ભારતમાં કુલ 51 શક્તિપીઠ આવેલી છે. તેમાંથી કામાખ્યા મંદિર આજે પણ હિન્દૂ ભક્તો માટે એક આસ્થાનું પ્રસિદ્ધ સ્થળ છે. માતા કાલીકાનું આ મંદિર અસામના ગુવાહાટી શહેરની નીલગીરી પર્વતોની ટેકરીઓ વચ્ચે આવેલું છે. આ સ્થળની ઐતિહાસિકતાને લઇને ઘણીબધી વાર્તાઓ રહેલી છે. દેવી કાલીના 10 રૂપની અહીં પૂજા-આરધના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ ગુસ્સામાં સતીના બળી ગયેલા શરીરને માથે લઇને તાંડવ કરવા લાગ્યા હતા ત્યારે વિષ્ણુંએ સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને સતીના આ બળી ગયેલા શરીરના 51 ભાગ કર્યા છે મૃત્યુલોક પર અલગ-અલગ જગ્યાએ પડ્યા અને ત્યાં શક્તિપીઠની સ્થાપના થઇ હતી. તેમાંથી અહીં કામાખ્યામાં સતીના યોનિનો ભાગ પડ્યો હતો અને તેટલા માટે જ અહીં યોનિના આકારની મૂર્તિ પણ છે જેની હજારો વર્ષોથી પૂજા કરવામાં આવે છે.
આ સીવાય એમ પણ કહેવામાં આવે છે કે અહીં પુરાતન કાળમાં એક રાજા તંત્ર વિદ્યામાં માનતો હતો અને તેણે અહીં તંત્રની દેવી માટે એક મંદિરનું નિર્માણ કરાવ્યું, પાછળથી આ મંદિર કામાખ્યા મંદિર તરીકે ઓળખાયું.
જો તમે હિન્દૂધર્મમાં વિશ્વાસ અને આસ્થા ધરાવો છો અને દરેક શક્તિપીઠની મુલાકાત લેવા માંગો છો તો આસામના ગુવાહાટીમાં આવેલી આ શક્તિપીઠની જીવનમાં એકવાર ચોક્કસથી મુલાકાત લેવી જોઇએ. જો તમે ધાર્મિક પ્રવૃતિ કરવા નથી માંગતા તો પણ અહીં એકવાર જશો એટલે તમને શાંતી અને આનંદનો અનુભવ થશે એવી ખાતરી છે. આ જગ્યા પર તમને આપણા ઇતિહાસ વિશે પણ ઘણુ જાણવા મળશે.
કામાખ્યા શબ્દ હિન્દીના શબ્દ કામ ઉપરથી ઉતરી આવ્યો છે. આ વિષયને લઇને ઘણીબધી વાર્તાઓ છે. કેટલાકનું માનવું છે કે આ જગ્યા ઉપર ભગવાન શિવ અને સતી વચ્ચે ઘણીવાર પ્રેમલાપ થયો હતો તેટલા માટે આ જગ્યાનું નામ કામ શબ્દ પરથી પડ્યું. જ્યારે કેટલાક લોકો માને છે કે આ જગ્યા ઉપર કામદેવે શ્રાપ મુક્ત થયા હતા તેટલા માટે આ જગ્યાનું નામ કામાખ્યા પડયું છે.
મંદિરના ભવ્ય પ્રાંગણમાં માતાની આ યોનિ આકારની મૂર્તિ આવેલી છે. મંદિરના પ્રાંગણમાં અન્ય 10 મંદિર આવેલા છે, જ્યાં કાલીના અલગ-અલગ રૂપની પૂજા-આરાધના કરવામાં આવે છે. મંદિરની વાસ્તુકળા જોવા લાયક છે. અન્ય બીજા મંદિરોની જેમ અહીં પણ ભવ્ય શિખર અને મોટા મંડપ આવેલા છે.
આ જગ્યાની અન્ય એક ધ્યાનાકર્ષક બાબત એ છે કે અષાઢ મહિનામાં આ મંદિર 3 દિવસ માટે બંધ રહે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દેવીના માસિક ધર્મનો સમય છે. ઘણા લોકોનું તો એમ પણ કહેવું છે કે આ સમયમાં બાજુમાંથી પસાર થતી બ્રહપુત્રા નદીનો રંગ લાલ થઇ જાય છે. ઘણા લોકો આ બાબતને લઇને પ્રશ્નો પણ કરતા હોય છે પરંતુ દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ અહીં માતાના દર્શન કરવા માટે આવે છે. અહીં દેવીની એક ઝલક માટે લાખો લોકોની ભીડ એકઠી થતી હોય છે.
કેવી રીતે પહોંચી શકાય અહીં?
આમ તો અહીં તમે ટ્રેન, સડક અને હવાઇ એમ ત્રણેય માધ્યમનો ઉપયોગ કરીને અહીં પહોંચી શકો છો પરંતુ હવાઇ માર્ગ એ સૌથી સરળ અને ઝડપી સાબીત થઇ શકે છે. આ મંદિર ભારતના પૂર્વીય ભાગમાં આવેલા આસામના એક મુખ્ય શહેરની નજીક આવેલું છે. ગુવાહાટી એરપોર્ટે ઉતર્યા પછી તમે આરામથી ટેક્સી ભાડે કરીને આ સ્થળ પર પહોંચી શકો છો. તમારે એ વાત યાદ રાખવાની કે તમારી આસ્થા દિવ્યશક્તિ સાથે જોડાયેલી છે અને તેટલા જ માટે તમારે કોઇ વોચટીયાની જરૂર નથી. જો તમે હિન્દૂધર્મમાં આસ્થા રાખો છો અથવા ફરવાના શોખીન છો તો તમારે આ સ્થળની મુલાકાત ચોક્કસથી લેવી જોઇએ.