2021 માં દિલ્હીમાં ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો ત્યારે મનાલીથી આવેલા ઘણા વિદ્યાર્થીઓ મારા મિત્રો બની ગયા હતા. એમની સાથે રહીને મને પણ હિમાચલ જવાનો મોકો મળતો અને મને ટ્રેકીંગમાં રસ પડવા લાગ્યો. દિલ્હી યુનિવર્સિટીનાં એક મિત્રની મિત્ર સાથે મારી મુલાકાત થઈ અને ખૂબ સારી દોસ્તી થઈ ગઈ.
દિલ્હીમાં કોલેજ પૂરી થાય એટલે શહેરમાં જ વિવિધ જગ્યાઓએ અમે ફરવા નીકળી પડતાં. અમે બંનેએ એકબીજા સાથે પુષ્કળ સમય વિતાવ્યો. અમારી લગભગ બધી જ આદતો સમાન હતી, સિવાય એક.
એને શરાબ પસંદ હતી, મને ભાંગ.
ભાંગની મજાનો આધાર એ વાત પર છે કે તે ક્યાં અને કોની સાથે પીવામાં આવે છે. મેં એને ટ્રેકિંગ પર લઈ જવાનું નક્કી કર્યું.
મેં ખીરગંગા ટ્રેક નક્કી કર્યો. ટ્રેક ઘણો જ સરળ છે, ૪ ૫ કલાકમાં કરી શકાય છે અને ખૂબ જ શાનદાર જગ્યા પર છે. અને ઉપર ટ્રેકની સમિટ પર રહેવાની જગ્યાઓ પણ અદભૂત છે.
મેં તેને માત્ર ટ્રેકિંગ વિષે જ જણાવ્યું. રેડબસમાંથી મનાલીની ટિકીટ્સ બૂક કરી અને અમે નીકળી પડ્યા એક અવિસ્મરણીય પ્રવાસે. પહેલા મનાલીમાં સ્થાનિક ટુર કરીને ત્યાંથી બરશેની જશું અને ત્યાંથી ૧૪ કિમી ખીરગંગાનો ટ્રેક શરૂ.
આરામદાયક વોલ્વોમાં અમે દિલ્હીથી મનાલી પહોંચી ગયા. ત્યાં એકાદ દિવસના રોકાણ બાદ સ્થાનિક બસમાં ભુંટર અને ત્યાંથી બસ બદલીને બરશેની. બરશેની આ રૂટનું છેલ્લું સ્ટોપ છે અને અહીં સવારે અને સાંજે એમ દિવસમાં બે વાર બસ આવે છે.
અમે સવારની બસમાં બરશેની પહોંચ્યા. કાફેની બહાર કેટલીય મોટર સાઈકલ્સ ઊભી હતી. બાઈકર્સ પણ આ ટ્રેકિંગમાં ઘણો રસ ધરાવે છે. કાફેમાં કેટલાક વિદેશીઓ પણ હતા. અમુક છોકરીઓ હૉલા-હૂપ કમર પર ગોળ-ગોળ નચાવી રહી હતી.
ગરમાગરમ ચા અને મેગીની લોકો જિયાફત માણી રહ્યા હતા. અમને પણ થોડો હળવો નાસ્તો કરીને આગળ વધવું યોગ્ય લાગ્યું. એક પ્લેટ મેગીમાંથી અમે બંનેએ નાસ્તો કર્યો અને ખીરગંગા જવા નીકળી પડ્યા.
ખીરગંગાથી નીકળતા જ ચડાઈ નહિ પણ ઉતરવાનું આવે છે. બરશેનીમાં જ્યાં રસ્તો પૂરો થાય છે ત્યાંથી એક કિમી દૂર આવેલા પૂલ પરથી નીચે ઉતારવાનું રહે છે. આને કારણે જેને ટ્રેકિંગમાં રસ ન હોય તેને પણ મજા આવે છે. પુલથી નીચે ઉતરીને ૩-૪ કિમી સુધી કોઈ ચડાઈ નથી, માત્ર પગદંડી પર જ ચાલવાનું હોય છે. મરી મિત્ર પહેલી વાર ટ્રેકિંગમાં આવી હોવાથી તેનો ઉત્સાહ કઈક અનેરો જ હતો. તે ઉત્સાહભેર આગળ વધી રહી હતી. આ સારું જ હતું, હું ઈચ્છતો હતો કે રૂદારનાગ ઝરણા સુધી એ આમ જ જોશમાં રહે કેમકે પછી જ ખરી ચડાઈ શરૂ થવાની હતી. ભલભલા લોકો અહીં હાંફી જતા હતા.
અને એવું જ થયું. રૂદારનાગ ઝરણા પરનો પૂલ પાર કરવામાં જ તે થાકી ગઈ. મેં મારા બંને ખભે અમારા બંનેની બેગ્સ ઉપાડી અને એણે ધીમે પગલે ચાલવા માંડ્યું.
પગદંડીનાં સહારે પાર્વતી નદી બે ભાગમાં વહેચાઈને વહી રહી હતી. પાણી પાડવાનો અવાજ, ચીડનાં વૃક્ષોને હાથતાળી દઈને વહેતી ઠંડી હવા અને પ્રાકૃતિક વાતાવરણ ટ્રેકિંગના થાકને દૂર કરવા પૂરતી હતી. પોતાનો સમાન મને પકડાવીને એ મેડમ તો બિન્દાસ ફરી રહ્યા હતા. દિલ્હીમાં ખરીદી કરવા જતા તે સમય મને યાદ આવી ગયો. જ્યાં જઈએ ત્યાં આપણી સ્થિતિ તો જેની તે જ રહેવાની.
કેટલાય સ્ટોપ લીધા બાદ ૪-૫ કલાકનો ટ્રેક પૂરો કરતાં અમને ૬-૭ કલાક થયા. બંનેનો સામાન ઉચકીને ચાલવાને કારણે મારી ક્ષમતા પણ હવે જવાબ આપી રહી હતી પણ હું જ તો ટ્રેકિંગમાં લઈ આવેલો, હું હાર ન માની શકું. બંને બેગ્સ કમર પર ચડાવીને મેં ચાલ્યા કર્યું, ૨૦-૨૫ મિનિટ બાદ અમે ખીરગંગા સમિટ પર પહોંચ્યા.
સમિટ પર રહેવાની ખૂબ સારી સગવડો છે. લાકડાનાં કોટેજ, ટેન્ટ, તેમજ કાફેઝમાં પણ રહેવા માટે રૂમ ઉપલબ્ધ છે.
કોટેજનું ભાડું ૨૦૦ રુ પ્રતિ રાત હતું જેમાં રાતનું જમવાનું સામેલ હતું. અહીં બનેલા કાફેઝ ટેન્ટની સગવડ પણ આપે છે પણ જો રાતે વાતાવરણ ખરાબ થાય કે વરસાદ આવે તો બહુ મુશ્કેલી પડે છે. કાફેઝમાં અંદર પણ ૧૦૦-૨૦૦ રુનાં ભાવે રોકાવાની સગવડ હતી. એક કાફેમાં ૧૦-૧૫ જેટલા ગાદલાં હોય છે.
મેં ઉપર પહોંચીને સૌથી પહેલા કોટેજમાં સામાન રાખ્યો અને બંને ફ્રેશ થવા ગયા.
ટેન્ટથી માત્ર ૫૦ મીટર દૂર લેડિઝ અને જેન્ટસ માટે અલગ અલગ ન્હાવાના ગરમ પાણીના કુંડ છે. પુરુષો માટે થોડું નીચે છે અને સ્ત્રીઓ માટે ઉપર. બંને માટે કપડાં બદલવા માટેની પણ અલગ સુવિધા છે. અહીં કુંડમાં સફલર દ્વારા પાણી સતત ગરમ રાખવામાં આવે છે. નજીકમાં આવેલા અન્ય એક કુંડનાં પાણીથી નહાઈને આ કુંડમાં પડવું સભ્ય ગણાય છે કેમકે ગરમ પાણીના કુંડ ખૂબ જ ચોખ્ખા છે.
ફ્રેશ થયા બાદ અમે ગરમાગરમ દાળ-ભાત જમ્યા અને અહીંનાં પ્રસિદ્ધ કાફે લોનલી પ્લેનેટમાં ગયા જ્યાં ઠંડીથી બચવા ૨-૩ તંદૂર મૂકવામાં આવ્યા હતા. છોકરીઓ શેક કરી રહી હતી. અમે બંને એકબીજાના હાથમાં હાથ પરોવીને સંગીતની મજા માણી. થોડા સમય પછી કોટેજ જવા નીકળી પડ્યા.
સવારે અહીંનાં પ્રખ્યાત બનાના નટેલા પેનકેક અને કોફીનો નાસ્તો કર્યો અને ઉતરવાની શરૂઆત કરી. તેમાં પણ ચડાઈ જેટલો જ સમય લાગે છે.
બરશેનીથી સાંજની બસમાં અમે કુલ્લૂ આવ્યા અને ત્યાંથી વોલ્વોમાં દિલ્હી.
મારી મિત્રને ગમતી વસ્તુઓમાં ટ્રેકિંગનો ઉમેરો થઈ ચૂક્યો હતો.