પધારો મ્હારે દેશ... રંગીલા રાજસ્થાનમાં આપનું સ્વાગત છે. રોમાંચક અનુભવો, અવર્ણનીય સ્થળો, રંગબેરંગી પોશાક, ભવ્ય ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાનું રાજ્ય. રાજસ્થાન દરેક સ્વરૂપ અદભુત છે. આ જાજરમાન રાજ્યમાં પગ મુક્તાની સાથે જ ચળકતા લાલ રંગની પાઘડી, પીળા રંગની સાડીઓ, લીલા ઘાઘરા જેવા રંગીન વસ્ત્રોમાં સજ્જ લોકો જોવા મળે, જાણે આપણને પોતાના રાજ્યમાં આવકારતા હોય.
થારના રણમાં ફરતા ઊંટો તેમના રાજસ્થાનમાં પ્રવાસીઓને ઉમળકાભેર આવકારે છે. રમણીય તળાવો, કોતરણીકામ કરેલા મંદિરો, સુશોભિત હવેલીઓમાં મહારાજાઓ અને રાજ્પુતોના વૈભવી ઇતિહાસની ઝલક જોવા મળે છે. રાજસ્થાન એક એવી જગ્યા છે જ્યાંના દરેક સ્થળોની સુંદરતા તમને અચંબામાં મૂકી દેશે.
અનેક કારણો એ વાતની સાબિતી આપે છે કે આ રાજ્ય તમારા બાળકોને તેમના દેશના અદ્ભુત સમૃદ્ધ ભૂતકાળની ઝાંખી બતાવવા માટે એક આદર્શ સ્થળ છે. રાજસ્થાનનો પ્રવાસ તમને તમારા દેશના એક અદભુત પ્રદેશમાં તમારા સ્વજનો સાથે શ્રેષ્ઠ પળો વિતાવવાની તક પુરી પાડે છે.
કેવી રીતે પહોંચવું?
રાજસ્થાન પહોંચવા હવાઈ, રેલ અને સડક એમ ત્રણેય માધ્યમ ઉપલબ્ધ છે અને એ ત્રણેય માધ્યમો ખુબ જ રોમાંચક છે. જયપુર, ઉદયપુર અને જોધપુર મુખ્ય ૩ એરપોર્ટ છે. રાજ્યના લગભગ તમામ શહેરો માટે ટ્રેન્સ ઉપલબ્ધ છે. હાઇવે પણ ઘણી જ સારી સ્થિતિમાં છે અને વાહનમાર્ગે પ્રવાસ દરમિયાન અરવલ્લીના પર્વતો અને થારના રણ પ્રવાસને વધુ આહલાદક બનાવે છે.
જો તમે રાજ્યમાં વાહન ચલાવવા ઈચ્છો તો તમે દરેક મોટા શહેરમાંથી સેલ્ફ ડ્રાઇવ માટે કાર રાખી શકો છો. અલબત્ત, ટેક્સીઓનો વિકલ્પ પણ છે જ. આ માટે ૮ રૂ પ્રતિ કિમી ભાડું છે જેમાં પેટ્રોલ, ટોલનાકાની ફી તેમજ અન્ય ખર્ચાઓ બાકાત હોય છે.
રાજસ્થાન પ્રવાસ કઈ રીતે કરવો?
દિવસ ૧
જયપુર
આકર્ષક, વિસ્મયી, અને ઐતિહાસિક શહેર જયપુર એ પ્રવાસ શરુ કરવાનું પરફેક્ટ ઠેકાણું છે. જયપુરમાં એકબીજાની લગોલગ સાંકડી ગલીઓ અને મહેલો ભારે આકર્ષક જણાય છે. જયપુરનું મુખ્ય આકર્ષણ એવો અંબર ફોર્ટ શહેરના હાર્દસમા વિસ્તારમાં ગૌરવભેર ખડો છે. આ જીવંત શહેરને સાચી રીતે માણવું હોય તો સાઇકલ રીક્ષા કે ઓટોરિક્ષા શ્રેષ્ઠ વિકલ્પ છે.
શું જોવું?
૧. સીટી પેલેસની મુલાકાત સાથે તમારા પ્રવાસની શરૂઆત કરો અને જયપુરના મહારાજાઓના ઇતિહાસથી વાકેફ બનો. સવારે ૯.૩૦થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મહેલની એન્ટ્રી ફી ૩૫ રૂ છે.
૨. માનસરોવર તળાવની વચ્ચે જળ મહેલ બાંધવામાં આવ્યો છે. ચારે તરફ પાણીના દ્રશ્યો ઉપરાંત અહીં રાજ્પુતોના સમયના બાંધકામ જોઈ શકાય છે. પ્રવેશ નિઃશુલ્ક છે, પરંતુ આજે એ સ્થળ એક વૈભવી રિસોર્ટ બની ચુક્યો હોવાથી ત્યાં બેસીને નાસ્તો-પાણી કરવાનો લ્હાવો માણી શકાય છે.
૩. બ્લોક-પ્રિન્ટ કરેલા સુંદર કાપડની ખરીદી માટે અનોખી મ્યુઝિયમ ઓફ હેન્ડ પ્રિન્ટીંગની મુલાકાત લો.
દિવસ ૨
તમારા બીજા દિવસની વહેલી શરૂઆત કરો અને જયપુરથી તમારી યાત્રા આગળ વધારો. જયપુરના સૌથી પ્રશંસનીય કિલ્લા, અંબરની મુલાકાત લો અને શહેરમાં લટાર મારો.
શું જોવું?
૧. જયપુરના સુપ્રસિદ્ધ અંબર ફોર્ટની મુલાકાત સાથે દિવસની શરૂઆત કરો. આ સ્થળે એન્ટ્રી ફી રૂ ૧૦, કેમેરા ફી રૂ ૫૦ અને વિડીયો કેમેરા ફી રૂ ૧૦૦ છે અને તે દરરોજ ૯.૩૦થી ૪.૩૦ સુધી ખુલ્લો રહે છે.
૨. UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ જંતર મંતર. ઉત્તરભારતની સૌથી મોટી ખગોળશાસ્ત્રીય વેધશાળાની મુલાકાત લો. એન્ટ્રી નિઃશુલ્ક છે.
૩. પાંચ માળ અને ૯૫૦ જેટલી બારીઓ ધરાવતું એક બેનમૂન બાંધકામ હવા મહેલ. આ અદભુત સ્થળ જયપુરની શાન છે. રૂ ૫ એન્ટ્રી ફી ચૂકવીને ૯.૩૦થી ૪.૩૦ દરમિયાન તેની મુલાકાત લઇ શકાય છે.
ખરીદી માટે: જોહરી બજાર (ઘરેણાં), નહેરુ બજાર (સુંદર આકર્ષક મોજડી), અને બાપુ બજાર (અન્ય ચીજવસ્તુઓ).
ભોજન માટે: સૌથી સ્વાદિષ્ટ અને પરંપરાગત રાજસ્થાની ભોજન માટે ચોકી ધાણી, મલ્ટી-કવીઝીન ભોજન માટે એમ્બ્રોસિયા, થાળી માટે નટરાજ, સેન્ડવીચ અને હોમ-બેક્ડ કેક માટે અનોખી કાફે.
રાત્રિરોકાણ: જયપુરમાં રોકાણ માટે પુષ્કળ વિકલ્પો છે. અનન્ય વૈભવ અનુભવવા ધ લલિત કે હેરિટેજ સ્ટે અનુભવવા ઉમેદ ભવન હાઈલી રેકમેન્ડેડ છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
દિવસ ૩
બિકાનેર
રેતીમાં રમતું નગર બિકાનેર જાણે આપણે સાચે જ અરેબિયન નાઇટ્સનાં સમયમાં પહોંચી ગયા હોઈએ એવી અનુભૂતિ કરાવે છે. અહી ગામડાંની સાદગીની સાથોસાથ શહેરનો ચળકાટ પણ છે. પરંપરાગત પ્રવાસીઓ માટે ઓછું જાણીતું એવું બિકાનેર એક બહુ જ જીવંત નગર છે જેની એકાદ બે દિવસની મુલાકાત અલબત્ત અવિસ્મરણીય બની રહે છે. જયપુરથી વહેલી સવારે નીકળીને બપોર સુધીમાં બિકાનેર પહોંચી શકાય છે.
શું જોવું?
બિકાનેર કેમલ રિસર્ચ સેન્ટર સાથે બિકાનેર નગરનો પ્રવાસ શરૂ કરો અને ઊંટોની વિવિધ પ્રજાતિઓ વિષે માહિતગાર બનો. અહીં ઊંટના દૂધનો બનેલ આઈસક્રીમ જરૂરથી માણવો જોઇએ. બપોરે ૨ થી ૬ સુધી ખુલ્લા રહેતા આ સેન્ટરની એન્ટ્રી ફી રૂ ૩૦ છે. કેમેરા ફી અને ઊંટ સવારીની ફી રૂ ૫૦-૫૦ છે.
દિવસ ૪
વહેલી સવારે તમારા દિવસની શરૂઆત કરો અને બિકાનેર જે સુંદરતા માટે જાણીતું છે તેની એક દિવસની સહેલ કરો.
શું જોવું?
૧. જુનાગઢ ફોર્ટ- ભારતના સૌથી પ્રાચીન કિલ્લાઓમાંનો એક કિલ્લો અને એક એવો જૂજ કિલ્લો જે હંમેશા અડગ રહ્યો છે. અહી એક મ્યુઝિયમ પણ છે જ્યાં બિકાનેરના રાજવી પરિવાર વિષે માહિતી મેળવી શકાય છે. પુખ્ત વયના લોકોની એન્ટ્રી ફી રૂ ૫૦ છે, માન્ય આઈડી કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓ માટે તે રૂ ૩૦ છે. ૧૦ થી ૪.૩૦ વચ્ચે આ કિલ્લાની મુલાકાત લઈ શકાય છે.
૨. ભૂતકાળના બિકાનેર સ્ટેટના રાજાઓનું ઐતિહાસિક નિવાસસ્થાન એટલે લક્ષ્મી નિવાસ પેલેસ. આજે એક ભવ્ય હોટેલ બની ચૂકેલો આ મહેલ ઇન્ડો-સેરેસિનિક આર્કિટેક્ચરનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
૩. આધ્યાત્મ અને રોમાંચનો એકસાથે અનુભવ કરવા બિકાનેરથી માત્ર ૩૨ કિમી દૂર કરણી માતાનું મંદિર આવેલું છે જ્યાં હજારો ઉંદરોની વચ્ચે માતાજીની પૂજા કરવામાં આવે છે.
ભોજન માટે: ચટપટા ચાટ માટે ભુજિયા બજાર, મલ્ટી-ક્વિઝિન ભોજન માટે હીરાલાલ્સ, બિકાનેરની બેસ્ટ રાજ કચોરી માટે પ્રખ્યાત છપ્પનભોગ અને પીઝા, બર્ગર, કોફી માટે કાફે ઇન્દ્રા!
રોકાણ માટે: લક્ઝરીનો યાદગાર અનુભવ કરવા નરેન્દ્ર ભવન અને મોજીલા આનંદ માટે વેસતા બિકાનેર પેલેસ. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
દિવસ ૫
જેસલમેર
ગોલ્ડન સિટી તરીકે જાણીતું જેસલમેર ઊંટોનાં ગઢ તેમજ વેપાર-ધંધા માટે આવાં-જાવન કરવાના રણના રસ્તા માટે વિખ્યાત શહેર છે. થારના રણની લગોલગ રેતીના સોનેરી પથ્થરોથી બનાવવામાં આવેલો તેમજ ખૂબ જ ઊંચાઈ ધરાવતો કિલ્લો જેસલમેર શહેરની શાન છે. માત્ર આ કિલ્લો જ નહીં, શહેરમાં આવેલી નાંની-મોટી તમામ હવેલીઓનું બાંધકામ આ જ રીતે રેતીના સોનેરી પથ્થરોથી કરવામાં આવ્યું છે, પરિણામે આખું શહેર જાણે ચળકાટ ધરાવતા પીળા રંગથી રંગવામાં આવ્યું હોય તેવું લાગે છે અને એટલે જ તેને 'ગોલ્ડન સિટી' હોવાનું બહુમાન મળ્યું છે. અહીં એવું લાગે કે જાણે 'સેપીઆ' ફિલ્ટર સાથે આપણે શહેર જોઈ રહ્યા છીએ. લંચ સુધીમાં જેસલમેર પહોંચો અને થોડા આરામ બાદ શહેરની સફર શરૂ કરો.
શું જોવું?
૧. ગાડીસર સરોવર. ૬૫૦ વર્ષ જૂનું આ સરોવર આજે પણ શહેરના પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. પ્રવેશ નિશુલ્ક છે પણ બોટ-રાઈડ માટે રૂ ૧૦,૫૦ અને ૧૦૦ એમ અનુક્રમે સાદી હોડી, પેડલ બોટ અને શિકારાનાં ચાર્જિસ છે. આ સરોવર સવારે ૮ થી સાંજે ૮ સુધી પ્રવાસીઓ માટે ખુલ્લુ રહે છે.
૨. બારીઓ અને દરવાજાઓ ઉપર અદભૂત કોતરણીકામવાળા ઘરો અને હવેલીઓ ધરાવતી સાંકડી શેરોમાં લટાર મારો.
દિવસ ૬
જેસલમેરમાં તમારા બીજા દિવસની શરૂઆત સેમ સેન્ડ ડ્યુન્સની મુલાકાત લઈને કરો. અને દિવસનો અંત જેસલમરનાં કિલ્લામાં આવેલા ઘણા બધા કાફેઝ પૈકી કોઈ એકમાં ડિનર કરી શકો છો.
શું જોવું?
૧. સેમ સેન્ડ ડ્યુન્સમાં રેતીની વિશાળ ટેકરીઓ વચ્ચે સનરાઇઝનો આનંદ માણો. વહેલી સવારની કેમલ અથવા જીપ સફારી જે સામાન્ય રીતે સવારના ૫ વાગે શરૂ થતી હોય છે એની સવારી પર નીકળી પડો. કેમલ સફારી રૂ ૮૫૦ અને જીપ સફારી રૂ ૧૩૫૦ થી શરૂ થતી હોય છે અને તેમાં હોટલથી પિક અપ અને ડ્રોપ પણ સમાવિષ્ટ હોય છે.
૨. ત્યાંથી પાછા આવીને સીધા જ જેસલમેર ફોર્ટ ની મુલાકાત લો. જેસલમેરનો આ કિલ્લો તેની અંદર આવેલા ઘણા બધા ધંધાઓ, રેસ્ટોરન્ટ્સ અને તેમ રહેતા કુટુંબોને કારણે એક અલગ શહેર જેવી જ અનુભૂતિ કરાવે છે. તેની પ્રવેશ ફી રૂ ૫૦ અને સાંજે બંધ થવાનો સમય ૫ વાગ્યાનો છે.
૩. કિલ્લાની અંદર જ આવેલા ૭ અથવા તો એમાંથી કોઈ એક જૈન મંદિરની પણ મુલાકાત લો, જેના માટે કો પ્રવેશ ફી તો નથી પરંતુ પ્રવાસી રાજીખુશીથી નાનકડું દાન કરી શકે છે. તે પણ સાંજે ૫ વાગે બંધ થાય છે.
૪. ૧૯ મી સદીમાં બંધાયેલી ૫ ઘરને ભેગા કરીને બનાવાયેલી "પટવા કી હવેલી" ની મુલાકાત લઈ સદીઓ જૂની પરંતુ આજે પણ ટકેલી એવી તેના દરેક રૂમમાંથી છલકાતી રોનકનો આનંદ માણો. તેની પ્રવેશ ફી રૂ ૫૦ અને સાંજનો બંધ થવાનો સમય ૬ વાગ્યાનો છે.
ભોજન માટે: રાજસ્થાની સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે રાજસ્થાની ભોજન લેવા માટે "ડેસર્ટ બોયસ ઢણી". શહેરનો અદભૂત નજારો માણવા માટે "ફર્સ્ટ ગેટ હોમ ફ્યૂઝન" રૂફટોપ રેસ્ટોરન્ટ. અને મલ્ટી ક્વિઝિન અનુભવ માટે "સેફરોન".
રાત્રિ રોકાણ: ફેમિલી સ્ટે માટે હેરિટેજ હાઉસ અને સાચા અર્થમાં રજવાડી અનુભવ માટે સુર્યગઢ. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
દિવસ ૭
જોધપુર
ભૂરા રંગના છાપરાવાળા મકાનોથી ભરેલું જોધપુર ભવ્ય છે. "બ્લૂ સિટિ" તરીકે ઓળખાતું જોધપુર રાજસ્થાનનું બીજા નંબરનું સૌથી મોટું શહેર છે. ગગનચુંબી મહેરાનગઢ કિલ્લો એ જોધપુરની શાન છે. અને આ કિલ્લાની તળેટીમાં વિવિધ આકારો અને કદ નાં ભૂરા રંગના મકાનો, વિવિધ શેરીઓની ચમક વધારી દે છે. રાજસ્થાનનો કોઈ પણ પ્રવાસ જોધપુરની મુલાકાત વગર અધૂરો છે.
શું જોવું?
૧. શરૂઆત કરવી વિશિષ્ટ બાંધકામ અને ભવ્યતા ધરાવતા મહેરાનગઢ કિલ્લાથી. આ કિલ્લો વિતલ સમયમાં રાજા અને રાણીઓની વૈભવી જીવનશૈલીની ઝાંખી કરાવે છે. પ્રવાસીઓ માટે મુલાકાતનો સમય સવારે ૯ થી સાંજના ૫ છે. પ્રવેશ ફી રૂ ૧૦૦, ફોટોગ્રાફી ફી રૂ ૧૦૦ અને વિડીયો કેમેરા ફી રૂ ૨૦૦ છે.
૨. કિલ્લાના ૫ અનન્ય વિસ્તારો - પર્લ કલરનો મોટી મહેલ, અરિસાઓનો બનેલો શીશ મહેલ, ફૂલોથી બનેલો ફૂલ મહેલ, રાણીઓનો આવાસ જનાના દેવડી, અને રાણીના મુખ્ય દેવી ચામુંડા માતાજીનું મંદિર.
૩. રજવાડી શાષકોનાં સ્મારક એવા જસવંત થડ એ કિલ્લાથી માત્ર ૧ કિમીના અંતરે જ છે. માત્ર રૂ ૩૦ ની વધારાની પ્રવેશ ફી સાથે અને રૂ ૨૫ ની કેમેરા ફી સાથે ફોટોગ્રાફી માટે અદભૂત એવા આ સ્થળની મુલાકાત લઈ શકાય છે જે સવારે ૮ થી સાંજના ૬ સુધી પ્રવાસીઓ માટે ખુલ્લુ હોય છે.
દિવસ ૮
બીજા દિવસે નિરાંતે શહેરની મુલાકાત લો. ક્લોક ટાવરની આસપાસના વિસ્તારમાં આવેલા હારબંધ રસ્તાઓ પર લટાર મારો અને શહેરની બેસ્ટ બાંધણીની દુકાનોની મુલાકાત લો. ઉપરાંત અમુક સાહસિક એક્ટિવિટીઝ તમારા પ્રવાસને વધુ રોમાંચક બનાવશે.
શું જોવું?
૧. નજીકમાં જ આવેલા બિશનોઈ ગામની મુલાકાત સાથે તમારા દિવસની શરૂઆત કરો. પરંપરાગત પોશાકમાં સજેલી સ્ત્રીઓ અને પાઘડી-ધારી પુરુષો સાથે વાતો કરવી એનો એક અલગ જ લ્હાવો છે.
૨. હારબંધ ભૂરા મકાનો વચ્ચે આવેલા મહેરાનગઢ કિલ્લાની મુલાકાત શરીરમાં એક નવો જ જોમ ભરી દે છે. અહીં અલગ અલગ છ પ્રકારની ઝિપ-લાઈનીંગ એક્ટિવિટી થઈ શકે છે, જે પૈકી સૌથી ટૂંકી ૭૦ મીટર અને સૌથી લાંબી ૩૦૦ મીટરની છે. ફ્લાઈંગ ફોક્સ દ્વારા ઝિપ લાઈનીંગ માટે બાળકો માટે રૂ ૧૬૦૦ અને મોટી વયના માટે રૂ ૧૯૦૦ ચાર્જિસ છે.
૩. કોઈ અભૂતપૂર્વ અનુભવ માટે જોધપુરમાં પેરાગ્લાઈડિંગ એ મસ્ટ ડૂ એક્ટિવિટી છે. સ્કાય વેન્ચર્સ રૂ ૨૯૯૦ પ્રતિ વ્યક્તિના ચાર્જિસ પર આ અદ્ભુત અનુભવ કરાવે છે જેમાં થારના રણનો એરિયલ વ્યૂ જોઈ શકાય છે.
ખરીદી માટે: નેશનલ હેન્ડલૂમ (બેસ્ટ ક્વોલિટીના કાપડ અને હેન્ડી ક્રાફ્ટની ખરીદી માટે), થાર હેન્ડલૂમ (પ્રીમિયમ ક્વોલિટીના પરંપરાગત કાપડ અને સાડી માટે), સનસિટી સ્પાઇસીસ (તમામ વાનગીઓના મસાલાઓની ખરીદી માટે), બિશનોઈ વિલેજ આર્ટ (ઓથેન્ટિક અને વ્યાજબી હેન્ડીક્રાફ્ટ માટે).
ભોજન માટે: પળ હવેલી ખાતે ઈન્ડિક નામની રૂફટોપ રેસ્ટોરાંમાં કિલ્લો, ક્લોક ટાવર અને ઉમેદ ભવનના સુપર્બ વ્યુઝ સાથે સ્વાદિષ્ટ ભોજન માણી શકાય છે. ઝણકાર છોટી હવેલી એ અદ્ભૂત શાકાહારી ભોજન માટે પ્રવાસીઓની માનીતી રેસ્ટોરાં છે. ક્લોક ટાવર ખાતે આવેલું કાફે ફ્રેસપ્રેસો પણ વિગન-ફ્રેન્ડલી તેમજ ગ્લુટન-ફ્રી વાનગીઓ માટે સુવિખ્યાત છે.
રોકાણ માટે: લક્ઝુરિયસ અનુભવ મેળવવા ધ અજીત ભવન પેલેસ શ્રેષ્ઠ ઠેકાણું છે. તો બીજી તરફ ધ કોઠી હેરિટેજ એ વાજબી છતાં કમ્ફર્ટેબલ સ્ટે માટે નામાંકિત છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
દિવસ ૯
ઉદયપુર
સરોવરો, મહેલો, કિલ્લાઓ, મંદિરો અને રોમેન્ટિક બેકડ્રોપ્સ ઉદયપુરને એક રમણીય શહેર બનાવે છે. તેના ઘણાં જ તળાવો, રંગબેરંગી પ્રાચીન બજાર, તેની હોટલો અને હોમસ્ટે અને અદભૂત ગ્રામીણ વિસ્તારોની જૂની દુનિયાની અનુભૂતિ, હોડીની શાંતિ ઉદયપુરને રાજસ્થાનનું સૌથી સુંદર સ્થળ બનાવે છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓનું માનીતું એવું ઉદયપુર યે જવાની હૈ દીવાનીથી માંડીને જેમ્સ બોન્ડની ફિલ્મ ઑકટોપસી જેવી ફિલ્મોમાં ચમકી ચૂક્યું છે.
શું જોવું?
૧. સિટી પેલેસની મુલાકાત વગર ઉદયપુર ટ્રીપ હંમેશા અધૂરી રહેવાની. પિછોલા સરોવરને કાંઠે ઊભું સફેદ આરસના પથ્થરોનું આ મનમોહક બાંધકામ પ્રવાસીઓનું મન જીતી લે છે. અહીથી શ્વેત શહેર ઉદયપુરની અવર્ણનીય સુંદર ઝાંખી જોઈ શકાય છે. એન્ટ્રી ફી રૂ ૨૫૦ છે અને કેમેરા ફી અન્ય રૂ ૨૫૦ છે.
૨. સિટી પેલેસ કોમ્પ્લેક્સમાં કેટલાય નાના-મોટા મહેલો, મ્યુઝિયમ્સ, બગીચાઓ તેમજ રાજસ્થાની, મુઘલ, મધ્યકાલીન યુરોપિયન, ચાઇનીઝ આર્કિટેક્ચરના ખાસ જોવાલાયક નમુનાઓ છે. અમર વિલાસ, બડી મહલ, કૃષ્ણ વિલાસ, દરબાર હૉલ, માણેક મહલ, પીકોક સ્ક્વેર, શીશ મહેલ જેવી જગ્યાઓનું આ યાદીમાં મોખરાનું સ્થાન છે.
૩. પિછોલા સરોવરના કાંઠે આરામથી સાંજ પસાર કરો. તળાવમાં બોટ રાઈડ કરીને તેના કિનારે ભૂતકાળના મહેલો જે આજે ભવ્ય હોટેલ્સ બની ચૂક્યા છે તેની ઝલક નિહાળી શકાય છે. રેગ્યુલર બોટની કિંમત પ્રતિ વ્યક્તિ રૂ ૩૨૫ છે, અલબત્ત, છ લોકો વચ્ચે રૂ ૩૦૦૦ ની કિંમતે ખાનગી બોટ પણ મળી રહે છે.
૪. મન ભરીને પિછોલા સરોવરની સુંદરતા માણ્યા બાદ તેના જ કિનારે આવેલી ૧૫૫૯ AD રેસ્ટોરાંમાં ડિનરની મજા માણો.
દિવસ ૧૦
ઉદયપુર ખાતે આવેલા અઢળક સુંદર બગીચાઓ પૈકી કોઈ પણની મુલાકાત લો અને ઓલ્ડ સિટી ખાતે આવેલી બજારમાં શોપિંગનો આનંદ માણો.
શું જોવું?
૧. દિવસની શરૂઆત કરો સહેલિયો કી બાડીથી. ત્યાં સુંદર ફુવારાઓ અને એક કમળનો પૂલ અને આરસના હાથીઓ છે અને થોડા સમય માટે ઝાડની છાયા હેઠળ માત્ર ઠંડક માટે એક ઉત્તમ સ્થળ છે. પ્રવેશ ફી માત્ર રૂ ૫ છે અને પાર્ક સવારે ૯ થી સાંજના ૭ વાગ્યા સુધી ખુલ્લો રહે છે.
૨. જગદીશ મંદિરની મુલાકાત, જે ઓલ્ડ સિટીના લગભગ બધા ખૂણાઓથી જોઈ શકાય એવું એક આઇકોનિક સ્ટ્રક્ચર છે. મંદિરની દિવાલો, શિકારા, ટાવર વિષ્ણુની કોતરણીથી શણગારેલા છે, ભગવાન શ્રીકૃષ્ણના જીવનના દ્રશ્યો અને અપ્સરાની મૂર્તિઓ છે.
૩. ઓલ્ડ સિટી લેન તરફ આગળ વધો અને કેટલાક અદભૂત લહેરીયા દુપટ્ટા અને સાડીઓ માટે સાંકડી બઝારમાં લટાર મારો. કેટલીય દુકાનોમાં ગોટાપટ્ટીની ભરચક ડિઝાઇન કરેલા લહેંગા તેમજ આકર્ષક ચાંદની સુશોભિત મોજડીઓ અને બેગ્સ મળી રહે છે.
૪. સુન્દરતમ સૂર્યાસ્તનો આનંદ માણવા સજ્જન ગઢની મુલાકાત લો. પરીઓના દેશ જેવા સ્થળે સ્થિત આ જગ્યા એક અલગ જ અનુભૂતિ કરાવે છે.
૫. સુખડિયા સર્કલ ખાતે દિવસ સમાપ્ત થાય છે. સર્કલ વચ્ચે ઊભો ત્રણ-સ્તરીય ફૂવારો આ સ્થળની ખ્યાતિ બની ચૂક્યો છે. અહીં આસપાસમાં ખાણીપીણીની ઘણી દુકાનો છે જ્યાં દાબેલી, પાવ ભાજી જેવા સ્ટ્રીટ ફૂડની જિયાફત માણો.
ખરીદી માટે: ગ્રેનાઇટનાં પોટ્રેટ અને અન્ય કળા કામગિરિ માટે "બામબીનો આર્ટસ", જુત્તિ માટે "હાથી પોળ", અને પરંપરાગત કુર્તી અને ચમડાની બેગ માટે "જગદીશ ચોક".
ભોજન માટે: પિછોલા સરોવર પાસે અદભૂત દ્રશ્ય અને ખાણીપીણીની મજા માણવા "1559 AD", રાજસ્થાની ભોજન માટે વ્યાજબી ભાવનું "અપની ધાણી", રોમેન્ટિક ડિનર ડેટ માટે "અંબરાઈ", બાળકો માટે "સેન્સ ધ કિડ્સ", સારી એવી કોફી અને સ્ટ્રીટ વ્યૂ સાથે ઠંડા બીયર માટે "ઓઝોન" એમ આ કેટલીક જગ્યાઓ પ્રવાસીઓની ખાણીપીણીની જરૂરિયાત માટે પૂરતી છે.
ક્યારે જવું: રાજસ્થાન રણપ્રદેશ હોવાના કરણએ અતિશય ગરમીના એટલે કે ઉનાળાના સમયમાં અહી જવું હિતાવહ નથી. પરંતુ શિયાળાના ઠંડી રાત્રિ અને વ્યાજબી કહી શકાય તેવા સુર્યપ્રકાશથી ભરેલા દિવસો જેમકે ડીસેમ્બર અને જાન્યુઆરીનો સમય એ રાજસ્થાન ફરવા માટેનો આદર્શ સમય છે.
કેવી રીતે જવું: દેશના કોઈ પણ શહેરથી રાજસ્થાન પહોંચવું એકદમ સરળ છે.
હવાઈમાર્ગે- દિલ્હીથી જયપુર વન વે એક વ્યક્તિના રૂ 2100 લેખે અને ઉદયપુરથી દિલ્હી વન વે વ્યક્તિ દીઠ રૂ 2500 લેખે વિમાનસેવા ઉપલબ્ધ છે.
રેલમાર્ગે- દિલ્હીથી વ્યક્તિદીઠ રૂ 800 નાં એવરેજ ભાડાની લગભગ 9 ટ્રેન ઉપલબ્ધ છે. ઉદયપુરથી દિલ્હી વ્યક્તિદીઠ રૂ 1500 લેખે 3 ટ્રેન ઉપલબ્ધ છે. IRCTC પરથી આ ટ્રેન માટે બૂકિંગ થઈ શકે છે.
રસ્તા માર્ગે- રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રાજ્ય પરિવાહનમાર્ગની ઘણી બસસેવાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત ખાનગી બસ સેવા પણ ચાલે છે. નેશનલ હાઇવે 8 પરથી સેલ્ફ ડ્રાઇવથી પણ પહોંચી શકાય છે.
આ લેખ કોવિડ-19 દ્વારા સર્જાયેલ પરિસ્થિતિ પહેલા લખવામાં આવેલ છે, તેથી અહીં જણાવવામાં આવેલ ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ સીવાય કોઇપણ સ્થળની મુલાકાત લેતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ-19 સૂચનો જાણી લેવા હિતાવહ છે.