પોતાના મિત્રો સાથે ગોવા જવાના સપના જેટલું જ મહત્વનું સપનું છે મિત્રો સાથે કોઈ જગ્યાએ ટ્રેકિંગ પર જવું. આ પ્રમાણમાં મહેનતનું કામ છે પણ મિત્રો સાથે ગમે તેવી મુશ્કેલી પણ મોજમસ્તી બની જતી હોય છે.
આપણા દેશમાં એવા અનેક ટૂર ઓપરેટર્સ છે જે દેશના પોપ્યુલર ડેસ્ટિનેશન્સ પર ગ્રુપ ટ્રેકનું આયોજન કરતાં હોય છે અને તે બહુ જ વાજબી હોય છે. કોલેજમાં ભણતા હોઈએ ત્યારે લિમિટેડ બજેટમાં ફરવું હોય તો આજે જ તમારા મિત્રો સાથે આમાંના કોઈ ટ્રેક પર ફરવાનો પ્લાન બનાવો!
1. સંધન વેલી, હરિશ્ચંદ્ર ઘાટ (મહારાષ્ટ્ર)
મુંબઈ એ એક એવું શહેર છે જે ગુજરાતના તમામ શહેરો સાથે પૂરતી કનેક્ટિવિટી ધરાવે છે. નાશિકથી 100 કિમી દૂર આવેલા સંધન વેલી તેમજ હરિશ્ચંદ્ર ઘાટ ટ્રેકિંગના ચાહકોમાં ધીમે ધીમે પોપ્યુલર બની રહ્યા છે. ગુજરાતથી વધુ દૂર ગયા વગર કુદરતી હરિયાળા વાતાવરણમાં નીરવ શાંતિનો અનુભવ કરવો હોય તો સંધન વેલી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ બંને જગ્યાએ ઇઝી તેમજ મૉડરેટ તેમ બંને અલગ અલગ પ્રકારના ટ્રેકસ ઉપલબ્ધ છે જેથી શારીરિક ચુસ્તતાના આધારે ટ્રેક પસંદ કરવાની સરળતા રહે છે.
ટ્રેકનો સમયગાળો: 2 દિવસ
ટ્રેકની શરૂઆત: મુંબઈ અથવા પૂણે
મુંબઈ અથવા પૂણેથી ટ્રેકની કિંમત: 2500 થી 3000 રૂ
2. જેસલમેર (રાજસ્થાન)
ટ્રેકિંગની યાદીમાં જેસલમેરના નામનો ઉલ્લેખ જરા આશ્ચર્ય પમાડે તેવો છે, નહિ? પણ કોણે કહ્યું કે ટ્રેકિંગ માત્ર પહાડો પર જ કરી શકાય? આપણા દેશને એક વિશાળ રણપ્રદેશ મળ્યો છે તેને કેમ ભૂલાય? હા, જેસલમેરમાં રણમાં કેમ્પ ઉભા કરીને બહુ જ સુંદર ડેઝર્ટ ટ્રેકિંગ (રણમાં ટ્રેકિંગ)નું આયોજન થાય છે. રેતીમાં ચાલવું એ ધાર્યા કરતાં થોડું અઘરું કામ છે પણ આ એક અનેરો અનુભવ છે.
શિયાળામાં જો તમે હિમાચલની ઠંડી સહન ન કરી શકો તો રાજસ્થાનની ગુલાબી ઠંડી માણવા માટે ગુજરાતની પાડોશમાં જ આ ટ્રેકને ચોક્કસ અજમાવવા જેવો છે.
ટ્રેકનો સમયગાળો: 3 દિવસ
ટ્રેકની શરૂઆત: અમદાવાદ
અમદાવાદથી ટ્રેકની કિંમત: 4000 થી 4500 રૂ
3. મનાલી (હિમાચલ પ્રદેશ)
આ પ્રવાસન સ્થળ પહેલેથી જ જાણીતું હતું જ. YJHD ફિલ્મમાં મિત્રોની ગ્રુપ ટ્રીપ પછી સૌની હોટ-ફેવરિટ જગ્યા બની ગયું. દિલ્હીથી મનાલી સુધી પહોંચવા માટે સરકારી અને ખાનગી બસો, પ્રાઇવેટ કે શેર્ડ ટેક્સીની પુષ્કળ કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. એટલે એવું કહી શકાય કે બર્ફીલા પહાડમાં સૌથી સરાલ અને સૌથી વાજબી ટ્રેકિંગ કરવું હોય તો મનાલી એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એક ઘણું લોકપ્રિય ટ્રેકિંગ લોકેશન હોવાને કારણે દેશભરમાં અનેકવિધ ટૂર ઓપરેટર્સ દ્વારા મનાલી ટ્રેકિંગનું આયોજન થાય છે.
ટ્રેકનો સમયગાળો: 3 દિવસ
ટ્રેકની શરૂઆત: દિલ્હી
દિલ્હીથી ટ્રેકની કિંમત: 3500 થી 4500 રૂ
4. હર કી દૂન ટ્રેક
ઉત્તરાખંડમાં પણ અમુક ખૂબ સારા ટ્રેકનું આયોજન થાય છે. આમાંનો એક લોકપ્રિય ટ્રેક એટલે હર કી દૂન. આ બહુ જ અઘરો ટ્રેક નથી પણ અહીં ટ્રેક કરવા ટ્રેકિંગનો થોડો અનુભવ તેમજ પાયાની જાણકારી જરૂરી છે. જો તમારી પાસે પ્રવાસ માટે વધુ દિવસો હોય તો તમે આ ટ્રેક કરવા ઉપરાંત દહેરાદૂન તેમજ ઉત્તરાખંડની અન્ય જગ્યાઓ પણ એક પ્રવાસમાં ફરી શકો છો.
ટ્રેકનો સમયગાળો: 3 થી 4 દિવસ
ટ્રેકની શરૂઆત: દહેરાદૂન
દહેરાદૂનથી ટ્રેકની કિંમત: 3500 થી 4500 રૂ
5. ભૃગુ લેક
સમુદ્રસપાટીથી 14000 ફીટની ઊંચાઈ પર આવેલું આ સ્થળ હિમાચલ પ્રદેશના કુલું જિલ્લામાં આવેલું છે. વશિષ્ઠ મંદિર નામના સ્થળેથી આ ટ્રેકની શરૂઆત થાય છે જેનું ડિફીકલ્ટી લેવલ ઇઝીથી મૉડરેટ છે. ભૃગુ લેક મનાલીથી ખૂબ જ નજીક આવેલી જગ્યા છે એટલે તમે એક જ પ્રવાસમાં બહુ સરળતાથી બંને જગ્યાઓ કવર કરી શકો છો.
ટ્રેકનો સમયગાળો: 3 દિવસ
ટ્રેકની શરૂઆત: દિલ્હી
દિલ્હીથી ટ્રેકની કિંમત: 4000 થી 4500 રૂ
.