ગુજરાતીઓને સસ્તી ખરીદી કરવી હોય તો પહોંચી જાય છે મુંબઇની ફેશન સ્ટ્રીટમાં. મુંબઇ જઇને ખરીદી કરવાનો ક્રેઝ હજુ પણ યથાવત છે. પરંતુ જો આપણે આસપાસ નજર કરીએ તો અમદાવાદમાં જ એવા માર્કેટ વર્ષોથી મોજુદ છે જ્યાં તમને તમામ પ્રકારની વસ્તુ મળી જશે. અમદાવાદના માર્કેટમાં માત્ર કપડા જ નહીં પરંતુ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ગિફ્ટ આર્ટિકલ્સ, પુસ્તકો સહિત તમામ પ્રકારની જરૂરી વસ્તુઓ તમને મળી જશે તો આવો આવા જ માર્કેટ વિશે વાત કરીએ.
1. લો ગાર્ડન
લો ગાર્ડન અમદાવાદમાં ખરીદી કરવા માટેના સૌથી સારા સ્થળો પૈકીનું એક ગણી શકાય. લો ગાર્ડન માર્કેટ, અમદાવાદના પશ્ચિમ વિસ્તારના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલું છે. અહીંનું માર્કેટ સાંજના ચાર વાગ્યાની આસપાસ શરૂ થાય છે અને રાત્રે મોડે સુધી ચાલુ રહે છે. અહીંની એન્ટીક જ્વેલરી, ડ્રેસ, એસેસરીઝ, હેન્ડબેગ, ચણીયા ચોલી, સાડી, વોલ હેંગિંગ્સ અને બીજું ઘણું બધું ફેમસ છે. જો તમને બારગેનીંગ કરતા આવડતું હશે, તો તમે ખૂબ જ ઓછા ભાવમાં સારી વસ્તુ ખરીદી શકશો. અમદાવાદનું આ સૌથી લોકપ્રિય નાઇટ માર્કેટ છે. અહીં તમને યુવાઓ, વિદ્યાર્થીઓ અને વિદેશી લોકોનો મેળો જોવા મળશે.
અહીં તમને વિવિધ પ્રકારના ચણિયાચોળી મળે છે. આ ઉપરાંત તમે ભરતકામ કરેલી ચાદરો, ઓશિકાના કવર તેમજ ગામઠી વોલપીસ પણ ખરીદી શકો છો. આ ઉપરાંત તમે અહીંથી સુંદર ઇમિટેશન જ્વેલરી પણ ખરીદી શકો છો. અહીં મળતા સામાનની વેરાયટી જોવા માટે તમારી પાસે સમય ઓછો પડશે પણ વેરાયટી ઓછી નહીં પડે. જો તમે કંઈ ખરીદવા નથી માગતા તો પણ અહીં ચક્કર લગાવી આવો. એક મજેદાર અનુભવ રહેશે. ખરીદી કરવા ઉપરાંત અહીં રાત્રે ખાણીપીણીનું માર્કેટ પણ ભરાય છે તેની પણ મજા લઈ શકો છો.
2. લાલ દરવાજા, ત્રણ દરવાજા
વિશ્વ વિખ્યાત ત્રણ દરવાજાનું નિર્માણ ઈસ 1415માં બાદશાહ અહમદ શાહે કરાવ્યું હતું. બારે માસ ગ્રાહકોથી ઘેરાયેલું રહેતું લાલ દરવાજા માર્કેટ અમદાવાદનું શોપિંગ હબ ગણાય છે. આ બજારની ખાસિયત એ છે કે, તે અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લું રહે છે.
લાલ દરવાજા માર્કેટ એ અમદાવાદના સૌથી જૂના અને સૌથી વ્યસ્ત શોપિંગ સ્થળોમાંનું એક છે. સાડીઓ, ફેશનેબલ ડ્રેસ, જૂના પુસ્તકો, બાળકો માટેના કપડાં, રંગબેરંગી ચણીયા ચોલી, દુપટ્ટા, પાકીટ, રમકડા, હસ્તકલા અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે તે શ્રેષ્ઠ સ્થળ છે.
અહીં તમારે ભાવ બાબતે થોડી રકઝક કરવી પડશે, પરંતુ છેવટે તમને પોસાય તેવી કિંમતમાં તમને સારી ગુણવત્તાની વસ્તુ મળી રહેશે. અહીં એટલા બધા ઓપ્શન અને એટલી બધી દુકાનો છે કે તમે થોડીવાર માટે કન્ફ્યુઝ થઇ જાવ છો.
3. ઢાલગરવાડ
સમગ્ર અમદાવાદમાં કદાચ સૌથી વધુ ફેવરિટ બજારોમાંનું એક ઢાલગરવાડ છે. વર્ષો પહેલાં સાબરમતી નદીના પટ પાસે એક નાનું કપડાંના ઢગલાનું બજાર ભરાતું હતું. ત્યારથી આ જગ્યાનું નામ ઢાલરવાડ પડી ગયું. જ્વેલરી, ફેબ્રિક્સ, બ્રાઈડલ લેહેંગા, એમ્બ્રોઈડરી હેન્ડબેગ્સ, બાંધેજ, સિલ્ક પટોળા સાડીઓ અહીં ખરીદવા માટેની શ્રેષ્ઠ વસ્તુઓ છે. આ સિવાય અહીં કાપડની દરેક વસ્તુઓ જેમ કે બેડશીટ, પરદા, ચાદર, રેડીમેટ કપડા વગેરે જેવી અનેક આઈટમ સસ્તા દરે મળી રહે છે.
અમદાવાદનું આ માર્કેટ જુના અમદાવાદ કે જેને અહીંના લોકો સીટી કહે છે ત્યાં આવેલું છે. ઢાલગરવાડ માર્કેટ ત્રણ દરવાજા નજીક આવેલું છે. આ માર્કેટમાં લગભગ 500થી પણ વધારે દુકાનો આવેલી છે. ઢાલગરવાડમાં પણ સવારે 11થી લઈ રાતે 10 સુધી ગમે ત્યારે ખરીદી કરી શકાય છે.
અહીંનું માર્કેટ જૂના ઘરેણાં, બાંધણી અને સિલ્કના પટોળા સહિત સાડીઓ માટે લોકપ્રિય છે. આ માર્કેટમાં મંગલગિરી, દક્ષિણ કપાસ, જયપુરી પ્રિંન્ટ, કલામકારી સહિતની વેરાયટી મળી રહે છે. જો તમે ચણિયા ચોળી, એથનિક ઈન્ડિયન સાડી, ઝભ્ભા જેવા પારંપરિક કપડા ખરીદવા ઈચ્છતા હો, તો અહીં બધું જ મળી રહે છે. અહીં પટોળા અને તંચોલી સાડીઓની પણ સારી રેન્જ મળી રહે છે. જો કે ખરીદીમાં તમારે ધ્યાન રાખવું પડશે અને ભાવતાલ કરવા પડશે નહીંતર છેતરાતા વાર નહીં લાગે.
4. રાણીનો હજીરો
ઢાલગરવાડથી માત્ર થોડા જ વોકિંગ ડીસ્ટન્સ પર આ જગ્યા આવેલી છે. રાણીના હજીરાના નામે ઓળખાતું બજાર અમદાવાદના સુંદર બજારમાંથી એક છે. હકીકતમાં અહીં બાદશાહ અકબર અને તેમની બેગમોની દરગાહ આવેલી છે. તેના પરથી આ જગ્યાનું નામ રાણીના હજીરાના નામે પ્રસિદ્ધ થયું. અહીં તમને નવરાત્રી માટે પહેરવાના ચણિયાચોળી તો મળે જ છે જે માત્ર તમને જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન મળે છે પણ રાણીના હજીરાની ખાસિયત એન્ટીક ઓક્સોડાઈઝ્ડના ઓર્નામેન્ટ્સ છે જેને તમે તમારી ટ્રેડીશનલ કુર્તિથી માંડીને મોંઘી સાડીઓ સાથે પણ પહેરી શકો છો. આ ઉપરાંત રાણીના હજીરામાં તમને ક્યાંય પણ નહીં મળે તેવાં કોટનનાં ગામઠી પ્રિન્ટવાળા કાપડ મળી રહેશે. અહીંથી જ અમદાવાદના પશ્ચિમમાં આવેલા બુટીક ઓનર્સ પોતાના વસ્ત્રો માટે કુર્તિ વિગેરેનું મટીરીયલ ખરીદતા હોય છે. અહીં વિવિધ પ્રકારના મુખવાસ પણ મળે છે.
5. સિંધી માર્કેટ – કાલુપુર
અમદાવાદમાં તમારી ખરીદી સિંધી માર્કેટની મુલાકાત લીધા વિના અધૂરી રહે છે. સિંધી માર્કેટ ફૂટવેર, બેડશીટ્સ, સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સ અને હેન્ડીક્રાફ્ટ માટે પ્રખ્યાત છે. ખૂબ જ આકર્ષક, સારી ક્વોલિટીની વસ્તુ અહીં તમને સસ્તા દરે મળી રહેશે. આ સ્થળ શહેરની મધ્યમાં, કાલુપુર ગેટની બાજુમાં આવેલું છે અને દિવસના દરેક સમયે ભીડ રહે છે.
સીધીં માર્કેટ કાલુપુર રેલ્વેસ્ટેશન નજીક આવેલું છે. સિંધી માર્કેટ ખાસ કરીને સોફાના કાપડ, પડદાના કાપડ તેમજ રજાઈઓ, ચાદરો, ટુવાલ વિગેરે માટે વધારે જાણીતુ છે.
6. માણેક ચોક
જો તમે અમદાવાદમાં હોવ તો માણેક ચોક ક્લોથ માર્કેટમાં ખરીદીની તકને અવગણી શકો નહીં. તમે વાજબી ભાવે કાપડ, મસાલા, સુકામેવા, પુજાપાની વસ્તુઓ, તાજા ફળો અને શાકભાજી, જ્વેલરી બોક્સ અને અન્ય સુશોભન વસ્તુઓની ખરીદી કરી શકો છો. જે તેને અમદાવાદમાં ખરીદી માટે શ્રેષ્ઠ સ્થાનોમાંથી એક બનાવે છે. માણેકચોક હકીકતમાં જૂના અમદાવાદનો સૌથી મોટો ચોક છે. બાદશાહ અહમદ શાહના સમયગાળામાં આ ચોકમાં પરંપરાગત મેળા ભરાતા અને જાહેર કાર્યક્રમો યોજાતા હતા.
માણેક ચોક બજાર શહેરના મધ્યમાં આવેલું છે અને તે અહીંના સૌથી વ્યસ્ત બજારોમાંનું એક છે. અહીંની મોટાભાગની દુકાનોમાં ડિઝાઇનર વસ્ત્રો, બાંધણી અને અન્ય હાથથી મુદ્રિત કાપડ અને ફેબ્રિકનો ખૂબ જ સારો સંગ્રહ જોવા મળે છે.
અહીં તમને વ્રતકથાઓથી લઈને કાનાના વાઘા, હાથી દાંતની ચુડીઓ, તેમજ જાત જાતના મસાલા, સુકામેવા મળે છે, આ ઉપરાંત અહીં એક વાસણ માર્કેટ પણ છે જેમાં વાસણની ઘણીબધી દુકાનો આવેલી છે. આ સિવાય અહીં એક મોટું શાકમાર્કેટ પણ આવેલું છે જે દાયકાઓ જુનું છે. આ શાક માર્કેટની એક ખાસિયત છે કે તમને સમગ્ર અમદાવદમાં જે શાક ન મળે તે તમને અહીંના માર્કેટમાં મળી રહે છે. આ ઉપરાંત અહીં સોના-ચાંદીનું બજાર પણ આવેલું છે. માણેકચોકની ખાઉગલીમાં તમને ફાસ્ટફૂડનો રસથાળ મળી જાય છે. અહીં ભાજીપાઉં, સેન્ડવિચ, પિઝા, પાણીપુરી, રગડાપેટીસ, બાર્બેક્યૂ, ઢોંસા, આઈસક્રીમ જેવા ફાસ્ટફૂડ એક સાથે એક સ્થળ પર મળી રહે છે. આ માર્કેટ રાત્રે ભરાય છે.
7. રતનપોળ
રતનપોળ માર્કેટ લગ્નની ખરીદી માટેની અમદાવાદની બેસ્ટ જગ્યા છે. રતનપોળ માર્કેટ સાડી અને ચણિયાચોળી માટે પ્રખ્યાત છે. રતનપોળ માર્કેટ આજે પણ તેની પ્રસિદ્ધિ અકબંધ રાખીને બેઠું છે. અમદાવાદમાં ગમે તેટલા મોલ બની જાય તેમ છતાં લગ્નસરાની ખરીદી તો માત્ર અહીંથી જ કરવામાં આવે છે. અમદાવાદ જ નહીં પણ ગુજરાતના ખુણે ખુણેથી લોકો અહીં જ ખરીદી કરવા આવે છે. રતનપોળમાં ખાસ કરીને સાડીઓ તેમજ લગ્નમાં પહેરવામાં આવતી ચણિયાચોળી વધારે વેચવામાં આવે છે. સાડી અને ચણિયાચોળી 500 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીની મળે છે. અહીં જ્વેલરીની પણ દુકાનો આવેલી છે. લગ્ન માટે દાગીનાની ખરીદી કરવા લોકો અહીં આવતા હોય છે.
8. ફર્નાન્ડીઝ બ્રીજ
ફર્નાન્ડીઝ બ્રીજ, આમ તો ગાંધી રોડનો જ એક ભાગ છે જે નાનકડા પુલ નીચે આવેલો નાનકડો વિસ્તાર છે. અહીં પી.એચડીથી માંડીને પાપા પગલી એટલે કે બાળમંદીર સુધીના પુસ્તકો ઉપલબ્ધ હોય છે. અહીં તમે તમારા પુસ્તકો વેચીને તેના બદલામાં રૂપિયા અથવા તો બીજા પુસ્તકો મેળવી શકો છો. આ માર્કેટમાં સેકન્ડહેન્ડ પુસ્તકો પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે જે તમને ઓછી કીંમતે મળી શકે છે. આ માર્કેટમાં પુસ્તકોની કેટલીક પાઈરેટેડ કોપીઝ પણ મળે છે. પુસ્તક રસિયાઓને અહીં તેમણે વિચારી પણ ન હોય તેવી બુક મળી શકે છે.
9. પાનકોર નાકા રમકડાં માર્કેટ
અમદાવાદના સૌથી જૂના માર્કેટમાંથી એક છે પાનકોર નાકા માર્કેટ. અહીં ઘર વપરાશની જરૂરી એવી લોખંડ અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ મળી રહે છે. આ સિવાય હાર્ડવેરને લગતા ટૂલ્સ અને વાંસની વસ્તુઓ પણ સસ્તા ભાવે મળી રહે છે. પાનકોર નાકાની બીજી ગલીને રમકડાં બજાર તરીકે ઓળખવામાં આવે છે. આ બજારમાં તમને રમકડાંની એટલી વેરાયટી મળશે જેટલી ઓનલાઈન શોપિંગમાં પણ નહીં મળે. અહીં હોલસેલમાં રમકડાંની ખરીદી પર તમને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અહીં પ્લાસ્ટિક, રિયાલિસ્ટિકથી માંડીને ઈલેક્ટ્રોનિક રમકડાં પણ મળી રહે છે.
10. ગુજરી બજાર
અમદાવાદમાં એલિસબ્રિજ પાસે અને સાબરમતી નદીની પાસે આવેલા આ માર્કેટને રવિવારી બજાર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તે રવિવારે ભરાય છે. ઘરના રાચરચીલા માટે એન્ટિક વસ્તુ, ઘડિયાળ, મેકઅપનાં સાધનો, જિમનાં સાધનો જેવી અનેક વસ્તુઓ અને તે પણ નજીવા ભાવે મળી રહે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો