારા બુકીગને પોલો કેમ્પસાઇટમાં કન્ફર્મ કરશે.

આ ઉપરાંત, ત્યાં 3-4 પ્રાઈવેટ(ખાનગી) હોટેલ છે જે 2500 થી 4000 પ્રતિ રાત જેટલી ઊંચી કિંમતે રૂમ આપે છે. ફર્ન હોટલ, પોલો ટેન્ટ સિટી, અંબિકા રિસોર્ટ અને પોલો રિટ્રીટ રિસોર્ટમાં તમે રોકાઇ શકો છો. આ બધામાં આભાપુરમાં આવેલા પોલો રિટ્રીટ રિસોર્ટનું લોકેશન સારૂ છે. પોલો રિટ્રીટમાં ડિલક્સ ટેન્ટ, સ્વિમિંગ પુલ, ઓપન એર થિયેટર, ડિજે પાર્ટી, આઉટડોર ગેમ્સ, રેસ્ટોરન્ટ જેવી સુવિધા છે. રાત્રે એકદમ ઠંડક થઇ જતી હોવાથી કેમ્પ ફાયર કરવામાં આવે છે. અહીં ટેન્ટની પાછળ ગાઢ જંગલ છે. એટલે કે તમે જાણે જંગલમાં રહેતા હોવ તેવી ફિલિંગ આવે છે. અહીંના રેસ્ટોરન્ટમાં ગુજરાતી, પંજાબી ડિશ પીરસવામાં આવે છે. ગુજરાતી થાળીમાં રિંગણનો ઓળો, સેવ ટામેટા, લસણિયા બટાકા, ગોળ, રોટલા ખાવાની મજા પડશે. રૂમનું ભાડુ 2500થી 5500ની આસપાસ હોય છે. જો તમે અહીં એક રાત રોકાશો તો વહેલી સવારે રિસોર્ટ તરફથી તમને જંગલ ટ્રેકિંગ કરાવવામાં આવે છે. જેમાં ગાઇડની સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એક દિવસની પિકનીકમાં 800 રૂપિયા ચાર્જ થાય છે. પેકેજમાં સવારનું બ્રેકફાસ્ટ, બપોરે લંચ, સાંજે ચા-નાસ્તાનો સમાવેશ થાય છે. ઉપરાંત, અનુભવી ગાઇડ દ્ધારા જંગલ ટ્રેકિંગ, ડેમ વિઝિટ, રિવર વોકિંગ, મંદિરની મુલાકાત કરાવાય છે. કેમ્પ સાઇટ પર
વચ્ચે ક્રિકેટ, સ્વિમિંગ પુલ, વોલિબોલ રમી શકાય છે.

ફૂડ (ભોજન):
જો તમે વન ડે પિકનીકનું આયોજન કરી રહ્યા હોવ, તો અમે ભલામણ કરીએ છે કે તમે ઘરેથી જ ખોરાક અને પાણી સાથે લઈને જાઓ. ખોરાક માટે મર્યાદિત વિકલ્પ ઉપલબ્ધ છે અને તમારે ઢાબા પર જ આધાર રાખવો પડશે. પોલો કેમ્પસાઇટને પોતાનુ રસોડું છે પરંતુ તે તેમના મહેમાન સુધી મર્યાદિત છે અને સાદા ગુજરાતી ખોરાકની સેવા આપે છે. જંગલ બાજુના રસ્તે રોટલા અને શાક મળી જશે.
પોલો ફેસ્ટિવલ:
દર વર્ષે ઓગસ્ટ મહિનામાં ગુજરાત સરકાર દ્ધારા પોલો ફેસ્ટિવલ ઊજવવામાં આવે છે જેમાં એડવેન્ચર પ્રવૃત્તિઓ, સાઇકલિંગ, કેમ્પિંગ સહિત અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે.
કેવી રીતે જશો ?
અમદાવાદથી હિંમતનગર પ્રાંતિજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પસાઇટ સુધી પહોંચી શકાય છે. બીજો એક રસ્તો અમદાવાદથી ગાંધીનગર, વિજાપુર, હિંમતનગર થઇને ઇડરથી વિજયનગર પોળો જંગલનો છે. આ રસ્તે ટોલ ટેક્સ નહીં આવે. અમદાવાદથી પોલો ફોરેસ્ટ લગભગ 155 કિ.મી.ના અંતરે આવેલું છે, અમદાવાદથી અહીં આવતા અઢી કલાક જેટલો સમય થાય છે. ઇડરથી પોલો ફોરેસ્ટનું અંતર 45 કિલોમીટરનું છે. જો કે કોરોનાનો સમય ચાલતો હોવાથી અગાઉથી તપાસ કરીને જવું હિતાવહ છે કારણ કે શનિ-રવિ અને જાહેર રજાઓમાં અહીં 20 થી 25 હજાર પ્રવાસીઓ ઉમટી પડતા હોવાથી સંક્રમણ ફેલાવાના ડરથી ઘણીવાર રજાઓમાં પોલો ફોરેસ્ટ કલેક્ટરના હુકમથી મુલાકાતીઓ માટે બંધ રહ્યું છે.

નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.