અમદાવાદીઓને ગરમીમાં ઠંડક મેળવવી હોય તો કોઇ હિલ સ્ટેશને કે પછી દરિયાકિનારે પહોંચી જાય. હવે અમદાવાદથી જો તમારે દરિયો શોધવા જવું હોય તો નજીકમાં દીવ, દમણ, દ્ધારકા, સોમનાથ કે માધવપુર જઇ શકાય. કારણ કે ગોવા કે મુંબઇનો દરિયાકિનારો ઘણો દૂર પડે. પરંતુ જો હું તમને કહું કે અમદાવાદથી માત્ર 6 કલાક કે 335 કિલોમીટરમાં જ કોઇ બીચ હોય જે એકદમ શાંત અને સુંદર હોય, જ્યાં શહેરની ભીડભાડથી દૂર પરમ શાંતિનો અનુભવ થાય તો કેવું. જી હાં, આવો જ એક દરિયાકિનારો છે વલસાડનો તિથલ. હું પહેલીવાર ત્યાં ગયો અને ખરેખર તેના પ્રેમમાં પડી જવાય તેવું છે. ચાલો આજે હું તમને મારો અનુભવ કહું.
અમદાવાદથી કેવી રીતે જશો
તિથલ જવું હોય તો વલસાડ જવું પડે. કારણ કે તિથલ વલસાડથી માત્ર 5 કિલોમીટર દૂર છે. હવે વસલાડ જવું હોય તો તમે સરકારી કે પ્રાઇવેટ બસ જે સુરત કે મુંબઇ જતી હોય તેમાં જઇ શકો. આ જ રીતે મુંબઇ જતી મોટાભાગની ટ્રેનોનું વલસાડ સ્ટોપેજ હોય છે. જો કે અમે એટલે કે હું અને મારી ફેમિલીએ તો રોડ માર્ગે તિથલ જવાનું નક્કી કર્યું. જો તમારે બાય કાર તિથલ જવું હોય તો અમદાવાદથી વડોદરા સુધી એક્સપ્રેસ હાઇવ NE-1 થઇને જાઓ. જ્યાં તમારે 135 રૂપિયા ટોલ ટેક્સના ચૂકવવા પડશે. વડોદરા પછી NH-48 જે અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે છે તેની પર 105 રૂપિયાનો ટોલ આવશે.
અમદાવાદથી તિથલ પહોંચવામાં લગભગ સાત કલાકનો સમય લાગશે. કારણ કે રસ્તામાં તમે ચા-નાસ્તો કે લંચ કરવા રોકાશો. અમે વહેલી સવારે 6 વાગે તિથલ જવા નીકળ્યા. રસ્તામાં એક્સપ્રેસ હાઇવે પર વડોદરા નજીક ચા-પાણીનો નાસ્તો કર્યો. ભરૂચથી આગળ અંકલેશ્વર નજીક રસ્તાનું કામ ચાલતુ હોવાથી એક કલાક જેટલો સમય અમે ટ્રાફિકમાં ફસાયા. ઝઘડિયા ચોકડીથી માંડ ટ્રાફિકમાંથી નીકળ્યા. આ રસ્તે ઘણીવાર ટ્રાફિકમાં કલાકો સુધી લોકો ફસાઇ જાય છે. એટલે બની શકે તો ઘરેથી વહેલા નીકળવાનો પ્રયત્ન કરવો. અંકલેશ્વરથી આગળ હોટલ તુલસીમાં અમે લંચ કરવા માટે થોડોક સમય રોકાયા. આ જગ્યા લંચ કરવા માટે બેસ્ટ છે. અહીં પંજાબી, ગુજરાતી ડીશ મળે છે જેનો ભાવ પણ વ્યાજબી છે. રસ્તામાં હોટલ મહાદેવ પણ આવે છે જેમાં પણ તમે ભોજન કરી શકો છો. હાં એક વાતનો ઉલ્લેખ અહીં કરવો જરૂરી છે અને તે એ કે હોટલ તુલસીમાં ગૂગલ પે, ફોન પે કે પેટીએમ નથી ચાલતું. પૈસા રોકડા આપવા પડે છે. એટલે જો તમારી પાસે રોકડા ના હોય તો બીજી કોઇ હોટલ શોધી લેજો.
તિથલમાં હોટલની શોધ
ટ્રાફિકમાં એક કલાક ફસાઇને, લંચ કરીને અમે બપોરે 2 વાગ્યાની આસપાસ તિથલ પહોંચ્યા. તિથલ પહોંચીને સૌપ્રથમ અમે હોટલમાં રૂમની શોધખોળ શરૂ કરી. તિથલમાં દરિયાકિનારાની આસપાસ ઘણી ઓછી સંખ્યામાં હોટલો છે કેટલાકે તો પોતાના ફ્લેટમાં પણ હોમ સ્ટે જેવું બનાવી રાખ્યું છે. કેટલીક હોટલોમાં અમે તપાસ કરી તો જગ્યા ન હતી અને જેમાં રૂમ અવાઇલેબલ હતા તેમાં ભાડા ઉંચા હતા અથવા તો રૂમની હાલત સંતોષજનક નહોતી. અમદાવાદથી કોઇકે કહ્યું હતું કે ત્યાં હોટલ કરતાં સાઇધામ કે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રોકાઇ જજો. એટલે અમે સાઇધામ મંદિરે પહોંચ્યા. પરંતુ ત્યાં બધા રૂમ બુક હતા. એટલે અમે સાઇમંદિરની વિરુદ્ધ દિશામાં એટલે કે 3 કિલોમીટર દૂર સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા. અહીં 3 બેડનો એસી રૂમ 1800 રૂપિયામાં અમને મળી ગયો.
BAPS સ્વામિનારાયણ મંદિરમાં રોકાયા
મેં અગાઉ કહ્યું તેમ અમે સ્વામિનારાયણ મંદિરમાં રોકાણ કર્યું. રૂમ એકદમ સ્વચ્છ હતો અને સૌથી અગત્યની વાત એ કે રૂમની બાલ્કનીમાંથી દરિયાના દર્શન થતા હતા. આવું દ્રશ્ય તો તમને અહીંની કોઇ હોટલમાંથી પણ નહીં થાય. સ્વામિનારાયણ મંદિરમાં તમને બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર માટે કુપન આપવામાં આવે છે. એટલે તમને સાદુ અને સાત્વિક ભોજન મળે છે. વળી તેમાં કોઇ એકસ્ટ્રા ખર્ચ પણ નથી થતો. બહાર હોટલોનુ ખાવુ નથી પડતું.
તિથલમાં પરમ શાંતિનો અનુભવ
મંદિરની ધર્મશાળામાં થોડોક સમય આરામ કરીને અમે તિથલના દરિયાકિનારે ફરવા નીકળી પડ્યા. સૌપ્રથમ સાઇ ટેમ્પલ ગયા. જ્યાં અમે અગાઉ રૂમની તપાસ કરવા ગયા હતા. પરંતુ હવે રૂમ તો મળી ગયો હતો એટલે ફરવા અને મંદિરના દર્શન કરવા ત્યાં પહોંચી ગયા. મંદિર ખરેખર અતિસુંદર છે. સાંઇબાબાના દર્શન કરીને મનને આનંદ થાય છે. મંદિરની બિલકુલ પાછળ જ બીચ છે. તમે ત્યાં ચાલતા જઇ શકો છો. જો તમારે વાહન લઇને જવું હોય તો મંદિરની બહારથી એક રસ્તો સીધો દરિયાકિનારે જાય છે. પરંતુ મંદિરમાંથી જશો તો એક ફાયદો એ થશે કે દરિયામાં સ્નાન કરીને મંદિરના વોશરૂમમાં પાણીથી સ્નાન કરી શકશો.
અમે જેવા દરિયાકિનારે પહોંચ્યા કે મોંમાથી વાઉ જેવા શબ્દો નીકળી પડ્યા કારણ કે આ બીચ ખરેખર અદ્ભુત છે. જોકે કાળી માટીનો સમુદ્ર છે તેથી જો તમે અહીં ન્હાશો તો માટી તમારા શરીરે ચોંટશે એટલે જો નજીકમાં વોશરૂમની સુવિધા હોય તો જ ન્હાવાનું વિચારવું. અમે આ શાંત દરિયામાં કેટલોક સમય પસાર કર્યો. પગ પલાળ્યા. ઘણાંબધા ફોટો ક્લિક કર્યા. ચના જોર ગરમ ખાધા. નાળિયેર પાણી પીધું. નાળિયેર પાણીનો ભાવ અમદાવાદ જેટલો જ હતો. એટલે કે 40 રૂપિયા.
સાંઇધામ બીચથી અમે સ્વામિનારાયણ મંદિર પર આવેલા બીચ પર ગયા. આ બીચ પણ ખરેખર અદ્ભુત છે. તિથલના દરિયાકિનારાની એક ખાસિયત એ છે અહીં સવારે ઓટ તો સાંજે ભરતી આવે છે. એટલે કે દરિયો સાંજે 7 વાગે કિનારાની ઘણો નજીક આવી જાય છે તો વહેલી સવારે દરિયો એટલો અંદર જતો રહે છે કે તમે વોકિંગ, જોગિંગ કરી શકો છો. સાંજ પડી ગઇ હોવાથી મોટી સંખ્યામાં સ્થાનિકો અને ટૂરિસ્ટની ત્યાં હાજરી હતી. અમે પણ થોડોક સમય દરિયાને મનમૂકીને નિહાળ્યો અને પછી મંદિર તરફ ગયા.
બીએપીએસ સંસ્થાનું આ મંદિર ખરેખર ખુબ જ સુંદર છે. મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીને અમે ધન્યતાની લાગણી અનુભવી. રાત પડી ગઇ હોવાથી મંદિરમાં લાઇટિંગ કરવામાં આવ્યું જે દ્રશ્ય ખરેખર મનમાં વસી જાય તેવું હતું. કારણ કે એક તરફ મંદિર તો સામે ઘુઘવતો દરિયો. મંદિરની પાળે બેસો તો દરિયાના અવાજો તમારે કાનમાં અથડાય છે. મંદિરમાં પ્રેમવતી ઉપાહાર ગૃહ છે જ્યાં તમે ચા, નાસ્તો, ઠંડા પીણી અને આઇસ્ક્રીમની મોજ માણી શકો છો. અમે મંદિરના ભોજનાલયમાં ભોજન લીધું. રાતે ભોજનમાં ખીચડી, છાશ, રોટલી, શાક વગેરે હોય છે. રાતનું ડીનર પતાવીને અમે રૂમમાં જઇને સુઇ ગયા.
બીજા દિવસે સવારે સ્નાન કરીને અમે ફરી મંદિરમાં દર્શન કરવા ગયા અને ત્યાંથી તિથલના દરિયાને નિહાળ્યો. સવાર સવારમાં લોકો દરિયાકિનારે વોકિંગ, રનિંગ અને હળવી કસરતો કરતા હતા. અમને પણ મન થયું કે અમે પણ દરિયાકિનારે ચાલવા જઇએ પરંતુ 10 વાગે ચેઇ આઉટ હોવાથી અમે રૂમ પર પાછા ફર્યા. તિથલના દરિયાકિનારે મેંગો ફેસ્ટિવલ ચાલતો હતો. એટલે જો ઉનાળામાં જાઓ તો તમે કેરી ખરીદી શકો છો. ન્હાઇ-ધોઇને અમે અમદાવાદ તરફ પાછા ફર્યા
કેટલો ખર્ચ થાય
અમદાવાદથી તિથલની વન નાઇટ ટ્રિપ કરવી હોય તો કેટલો ખર્ચ થાય તે અમે તમને જણાવી દઇએ. પેટ્રોલ કાર હોય અને 20ની માઇલેજ હોય તો લગભગ 3400 રૂપિયાનું પેટ્રોલ થશે. 450 રૂપિયા ટોલ ટેક્સના થાય. બે વ્યક્તિ હોય તો એસી રૂમના 1200 રૂપિયા થાય. જમવાના અલગથી ગણવાના. જો બીએપીએસમાં રોકાઓ તો જમવાનો ખર્ચ અલગથી નહીં થાય.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો