દરેક ટ્રાવેલર્સ એક વાત સાથે સહમત થશે કે ભલે તમે કોઈ પણ જગ્યા વિષે ગમે એટલી માહિતી ધરાવો, એ સ્થળની રૂબરૂ મુલાકાત લેશો તો કઈક તો નવો અનુભવ થશે જ.
હજારો વર્ષ જૂની સભ્યતા અને સંસ્કૃતિ ધરાવતા ભારતમાં ફરવાલાયક જગ્યાઓની યાદી એટલી લાંબી છે કે કદાચ એક જ જીવનકાળમાં તેને પુરી કરવી મુશ્કેલ છે. દેશ વિદેશમાંથી પ્રવાસીઓ ભારતના લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સના પ્રવાસે આવતા હોય છે.
અહીં આજે આપણે ભારતની એવી જગ્યાઓની વાત કરીએ છીએ જે ખૂબ જ ઓછી જાણીતી, છતાં અત્યંત રમણીય છે.
ચિપલુન:
મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં આવેલી જગ્યા જેને ખાસ એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. એક તરફ વન અને બીજી તરફ દરિયાકિનારો ધરાવતી આ જગ્યા મુંબઈથી ગોવા રોડટ્રીપ કરતાં લોકોમાં જાણીતી બની છે. પૂણે તેમજ કોલ્હાપુરથી પણ અહીં પહોંચવું ખૂબ જ સરળ છે. દરિયાકિનારે આવેલું હોવાથી અહીં બારે માસ સમશીતોષ્ણ વાતાવરણ રહે છે.
લેપચાજગત:
દાર્જીલિંગની નજીકમાં આવેલા આ પર્યટન સ્થળ વિષે ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે. જેમને કુદરતનું સાનિધ્ય માણવું પસંદ હોય તેમના માટે આ એક આદર્શ જગ્યા છે. પાઇન અને ઓકના જંગલો અને સમૃદ્ધ વન્યજીવો વચ્ચે વસેલા આ નગરમાંથી ક્યાંક પવિત્ર કાંચનજંઘા શિખરના પણ દર્શન કરી શકાય છે.
ગોરુમારા
પશ્ચિમ બંગાળના ઉત્તરે જલપાઈગુડી જિલ્લામાં આ જગ્યા આવેલી છે. અહીંના વન્યજીવો તે તેની ઓળખ છે. આ જગ્યાએ અનેક લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓના પ્રાણીઓ જોવા મળે છે. ગોરુમારા રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે જ્યાં ગેંડાઓ સાચવવામાં આવ્યા છે. જો તમે નસીબદાર હશો તો તમને એવા પ્રાણીઓ જોવા મળી શકે છે જેમને તમે માત્ર ટીવી કે પુસ્તકોમાં જ જોયા હોય.
ઝંજેલી
હિમાચલ પ્રદેશમાં મોજૂદ ઝંજેલી ખાસ એ લોકો માટે છે જેઓ એડવેન્ચરમાં રસ ધરાવતા હોય. 3300 મીટર સુધીના વિવિધ ટ્રેકિંગ વિકલ્પો ધરાવતું આ શહેર અહીંની વિશેષ સંસ્કૃતિ માટે પણ લોકપ્રિય છે. મંડીથી નજીકમાં જ ઝંજેલી આવેલું છે અને અહીં ટ્રેકિંગ ઉપરાંત રોક ક્લાઇમ્બીંગ, સ્કીઇંગ અને પેરા ગ્લાઈડિંગ પણ કરી શકાય છે.
બંદરધારા
પશ્ચિમ ઘાટ પર આવેલું આ એક હોલિડે વિલેજ રિસોર્ટ છે. પ્રવારા નદીના કિનારે આવેલી આ જગ્યા પ્રકૃતિ પ્રેમીઓને ખાસ આકર્ષે છે. અહીં બંદરધારા તળાવ અને રાધા ફોલ્સ ખાસ જોવા જેવી જગ્યાઓ છે. અહીંથી કુદરતનો નજારો માનવો એ એક આગવો અનુભવ છે.
સામસિંગ
સામસિંગ એ પશ્ચિમ બંગાળની ઉત્તરે એ વિસ્તારમાં આવ્યું છે જ્યાં ચાનાં બગીચાઓ આવેલા છે. આમ તો આ નગર તેની સુંદર હરિયાળીથી મન મોહી લે છે પણ શિયાળાના સમયમાં અહીં આસપાસના પહાડો હિમાચ્છાદિત થાય છે ત્યારે કુદરતી સુંદરતા સોળ કળાએ ખીલી ઉઠે છે.
ચકરાતા
તે કલસીમાં આવેલું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે જે ત્યાંની એડવેન્ચર એક્ટિવિટીઝ માટે જાણીતું છે. અહીં રિવર રાફ્ટિંગ, કોરસિંગ, કયાકિંગ, પેરાસેલિંગ, રેપલિંગ, રોક ક્લાઇમ્બીંગ વગેરે અનેક અનોખી એક્ટિવિટીઝના વિકલ્પો ઉપલબ્ધ છે. વળી, અહીં અનેક આલીશાન રિસોર્ટ્સ પણ બનાવવામાં આવ્યા છે તેથી કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવા શ્રેષ્ઠ છે.
રોહરૂ
સમુદ્રસપાટીથી 1525 મીટરની ઊંચાઈ પબ્બર નદીના કિનારે આ નગર આવેલું છે. શિમલા જિલ્લામાં આવેલું રોહરૂ મુખ્યત્વે અહીં આવેલા સફરજનના બગીચાઓ તેમજ શ્રેષ્ઠતમ ગુણવત્તાના સફરજન માટે વિખ્યાત છે. અહીં માછલી પકડવાની પ્રવૃત્તિ પણ કેટલાક લોકો કરતાં હોય છે.
સિમલીપાલ
ઓડિશાના મયુરભંજમાં આવેલા સિમલીપાલ વિષે ભાગ્યે જ તમે કશું સાંભળ્યું હશે! આ એક રાષ્ટ્રીય ઉદ્યાન છે જેનું નામ સેમલ એટલે કે લાલ રંગના કપાસના વૃક્ષો પરથી પાડવામાં આવ્યું છે. તેની આ વિશેષતા સિમલીપાલને એક વિશિષ્ટ જગ્યા બનાવે છે.
ગંડીકોટા
આંધ્ર પ્રદેશના કડપા જિલ્લામાં પેન્નર નદીના કિનારે ગંડીકોટા નામનું નાનકડું ગામ આવેલું છે. પણ તેની સુંદરતા સૌ કોઈ પ્રવાસીઓનું મન મોહી લે છે. ઘેઘૂર વન અને પહાડો વચ્ચે બનેલી એક અદભૂત કુદરતી જગ્યા તમારે ખાસ જોવી જોઈએ.
.