તમે એકલા કેમ ફરો છો? તમે તમારી જાતે બધું મેનેજ કરો છો? તમને એકલા મજા આવે છે? તમે આ બધું કેવી રીતે કરો છો? શું એકલા ફરવું સેફ છે?
જો આ દરેક સવાલ ઉપર મને એક રૂપિયો મળતો હોત તો અત્યારે મારી પાસે હજારો રૂપિયા ભેગા થઇ ગયા હોત. જ્યારે હું એકલી ફરવા જાવ છું ત્યારે મારી આસપાસ અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થતા હોય છે જેવા કે શું તમારે કોઈ દોસ્ત નથી? તમે પાગલ થઇ ગયા છો? તમારા પેરેન્ટ્સ કેવી રીતે માની જાય છે?
મારા માટે આ પ્રશ્નનો આન્સર ખૂબ જ સિમ્પલ છે, મારા માટે ફરવુ એ દરેક વ્યક્તિનો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે, એક તક છે તમારી પોતાની જાત ને ઓળખવાની, તમે શુ કરો છો અને તમારે લાઈફ આગળ શું કરવું છે એ જાણવાની અને સમજવાની
મને એકલા ફરવાનું કેમ ગમે છે?
૧) પોતાની જાતને ઓળખાવાનો મોકો
એક છોકરી તરીકે એકલા ફરવું એ તમારો કોન્ફિડન્સ અને સ્વતંત્રતા ની સાથે સાથે પોતાની જાતને પ્રેમ કરતા શીખવે છે, એકલા ફરવું એ તમને દુનિયાને એક અલગ નજરીયાથી જોતા શીખવે છે, દુનિયાની અંદર અલગ અલગ પ્રકારના લોકો, અલગ વ્યક્તિત્વ, અલગ ઋતુઓ, અલગ-અલગ ચામડીના રંગ, અલગ સીમાઓ, અલગ ખોરાક અને અલગ પરીશ્થીતી માં કેવી રીતે પોતાની જાતને સેટ કરવી એ ફરવાનું શીખવે છે.
૨) કોઈ રોકટોક ના હોય
એકલા ફરતી વખતે તમે કોઈ પણ જાતના બંધન માં રહેતા નથી. તમે કોઈ પણ દિશામાં જઇ શકો છો, જે ખાવું હોય એ ખાઈ શકો છો, જેની સાથે વાત કરવી હોય એની સાથે કરી શકો છો, નવી જગ્યાને શાંતિ થી માણિ શકો છો અને આમ કરતા તમને કોઈ રોકી નહિ શકે. તમે એકલા ટ્રાવેલ કરતી વખતે ટ્રેન માં જાવ, બોટ માં જાવ કે અજાણ્યા વ્યક્તિ પાસે લીફ્ટ માંગો તમને કોઈ કહેવા વાળું નથી, તમે કોઈ જગ્યાએ આખો દિવસ નવરા બેસી રહો તમને કોઈ રોકશે નહિ, તમારી જાતને નવી વસ્તુઓ શીખવી ને સરપ્રાઈઝ પણ આપી શકો.
૩) કમ્ફર્ટ ઝોન માંથી નીકળવાનો આનંદ અનેરો છે
હું જયારે પણ ટ્રાવેલ કરું ત્યારે મને એવું ફીલ થાય છે કે ગુજરાતી પેરેન્ટ્સ કંઈક વધારે ચિંતા કરતા હોય છે બાળકોની. આપડે ટ્રેન, બસ કે ફ્લાઈટ માં બેસીયે એટલે કોલ ચાલુ થાય, બેટા, પહોંચી ગઈ?, જગ્યા મળી? થેપલા આગળ ની ચેન માં મુક્યાં છે એ ખાવાનું ભૂલીશ નઈ, બૌ અજાણ્યા લોકો સાથે વાત કરીશ નઈ, તારું પાકીટ સાચવજે અને પહોંચીને પેહલા ફોન કરી દેજે। (મારી આ વાત દરેક ગુજરાતી સમજી શકશે)। જયારે તમે એકલા ફરો છો ત્યારે તમે પોતાની જાતે બધું ધ્યાન રાખતા શીખી જાઓ છો, પ્રોબ્લેમ જાતે સોલ્વ કરતા શીખો છો, અજાણ્યા લોકો સાથે કેવી રીતે વાત કરવી અને કરવી કે ના કરવી એ બધું તમને સમજાય છે. ટ્રાવેલ કરતી વખતે તમે કમ્ફર્ટ ઝોન માંથી નીકળી તમારી લિમિટ્સ ને ઓળખી શકો છો અને આ બધું કરવાનો એક અનેરો આનંદ છે. ડર એ માત્ર એક શબ્દ છે કે જે તમને ફરતા અટકાવે છે. એકલા ફરવું એ સહેલી વસ્તુ નથી, પરંતુ ખૂબ મજા ની વસ્તુ છે.
૪) એક એક રૂપિયાનો હિસાબ કરતા શીખી જવાય છે।
આમાં આપડે ગુજરાતી જરાય પાછા ના પડીયે આમતો પણ એકલા ફરવાથી પૈસાનું મેનેજમેન્ટ વધુ સારી રીતે શીખી જવાય છે, લોકલ ટ્રાન્સપોર્ટ તમારા એકલા ફરવાને ખુબ સસ્તું પણ બનાવે છે, એકલા હોઈએ એટલે આપડે બધું ધ્યાન રાખીયે છે કે કેટલો ખર્ચો થયો,
૫) બોસ! તમે તમારા પોતાના બોસ છો!
ફરવા માં જેટલા વધુ લોકો હોય છે પરિસ્થિતિઓ તેટલી જ વિપરીત હોય છે, સૌથી મોટો પ્રશ્ન તો ક્યાં જમવું એમાં જ કલાકો જતા રહે છે અને પછી ત્યાં ગયા પછી શું ઓર્ડર કરવું એ મોટો પ્રશ્ન, જમ્યા પછી જમવામાં મજા આવી કે નહિ એનું ડિસ્કશન, મેક્સિમમ ટાઈમ બધા ના ફોટો પાડવાના અલગ અલગ પોઝ માં, કઈ કઈ જગ્યા એ ફરવા જવું છે એનું ડિસ્કશન, સવારે વેહલા ઉઠવાનું પ્રેશર, આ બધા સિવાય જયારે આપડે કોઈની સાથે ટ્રાવેલ કરીયે છે ત્યારે એની સાથે વાત કરવામાં અને એને સમજવામાં જ વધારે હોય છે, પણ જયારે તમે એકલા હશો ત્યારે તમને એ જગ્યા, ત્યાંના લોકો, ત્યાંની સંસ્કૃતિ, ભાષા, રીતરિવાજ આ બધું પણ સમજવાનો મોકો મળે છે. સૌથી મેઈન પોતાની જાત સાથે વાત કરવાનો સમય મળે છે અને એ આપડે જયારે રુટિન માં હોઈએ ત્યારે વિચારવાનો ટાઈમ જ નથી હોતો. તમે પોતાને પ્રેમ કરતા શીખી જશો.
૬) પ્રેમ નો સાચો અર્થ સમજાશે
ત્રણ વર્ષ પહેલા મને એવું લાગતું કે પ્રેમ એ બે વ્યક્તિઓ વચ્ચેનો એક ઈમોશનલ સંબંધ છે. પરંતુ એકલા ફરવાના કારણે મારા આ વિચારની અંદર બદલાવ આવ્યો છે, આ દુનિયામાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેને તમે પ્રેમ કરી શકો છો. એકલા ફરવાથી મે દિવસોને, ખુલ્લા આકાશને, આનંદને, શહેર ને, સુગંધ ને, અજાણ્યા વ્યક્તિની સ્માઈલ ને, બીજાની કૃતજ્ઞતાને અને દરેક જાત જાત ના ભોજનને પ્રેમ કરતા શીખી લીધું છે. માણસો અને પ્રાણીઓ સિવાય પણ મેં ઘણી બધી વસ્તુઓ ને ઘણી બધી રીતે પ્રેમ કરતા શીખ્યું છે.
૭) માણસાઈ નો સાચો અર્થ સમજાશે
તમે ઘણી વખત સાંભળ્યું હશે કે આ જગ્યા ના લોકો સારા નથી હોતા, આ જગ્યા સેફ નથી, ત્યાંના લોકો ગુંડા જેવા હોય છે અને બીજું ઘણું બધું. મારા મતે અને મારા અનુભવ પ્રમાણે આપડે કોઈ પણ માણસના અનુભવ સિવાય એની માટે કોઈ જાતની ગેરસમજ ઉભી ના કરવી જોઈએ, ટીવી સિરિયલ જોઈ જોઈને નક્કી નઈ કરી લેવાનું. મને કેટલી વખત અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મદદ મળી, મને સફર દરમિયાન ઘણા લોકો એવા મળ્યા કે જેણે પોતાનું જમવાનું મારી સાથે શેર કર્યું, ત્યાંની લોકાલિટી વિશે મને પૂરી માહિતી આપી, ઓળખાણ વગર જ ઇમરજન્સી કોલ કરવા માટે પોતાનો ફોન આપ્યો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ફ્રીમાં લીફ્ટ આપી, કોઈપણ અપેક્ષા વગર મારી સારસંભાળ રાખી અને મને પ્રેમ આપ્યો. કહેવાય છે કે ગામ હોય ત્યાં ઉકરડો હોય જ, એવી જ રીતે ખરાબ માણસો પણ દરેક જગ્યાએ હોય છે પણ એ સારા અને ખરાબ ની ઓળખ કરતા પણ એકલા ફરતા ફરતા શીખી જવાય છે.
૮) દરેક દર્દ ની દવા- એકલા ફરવું
લાઈફ માં જ્યારે જ્યારે તમને શું કરવું એ સમજાય નહિ, દિલ તૂટી જાય, ફાયનાન્સીયલ લોસ થાય, અણબનાવ બની જાય, જે કામ કરતા હોય એમાં મજા ના આવતી હોય, ક્યારેક એવું લાગતું હોય કે યાર મારી સાથે જ કેમ આવું થાય છે, આવી કોઈ પણ સિચ્યુશનમાં એકલા ફરવાનો કોઈક વાર ટ્રાય કરજો, તમને બધા સવાલ ના જવાબ મળી જશે,
૯) એકલા એકલા ફરવાની કેવી રીતે મજા આવે?
આ સૌથી મોટો પ્રશ્ન છે કે એકલા ફરવાની મજા કેવી રીતે આવે? એકલા ફરવા નો મતલબ એ નથી કે તમે માત્ર એકલા જ હશો દરેક જગ્યા એ, તમે જ્યાં જ્યાં ફરશો ત્યાં તમને તમારી સાથે વાતો કરવા માટે કોઈ મળશે, કોઈક ઘણા સારા મિત્ર બની જશે, કોઈક તમને કંઈક નવું શીખવાડી જશે, કોઈક તમને હસાવી જશે, કોઈક જમવાનું શેર કરશે, અને કોઈક પ્રેમ માં પણ પાડી દેશે. આ બધા સિવાય તમે તમારી જાત સાથે વાત કરતા શીખી જશો પછી તમને બઉ મજા આવા લાગશે.
હવે તમને જવાબ મળી ગયો હશે કે મને શા માટે એકલા ફરવું કેમ ગમે છે? આ બધા લાઈફ ચેન્જીંગ એક્સપિરિયન્સ ના કારણે જ હું બધાને કહેતી હોવું છું કે જીવનમાં એક વખત એકલા ફરી તો જુઓ, તમને એકલા ફરવાની ધૂન લાગી જશે, બની શકે કે તમને કદાચ થોડો ડર પણ લાગશે, પરંતુ જ્યારે તમે એક વખત એકલા ફરવા જશો તો,
૧) એ તમારા જીંદગી ની સૌથી યાદગાર ટ્રીપ હશે.
૨) તમે જયારે ઘરે પાછા આવશો તો તમને પોતાને તમારામાં પરિવર્તન લાગશે.
૩) તમે પછી વારંવાર એકલા ફરવાનું પ્લાન કરશો.
આ મારો ગુજરાતી ભાષા માં પેહલો આર્ટિકલ છે, અત્યાર સુધી હું અંગ્રેજી માં લખતી હતી પણ મને એમ થયું કે હું મારી ટ્રાવેલ સ્ટોરીઝ ગુજરાતી માં લખીશ તો વાંચવાની અલગ જ મજા આવશે. આમાં કોઈ પણ તમને બીજા કોઈ સજેશન હોય તો મને કમેન્ટ માં લખજો જેથી હું આ ગુજરાતી બ્લોગ સાઈટ ને વધુ સરસ બનાવી શકું. આ વેબસાઈટ માં હું મારી ટ્રાવેલ સ્ટોરીઝ ની સાથે બિઝનેસ અને બીજી ઘણી વાતો કરીશ.
ખુબ જ પ્રેમ સાથે,
પંક્તિ