આપણે રોજિંદા જીવનમાં પુષ્કળ વ્યસ્ત રહીએ છીએ. કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ વચ્ચે પિસાતો રહેતો માણસ થોડા સમયના અંતરે થોડો રિલેક્સ થવા ઈચ્છે છે. અને આ માટે લોંગ વીકેન્ડથી વધુ સારી તક બીજી કઈ હોવાની? જો તમે દિલ્હીમાં રહો છો તો અહીં આપેલ સ્થળોએ બહુ સરળતાથી, ટ્રેનમાં દસેક કલાકનો પ્રવાસ કરીને, પહોંચી શકાય છે, પરિણામે તે તમારા લોંગ વીકેન્ડને એન્જોય કરવાનો શ્રેષ્ઠ ઉપાય સાબિત થાય છે.
અહીં મોટાભાગની મુસાફરીઓ રાત્રિના સમયે શરૂ થાય છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે પ્રવાસનો સમય રાત્રિના સમયમાં જ કપાય જાય છે જેથી ઓછા દિવસોમાં વધુ ફરી શકાય છે.
૧. ઉધમપુર, જમ્મુ અને કાશ્મીર: ૯થી ૧૦ કલાક
જમ્મુની વચ્ચોવચ ઉધમપુર નામનું એક રમણીય નગર આવેલું છે. શહેરી શોરબકોરથી દૂર, પહાડો વચ્ચે અહીં શાંતિનો તેમજ કુદરતના સાનિધ્યનો અનુભવ માણી શકાય છે. આમ તો આ જગ્યા દિલ્હીથી ઘણી જ દૂર આવેલી છે પણ ટ્રેનના કારણે અહીં પહોંચવું સરળ બની જાય છે.
સૌથી સુવિધાજનક ટ્રેન: દિલ્હી ઉધમપુર એસી સુપરફાસ્ટ (૨૪૪૦૧)
સૌથી નજીકનું રેલવે સ્ટેશન: ઉધમપુર રેલવે સ્ટેશન
દિલ્હીના સરાઈ રોહિલ્લા સ્ટેશનથી રાત્રે ૧૦.૧૫ વાગે આ ટ્રેન ઉપડે છે અને બીજે દિવસે સવારે ૭.૨૦ વાગ્યાના સુમારે જમ્મુ તાવી પહોંચે છે. અહીંથી નંદિની વાઈલ્ડલાઈફ સેંકચુઅરી ફક્ત ૨૭ કિમી દૂર આવેલું છે.
રોકાણ માટે: પિન્ક વિલા ગેસ્ટહાઉસ (૬૦૦ રુ)
૨. બારોગ, હિમાચલ પ્રદેશ: ૬ થી ૮ કલાક
શિમલાથી ઉપર વસેલો આ નાનકડો કસબો તમારી રજાઓ વિતાવવા શ્રેષ્ઠ વિકલ્પ છે. એક તરફ હિમાલયના બર્ફીલા શિખરો અને બીજી તરફ હરિયાળા જંગલો.
સૌથી સુવિધાજનક ટ્રેન: હોરહ-દિલ્હી-કાલકા મેલ (૧૨૩૧૧)
સૌથી નજીકનું રેલવે સ્ટેશન: કાલકા
આ ટ્રેન દિલ્હી જંકશનથી રાત્રે ૧.૨૫ વાગે ઉપડે છે અને વહેલી સવારે ૪.૩૦ વાગે કાલકા પહોંચે છે. કાલકાથી ટોય ટ્રેન મારફતે અસંખ્ય સુરંગોમાંથી પસાર થઈને બારોગ પહોંચી શકાય છે. સવારે ૫ વાગે અહીંથી સૂર્યોદયનો નજારો પણ જોવાલાયક હોય છે. જો તમને સવારે ૪.૪૦ની ટોય ટ્રેનની ટિકિટ મળી જાય તો સવારનો ચા-નાસ્તો માણી શકાય છે. આ ટ્રેનમાં સવારે ૭ વાગ્યા સુધી નાસ્તાની સુવિધા ઉપલબ્ધ છે. પહાડો વચ્ચે વિતાવેલી કેટલીય સવારો પૈકી આ મારો સૌથી યાદગાર અનુભવ રહ્યો છે.
રોકાણ માટે: ધ પાઇનવૂડ (HPTDC): ૩૨૦૦ રુ
૩. રણથંભોર, રાજસ્થાન: ૪ થી ૮ કલાક
રણથંભોર એવા વિશિષ્ટ પ્રાણીઓ માટે જાણીતું છે જે રાજસ્થાનના રણપ્રદેશમાં રહીને વિકસે છે. વાઘ જોવા ઇચ્છતા પ્રવાસીઓમાં આ રાષ્ટ્રીય ઉદ્યાન છેલ્લાં કેટલાક વર્ષોથી ઘણું માનીતું બન્યું છે.
સૌથી સુવિધાજનક ટ્રેન: દહેરાદૂન એક્સપ્રેસ
સૌથી નજીકનું રેલવે સ્ટેશન: સવાઇ માધોપુર
રણથંભોર જવા માટે રાત્રે ૧.૫૫ વાગે હઝરત નિઝામુદ્દીનથી સવાઇ માધોપુર જતી ટ્રેન ઉપડે છે. આ ટ્રેન સવારે અજવાળું થતાંની સાથે જ, ૫.૨૦ વાગે તેના મુકામે પહોંચી જાય છે. આ ટ્રેનમાં મુસાફરી બાદ એક અલગ જ નજારા સાથે દિવસની શરૂઆત થાય છે. અહીંથી ૧૦ કિમી દૂર આવેલા રણથંભોર જવા પુષ્કળ ઓટોરિક્ષા મળી રહે છે.
રોકાણ માટે:
અનુરાગા પેલેસ- અ ટ્રી હાઉસ હોટેલ
૪. અમૃતસર, પંજાબ: ૧૦ કલાક
સુવર્ણમંદિર માટે પ્રખ્યાત શહેર અમૃતસર. જોમ-જુસ્સાથી ભરપૂર આ શહેરમાં હંમેશા બહુ જ ચહલ-પહલ જોવા મળે છે. આ શહેરમાં થોડા દિવસોનું રોકાણ પણ ખૂબ એનર્જેટિક બની રહે છે.
સૌથી સુવિધાજનક ટ્રેન: ટાટા જટ એક્સપ્રેસ (૧૮૧૦૧)
સૌથી નજીકનું રેલવે સ્ટેશન: અમૃતસર
આ ટ્રેન નવી દિલ્હીથી રાત્રે ૧૦ વાગે ઉપડે છે અને સવારે ૭.૫૦ વાગ્યાના સુમારે અમૃતસર જંકશન પહોંચે છે. સવારના નાસ્તાનો સમય થાય ત્યાં સુધીમાં તો ગુરુદ્વારાનાં દર્શન પણ સંભવ છે. આ પ્રવાસ આપણને એ વાતની અનુભૂતિ કરાવે છે કે વિશ્વના સૌથી વધુ ધાર્મિક સ્થળોમાંનાં એક ગણાતા સુવર્ણમંદિરમાં દિવસની શરૂઆત કેવી અલૌકિક હોય છે.
રોકાણ માટે: રણજીત સ્વાસા અમૃતસર ૫૬૦૦ રુ
૫. નૌકુચિયતાલ, ઉત્તરાખંડ: ૮ થી ૧૦ કલાક
નૈનીતાલમાં પરંપરાગત પ્રવાસન સ્થળોથી થોડે દૂર કેટલાય કસબાઓ આવેલા છે જ્યાં શાંતિ અને પ્રાકૃતિક સૌંદર્ય બંને મળે છે. નૌકુચિયતાલ તેમાંનું એક. કોઈ પણ પ્રકારના શોર-બકોર વિના આરામથી તળાવ કિનારે લટાર મારી શકાય છે. જો તમને રોમાંચક અનુભવ કરવો હોય તો પેરાસેલિંગ અને પેરાગ્લાઈડિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.
સૌથી સુવિધાજનક ટ્રેન: રાનીખેત એક્સપ્રેસ (૧૫૦૧૩)
સૌથી નજીકનું રેલવે સ્ટેશન: કાઠગોદામ
આ ટ્રેન દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશનથી રાતે ૧૦ વાગે ઉપડે છે અને પરોઢે ૫.૦૫ વાગે કાઠગોદામ પહોંચાડે છે. નૌકુચિયતાલ કાઠગોદામથી ફક્ત બે કલાક દૂર છે અને રેલવે સ્ટેશનથી જ આ માટે ટેક્સી મળી રહે છે. અહીંથી એક બસ પણ ઉપડે છે જે ભીમતાલ સુધી જાય છે, ત્યાંથી ટેક્સી કરવી પડે છે.
રોકાણ માટે:
ધ ટ્રાવેલર્સ પેરેડાઈઝ, રુ ૨૬૨૫
લા બેલ વિ, રુ ૧૦,૦૦૦/ ૧૨ વ્યક્તિઓ
૬. ઋષિકેશ પાસે શિવપુરી, ઉત્તરાખંડ: ૬ થી ૮ કલાક
દિલ્હીથી ઋષિકેશ પહોંચવું ઘણું જ સરળ છે. ઋષિકેશથી શિવપુરી ફક્ત ૧૦ કિમીના અંતરે આવેલું છે. શનિવાર સવારની શરૂઆત ગંગા-કિનારે કરવાનો એક અનેરો જ આનંદ છે.
સૌથી સુવિધાજનક ટ્રેન: દિલ્હી હરદ્વાર સ્પેશિયલ (૦૪૦૫૭)
સૌથી નજીકનું રેલવે સ્ટેશન: હરદ્વાર
નવી દિલ્હી રેલવે સ્ટેશનથી આ ટ્રેન રાતે ૧.૨૦ વાગે નીકળે છે. અહીંથી શિવપુરી પહોંચતા ૨ થી ૩ કલાક થાય છે. આ રસ્તે આખો દિવસ કેટલીય સ્થાનિક બસો પણ કાર્યરત હોય છે. બસ સ્ટેન્ડ હરદ્વાર રેલવે સ્ટેશનની બહાર જ રસ્તાની સામે તરફ છે.
રોકાણ માટે:
હાઇ બેન્ક હિમાલિયન રીટ્રીટ, રુ ૫૦૦૦
નિમરાના ગ્લાસ હાઉસ ઓન ધ ગંગા, રુ ૭૫૦૦
૭. ઓરછા, મધ્ય પ્રદેશ: ૬ થી ૮ કલાક
બુંદેલખંડની મહેનમાનગતિ માણવી હોય તો ઓરછાની મુલાકાત લેવી જ રહી. આ નાનકડા શહેરમાં એટલી બધી ઐતિહાસિક ઇમારતો છે કે આપણે થોડા સમય માટે તો ભૂતકાળમાં સરી પડીએ. આ એક એવું અનોખું શહેર છે જે આજે પણ રામ-રાજ્ય માટે પ્રખ્યાત છે. અહીં આજેય ભગવાન રામને ઈશ્વર સ્વરૂપે નહીં પણ રાજા સ્વરૂપે પૂજવામાં આવે છે.
સૌથી સુવિધાજનક ટ્રેન: UHL NED સુપરફાસ્ટ એક્સપ્રેસ (૨૨૪૫૮)
સૌથી નજીકનું રેલવે સ્ટેશન: ઝાંસી જંકશન
નવી દિલ્હી રેલવે સ્ટેશનથી રાત્રે ૧૧.૪૫ વાગે ઝાંસીની ટ્રેન ઉપડે છે અને સવારે ૫.૪૫ વાગે ઝાંસી પહોંચાડે છે. ઓરછા જવા માટે રેલવે સ્ટેશનથી જ રિક્ષા કે ટેક્સી મળી રહે છે. ઝાંસીથી ઓરછા માત્ર ૧૫ કિમી દૂર છે.
રોકાણ માટે:
બુંદેલખંડ રિવરસાઇડ, રુ ૩૦૦૦
૮. પુષ્કર, રાજસ્થાન: ૭ થી ૮ કલાક
કોઈ ટ્રાવેલ ફોટોગ્રાફર માટે પુષ્કર એ સપનાઓનું નગર છે. પુષ્કર નામ પડતાં જ ઊંચા ઊંટો, લાંબી મૂછો ધરાવતા પુરુષો અને તેમની મોટી પાઘડીઓ આપણી નજર સામે તરવરી ઉઠે છે. છેલ્લા કેટલાક વર્ષોથી પુષ્કર આવતા પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અહીં તળાવકિનારે શાંતિ પણ છે પણ નટ -બજાણિયાઓના કરતબો પણ છે.
સૌથી સુવિધાજનક ટ્રેન: Sln Adi એક્સપ્રેસ (૧૯૪૦૪)
સૌથી નજીકનું રેલવે સ્ટેશન: અજમેર
આ ટ્રેન સવારે ૬.૫૦ વાગે દિલ્હીથી નીકળે છે અને બપોરે ૨ વાગ્યા આસપાસ અજમેર પહોંચાડે છે. અજમેરથી પુષ્કળ પહોંચતા એકાદ કલાક જેટલો સમય લાગે છે. આ માટે કેટલીય સ્થાનિક બસો અને ટેક્સીઓ ઉપલબ્ધ છે. અજમેર શહેરમાં જ પુષ્કર જવા પુષ્કળ વિકલ્પો પ્રાપ્ય છે.
રોકાણ માટે:
કન્હૈયા હવેલી, રુ ૬૦૦ થી ૨૫૦૦
૯. લેણડોર, મસુરી પાસે, ઉત્તરાખંડ: ૬ થી ૭ કલાક
મસુરી એ એક ખૂબ જ જાણીતું પર્યટન સ્થળ છે પણ બહુ ઓછા લોકો જાણે છે કે મસૂરીની નજીકમાં જ લેણડોર નામનો એક રળિયામણો કસબો આવેલો છે જે અંગ્રેજોના મનગમતા ઠેકાણાઓમાંનો એક હતો. લેણડોર ફર્યા પછી પહાડો કી રાની મસુરીની પણ મુલાકાત લઈ શકાય છે.
સૌથી સુવિધાજનક ટ્રેન: નંદાદેવી એક્સપ્રેસ (૧૨૨૦૫)
સૌથી નજીકનું રેલવે સ્ટેશન: દહેરાદૂન
નવી દિલ્હીથી રાત્રે ૧૧.૫૦ વાગે ઊપડતી આ ટ્રેન સવારે ૪.૫૦ વાગે દહેરાદૂન પહોંચાડે છે. રેલવે સ્ટેશનથી નજીકમાં જ મસૂરી જવા માટેનું ટેક્સી સ્ટેન્ડ આવેલું છે. મસુરી પહોંચ્યા બાદ માત્ર ૫ જ કિમી દૂર લેણડોર આવેલું છે. મસૂરીથી લેણડોર જવા મસુરી પીકચર પેલેસથી ટેક્સીઓ ઉપલબ્ધ છે.
રોકાણ માટે:
રેડબર્ન લોજ: રુ ૧૩,૬૦૦/ ૬ વ્યક્તિઓ
૧૦. ચકરાતા, ઉત્તરાખંડ: ૮ થી ૧૦ કલાક
ચકરાતા જેવા નાનકડા પહાડી કસબા પર ભાગ્યે જ કોઈ પરંપરાગત પ્રવાસીનું ધ્યાન જતું હશે; પણ અહીં જે શાંતિ અનુભવવા મળે છે તે નૈનીતાલ અને મસુરી જેવી ગીચ જગ્યાઓએ નથી અનુભવાતી. ગઢવાલનાં પહાડોનો આ સૌથી સુંદર વિસ્તાર છે. જો તમે અહીં જાઓ તો ડોબન અને ટાઈગર ફોલ્સની અચૂક મુલાકાત લેવી. ચકરાતામાં માત્ર ભારતીયોને જ પ્રવેશ મળે છે કેમકે આ જગ્યા ભારતીય સેના માટે ઘણી જ મહત્વપૂર્ણ છે.
સૌથી સુવિધાજનક ટ્રેન: (૧૨૨૦૫)
સૌથી નજીકનું રેલવે સ્ટેશન: દહેરાદૂન
દિલ્હીથી રાત્રે ૧૧.૫ વાગે નીકળતી ટ્રેન સવારે ૪.૫ વાગે દહેરાદૂન પહોંચે છે. દહેરાદૂનથી ચકરાતા જવા માટે દહેરાદૂન ISBTથી પુષ્કળ ટેક્સીઓ મળી રહે છે જે રેલવે સ્ટેશનની નજીકમાં જ આવેલું છે. આ સિવાય ખાનગી ટેક્સીનો વિકલ્પ પણ પ્રાપ્ય છે.
રોકાણ માટે:
GMVN હનોલ, ૫૦૦ રુથી શરૂ.