સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય કેવડિયામાં અનેક આકર્ષણ, બધું જ જોવું હોય તો આટલો થશે ખર્ચ

Tripoto
Photo of સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય કેવડિયામાં અનેક આકર્ષણ, બધું જ જોવું હોય તો આટલો થશે ખર્ચ 1/8 by Paurav Joshi

નવા વર્ષની ઉજવણી કરવા માટે ગુજરાતના લોકોએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પોતાની પસંદગી ઉતારી હતી. ન્યૂ યર સેલિબ્રેશન માટે ગત વર્ષે લગભગ 2 લાખ પર્યટકોએ ઓછા બજેટમાં અદભુત અનુભવ મેળવવા માટે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ની મુલાકાત લીધી હતી.

વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાના સ્થળ- કેવડિયા ખાતે હવે તો પ્રવાસન માટેના વિવિધ પ્રોજેક્ટો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં કુલ 21 પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યા છે. આમાંથી 17 પ્રોજેક્ટને ખુલ્લા મુકાયા છે. કેવડિયા હવે પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ સ્થળ બની ગયું છે ત્યારે જો તમે કેવિડિયામાં એક દિવસ માટે ફરવા જાઓ કે પછી એક રાત રોકાવા માંગો તો કેટલો ખર્ચ થાય તેવો સવાલ તમારા મનમાં સ્વાભાવિક રીતે જ ઉભો થાય. આ આવો જાણીએ કેવડિયા ફરવાના ખર્ચ વિશે.

Photo of સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય કેવડિયામાં અનેક આકર્ષણ, બધું જ જોવું હોય તો આટલો થશે ખર્ચ 2/8 by Paurav Joshi

કેવડિયામાં જોવાલાયક સ્થળો

- સ્ટેચ્યૂ ઓફ યૂનિટીઃ ગુજરાતમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલ સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટર દૂર આવેલી 182 મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને સાત કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. લગભગ 5000 મેટ્રિક ટન લોખંડ, 3000 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ અને 33 મહિનાના ટૂંકાગાળામાં આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. સાધુ બેટ પર બનાવેલી એન્જિનિયરિંગ માર્વેલ જેવી આ પ્રતિમા તેના લોકાર્પણ પછી સતત પ્રવાસીઓને આકર્ષી રહી છે.

અવશ્ય વાંચો: અમદાવાદમાં સ્ટ્રીટ શોપિંગ

– વિશ્વ વન: અહીં તમામ સાત ખંડની ઔષધિ વનસ્પતિ, છોડ તથા વૃક્ષો છે, જે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિવિધતામાં એકતાની ભાવનાને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જંગલનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે મુલાકાતીને જે-તે ઝોનના કુદરતી જંગલની જ અનુભૂતિ થાય છે.

– એકતા નર્સરી: આ નર્સરીના પ્રારંભ પાછળ નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ એવો છે કે જ્યારે પણ મુલાકાતીઓ અહીંથી પાછા જાય ત્યારે તેઓ આ નર્સરીમાંથી ‘પ્લાન્ટ ઓફ યુનિટી’નામે એક રોપો લઈ જાય. પ્રારંભિક તબક્કે એક લાખ છોડનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાંથી ૩૦ હજાર રોપા વેચવા માટે તૈયાર છે.

– બટરફ્લાય ગાર્ડન: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મુલાકાતીઓ કુદરતની સુંદર અને રંગબેરંગી રચનાને જોઈ શકે, માણી શકે, એ માટે ખૂબ જ વિચારપૂર્વક આ બટરફ્લાય ગાર્ડનનું નિર્માણ કરાયું છે. 6 એકરમાં ફેલાયેલા આ વિશાળ ઉદ્યાનમાં 45 જાતિના છોડ અને 38 પ્રજાતિનાં પતંગિયાં જોવા મળે છે.

Photo of સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય કેવડિયામાં અનેક આકર્ષણ, બધું જ જોવું હોય તો આટલો થશે ખર્ચ 3/8 by Paurav Joshi

– એકતા ઓડિટોરિયમ: એકતા ઑડિટોરિયમ નામના 1700 ચોરસમીટરનો બિલ્ટ-અપ એરિયા ધરાવતો એક કમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે. અહીં ઑડિટોરિયમમાં સંગીત, નૃત્ય, નાટક, કાર્યશાળા, ફૂડ અને આર્ટ અને સાહિત્ય ઉત્સવ જેવા સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે, જ્યાં 700 વ્યક્તિની બેસવાની ક્ષમતા હશે.

– રિવર રાફ્ટિંગ: રિવર રાફ્ટિંગ એક એડવેન્ચર ગેમ છે. અહીં સાહસિક રમતવીરોને આવો અનન્ય અનુભવ કરવાની એક ઊજળી તક આપશે.

– કેક્ટસ ગાર્ડન: આ ગાર્ડનમાં થોરની અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે. થોર આકર્ષક અને અલગ અલગ આકાર અને કદમાં ઊગતો છોડ છે. થોર મૂળ અમેરિકાની વનસ્પતિ છે, જ્યારે એ પેટાગોનિયા, કેનેડાના ઉત્તર અને દક્ષિણ ભાગમાં પણ જોવા મળે છે.

Photo of સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય કેવડિયામાં અનેક આકર્ષણ, બધું જ જોવું હોય તો આટલો થશે ખર્ચ 4/8 by Paurav Joshi

– ભારત વન: અહીં 10 હેક્ટર જેટલા વિસ્તારમાં 5 લાખથી વધારે ફૂલોની પ્રજાતિઓ જોવા મળે છે, સાથે જ હરિયાળીની છાંટ ધરાવતાં વૃક્ષો ભારત વનની શોભા વધારે છે.

– ફેરી સર્વિસીઝ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની 7 KMની ફેરી સર્વિસીઝ આ સ્મારક સુધી પહોંચવાની મુસાફરી સરળ, સુગમ અને માણવાલાયક બનાવે છે. બંને કિનારે બોટ્સના સંચાલન માટે જેટ્ટીનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે.

Photo of સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય કેવડિયામાં અનેક આકર્ષણ, બધું જ જોવું હોય તો આટલો થશે ખર્ચ 5/8 by Paurav Joshi

– જંગલ સફારી: સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે બે કિલોમીટરના અંતરે અને 5,55,240 ચોરસમીટરમાં આ પાર્ક અને સફારીનું નિર્માણ કરાયું છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને અમેરિકામાં જોવા મળતી 170થી વધુ જીવસૃષ્ટિની પ્રજાતિ આ પાર્કમાં જોવા મળે છે.

Photo of સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય કેવડિયામાં અનેક આકર્ષણ, બધું જ જોવું હોય તો આટલો થશે ખર્ચ 6/8 by Paurav Joshi

– એકતા મોલ: આ મોલમાં મુલાકાતીને હસ્તકળા અને ભારતમાં આવેલાં અલગ-અલગ રાજ્યનું પરંપરાગત કાપડ અહીં એક જ જગ્યાએ મળી રહેશે. અત્યાધુનિક સુવિધાઓની સાથે સાથે જ જૂની પરંપરાગત ભારતીય હસ્તકળાના સમન્વયને ધ્યાનમાં રાખીને આ મોલને ડિઝાઈન કરાયો છે.

કુલ આટલો થશે ખર્ચ

સ્ટેચ્યુ ઓફ યુનિટી એન્ટ્રી ટિકિટ દર રૂ.150 (મોટા માટે), બાળકો માટે રૂ.90

સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરી ટિકિટ દર રૂ.380 (મોટા માટે), બાળકો માટે રૂ.230

જંગલ સફારી ટિકિટ દર રૂ.200 (મોટા માટે), રૂ.125 (બાળકો માટે)

એકતા ક્રૂઝ ટિકિટ દર રૂ.200 (મોટા માટે), રૂ.200 (બાળકો માટે)

રિવર રાફ્ટિંગ ટિકિટ દર રૂ.1000 (મોટા માટે), રૂ.1000 (બાળકો માટે)

બટરફ્લાય ગાર્ડન ટિકિટ દર રૂ.60 (મોટા માટે), રૂ.40 (બાળકો માટે)

કેક્ટસ ગાર્ડન ટિકિટ દર રૂ.60 (મોટા માટે), રૂ.40 (બાળકો માટે)

એકતા નર્સરી ટિકિટ દર રૂ.30 (મોટા માટે), રૂ.20 (બાળકો માટે)

વિશ્વ વન ટિકિટ દર રૂ.30 (મોટા માટે), રૂ.20 (બાળકો માટે)

ઇકો બસ ટિકિટ દર રૂ.300 (મોટા માટે), રૂ.250 (બાળકો માટે)

સરદાર સરોવર નૌકા વિહાર ટિકિટ દર રૂ.290 (મોટા માટે), રૂ.290 (બાળકો માટે)

આરોગ્ય વન ટિકિટ દર રૂ.30 (મોટા માટે), રૂ.20 (બાળકો માટે)

ગોલ્ફ કાર્ટ ટિકિટ દર રૂ.50 (મોટા માટે), રૂ.50 (બાળકો માટે)

ચિલ્ડ્ર્ન પાર્ક ટિકિટ દર રૂ.200 (મોટા માટે), રૂ.125 (બાળકો માટે)

કુલ ખર્ચ રૂ.2980 (મોટા માટે), રૂ.2500 (બાળકો માટે) થશે.

ઉપર આંકડા જોયા બાદ તમને ખબર પડી જશે કે આમાં એક વ્યક્તિદીઠ અલગ-અલગ પ્રોજેક્ટોની એન્ટ્રી ટિકિટ રૂ. 2900ની આસપાસ થાય છે, જ્યારે બાળકોની 2500 રૂપિયાની આસપાસ થાય છે. આ ભાવ માત્ર કેવડિયા ફરવાનો જ છે. જો તમે ત્યાં રોકાવ છો અથવા ચા-પાણી, નાસ્તો કે જમો છો તો એના તમારે અલગથી પૈસા ખર્ચવા પડશે. અહીં એક રાત ટેન્ટ સિટીમાં રોકાવાનું ભાડું રૂપિયા 5,500 છે. ઉપરાંત જો અમદાવાદથી સી-પ્લેનમાં કેવડિયા જવું હોય તો જવા-આવવાના 3000 રૂપિયા ખર્ચવા પડશે. એટલે કે કેવડિયા જોવાનો એક વ્યક્તિનો અંદાજીત ખર્ચ (એક રાત રોકવાની સાથે) 6 થી 7 હજાર રૂપિયા થાય છે. હવે આટલા રૂપિયા ખિસ્સામાં હોય તો જ કેવડિયા જવાનું વિચારજો.

ટેન્ટ સિટી

કેવડિયાનું આકર્ષણ ટેન્ટ સિટી પણ છે. ટેન્ટ સિટી-1માં એસી ટેન્ટનું એક દિવસનું ભાડું 6,000 રૂપિયા છે, રોયલ ટેન્ટનું ભાડું 8,000 રૂપિયા છે અને રોયલ વિલાનું ભાડું 30,000 રૂપિયા છે. તેમાં જમવાનો, સ્ટેચ્યુની ટિકિટ અન્ય પ્લેસિસની વિઝિટનો સમાવેશ થાય છે.

Photo of સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય કેવડિયામાં અનેક આકર્ષણ, બધું જ જોવું હોય તો આટલો થશે ખર્ચ 7/8 by Paurav Joshi

ટેન્ટ સિટી-2

ટેન્ટ સિટી-2માં નોન એસીનું ભાડું 4,500 રૂપિયા છે, ડિલક્સ ટેન્ટનું ભાડું 6,750 રૂપિયા અને પ્રીમિયમ ટેન્ટનું ભાડું 9,000 રૂપિયા છે, જેમાં જમવાનું, સ્ટેચ્યુની ટિકિટ અન્ય પ્લેસિસની વિઝિટનો સમાવેશ થાય છે.

નોંધઃ આ ભાડું વર્ષ 2019ના આધારે છે. તેમાં કોરોનાની સ્થિતિને લઇને ફેરફાર થવા સંભવ છે. બુકિંગ કરાવતી વખતે એકવાર ભાડુ જાણી લેવું.

Photo of સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય કેવડિયામાં અનેક આકર્ષણ, બધું જ જોવું હોય તો આટલો થશે ખર્ચ 8/8 by Paurav Joshi

કેવી રીતે જશો કેવડિયા

રોડ દ્ધારાઃ અમદાવાદથી કેવડિયા કોલોનીનું અંતર 193 કિ.મી. છે. વડોદરાથી કેવડિયાનું અંતર 85 કિ.મી. છે જ્યારે અમદાવાદથી વડોદરાનું અંતર 111 કિ.મી. છે. એક્સપ્રેસ હાઇવે પર વડોદરા સુધી સડસડાટ પહોંચી શકાય છે.

ટ્રેન દ્ધારાઃ કેવડિયા માટે સીધી કોઇ ટ્રેન નથી પરંતુ વડોદરા જવા માટે ટ્રેન મળી રહેશે. ત્યારબાદ બસ કે પ્રાઇવેટ વાહન દ્ધારા કેવડિયા પહોંચી શકાય છે.

વિમાન દ્ધારાઃ બહારના રાજ્યમાંથી આવતા લોકો માટે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અમદાવાદથી વડોદરા ડોમેસ્ટિક ફ્લાઇટ પણ છે. વડોદરાથી ટેક્સી કે બસમાં કેવડિયા જઇ શકાય છે.

નોંધઃ કોરોનાકાળ ચાલતો હોવાથી આ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Further Reads