શિયાળાની શરુઆત થઇ ગઇ છે. આમ તો લોકો ઉનાળામાં હિલ સ્ટેશને જતા હોય છે પરંતુ શિયાળાની પણ એક અલગ જ મજા છે. જો તમે પણ આવી જ કોઇ જગ્યા પર જવાની યોજના બનાવી રહ્યા છો તો નવેમ્બરમાં મિની ટ્રિપનો પ્લાન કરી શકો છો. જેનો ફાયદો ઉઠાવીને તમે અમે સુચવેલી 10 જગ્યાઓ પર જઇ શકો છો. એટલું જ નહીં આનો ખર્ચો પણ લગભગ 7000ની આસપાસ આવશે.
રાનીખેત, ઉત્તરાખંડ
અમદાવાદથી રાનીખેત જવા માટે તમે હરિદ્ધાર કે દિલ્હીની ટ્રેન પકડી શકો છો. હરિદ્ધારથી 287 કિલોમીટર દૂર આ જગ્યા ઘણી જ સુંદર છે. અહીં કેમ્પિંગની સાથે સાથે અનેક પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ કરી શકાય છે. આ સિવાય તમે અહીં ચોબાટિયા ગાર્ડન, મજખલી અને ઝુલદેવી મંદિર પણ જઇ શકો છો. 3-4 દિવસ આરામથી ફરી શકાય છે. અમદાવાદથી હરિદ્ધાર સુધીનું સેકન્ડ ક્લાસ સ્લીપર ટ્રેનનું ભાડું 550 રુપિયાની આસપાસ થશે. જવા-આવવાના 1000 રુપિયા થશે. 500 થી 1000માં હોટલ રુમ મળી જશે. દિવસના 300 રુપિયા જમવાના થાય. ફરવાનો ખર્ચ ગણીએ તો 3 દિવસના 7000થી વધુ રુપિયા નહીં થાય.
મસૂરી
હરિદ્ધારથી મસૂરી પણ નજીક છે. અમદાવાદથી હરિદ્ધાર સુધીનું સેકન્ડ ક્લાસ સ્લીપર ટ્રેનનું ભાડું 550 રુપિયાની આસપાસ થશે. જવા-આવવાના 1000 રુપિયા થશે. આ જગ્યા ટ્રેકિંગ કરવા અને વોટર ફોલ જોવા માટે ઘણી જ ફેમસ છે. અહીં કેમ્પ્ટી ફૉલ, ગન હિલ પોઇન્ટ, મોલરોડ, ધનોલ્ટી અને કનાતલ જેવી જગ્યા પર ફરી શકો છો. મસૂરીમાં આરામથી 600 રુપિયામાં હોટલ મળી જશે. ત્રણ દિવસના રહેવાનો ખર્ચ 2000 રુપિયાની આસપાસ થશે. જમવાનો અને નાસ્તા-પાણીનો 3 દિવસનો ખર્ચ 1200થી 1500 રુપિયા જેટલો થાય. સરવાળે 6 હજારથી વધુ ખર્ચ નહીં થાય.
ઋષિકેશ
એડવેન્ચર એક્ટિવિટી કરવા માટે આ બેસ્ટ ટૂરિસ્ટ પ્લેસ છે. દિલ્હીથી 229 કિ.મી. દૂર છે. અગાઉ જણાવ્યું તેમ અમદાવાદથી હરિદ્ધારની સીધી ટ્રેન છે. જવા-આવવાના 1100 રુપિયા થાય. હરિદ્ધારથી ઋષિકેશ 28 કિ.મી. દૂર છે. અહીં ઘણાં આશ્રમો છે જ્યાં તમે દિવસના 150 રુપિયાથી ઓછામાં પણ રોકાઇ શકો છો. હોસ્ટેલ અને હોમસ્ટે પણ મળી જશે.
ઋષિકેશ ગંગા અને ચંદ્રભાગા નદીઓના સંગમ સ્થળ પર વસેલું છે. અહીં મંદિરો અને આશ્રમો બહુ મોટી સંખ્યામાં આવેલા છે. ગંગા, યમુના, સરસ્વતી આ ત્રણ નદીઓના સંગમ સ્થળ ત્રિવેણી ઘાટ પર, શ્રધ્ધાળુઓ સ્નાન કરી અહીં પૂજા અર્ચના કરે છે. નજીકમાં સ્વામી શિવાનંદજીનો આશ્રમ આવેલો છે. આ ઉપરાંત અહીં ગંગા નદીની ઉપર ૧૯૩૯માં લોખંડના દોરડાથી બનાવેલો લક્ષ્મણ ઝુલાનામનો ઝુલતો પુલ છે. પુલની લંબાઈ લગભગ ૪પ૦ ફૂટ જેટલી છે. અહીંથી ગંગા નદીનો વ્યૂ તથા તેની આજુબાજુના સુંદર દ્રશ્યોનું તમે અવલોકન કરી શકો છો. મુખ્ય બજાર પુરૂ થતા જ આવતો સુંદર ત્રિવેણીઘાટ છે. લક્ષ્મણ ઝુલાથી નજીકમાં ગીતાભવન આવેલું છે. જેની શિલ્પકલા અને કારીગરી પર્યટકોને ગમી જાય તેવી છે. સુંદર અને શાંત હોવાથી તેને '' સ્વર્ગાશ્રમ ''થી પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અહીં ભારતમાતાનું મંદિર જોવાલાયક છે. શિવાનંદ આશ્રમ અને સ્વર્ગાશ્રમની વચ્ચે લક્ષ્મણ ઝૂલા જેવો જ શિવાનંદ ઝૂલાનો પુલ આવેલો છે.
કસૌલી
કસૌલી જવા માટે સૌથી સરળ રસ્તો અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી કાલકાની ટ્રેન પકડવાનો છે. કસૌલી શિમલાથી 70 કિ.મી. દૂર આવેલું છે. કાલકાથી શેર્ડ ટેક્સી કરીને અહીં પહોંચી શકાય છે. અહીં રહેવા માટે ઘણી સસ્તી હોટલો છે. રહેવા-જમવા-ફરવા સાથે બધુ મળીને 5000થી વધુ ખર્ચ નહીં થાય. અમદાવાદથી દિલ્હીનું રેલવેનું ભાડું ઉમેરો તો સરવાળે 7000ની અંદર ખર્ચ થશે.
કસૌલી શિમલાથી 3647 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ શિમલાની ભીડભાડથી દૂર છે અને ક્ષણ-ક્ષણ બદલાતું વાતાવરણ આ સ્થળને ખાસ બનાવી દે છે. તમે અહીંયાના મંકી પોઈન્ટ પર હોવ કે ક્રાઈસ્ટ ચર્ચની બહાર કે પછી બસ સ્ટેન્ડ પર કે મોલ રોડ પર, હનુમાન મંદિર, સાંઈબાબા મંદિરમાં દરેક જગ્યાએ તમારૂં મન ખુશ થઈ જશે, તે વાત નક્કી છે.
અહીંયાની સૌથી ઉંચી જગ્યા મંકી પોઈન્ટ છે. આ પોઈન્ટ પર હનુમાન મંદિર આવેલું છે. કસૌલીના કોલોનિયમ આર્કિટેક્ટે ક્રાઈસ્ટ ચર્ચ, બાબા બાલકનાથ મંદિર, શિરડી સાંઈ મંદિર, એરફોર્સ ગાર્ડ સ્ટેશન, એશિયાનું સૌથી ઉંચુ ટીવી ટાવર અને સનાવર સ્થઇત લોરેન્સ સ્કૂલ, પાઈનગ્રોવ સ્કૂલ,સેન્ટ મેરી કોન્વેન્ટ સ્કૂલ જેવી પ્રાચીન સ્કૂલો છે, જે 100 વર્ષ કરતાં પણ જૂની છે. અહીંયા અંગ્રેજો દ્વારા 1880માં કસૌલી ક્લબની સ્થાપના કરવામાં આવી હતી અને આ એક જોવાલાયક સ્થળ છે.
લેંસડાઉન
દિલ્હીથી 250 કિ.મી. દૂર ઉત્તરાખંડમાં છે. હરિદ્ધારથી આ જગ્યા માત્ર 105 કિ.મી. દૂર છે. અમદાવાદથી હરિદ્ધારની સીધી ટ્રેન છે. અહીં જવા માટે કોટદ્ધારની બસ પકડી લો. 1500 રુપિયામાં રહેવા માટે રુમ મળી જશે. અહીં ભુલ્લા તાલ, ટિપ એન્ડ ટોપ, ચર્ચ વોર મેમોરિયલ, સંતોષીમાતા મંદિર, ભૈરવગઢી અને તાડકેશ્વર મંદિર વગેરે જોવાલાયક જગ્યાઓ છે. રહેવા-જમવા-ફરવા સાથે 3 દિવસનો ખર્ચ 6 થી 7 હજારની આસપાસ થશે.