યુવા પ્રવાસીઓ ટ્રેકિંગ જેવી કોઈ એડવેન્ચર એક્ટિવિટી કરવા હંમેશા થનગનતા હોય છે. અને ટ્રેકિંગનું નામ પડે એટલે સૌથી પહેલા હિમાલય જ યાદ આવે તે સ્વાભાવિક છે. હિમાલય જઈને પાછા ફરવામાં મુસાફરીમાં જ ઘણો વધુ સમય પસાર કરવો પડે છે. પણ શું તમે જાણો છો? ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ કુદરતના ખોળે અનેક અનોખા ટ્રેકિંગ ડેસ્ટિનેશન્સ આવેલા છે. ક્યારેક તેને પણ અજમાવી જુઓ!
કરનાલા ટ્રેક
મુંબઈ-ગોવા હાઇવે પર પનવેલ રેલવે સ્ટેશનથી માત્ર 10 કિમી દૂર આવેલા કરનાલા પક્ષીઓના અભયારણ્યથી આ ટ્રેકની શરૂઆત થાય છે. પ્રમાણમાં સરળ કહી શકાય તેવા આ ટ્રેક માટે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા અમુક અમુક અંતરે આરામ માટે બેસવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. વળી, 600 વર્ષ જૂનો કરનાલાનો કિલ્લો પણ અહીનું એક આગવું આકર્ષણ ગણી શકાય.
મુલાકાતનો શ્રેષ્ઠ સમય: જૂનથી ફેબ્રુઆરી
મહુલી ટ્રેક
રોક ક્લાઇમ્બીંગ એક્ટિવિટીમાં રસ ધરાવતા લોકો માટે આ એક આદર્શ ટ્રેક છે. અહીં હરિયાળા પહાડો પર ટ્રેકિંગ કરવું એ એક યાદગાર અનુભવ છે અને કદાચ એટલે જ વીકેન્ડમાં અહીં પર્યટકોનો પુષ્કળ ધસારો જોવા મળે છે. પહાડની તળેટીમાં બેઝકેમ્પ છે જેથી બે દિવસ અહીં જ સમય પસાર કરવા માંગતા લોકો માટે પણ વિકલ્પ ઉપલબ્ધ છે. સૌથી નજીકના રેલવે સ્ટેશન આસનગાવથી અહી પહોંચવા પુષ્કળ રિક્ષા મળી રહે છે.
મુલાકાતનો શ્રેષ્ઠ સમય: જુલાઇથી ફેબ્રુઆરી
કાલસુબાઈ ટ્રેક
મહારાષ્ટ્રની સૌથી ઊંચી જગ્યા એટલે 5400 ફીટની ઊંચાઈ પર આવેલું કાલસુબાઈ. આ ટ્રેક સાવ સરળ નથી પણ ખૂબ મુશ્કેલ પણ નથી. ટ્રેકનો સીધો- ઊંચો રસ્તો છે પણ આ ટ્રેક કર્યા પછી ઉપરથી આસપાસનો અદભૂત નજારો જોવા મળે છે અને એટલે જ લોકો આ ટ્રેક કરવા આવે છે.
મુલાકાતનો શ્રેષ્ઠ સમય: જુલાઇથી ફેબ્રુઆરી
ભીમશંકર ટ્રેક
કુદરતી જગ્યાઓ ફરવામાં રસ ધરાવતા લોકો માટે આ ટ્રેક સ્વર્ગ-સમાન છે કારણકે તે તમને ભીમશંકર વાઇલ્ડલાઈફ સેન્ચુરીમાં મુખ્ય પ્રદેશમાં લઈ જાય છે. બિનઅનુભવી લોકો આ ટ્રેકમાં ગણેશ ઘાટનો રસ્તો અને અનુભવી લોકો શીદી ઘાટનો રસ્તો અજમાવી શકે છે. આ ટ્રેકની ખાસ વાત એ કહી શકાય કે તે કોઈ પણ ઋતુમાં એટલી જ સુંદરતા પિરસે છે.
મુલાકાતનો શ્રેષ્ઠ સમય: જુલાઇથી ફેબ્રુઆરી
દેવકુંડ ટ્રેક
કુંડલિકા નદીમાંથી સર્જન પામતો એક નાનકડો ધોધ એટલે દેવકુંડ ધોધ. 80 ફીટની ઊંચાઈએથી નાનકડા તળાવમાં પડતો આ ધોધની મુલાકાત જાણે પ્રકૃતિનું કોઈ અલગ જ સ્વરૂપ જોઈ રહ્યા હોઈએ તેવી અનુભૂતિ કરાવે છે. આ ટ્રેક છેલ્લા થોડાક વર્ષોથી જ ટ્રેકર્સમાં લોકપ્રિય બન્યો છે.
મુલાકાતનો શ્રેષ્ઠ સમય: જુલાઇથી ફેબ્રુઆરી
સુધાગઢ ટ્રેક
મુંબઈ-પૂણે રહેતા લોકો માટે એક નાનો પણ ખૂબ રમણીય ટ્રેક એ સુધાગઢ ટ્રેક છે. અહીં ટ્રેક કર્યા બાદ ટોચ પર પહોંચ્યા બાદ નાનકડું મેદાન અને બે સુંદર તળાવ આવેલા છે જે બેઝકેમ્પ માટે અને નહાવા માટે પરફેક્ટ છે. અહીંના પ્રાચીન કિલ્લાનું ઐતિહાસિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે કારણકે રાઈગઢ પસંદ કરતાં પહેલા છત્રપતિ શિવાજી મહારાજ આ જ કિલ્લાને રાજમથક તરીકે બહુમાન આપવા ઇચ્છતા હતા.
મુલાકાતનો શ્રેષ્ઠ સમય: જુલાઇથી ફેબ્રુઆરી
હરિશ્ચંદ્રગઢ ટ્રેક
આ કદાચ એક ઘણો કઠિન કહી શકાય તેવો ટ્રેક છે. હરિશ્ચંદ્રગઢ ટ્રેક માટે ઘણા બધા રસ્તાઓ છે પણ પૂરતો અભ્યાસ કરીને તમારી આવડત અને અનુભવના આધારે સહેલો કે અઘરો રુટ નક્કી કરવો જરૂરી છે. હરિશ્ચંદ્રગઢ એ એક ખૂબ જ પ્રાચીન જગ્યા છે અને આ તમારો એક યાદગાર અનુભવ બની રહેશે.
મુલાકાતનો શ્રેષ્ઠ સમય: સપ્ટેમ્બરથી મે
રાજગઢ ટ્રેક
ઐતિહાસિક દ્રષ્ટિએ આ એક ઘણી મહત્વની જગ્યા છે કારણકે તે લગભગ 26 વર્ષ સુધી છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની રહી ચૂક્યો છે. પૂણે રહેતા લોકો માટે આ વન-ડે પિકનિક માટે ઘણી સારી જગ્યા છે. સહ્યાદ્રીની પર્વતમાળામાં 4250 ફીટની ઊંચાઈએ આવેલા રાજગઢ કિલ્લાનો ટ્રેક એ એક આહલાદક અનુભવ છે. ચોમાસામાં આ જગ્યાની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે.
મુલાકાતનો શ્રેષ્ઠ સમય: જૂનથી માર્ચ
તોરણ ફોર્ટ ટ્રેક
16 વર્ષની નાની ઉંમરે શિવાજી દ્વારા જીતવામાં આવેલો સર્વ પ્રથમ કિલ્લો આ હતો. તેના ભવ્ય બાંધકામને કારણે તેને પ્રચંડગઢ પણ કહેવામાં આવે છે. ઐતિહાસિક મહત્વ ઉપરાંત આ ગઢની પ્રાકૃતિક સુંદરતા પણ મુલાકાતીઓના આકર્ષણનું કારણ બને છે. અન્ય ટ્રેકની સરખામણીમાં આ એક અઘરો ટ્રેક છે પણ ઝરણા, વૉટરફોલ્સ અને લીલાછમ પહાડો તેને એક ટ્રેકિંગ માટેનું રમણીય સ્થળ બનાવે છે.
મુલાકાતનો શ્રેષ્ઠ સમય: જૂનથી માર્ચ
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ